નથી હું મીરાં કે નથી હું રાધા July 24, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farશમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
આરતી ઉતારીને લઇશ ઓવારણા.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના…….
શોધ July 13, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 2 commentsએક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.
એક એવું વિશ્વ મળે જ્યાં સૌ જીવો બની શિવ રહે,
ના ઉંચનીચ, ખરાખોટાં,નાનામોટા ના ભેદ રહે.
એક નવો ઇશ્વર મળે જે જઇ જુના પ્રભુને પૂછે,
”દઇ દાન વિચાર-વાણીના, કહે કાબૂ ના તું કાં કરે ?
સર્જી સારા બૂરા બધે, કહે સારાને જ કાં કસે ? ”
”શું ડર છે તુજને માનવી નહિ પ્રાર્થના કરે તને ?
જો અંતર્યામી છે જ તું, તો દુષ્કર્મો ને રોક હવે.”
એક એવો ઇશ્વર મળે જે શાંતિનું એક જગ રચે,
રંગ લોહીના જુદા ભલે, ગુણો બધે સરખા મળે,
દ્વંદ્વોની ના દ્વિધા રહે ના પૂણ્ય ને કોઇ પાપ રહે.
એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
એક એવો ઇશ મળે જે બસ હવે સુરાજ રચે.
અવકાશ July 1, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farઆજે હ્રદય પર ભાર થઇ ગયો,
વાદળી વરસી ને આભે અવકાશ થઇ ગયો.
ખબર નો’તી કાલ સુધી કેવો,
અચાનક એવો સૂનકાર થઇ ગયો.
ટીપાંથી ભીંજાતી’તી આંખો કદીક,
આજે ધોધમાર વરસાદ થઇ ગયો.
કામમાં ખોવાઇ જા કહેતી બુધ્ધિને,
લાગણીનો જાણે પડકાર થઇ ગયો.
સમજાવે મન,બહુ માયા નહિ સારી સમજ,
તો યે હૈયાને ગભરાટ થઇ ગયો.
નજરથી થોડી શું દૂર થઇ પૌત્રીઓ,
ને દિલમાં એક હાહાકાર થઇ ગયો.
આજે વળી હ્રદય પર ભાર થઇ ગયો,
લોહીના ખેંચાણનો સાક્ષાત્કાર થઇ ગયો.
વાદળીઓ વરસી ને ચાલી ગઇ
ને આભે એક અવકાશ થઇ ગયો..
પળના પીંછા June 18, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentખુબ પકડ્યાં પણ પળના પીંછા ખરી ગયાં,
ખરતા ખરતા યુગની ટોચે પહોંચી ગયાં….
ખુબ પકડ્યાં પણ જળના ટીપાં વહી ગયાં,
વહેતા વહેતા સાગર ઉરે ભળી ગયાં….
ખુબ પકડ્યાં પણ રાતના સપના ઉડી ગયાં,
ઉડતા ઉડતા પ્રભાતના ખોળે જંપી ગયાં….
ખુબ પકડ્યાં પણ રવિ કીરણો નમી ગયાં,
નમતા નમતા નિરવ રાતમાં શમી ગયાં….
ખુબ પકડ્યાં પણ વયના વાયરા વાઇ ગયાં,
વાતા વાતા સમયનું ગીત ગાઇ ગયાં……
પરખ June 5, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farકોમળ કૂણી કૂંપળ ફૂટી,
મૂળની પરખ વગર.
કૂંપળમાંથી કળી બની,
ડાળની ઓળખ વગર.
કળીમાંથી પાંખડી બની,
કાંટા વચ્ચે ય ખુબ ખીલી.
ઝુલી ગુલાબી ફૂલ બની,
ખુદની ઓળખ વગર.
શિશુ રમતો દોડતો આવી,
જોતો જોતો ભાવસભર;
મ્રુદુ હાથે ચૂંટી પાંખડી,
આપી માને સ્મિત વદન.
ખુશી બાળની જોતા માએ,
ઝટ ધરી પ્રભુચરણ;
પાંખડી નાની મગરૂર હસી,
પામી મનમાં નિજપરખ…
તો કેવું સારું….. May 25, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું.
પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને,
અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું.
ઝાડ પર માળો કરતા પંખીને ઉડતા ઉડતા,
રાત પડે આભલે શયન મળે તો કેવું સારું.
સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને
મુમતાઝ થઇ ઉભી કદી,તાજ જુએ તો કેવું સારુ,
માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને,
ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.
કાગળની હોડીમાં તરતુ બચપણ May 5, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 3 commentsવીતી ગયું છે શૈશવ, ને વહી ગયું છે યૌવન,
પૂછી પૂછીને પૂછું કોને, શાને આવતું ડહાપણ ?
કાયા કહે છે ઉંમર કારણ,
માયા કહે છે ભારણ !
જીવનને પૂછું તો કહે છે,
મનડું જ એનું કારણ…….
બાળ બની રમતા‘તા કાલે,આજ પૌત્ર-પૌત્રી સામે,
કોરા કાગળની હોડી સાથે,તરતા લઇ ગઇ બચપણ ક્યારે ?
કળી કહે છે પાનખર કામ,
સુરજ કહે છે ચાંદ,
ચાંદને પૂછું તો દે છે,
દિવસ રાતનું નામ……
સોળના સપના કાલના વ્હાણા,ઉડી ઉડીને થયા વાર્તા,
“વાર્તા વાર્તા“ફરી મંડાતા,ઉત્તર મળતા સમયની ધારા
ઉત્તર મળતા ક્ષણના ગાણા, પળના પીંછા !!!!!!
અનાસક્તિ April 20, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farરાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,
વ્હેતા આંસુને લઇ વાળી;
વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,
અંધારી રાત સૂની ગાળી…
જઇજઇને આવતો રોજ રોજ પાછો,
ઉષાનો પાલવ નીખારી;
તપી તપી મધ્યાન્હે થાકતો ને હાંફતો,
આલમને રાખે અજવાળી…..
રંગબેરંગના ચિત્રો દોરીને પછી,
સંધ્યાને ઘેનમાં ઝુલાવી;
ગમની ક્ષિતિજમાં સરકી પડીને,
નભ-સંસારે રમતો વૈરાગી;
લઇ પુનર્જનમ જાણે કહેતો સવારે,
એક અનાસક્તિની વાત પાકી….
******************************************************************
દૂન્યવી ગમમાં ડૂબેલો એક માનવી સૂતા સૂતા સૂરજના શમણામાં ઢળી પડે છે.નભસંસારમાં વૈરાગી બની રમમાણ કરતા રવિરાજ પાસેથી અચાનક આસક્તિ,મોહ,રાગ ન રાખવાનો પાઠ શીખે છે, એ જ એનો ઉકેલ પણ બને છે અને એના ગમની રાત પૂરી થાય છે.
********************************************************************
અંધારી સવારે મહેંકતી મોસમ April 13, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farઆ..હ છલકતી ને મહેંકતી મોસમ છે,
થોડી સરકતી ને બહેક્તી મોસમ છે.
સવાર મેઘલી, છે અંધાર છાઇ,
ઝબૂકતી વીજળી ને અંબર હેલી,
શીકરોની ટપલી ને હવા યે ઘેલી,
ઉર્મિની ભરતી અંતરમાં રેલી……
હાય, હૈયું ધક ધક ધડકાવતી મોસમ છે,
આજ કૈંક યૌવનને શરમાવતી મોસમ છે.
સમીરના સૂસવાટા જુલ્ફો રમાડતા,
હ્રદયની રેશમી તળાઇને સ્પર્શતા,
માટીની મીઠી મીઠી સોડમ વહાવતા,
માદક ઉન્માદી અંગડાઇ મરોડતા…..
નસનસમાં નર્તન જગાવતી મોસમ છે,
અંગઅંગમાં અગન ઉછાળતી મોસમ છે.
નભના નેવેથી ઝરમરતી ધારમાં,
નાહ્યા કરું ઉભી પાછલી રવેશમાં,
ખોતર્યા કરું ઝીણી ફાંસ જેવી યાદમાં,
કલરવતા પંખીના સૂરીલા ગાનમાં…….
ભીના ભીના ગીતો ગવડાવતી મોસમ છે,
મોહબ્બતની મશાલને મમળાવતી મોસમ છે……
સમયના સીમાડા April 7, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentમળ્યાં ન મળ્યાં ને પડ્યાં વિખુટા,
ન વાતો, ન ચીતો ને પડ્યાં વિખુટા,
ચૂપચાપ સહ્યાં એ સમયના સીમાડા,
અંતરથી તો યે ના પડ્યાં વિખુટા……………..
ઘેરાયાં મેઘલાં ને ન પડ્યાં છાંટણા,
સ્વાતિના બૂંદથી ચાતક વિહોણા,
હજાર ભાવો ચહેરે લીંપાયા,
અંતરથી તો યે ના પડ્યાં વિખુટા………………
નીતરતી નજરથી ભીતર ભીંજાયા,
ભીના થઇ પ્રશ્નો સઘળા ખરડાયા,
ભાવિમાં ધરબ્યા મિલનના ઓરતા,
અંતરથી તેથી ન પડ્યાં વિખુટા…………………