ઝળહળ દીપ May 8, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****
**************** ****************** **************
દુહો —
હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી જુઓ છુમકછુમ…
અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.
ગરબો —
દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગટાવ્યા આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…
રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી…
મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,
સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી…
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે,
સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી…
યાત્રા May 3, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentજીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે,
ગાડી,હોડી કે વિમાન વાટે, સમયની ગાડી ભાગતી ચાલે……..
ચઢે યાત્રીઓ વિવિધ સ્થાને, નિકટ ઘડી બે ઘડી સૌ આવે,
મુકામ આવતા ઉતરી જઇને,”આવજો”મીઠી કરીને જાયે,
ત્યારે ગતિ જરા ધીમી કરીને, ફરીથી છુક છુક દોડતી ચાલે.
ચક્ડોળ નામે વર્તુળાકારે, સમયની ગાડી ભાગતી ચાલે…….,
આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે,
હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે એ સરતી જાયે,
આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે,
ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………
હાંકે હાંકનારો જ સાચો, સહુ મુસાફર પાર ઉતારે.
ધમ ધમ ઘડીની સાથે સાથે, અંબર કે સમંદરને પંથે,
રંક-રાય યા સંતને રાહે, ધક ધક ગાડી ભાગતી ચાલે.
જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….
તડકો April 2, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farતડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,
આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.
આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,
સરતો ને તરતો એ દરશન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.
વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,
ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
ધીરે ધીરે વિખરાયા વરસાદમા.
ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,
ભીની ભીની ક્ષણોને વીણી પકડીને,
પછી વાગોળી જૂની વાતવાતમાં.
તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.
સીંગાપોરની લીલોતરી March 9, 2010
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a commentસીંગાપોરની આ
છમછમતી લીલોતરી;
નગર-પ્રવેશ પૂર્વે જ
આવકારતી આગોતરી……
આભલેથી વર-સાદના
સમૃધ્ધ પ્રેમવારિથી,
છલકતી પ્રેયસી-શી,
ભાવી ગઇ મનને,
સીંગાપોરની આ ધરિત્રી….
જ્યાં હરિણી-શી ઉછળતી,
થનગનતી ઉછરતી,
જીગરના ટૂકડા સમી,
રક્તના વ્હેણ સમી,
દ્વય સુપૌત્રી,
સીંગાપોરની જાણે,
છમછમતી લીલોતરી….
શ્વાસમાં સોડમભરી,
મહેંકતી લીલોતરી…….
કશમકશ February 28, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentજીવતરની ભરબપોર જેણે વિયોગના તાપમાં વેઠી લીધી છે એવી એક નારીને ઉગતી સાંજે એક ઝીણી ઝંખના જાગે છે.ઘડીભર એ ચોંકી ઉઠે છે,ખળભળી ઉઠે છે.એનું મનોમંથન “કશમકશ” માં અભિવ્યક્ત થાય છે.
*************** *****************
આયખાને સીવે કોઇ અક્કલની સોયે,તો યે મનખાનો દોર વાળે ગાંઠો,
જાણે જુનું અધૂરું કોઇ પ્રોવે ને ખેંચી રુદિયામાં પાડે નોખી ભાતો,
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ ;
એવી ગોરજ વેળાની આ વાતો……
પહેરીને બેઠેલી લીલુડી સાડી ને ધરતીને શિર કોનો છાંટો,
ઝબકી જાગે ને વળી પલળે પલભર, ઝુરે ને તરસે મધરાતો,
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
એવી પૃથાના પેટાળની વાતો…….
પદ્માસન સંયમનુ વાળીને બેઠેલ ઋષિનો રત્તિભર નાતો,
મેનકાને કેમ કરી વાળે કે ખાળે, એ કશમકશનો કાંટો !
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
એવી આતમની વીંધાતી વાતો…….
એ February 24, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farકદીક એ સોહામણી લાગે છે,
કદીક એ બિહામણી લાગે છે.
કાલે હસતી હસાવતી આવે,
આજે રડીને રડાવતી લાગે છે.
ક્વચિત પૂનમની ચાંદ-શી લાગે,
ક્વચિત ઉદાસ અમાસ-શી લાગે છે.
ક્યારેક ખુશીનો દરિયો ઉછાળે,
ક્યારેક ગમને વલોવતી લાગે છે.
રીઝે તો ખૂણે ખાંચરેથી શોધતી આવે,
રુઠે તો અકારણ પછાડતી લાગે છે.
જોવી તો છે સદા ખુબસૂરત એને,
પણ રોજ.. જીંદગી ..જુદી જુદી લાગે છે.
પૂછે જો કોઇ એના સર્જનહારને કે,
ચાલે જો સાથે તો તને કેવી લાગે છે ? !!
હુંફાવી ગયું કોઇ. February 7, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farપાંપણ વચાળે પૂરાતી પ્રેમથી, નિંદરને કાલે,
નસાડી ગયું કોઇ.
ગુમાની મનડાને ઝીણા-શા જ્વરથી, ધીરેથી કાલે,
હુંફાવી ગયું કોઇ.
વિચારના આગળાને માર્યાં’તા તાળા,સાંકળ રુદિયાની,
ખોલાવી ગયું કોઇ.
ટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા,ગુલાલ ગાલે,
છંટાવી ગયું કોઇ.
દોરડી વિનાનુ આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે;
બંધાવી ગયું કોઇ.
અંદરથી એક સખી આવીને બહાર કહે,ભીતરને ધીરે
હલાવી ગયું કોઇ.
કહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,
ઝુલાવી ગયું કોઇ.
ઉજાગરા વેઠીને નીરખે મન-દર્પણ,પ્રતિબિંબ નિજનું
બતાવી ગયું કોઇ..
કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું, February 4, 2010
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentકાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,
મારા અવાજમાં ::
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc

મારું અમદાવાદ ખોવાયું,
વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું…………
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,-કાવ્યપઠન January 14, 2010
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentકાવ્યપઠનઃ — મારા અવાજમાં–
http://www.youtube.com/watch?v=kfYF3xkdSvk&feature=related
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના;
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં…..
http://www.youtube.com/watch?v=kfYF3xkdSvk&feature=related
“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- December 16, 2009
Posted by vijayshah in : Uncategorized , 5 comments

“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- ગુજરાત વિદ્યાપીઠનાં ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇ


