પળના પીંછા June 18, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
ખુબ પકડ્યાં પણ પળના પીંછા ખરી ગયાં,
ખરતા ખરતા યુગની ટોચે પહોંચી ગયાં….
ખુબ પકડ્યાં પણ જળના ટીપાં વહી ગયાં,
વહેતા વહેતા સાગર ઉરે ભળી ગયાં….
ખુબ પકડ્યાં પણ રાતના સપના ઉડી ગયાં,
ઉડતા ઉડતા પ્રભાતના ખોળે જંપી ગયાં….
ખુબ પકડ્યાં પણ રવિ કીરણો નમી ગયાં,
નમતા નમતા નિરવ રાતમાં શમી ગયાં….
ખુબ પકડ્યાં પણ વયના વાયરા વાઇ ગયાં,
વાતા વાતા સમયનું ગીત ગાઇ ગયાં……
પરખ June 5, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far
કોમળ કૂણી કૂંપળ ફૂટી,
મૂળની પરખ વગર.
કૂંપળમાંથી કળી બની,
ડાળની ઓળખ વગર.
કળીમાંથી પાંખડી બની,
કાંટા વચ્ચે ય ખુબ ખીલી.
ઝુલી ગુલાબી ફૂલ બની,
ખુદની ઓળખ વગર.
શિશુ રમતો દોડતો આવી,
જોતો જોતો ભાવસભર;
મ્રુદુ હાથે ચૂંટી પાંખડી,
આપી માને સ્મિત વદન.
ખુશી બાળની જોતા માએ,
ઝટ ધરી પ્રભુચરણ;
પાંખડી નાની મગરૂર હસી,
પામી મનમાં નિજપરખ…
તો કેવું સારું….. May 25, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું.
પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને,
અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું.
ઝાડ પર માળો કરતા પંખીને ઉડતા ઉડતા,
રાત પડે આભલે શયન મળે તો કેવું સારું.
સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને
મુમતાઝ થઇ ઉભી કદી,તાજ જુએ તો કેવું સારુ,
માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને,
ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.
કાગળની હોડીમાં તરતુ બચપણ May 5, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 3 comments
વીતી ગયું છે શૈશવ, ને વહી ગયું છે યૌવન,
પૂછી પૂછીને પૂછું કોને, શાને આવતું ડહાપણ ?
કાયા કહે છે ઉંમર કારણ,
માયા કહે છે ભારણ !
જીવનને પૂછું તો કહે છે,
મનડું જ એનું કારણ…….
બાળ બની રમતા‘તા કાલે,આજ પૌત્ર-પૌત્રી સામે,
કોરા કાગળની હોડી સાથે,તરતા લઇ ગઇ બચપણ ક્યારે ?
કળી કહે છે પાનખર કામ,
સુરજ કહે છે ચાંદ,
ચાંદને પૂછું તો દે છે,
દિવસ રાતનું નામ……
સોળના સપના કાલના વ્હાણા,ઉડી ઉડીને થયા વાર્તા,
“વાર્તા વાર્તા“ફરી મંડાતા,ઉત્તર મળતા સમયની ધારા
ઉત્તર મળતા ક્ષણના ગાણા, પળના પીંછા !!!!!!
અનાસક્તિ April 20, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farરાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,
વ્હેતા આંસુને લઇ વાળી;
વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,
અંધારી રાત સૂની ગાળી…
જઇજઇને આવતો રોજ રોજ પાછો,
ઉષાનો પાલવ નીખારી;
તપી તપી મધ્યાન્હે થાકતો ને હાંફતો,
આલમને રાખે અજવાળી…..
રંગબેરંગના ચિત્રો દોરીને પછી,
સંધ્યાને ઘેનમાં ઝુલાવી;
ગમની ક્ષિતિજમાં સરકી પડીને,
નભ-સંસારે રમતો વૈરાગી;
લઇ પુનર્જનમ જાણે કહેતો સવારે,
એક અનાસક્તિની વાત પાકી….
******************************************************************
દૂન્યવી ગમમાં ડૂબેલો એક માનવી સૂતા સૂતા સૂરજના શમણામાં ઢળી પડે છે.નભસંસારમાં વૈરાગી બની રમમાણ કરતા રવિરાજ પાસેથી અચાનક આસક્તિ,મોહ,રાગ ન રાખવાનો પાઠ શીખે છે, એ જ એનો ઉકેલ પણ બને છે અને એના ગમની રાત પૂરી થાય છે.
********************************************************************
અંધારી સવારે મહેંકતી મોસમ April 13, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farઆ..હ છલકતી ને મહેંકતી મોસમ છે,
થોડી સરકતી ને બહેક્તી મોસમ છે.
સવાર મેઘલી, છે અંધાર છાઇ,
ઝબૂકતી વીજળી ને અંબર હેલી,
શીકરોની ટપલી ને હવા યે ઘેલી,
ઉર્મિની ભરતી અંતરમાં રેલી……
હાય, હૈયું ધક ધક ધડકાવતી મોસમ છે,
આજ કૈંક યૌવનને શરમાવતી મોસમ છે.
સમીરના સૂસવાટા જુલ્ફો રમાડતા,
હ્રદયની રેશમી તળાઇને સ્પર્શતા,
માટીની મીઠી મીઠી સોડમ વહાવતા,
માદક ઉન્માદી અંગડાઇ મરોડતા…..
નસનસમાં નર્તન જગાવતી મોસમ છે,
અંગઅંગમાં અગન ઉછાળતી મોસમ છે.
નભના નેવેથી ઝરમરતી ધારમાં,
નાહ્યા કરું ઉભી પાછલી રવેશમાં,
ખોતર્યા કરું ઝીણી ફાંસ જેવી યાદમાં,
કલરવતા પંખીના સૂરીલા ગાનમાં…….
ભીના ભીના ગીતો ગવડાવતી મોસમ છે,
મોહબ્બતની મશાલને મમળાવતી મોસમ છે……
સમયના સીમાડા April 7, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentમળ્યાં ન મળ્યાં ને પડ્યાં વિખુટા,
ન વાતો, ન ચીતો ને પડ્યાં વિખુટા,
ચૂપચાપ સહ્યાં એ સમયના સીમાડા,
અંતરથી તો યે ના પડ્યાં વિખુટા……………..
ઘેરાયાં મેઘલાં ને ન પડ્યાં છાંટણા,
સ્વાતિના બૂંદથી ચાતક વિહોણા,
હજાર ભાવો ચહેરે લીંપાયા,
અંતરથી તો યે ના પડ્યાં વિખુટા………………
નીતરતી નજરથી ભીતર ભીંજાયા,
ભીના થઇ પ્રશ્નો સઘળા ખરડાયા,
ભાવિમાં ધરબ્યા મિલનના ઓરતા,
અંતરથી તેથી ન પડ્યાં વિખુટા…………………
શબ્દ-સ્પર્ધા…. ” ક્ષ”…. April 1, 2009
Posted by devikadhruva in : Uncategorized , add a comment|
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
|
૧ |
ક્ષ |
અક્ષર |
ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી. |
|
૨ |
ક્ષત |
પ્રજા |
રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે. |
|
૩ |
ક્ષણપ્રભા |
વિજળી |
ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે. |
|
૪ |
ક્ષણદાકર |
ચંદ્રમા |
ક્ષણદાકરની શોભા તો જુઓ ! |
|
૫ |
ક્ષત્તા |
દાસીપુત્ર |
કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો. |
|
૬ |
ક્ષપાદિવા |
રાતદિવસ |
પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે. |
|
૭ |
ક્ષપાંત |
સવાર |
ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે. |
|
૮ |
ક્ષમી |
ખામોશીવાળું |
ક્ષમી ઇન્સાન જગ જીતે. |
|
૯ |
ક્ષયાહ |
શ્રાધ્ધ |
હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે. |
|
૧૦ |
ક્ષામ |
પરમેશ્વર |
ક્ષામ સૌની રક્ષા કરે. |
|
૧૧ |
ક્ષાંતિકા |
જનની |
વિશ્વમાં મહાન ક્ષાંતિકા. |
|
૧૨ |
ક્ષાંતુ |
પિતા |
પ્રથમ માતા અને પછી ક્ષાંતુ. |
|
૧૩ |
ક્ષિપ્તા |
રાત્રિ |
હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી. |
|
૧૪ |
ક્ષીરકંઠ |
ધાવણું બાળક |
ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ? |
|
૧૫ |
ક્ષુદ્રિકા |
હેડકી |
ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી. |
|
૧૬ |
ક્ષેત્રજ્ઞ |
આત્મા |
ગીતા કહે છે, ક્ષેત્રજ્ઞ અમર છે. |
|
૧૭ |
ક્ષેત્રપ |
પરમાત્મા |
ક્ષેત્રપની કૃપા અપરંપાર છે. |
|
૧૮ |
ક્ષેદ |
અફસોસ |
કામો એવા ન કરો કે ક્ષેદ થાય. |
|
૧૯ |
ક્ષોભણ |
કામદેવનુ બાણ |
ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ. |
|
૨૦ |
ક્ષોજન |
કૃષ્ણની બંસીનો અવાજ |
ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે. |
ગુજરાતી શબ્દ-સ્પર્ધા…અક્ષર ‘દ’… March 25, 2009
Posted by devikadhruva in : Uncategorized , add a comment
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
૧ |
દઇતા |
પ્રેયસી |
દઇતાના વિદેશગમને તે દેવદાસ બની ગયો. |
૨ |
દકપથ |
પાણી ભરવાનો માર્ગ |
સખી રે,નજરું લાગી દકપથ જાતા. |
૩ |
દખનીરાસ |
દક્ષિણનો તારો |
આકાશમાં કદી દખનીરાસ જોયો છે ? |
૪ |
દઠર |
મંદ બુધ્ધિ |
અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે. |
૫ |
દધિજા |
લક્ષ્મી |
દધિજાની પૂજા આજે સૌ કરે છે. |
૬ |
દા |
અગ્નિ |
પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે. |
૭ |
દાગબ |
સ્તૂપ |
પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા. |
૮ |
દાડમી |
એક જાતની આતશબાજી |
રંગોની દાડમી જોવી કોને ના ગમે ? |
૯ |
દાણવ |
દાણ લેવાની જગા |
મારે માથે છે મહીનો માટ રે,દાણ માંગે છે દાણવ ઘાટ રે. |
૧૦ |
દાદસિતાદ |
કામકાજ |
વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે. |
૧૧ |
દિક્ત |
આનાકાની |
દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને… |
૧૨ |
દિદિવિ |
સ્વર્ગ |
દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર. |
૧૩ |
દિની |
પ્રાચીન,પુરાણુ |
જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે. |
૧૪ |
દિમન |
છાણ |
ગૌનું દિમન પવિત્ર મનાય છે. |
૧૫ |
દિરાયત |
ગુણો |
દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ? |
૧૬ |
દિવાભીત |
ઘૂવડ,દિવસથી ડરેલો |
કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે. |
૧૭ |
દોત |
ખડિયો |
કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી. |
૧૮ |
દૂતી |
કૂટ પ્રશ્ન,ઉખાણુ |
એક દૂતી છે,ઉકેલો તો માનુ, તમે ખરા….. |
૧૯ |
દ્યુત |
પ્રકાશનું કિરણ |
જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે. |
૨૦ |
દ્યૂત |
જુગાર |
દ્યૂતની લત સૌને ડૂબાડે. |
વિશ્વ-ભાસ્કર March 24, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a comment

એ આંખ મીંચે ને થાય જગ કાળુ,
એ આંખ ખોલે ને થાય અજવાળુ,
ગૂઢ રમત એમ રમતા રમતા,
વિશ્વ તખ્તે રચે દ્રશ્ય રૂપાળું..
વેળા વેળાની ધૂપ છાંવ રચતા,
જ્ઞાન જીવનનું ધરે નજરાણું.
નિત્ય પહોરે સુરખી ભરતા,
સાંજે શમતા ગગન નિરાળું..
વિધવિધ ઋત સજે ધજે એમ,
શીત ગ્રીષ્મ વર્ષા રૂપ ન્યારું.
નિજ આંખ મીંચી સઘળું પોઢાડે,
જાગી સ્વયં કરે જગને વ્હાલું..
એ આંખ મીંચે ને થાય જગ કાળુ,
એ આંખ ખોલે ને થાય અજવાળુ….

