jump to navigation

વિવેચનની પૂર્વભૂમિકા- આસ્વાદ March 15, 2025

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

ધૂળેટીના પાવન દિવસે સાંપડેલ એક સુંદર અવસર.

સમર્થ સાહિત્યકાર શ્રી સુમન શાહ સાથે પ્રશ્નોત્તરઃ દૃશ્ય અને શ્રાવ્યઃ

રશ્મીતા-સુમન વાર્તાવર્તુળ : પ્રશ્નોત્તર : ઍપિસોડ – ૧૭ :
વિવેચનની પૂર્વભૂમિકા – આસ્વાદ.

૨૦૦૪ થી ૨૦૨૪ સુધીની સાહિત્યિક સફર February 12, 2025

Posted by devikadhruva in : લેખ , add a comment

૨૦૦૪ થી ૨૦૨૪ સુધીની સાહિત્યિક સફર

. ’આથમણી કોરનો ઉજાસ’– પત્રશ્રેણી૨૦૧૭.પાર્શ્વ-પ્રકાશન- ડાયસ્પોરા સાહિત્ય એવોર્ડઃ
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ  તરફથી.

૨.  ગુજરાતી સાહિત્ય સરિતાહ્યુસ્ટનના ઈતિહાસની એક ઝલક૨૦૧૫ અને ૨૦૧૫થી ૨૦૨૦ -ઈબૂક

૩.  પત્રોત્સવઃ ૨૦૨૦. -પત્રશ્રેણી- ગૂર્જર પ્રકાશન. અન્ય લેખકો સાથે

૪.  નિત્યનીશી ભાગ-૧ અને ૨-૨૦૨૧ -૨૨- અન્ય લેખકો સાથે -ઈબૂક

૫.  સ્મૃતિસંપદા- ૨૦૨૩-અન્ય લેખકો સાથે

૬.  તાજા કલામને સલામ- ૨૦૨૪ – આસ્વાદ પુસ્તક- અન્ય લેખકો સાથે.

૭.  અંગ્રેજી અનુવાદઃ Glow  from western Shore.ઈબૂક (મૂળ ‘આથમણી કોરનો ઉજાસ’)

૮.  અંગ્રેજી અનુવાદઃ From There to Here- ૨૦૨૧ જાન્યુ. (મૂળ ગુજરાતીમાં ‘સ્મરણની શેરી’ સહિત)

૧.  English-Glimpses Into a Legacy-Dhruva family.૨૦૧૬-ઈબૂક

૨. English-Ma- Banker Family.૨૦૧૬-ઈબૂક

  

નવો કાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું.’ ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. February 9, 2025

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

પવન વેગે ઊડતો સમય કેવી કેવી સફર કરાવે છે !  જોતજોતાંમાં ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યાને સાત વર્ષ વીતી ગયાં. દરમ્યાનમાં નદીઓનાં વહેણ કેટલાં અને કેવાં બદલાઈ ગયાં, કેટલાં વહી ગયાં !

શબ્દોને પાલવડે’, ‘અક્ષરને અજવાળેઅને કલમને કરતાલેપછીના આ કાવ્યસંગ્રહમાં ૨૦૧૭ પછી  લખાયેલાં નવાં ગીત, ગઝલ, મુક્તકો  અને અછાંદસ ઉપરાંત આજ સુધી (ઑગષ્ટ ૨૦૨૩ સુધી) લખાયેલ તમામ રચનાઓ આઅહીં જ બધુંમાં સમાવેશ કર્યો છે.

 

આ અવસરે અનુભૂતિની છાલક/ બસ, આટલું જ/પ્રસ્તાવના વગેરે લખી મોકલવા બદલ ગઝલકાર શ્રી અદમ ટંકારવી, કવયિત્રી લતા હિરાણી, રક્ષા શુકલ અને મુ.પન્ના નાયક તરફ હૃદય  કૃતજ્ઞતાથી નમે છે અને ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત આ સંગ્રહની આસપાસ ગૂંથાયેલાં તમામ પરિબળો અને પરિવારજનો પ્રત્યે મસ્તક અહોભાવથી  ઝુકે છે.

‘ગૂર્જર સાહિત્ય પ્રકાશન’ના માનનીય અને અનુભવી વડીલ શ્રી મનુભાઈ શાહનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમને દિલથી વંદન. 

નવા વર્ષને આવકારઃ January 16, 2025

Posted by devikadhruva in : કાવ્યો,કાવ્યપઠન , add a comment

 

https://youtu.be/7EIa8sTSfjo

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.

 

ચાલને ભેરુ સંગે સંગે નવું વરસ સત્કારી લઈએ.

નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.

નહિ તો નોખા માપથી એ તો માપતી જશે, નાથતી જશે.

કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

 

નવા સમયનો રંગ છે જુદો, માણે તે ખરો જાણી શકે.

પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.

પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીની થોડી ઝલક January 10, 2025

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીની પ્રસ્તુતિ

૨૦૧૬-૨૦૧૭ના વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી જે પુસ્તકને ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક ઠરાવવામાં આવ્યું હતું તે ‘આથમણી કોરનો ઉજાસ’ એક પત્રશ્રેણી છે. તે અંગેની થોડી ઝલક અને થોડાક પત્રો નમૂના તરીકે વાંચવા માટે, તા. પ જાન્યુઆરીના રોજ ‘ગુજરાતી સાહિત્ય ફોરમ’ તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરોક્ત વિડીયોમાં તેની પ્રસ્તુતિ અંકિત કરવામાં આવી છે.

 https://youtu.be/aTi8_EhmY3c

 

 
    
 
  
https://www.youtube.com/watch?v=aTi8_EhmY3c&authuser=0
 
 https://youtu.be/aTi8_EhmY3c
 

Video of GSS Bethak No. 260 Part 1 & 2. September 10, 2024

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

 

 

ગઝલકાર અદમ ટંકારવી સાથે ગઝલોત્સવ

Posted by devikadhruva in : લેખ , add a comment

બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ:

તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને શ્રી ફૈયાઝ ખાંધિઆ.

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૦મી બેઠક, ૭મી સપ્ટે.૨૦૨૪ને શનિવારે, ઑસ્ટીન પાર્કવે, સ્યુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન હતા યુકે.થી પધારેલ, સુવિખ્યાત ગુજલીશ ગઝલકાર શ્રી અદમ ટંકારવી.

    

ગણેશચતુર્થીના તહેવારની ઠેકઠેકાણે ઉજવણી હોવા છતાં  હાજર રહેલા સભ્યોની સંખ્યા નોંધપાત્ર હતી.

પ્રણાલિકા મુજબ સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે જરૂરી સૂચનાઓ અને માહિતી આપ્યા બાદ, શ્રીમતી જ્યોત્સના વેદ દ્વારા ગણેશ અને સરસ્વતી વંદનાથી શુભ શરૂઆત કરવામાં આવી. પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ સૌનું સ્વાગત કરી ‘ગણેશચતુર્થી અને સાહિત્ય’ વિષયક પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. તે પછી શ્રીમતી દેવિકા ધ્રુવે સંસ્થાની સ્થાપનાના આ મહિનાની યાદ સાથે, શ્રી અદમભાઈના જન્મદિવસનો મહિનો હોવાની પણ જાણ કરી, તેમનો સાહિત્યિક પરિચય આપ્યો. શ્રી અદમ ટંકારવીના એક કાબિલેદાદ શેર સાથે બેઠકનું વાતાવરણ જમાવતી એક ઝલક રજૂ કરી કેઃ
બાઈબલ
 ખોલું ને સીતા નીકળે
ખિસ્સામાંથી પણ
 ફરિશ્તા નીકળે.
ઝેર
 તો બીજું  કોઈ પી ગયું
ખાલી
 પ્યાલીમાંથી મીરાં નીકળે..

         

ડો. કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, સભાજનોની તાળીઓના ગડગડાટ અને આવકાર સાથે શ્રી અદમભાઈએ મુશાયરાનો પ્રથમ દોર શરૂ કર્યો.

આરંભમાં જ શબ્દનો મહિમા વર્ણવતા તેમણે એક પછી એક નામાંકિત ગઝલકારોના શેર દબદબાપૂર્વક રજૂ કર્યા કેઃ  મનોજ ખંડેરિયા કહે છે કે,
રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.

અમૃત ઘાયલનો શેર કે “શબ્દોની આરપાર જીવ્યો છું, હું ધારદાર જીવ્યો છું.
 આમ ઘાયલ છું અદનો શાયર પણ સર્વથી શાનદાર જીવ્યો છું…

કવિનો શબ્દ કેવો જાદૂ જેવો હોય છે તેના અનુસંધાનમાં ખલીલ ધનતેજવી, મનહર ચોક્સી, રમેશ પારેખ,શોભિત દેસાઈ વગેરેના ચોટદાર શેર, શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સાંભળતા હતા. તે પછી આ નમ્ર શાયરે પોતાની ગઝલના શેર પ્રસ્તૂત કર્યા. ઈંગ્લૅંન્ડમાં  ગુજરાતીની સ્થિતિ અંગે કહેતાં જણાવ્યું કે,
“વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
અને
તું ગુજરાતીમાં  જો ‘આવો’ કહે છે, તો મારા કાને એક ટહુકો પડે છે.
તું ગુજરાતીમાં જો વાતો કરે છે, તો તારા હોઠથી ફૂલો ઝરે છે.

સાદી સીધી બોલચાલની ભાષામાં લખાયેલા તેમના શેર ભાવકોને આનંદ આપતા હતા અને તેમાં પણ આછા હાસ્ય સાથે એમણે સુરતી બોલીમાં, ‘હારુ અંઈ હુરત જેવું ની મલે’ શરૂ કર્યું અને તે પછી રઈશ મનીઆરને યાદ કરી તેમના થોડા જાણીતા શેર અને  અમદાવાદની લાક્ષણિક ખાસિયતોના શેર સંભળાવ્યા ત્યારે તો સભાગૃહમાં હાસ્યનાં મોજાંઓ ફર્યે જતાં હતાં.

       

  તે પછી બીજો જામ ખોલ્યો જીવન વિશેનો.
‘સોમવારે પારણું બંધાય છે, બોખાં દાદીમા હરખાય છે’ એવા મત્લાથી ઉઘાડ કરી મંગળ,બુધ,ગુરુ,શુક્રવારના શેર સંભળાવી  શનિ-રવિવાર વિષે કહ્યું કે,
થાક લાગે છે શનિવારે બહું,
ને કબરમાં ટાંટિયા લંબાય છે.
હા રવિવારે તો છુટ્ટી પાળીએ,
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે.

જીંદગીની કેટલી મોટી વાસ્તવિકતા સહજ રીતે સમજાવી દીધી. જીંદગીના રસ્તાને ‘ઘરથી કબર સુધી’ કહેનાર’ બેફામ’ સાહેબને પણ યાદ કરી જ લીધા તો સાથે સાથે વાતાવરણમાં જરાયે ભાર ન રહે તે આશયથી તરત જ સિફતપૂર્વક, મુંબઈના મુશાયરાની વાતો તરફ વળ્યા. જ્યોતિન્દ્ર દવેની રમૂજભરી પંક્તિઓને રસિક રીતે પ્રસ્તુત કરી. તે પછી વરસાદ, દિલ વગેરે ગઝલકારોના મનગમતા વિષયો છેડ્યા. રમેશ પારેખ, કૃષ્ણ દવે, રાજેન્દ્ર શુક્લ, મરીઝ, મુકુલ ચોક્સી, જલન માતરી, સૈફ પાલનપુરી, આદિલ મનસુરી વગેરે શાયરોના શેર મસ્તીથી રજૂ કર્યા. અમેરિકન અનુભૂતિ વિશે તેમણે ન્યૂયોર્કના પટેલો અને મોટેલોના વિસ્તારની,જનરેશન ગૅપની અને બે સંસ્કૃતિઓની મથામણની ઝલક દર્શાવતા શેર સંભળાવ્યા.
ભલે યુકે.માં વસીએ અમે,
પણ અવળચંડા એવા અમે
હશે ડોરબૅલ તોયે બારણાં
ખટખટાવીએ છીએ અમે.

મઝાના આ પ્રથમ દોર પછી સ્થાનિક ૩-૪ સર્જકોએ પોતપોતાની એક કૃતિ રજૂ કરી. શ્રી પ્રકાશ મજમુદારે મરીઝની એક ગઝલ ગાઈ સંભળાવી. સૈદભાઈ પઠાણે ‘મેરા ભારત’ની એક રચના હિન્દીમાં પ્રસ્તુત કરી. સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે અદમ ટંકારવીની ગઝલનો આસ્વાદ ગુર્જરીમાં પ્રકાશિત થયેલ છે; તેની જાણ કરી. દેવિકા ધ્રુવે અદમ ટંકારવીની એક ખૂબ જૂની ગઝલ ‘બાગમા ક્યાં હવે મળે છે સનમ’ની સામે લખેલ પ્રતિગઝલ અને કેટલાક સ્વરચિત શેર રજૂ કર્યા.

 થોડી મિનિટો પછી તરત જ ફરી પાછો બીજો દોર અદમભાઈએ મરીઝના શેરથી શરૂ કર્યો કે,

“ઘણાં વર્ષો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે.
જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.” એની સાથે કેટલીક લાગણીની, હૃદયની,પ્રેમની અને જીવનની ગઝલોની વાત કરી જેમાં શ્યામ સાધુ, ર.પા. અને મરીઝ વગેરેને વારંવાર યાદ કરી અદમભાઈએ હઝલો સંભળાવી. પોતાની ગુજલીશ ગઝલો,ભાષાભવનની ગઝલ,હ્યુસ્ટનમાં લખાયેલ ગઝલ વગેરેના જામ અવનવી ઢબે ઉઘડતા ગયા અને શ્રોતાજનોનો કેફ વધારતા રહ્યા. આ રહ્યા તેમાંના કેટલાક ઘૂંટઃ

સમય સરતો જતો હતો. સાંજના ૪.૧૫ વાગ્યાથી શરૂ થયેલ મુશાયરામાં ક્યાં ૭ વાગી ગયા, ખબર પણ ન પડી.

જુદાજુદા ઘણા વિષયોને આવરી લેતા, ટૂંકી બહેરના શેર થકી, અદમભાઈ સૌના મનમાં અમીટ છાપ મૂકતા ગયા. ગઝલ અને હઝલની વચ્ચે એક વિશાળ વ્યાપ ખોલી ગયા. તેમની ગઝલોમાં તેમના સ્વભાવ જેટલી સાદગી અને સરળતા. શબ્દો સ્વાભાવિકપણે સાવ બોલચાલની ભાષાના. તેમ છતાં ભાવો અને અર્થોમાં ઊંચાઈ અને ઊંડાણ સ્પર્શી ગયાં. ડાયસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીછીથી સજાવેલ આ કાર્યક્રમ કલાત્મક બની રહ્યો. અદમભાઈના કવિકર્મને, સતત કંઠસ્થ રજૂઆતને અને યાદશક્તિને સલામ.

સમાપનમાં આભારવિધિ, અન્ય ઔપચારિક વિધિ અને અસ્સલ ગુજરાતી ભોજન પછી સૌ ભાઈબહેન આ મજેદાર મુશાયરાની ઘેરી અસર પામી છૂટાં પડ્યાં..ભોજન સ્પૉન્સર કરનાર શ્રી હસમુખ દોશી અને સ્વ.નવીન બેંકરની સ્મૃતિમાં, બેંકર પરિવાર તરફ્થી અનુદાન કરનાર દેવિકા ધ્રુવ અને ડો.કોકિલા પરીખ હતા.  આ સાથે એક ખાસ નોંધ લેવી ઘટે કે, શ્રી અલીભાઈ ભીમ કે જેઓ અદમભાઈને માટે ખાસ શિકાગો સુધી ગયા હતા; ત્યાંથી તેમની સાથે હ્યુસ્ટન લઈ આવી યજમાન બનવાના હતા, તેમની અચાનક ઊભી થયેલ નાદુરસ્તીને કારણે આવી ન શક્યા. ગુ.સા.સ. અલીભાઈને માટે જલદી સાજાં થવાની શુભેચ્છા પાઠવે છે. તેમની કામગીરી સંપૂર્ણ રીતે પૂરી કરનાર શ્રી ફૈયાઝ ખાંધિઆને આભાર અને આદર સહિત સલામ.

૨૬૦મી આ બેઠક યાદગાર બની રહેશે.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

સપ્ટે.૮, ૨૦૨૪.

 

સાહિત્યિક અવસરોનો આનંદઃ ફેબ્રુ.૧૨ થી માર્ચ ૧૨, ૨૦૨૪ August 8, 2024

Posted by devikadhruva in : લેખ , add a comment

સાહિત્યિક અવસરોનો આનંદઃ ફેબ્રુ.૧૨ થી માર્ચ ૧૨, ૨૦૨૪

પૂરાં ૬ વર્ષ પછી આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ભારતની મુલાકાત લીધી. એક મહિનો પારિવારિક અને સાહિત્યિક સ્વજનોથી સભર રહ્યો. તે સઘળી સુખદ અને સુભગ પળોને શબ્દાંકિત કરવાનું મન થયું.

શરુઆત થઈ હતી ગાંધીનગરસ્થિત, માતપિતા તુલ્ય મોટાભાઈ અને ભાભી ( જેઠજેઠાણી)ને સ્નેહ અને ઉષ્માસભર મળવાથી. થાક, ઉંઘ અને ‘જેટલેગ’તો  એકદમ જ ગાયબ થઈ ગયો. પ્રથમ દિવસે જ પરિવારના અન્ય સભ્યો સાથે એક અગાઉથી આયોજેલ સુખદ આશ્ચર્યનો પ્રસંગ પણ સુપેરે ઉજવાયો અને સૌએ  સાથે મળીને ખૂબ આનંદ કર્યો. ગાંધીનગરના સુસજ્જ ‘રીનોવેટેડ મકાનના પ્રાંગણમાં, સદ્ગત  પૂ.બા-દાદાજીનાં પગલાં સમીપ, તેમની હાજરી તાદૃશ  કરી. 

ધ્રુવ પરિવારનાં ભાઈબહેનો અને ભાભી સાથે..

ઘણીવાર જીવનમાં એવું પણ બને છે કે, ન ધારેલું, ન આયોજન કરેલું છતાં આપમેળે ઘણું બધું સરસ બની જાય છે. મારો સાહિત્ય સાથેનો લગાવ કહું કે સંબંધોની સમૃદ્ધિ ગણું પણ ખરેખર ગમતી પ્રવૃત્તિઓ ઉઘડતી જાય છે. મિત્રો અને સ્વજનો તો ખરાં જ, પણ નેટના તારે કેટલી બધી વ્યક્તિઓ મળી? માંડીને જ વાત કરું.

શ્રી ગૌરાંગ દીવેટીઆ,શ્રી સતીશ વ્યાસ,શ્રી હર્ષદ ત્રિવેદી, પ્રીતિ સેનગુપ્તા દેવિકા ધ્રુવ અને શ્રી મનીષ પાઠક

બે દિવસ પછી એટલે કે, ૧૪મી ફેબ્રુઆરીના રોજ  ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદના સભાગૃહમાં યોજાયેલ ‘શબ્દજ્યોતિ’ નામે કાર્યક્રમમાં જવાનું થયું. પ્રીતિબહેન સેનગુપ્તાનાં જીવનકવન વિષે વક્તવ્ય સાંભળવાની મઝા આવી અને તે સાથે ઘણા બધા સાહિત્યકારોને મળી શકાયું. ઑમ કૉમ્યુનિકેશનના સંચાલક ભાઈ શ્રી મનીષ પાઠક ઘણાં વર્ષોથી આવા સુંદર કાર્યક્રમો કરતા આવ્યા છે. તેમની સાહિત્યપ્રીતિને સલામ. ગુ.સા.પ.ના ચાલુ વર્ષે નિમાયેલ પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીને રૂબરૂ મળી પંદરેક મિનિટ સુધી વાતો કરવાની તક મળી.

શ્રીમતી ગિરિમા ઘારેખાન સાથે …

તા.૨૦મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં જ ગુજરાતી સાહિત્ય ઍકેડેમીનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સાહિત્ય ઍકેડેમીના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જહા તરફથી આમંત્રણ મળ્યું હતું ત્યાં હાજરી આપી. ખુલ્લા મેદાનમાં બાંધેલ મોટા મંડપ નીચે એક ખૂબ મોટો સમારંભ હતો જેમાં મોટાભાગના બધા જ કવિઓ/લેખકોને જોવા/મળવાનો આનંદ માણ્યો. તે સમયે સૌથી વધુ સાથ મળ્યો બહેન ગિરિમા ઘારેખાનનો. પ્રત્યક્ષ રીતે મળવાનો એ પ્રથમ અવસર હતો જે મનમાં એક આત્મીયપણાની છાપ મૂકી ગયો. તે દિવસે ગાંધીનગરમાં મેઘાણી ભવનનું ઉદ્ ઘાટન હતું અને કેટલાંક પુસ્તકોને પારિતોષિક અર્પવાનો પ્રસંગ પણ હતો. 

શ્રી રતિલાલ બોરીસાગર સાથે દેવિકા ધ્રુવ

તે પછીના દિવસે ગુજરાત વિશ્વકોશ પર વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું ઐશ્વર્ય વ્યક્ત કરતા કાર્યક્રમમાં જવાનું બન્યું. ત્યાં શ્રી કુમારપાળ દેસાઈ,અમર ભટ્ટ વગેરે તો મળ્યા જ પરંતુ રતિલાલ બોરીસાગરને પ્રથમ વાર પ્રત્યક્ષ જોવા/સાંભળવા/મળવાનું પણ બન્યું. સૌના વક્તવ્યનો અને  અમરભાઈની મંત્રમુગ્ધ સંગીતમય પ્રસ્તુતિનો ખૂબ આનંદ માણ્યો.

જૂઈસભા’ની એક ગ્રુપ તસ્વીર.

(હેતલ બ્રહ્મભટ્ટ, રશ્મિ જાગીરદાર,દેવિકા ધ્રુવ, ઉષા ઉપાધ્યાય અને સખી ભાર્ગવી પંડ્યા તથા ગોપાલી બુચ .)

 

 

 https://youtu.be/bMVzCX7hGdw

તા. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે જૂઈસભાનાં પ્રણેતા ઉષાબહેન ઉપાધ્યાય તરફથી આમંત્રણ મળતાં તે કાર્યક્રમ પણ એમ જ ગોઠવાઈ ગયો. ત્યાં પણ ઘણી યુવાન બહેનોની રચનાઓ સાંભળી અને ખુશી એ વાતની થઈ કે, ગુજરાતી ભાષાનું ભવિષ્ય હજી ઉજળું છે જ તેની પ્રતિતી થઈ. ત્યાં પણ જાણીતી કવયિત્રીઓનો પરિચય થયો. બહેન માર્ગી દોશી તેમની કલમ અને રજૂઆત દ્વારા મન પર સુંદર અસર મૂકી ગયાં.

બીજા દિવસે એટલે  કે, ૨૪મી તારીખે અમદાવાદ શહેર વિસ્તારમાં ચાલતાં ગયાં જ્યાં જૂની મીઠી સ્મૃતિઓને મમળાવવા ઉપરાંત ‘કુમાર’ કાર્યાલયમાં પણ ગયાં. ત્યાં શ્રી પ્રફુલભાઈ રાવલ અને તેમના સાથીદારો સાથે થોડી સાહિત્યને લગતી વાતો થઈ..

તા. ૨૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં  કડી  સર્વ વિશ્વવિદ્યાલય ખાતે ‘કાવ્યહેલી’ નામે યોજાયેલ કવયિત્રી સંમેલનની પણ મુલાકાત લીધી જ્યાં આઠ કવયિત્રીઓને મળવાનું બન્યું અને ત્યાં જ મંચ પરથી આમંત્રણ  મળતાં  ‘જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે, હરપળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે’ એ ગઝલની રજૂઆત કરી.

માર્ચની પહેલી તારીખે ફરી ‘વિશ્વકોશ’ પર શ્રી કુમારપાળભાઈ સાથે મળીને ડાયસ્પોરા સાહિત્ય અંગે વાતો કરી.  ત્યાંના સક્રિય કાર્યકરો સાથે તાજેતરમાં ખોલાયેલ ડાયસ્પોરા સ્ટડી સેન્ટરની મુલાકાત લીધી. પ્રકૃતિના પ્રાંગણમાં બંધાયેલ એ રમણીય અને નીરવ શાંતિથી છલકતી જગાએ રહી જવાનું ખૂબ મન થયું. વળી ત્યાંના પુસ્તકાલય વિભાગમાં મારાં કેટલાંક પુસ્તકો મૂકાયાંનો પણ આનંદ માણ્યો.

ગૂર્જર સાહિત્ય પ્રકાશનઃ મનુભાઈ શાહ સાથે..

તે જ દિવસે સાંજે ગૂર્જર પ્રકાશનનાં શ્રી મનુભાઈ શાહની સાથે શાંતિથી  મારા નવા કાવ્યસંગ્રહ ‘અહીં જ બધું’ વિશે  વિગતે વાતો કરી. તે ઉપરાંત સાંપ્રત સમયમાં  ‘ડીજિટલાઇઝડ’ થતી જતી વ્યવસ્થાને કારણે પુસ્તક- પ્રકાશનની પ્રવૃત્તિ પર પડતી માઠી અસરોની પણ જે વાતો થઈ તેમાંથી અજંપો વરતાયો.

બંસરી ગ્રીન ફાર્મ હાઉસ પર..

છેલ્લું અઠવાડિયું માત્ર મિત્રો અને પરિવાર સાથેનો રાખ્યો હતો તે મુજબ પાંચમી માર્ચે ફરી એક વાર ગાંધીનગરથી થોડા માઈલો દૂર ‘બંસરી ગ્રીન’ નામના ઘરના જ ફાર્મ-હાઉસમાં  ગયાં અને ખુલ્લાં ખેતરો અને પ્રકૃત્તિની ગોદમાં સૌની સાથે મળી આનંદ માણ્યો.

શૈલા મુન્શા અને પ્રશાંત મુન્શા સાથે…
ગુજરાત યુનિં. ની નિકટની સાહેલીઓ ( સહકાર્યકર) સાથે સ્મરણીય ક્ષણો..

૭ મી માર્ચે સવારે  ન્યૂયોર્કની બેંક ઑફ બરોડાના મિત્ર સાથે, બપોરે હ્યુસ્ટનનાં, પણ હવે વડોદરા સ્થાયી થયેલ મિત્ર-દંપતિ સાથે અને સાંજે ગુજરાત યુનિવર્સિટીમાં સાથે કામ કરતાં કરતાં થયેલ વર્ષો જૂની નિકટની સહેલીઓ સાથે ખૂબ મસ્તીથી વીતાવ્યો. આ સૌએ મારી અનુકૂળતા મુજબના દિવસે, સમયે અને તે પ્રમાણેની જ જગાઓએ મળવાની અનુકૂળતાઓ કરી તેની નોંધ લેતાં સહર્ષ હૃદય ગદ્દગદ્ થઈ જાય છે. તે સિવાય પણ કેટલાંકને ફોન પર મળવાનું થયું તો વળી શરૂઆતના બીજા જ દિવસે સી.જી.રોડ પરના બહેનના ઘેર જવાનું અને સાથે શોપીંગ કરવાનો લાભ લેવાયો તે બોનસમાં મળ્યો!

ઝુંપડીની પોળની નાનકડી ખડકીમાં બેઠેલી, મ્હોંમાં કશુંક ચગળતી ગાય પણ કેટલી પોતીકી લાગતી હતી! શૈશવનું એ ઘર,ભાડાનું ઘર,દાદરનાં પગથિયાં અને પ્રત્યેક ભીંત અંદરના ધોધને બહાર લાવતાં ક્યાં રોકતી હતી? રિનોવેટ કરાયેલા એ મકાનની પાછળ મનમાં પેલું જૂનું ઘર, ભાઈબહેન, માબાપ, દાદી અને કેટલાંયે સુખદુઃખ મિશ્રિત ચિત્રો ઉપસતાં જતાં હતાં. સંવેદનશીલ ભાઈબહેનો તો ત્યાં જતાં જ રડી ઉઠે છે અથવા જઈ શક્તા જ નથી. હું કદાચ,એ રીતે થોડી મજબૂત બની છું કે પછી કલમ થકી એ શક્તિ કેળવાઈ છે! બંધ પડેલાં બાલભવનની બારી પણ જૂનાં પાનાંઓ ફેરવી હચમચાવતી હતી. 
થોડા બચેલા પરિચિત ચહેરાઓના ઉમળકા ભીતર અડતા હતા. રોજરોજ પૂજા નહિ કરવા છતાં પણ, જીંદગીભર સતત,સાથે રહેલ આશાપુરી માતાના મંદિરની પત્થરની મૂર્તિ પણ સજીવ થઈ ઘણું બધું
બોલતી હતી! તે પછી તો પ્રભૂતામાં પગલાં માંડેલ ઘર “ધ્રુવ નિવાસ”ને પણ એના નવા લિબાશમાં જોયું.

સમાપનમાં બે ખાસ વાત નોંધવાની એ કે, જ્યારે અમે શહેરની શેરી, પોળો અને એ જૂના રસ્તાઓ ઉપર યુવાનીની દિલચશ્પ સ્મૃતિઓને, સાથે વાગોળતાં વાગોળતાં  જતાં હતાં ત્યારે મનોમન ૨૦૧૮માં કરેલી છેલ્લી મુલાકાતો સાથે સરખામણી થયે જતી હતી. એ જ સંવેદનાઓ ફરી દોહરાતી હતી. કારણ કે, ત્યાં તો છેલ્લાં છ વર્ષમાં કહેવાતા વિકાસનો કોઈ જ અંશ દેખાતો ન હતો. કશું જ બદલાયું ન હતું.  એટલે કે, ૨૦૧૮ની સાલમાં ફર્યા હતાં એ જ ભાવ ફરીફરીને સ્પર્શતો હતો. સાંકડીશેરીનાં એક એક મકાનો, દૂકાનો, નિશાળ, લાયબ્રેરી, રસ્તાઓ કંઈ કેટલુંયે બધું  ફરીથી એકવાર એકસામટી અઢળક   યાદોને ઝંઝોડતું હતું.

હા, અમદાવાદ શહેરની બહારના વિસ્તારને એનાં મૂળ રૂપે બહું શોધ્યું પણ ન જડ્યું. મને અમારો આંબાવાડીનો ફલેટ શોધવામાં પણ મુશ્કેલી નડી! વિકાસ થયો છે ને? હા,મોટી મોટી ઈમારતો, અદ્યતન મકાનો, ગાડીઓથી ભરચક માર્ગો, મોજશોખ ગણાતી વસ્તુઓની હવે બનતી જતી જરૂરિયાતો! કેટલું બધું બદલાયું છે? તો પછી ગરીબી ક્યાં છે? ઝૂંપડપટ્ટી કેમ નાબૂદ થતી નથી?  સાંભળ્યું છે કે, ઝૂંપડાંવાસીઓ પોતાને મળેલા ફ્લેટ્સ ભાડે આપી, પોતે તો ઝૂંપડામાં જ રહે છે!
ધૂળના ઢગલાંયે ક્યાં હટે છે? ટ્રાફિક સેન્સ” કેમ અમલમાં આવતી નથી? સવાલો એટલા માટે જાગે છે કે, પોતાની ભૂમિ માટે ખૂબ દુઃખ થાય છે. આમ છતાં નવી પેઢી અને દેશના નાગરિકો હજી વધુ સારાં પરિવર્તનો લાવે એવી એક આશા અને શ્રદ્ધા સાથે આ વિચારોને વિરામ આપું.

છેલ્લે, આ એક મહિનાના ગાળામાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪નાં વર્ષો દરમ્યાન ગુમાવેલ અમદાવાદનાં સર્જકમિત્રો શ્રી વલીભાઈ મુસા, શ્રી યોસેફ મેકવાન, માનનીય શ્રી ધીરુભાઈ પરીખ વગેરે કે જેમને હું અચૂક મળતી તેમની યાદ આવતી હતી. એ જ રીતે હ્યુસ્ટન પાછાં આવ્યાં પછી આ બધી જ વાતોને વહેંચવાનો સૌથી વધુ આનંદ મળતો તે શ્રી નવીન બેંકર (ભાઈ)ની ખોટ- ન પૂરાય તેવી ખોટ ખૂબ જ લાગી.

આજે સાડા ત્રણ મહિના પછી આ સ્મરણોને લખ્યાંની રાહત સાથે વિરમું.

–દેવિકા રાહુલ ધ્રુવ

 

ગૂર્જર નારી-ડલાસ રેડિયો પર

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

ડલાસ રેડિયો પર પ્રસારિત- ગૂર્જર નારી.

 

અવાજ —દેવિકા ધ્રુવ – સંગીતા ધારિયા–કોકિલા પરીખ

શેરાક્ષરીઃ ગુજરાત અંગે.. June 28, 2024

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

 આ શેરાક્ષરી એ માત્ર શેરોની અંતાક્ષરી નથી. માત્ર કવિતાની પંક્તિઓ નથી. પરંતુ એક એવો વિશેષ  નવો પ્રયોગ છે; જેમાં આપણી મૂળ અંતકડી છે,  કાવ્યપંક્તિથી ઉઘડે છે, ગઝલના શેરોથી ઉપડે છે અને આ બધું જ…બધું જ, ગુજરાત અને ગુજરાતીઓથી સભર છે.

તો ચાલો, કવિ શ્રી ખબરદારને યાદ કરી, શેરાક્ષરીની શરૂઆત કરીએ. 

નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ… 

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.