jump to navigation

‘ભ’ની ભીતર November 2, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

ાઇભાભીના ભરપૂર ભાવે,
ભગિનીનું ભીતર ભીંજે,
ભક્તની ભક્તિના ભાવે,
ભગવાનનું ભીતર ભીંજે.

ભલા ભોળા ભદ્રજનોને,
ભીડમાં ભીંસાતા ભાળી,
ભૂમંડળે ભમતા ભમતા,
ભોમિયાનું ભીતર ભીંજે.

ભવરણે ભલો ભેરૂ ભેટે,
ભવસાગરનો ભાર ભાંગે.
ભવાબ્ધિમાં ભાવ ભરાતા,
ભાર્યાનું ભિતર ભીંજે.

ભોમ ભયહીન ભાસે,
ભૂલોકનું ભાવિ ભવ્ય ભાસે;
ભૂખ્યાની ભૂખ ભાંગતા,
ભવાનીનું ભીતર ભીંજે.

આરાધના October 29, 2008

Posted by devikadhruva in : Uncategorized , add a comment

આજથી આરંભાતુ,

અભિનવ આદિત્યનું,

અનેરું આગમન,

આપને અને આપના આપ્તજનોને,

અખંડ આનંદ,અદ્વિતિય ઐશ્વર્ય,

અને અખૂટ આયુષ્ય અર્પે,

એવી અમારી,

આરાધ્યદેવને,

અંતરની અભિલાષા, અભ્યર્થના

અને આરાધના…..

બાલમ બજાવે બંસી……… October 22, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

બાગમાં બુલબુલ બોલે,
        બેકાબુ બને બારાતી,
બટમોગરે બહાર,
        બાલમ બજાવે બંસી………

બહાવરી બહાવરી બાલા,
        બાયે બાજુબંધ બાંધે,
બેજવાબ બાંકેબિહારી,
        બાલમ બજાવે બંસી………

બેચેન બને બાબુલ,
        બેતાબ બને બાંધવ,
બંધન બાંધે બહેના,
        બાલમ બજાવે બંસી……..

બંગડી,બિંદી બેલડી,
         બંને બૃહદ્ બુલંદી,
બલિહારી બાજીગરની,
        બાલમ બજાવે બંસી………
 
 

 

 

કોઇ કહો સૂરજને પાછો વળે October 18, 2008

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

કોઇ કહો સૂરજને પાછો વળે,
મારા કામમાં આવીને કાં આડો પડે ?
ક્યારેક વળી એ તો આંખે નડે !
કોઇ કહો સૂરજને ધીમો તપે…..

હઠીલો ફરતો એ માથે ચડે,
નાજૂક ત્વચા મારી એથી બળે,
વારી વારી મથી ના તો યે ખસે !
કોઇ કહો સૂરજને ધીમો તપે…..

થાકી હારીને જોઉં સાંજે જ્યાં નભે,
અદભૂત ધરી રૂપ દિલને હરે,
ભરીને આંખોમાં માણું, ત્યાં ઢળી પડે !
કોઇ કહો સૂરજને પાછો વળે…..

આલમને રાખીને આખી અંધારે,
જાણે કાળી એક કોટડીમાં પૂરે,
દૂર દૂર પૂરવના દેશે જઇ  ઘૂમે !
કોઇ કહો સૂરજને પાછો વળે…….

‘ફ’ ના ફૂલો October 15, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

ફાગણમાં ફૂલોની ફોરમ ફરીવાર,
          ફળોથી ફાલતી ફસલ ફરીવાર.

ફરીથી ફલકમાં ફેલાતા ફેરફારે,
          ફિક્કી ફરસ ફાલતી ફરીવાર.

ફરતો ફરતો ફળિયામાં ફેંટાબાજ,         
           ફૂલકાને ફૂંકી ફુલાવતો  ફરીવાર.

ફક્કડ ફિરંગીની ફોગટ ફરિયાદે,
          ફીકરને ફાક્તો ફકીર ફરીવાર.

ફાંકામાં ફુવારે ફુદરડી ફરતા,
          ફેંક્યો  ફરેબીએ ફટકો ફરીવાર.

ફાગણમાં ફૂલોની ફોરમ ફરીવાર,
          ફળોથી ફાલતી ફસલ ફરીવાર.

અક્ષરના આગિયા October 8, 2008

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

અંધકારના ઓરડે આવીને વળગે,અક્ષરના આગિયા ફરકે ને ચમકે,
પકડાવી હાથમા કલમ ને કાગળ,ટપટપ ટપકે ને પછી જ અટકે.

આભલે ભમતી જલભરી વાદળી,અવનીને આરે વરસીને જંપતી,
તૃષિત ધરતીને પીવડાવી પ્રેમથી,ગ્રહી ગરમીને પાછી એ વળતી.

ઝાડીથી ઉડતી પક્ષીઓની ટોળકી,વાડ પર બેસીને દાણાને ટાંપતી,
ચાંચેથી ચાંચમાં ખવડાવી નેહથી,હારબંધ ઉડી નિજમાળે જઇ બેસતી.

સ્મૃતિ તો માની રોમરોમ ફરતી,આસપાસ ગોળ ગોળ રોજ રોજ ઘૂમતી,
વીણાના તાર જાણે ઝંકારી દિલમહીં,બની સરસ્વતી સતત એ વહેતી.

‘પ’ની પ્રાર્થના October 2, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

હેરી પાયલ પનઘટ પર,
       પનિહારી પલકે પાંપણ પલપલ,
 પાથરી પાનેતરનો પાલવ, 
        પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ…
પહેરી પટકૂળ પીળું પીતામ્બર,
        પવન પગલે પૃથ્વી પથ પર,
પળમાં પહોંચે પ્રભુજી પાદર,
        પ્રકૃતિ પામે પ્રચ્છન્ન પગરવ…
પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
        પાંખ પ્રસારે પંખી પિંજર,
પનિહારી પામે પૈગામ પટપટ, 
        પહોંચી પામે પ્રીત પરબ પર…
પહેરી પાયલ પનઘટ પર, 
        પામે  પાવન પ્રસાદ પલપલ,
પાડે પડઘા પરવત પરવત,
        પનિહારી પ્રાર્થે પ્રભુને પલપલ….

 ****************    ****************    **************** 
પદ્મનાભ: પ્રભુ પાવન,પવિત્રાણામ પરમ પિતા,
પુષ્કરાક્ષ:પ્રાણદો પ્રાણ:,પ્રતિષ્ઠામ પર્યવસ્થિતમ;
પ્રજાભવ: પ્રભુરીશ્વર: પુષ્પહાસ:પ્રજાગર:
પ્રાંશુર્મોઘ: પ્રકાશાત્મા,પૂણ્યકીર્તિ પ્રિયકૃતમ.

****************    ****************    ****************    

આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ :: September 19, 2008

Posted by devikadhruva in : Uncategorized , add a comment

hurricane1.jpghurricane2.jpg 

આસુરી આઇક્નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ ::

13મી સપ્ટેમ્બરની એ ભયાનક રાત હતી,રાતની વિકરાળ વાત હતી.આગાહી તો હતી જ કે એ આવનાર છે; છતાં યે જ્યારે એના આગમનનો  ઝપાટો શરૂ થયો અને ગતિ તીવ્રતાએ પહોંચી ત્યારે તો લાગ્યું કે,આઇક નામના રાક્ષસે ત્રીજું નેત્ર ખોલ્યું અને પ્રકૃતિ પર તાંડવ ખેલાયું ! 

700 માઇલના ઘેરાવામાં અને 110 માઇલની ઝડપે મોતની જેમ ઘૂરકિયા કરતો આ રાક્ષસ માતેલા લાખો આખલાઓની જેમ સઘળુ પછાડતો હતો.અંધારી આલમ…મધરાત..માથે છત પર જાણે સેંકડો ભાલા બરછી,તીર,તલવાર,કરવત,કુહાડા,લઇ મહાભારતનું યુધ્ધ થઇ રહ્યું હતું.ક્યારે કોનો ભોગ લેવાશે, કોને ખબર એવી ભયાનકતાની વચ્ચે અવાક રાત રડતી રહી.એક એક સેકંડ યુગો જેવી લાગતી હતી.ટેલીફોનના કનેક્શનો ખોરવાઇ ગયાં,ઇલેક્ટ્રીસીટીના તારો તૂટી ગયાં,મોબાઇલની બેટરી ખતમ થઇ ગઇ પણ આ આતંકવાદીના ખસવાનું કોઇ ચિન્હ નહોતું જણાતું.આકાશ પણ ડૂસ્કે ચઢ્યું હતું.

એવામાં 3.00 વાગ્યાના સુમારે,અચાનક ઘરમાં એક તીણી ચીસ સંભળાઇ.હજારો સળવળતા પ્રશ્નો સાથે અમે અંધારામાં ઉઠી અવાજની દિશા તરફ વળ્યાં.મુખ્ય પ્રવેશદ્વાર ધ્રૂજતું હતું.કાળી મેઘલી રાતે કોણ હશે? મનમાં ચિત્ર ઉભુ થયું મધરાતે માથે ટોપલીમાં બાળકને છુપાવી નીકળેલાં વસુદેવનું !!! પણ ના,નંદ-યશોદા બનવાનુ એ સૌભાગ્ય ન હતું. એ તો રાક્ષસી વાવાઝોડાની 50 માઇલ દૂરની એક ઝલક હતી..બારણામાં નાની-શી તીરાડ કરી અંદર આવી ભરખી જવાનો એનો પ્રયાસ હતો.અમે ચેતી ગયાં અને ફાનસના અજવાળે. વજનદાર ફર્નીચરનો ટેકો મૂકી, હવાબંધ પટ્ટાઓના લેપ કરી જાકારો દઇ શક્યા ! ફરી પાછા ખુલ્લી આંખે,ગાયત્રીના મંત્રો જપતા જપતા પથારીમાં પડ્યાં,તન-મન શેકાતા રહ્યાં.
 
ખરે સવાર પડી.સૂરજ તો ક્યાંથી દેખાય ? પણ ફરજ પ્રમાણે ,ન જાણે કેવી રીતે વાદળાંઓની વચ્ચેથી પણ એ ઉજાસ ફેંકતો હતો ! આકાશ હજી પણ રડતું હતું…કુદરતના આ કોપે ટેક્સાસમાં તાંડવ ખેલાઇ ગયું,હ્યુસ્ટનમાં હોનારત સર્જાઇ ગઇ. માનવ સર્જિત વીજળી મરી ચૂકી હતી અને એની ચેતના વગર જીવન પણ સ્મશાનવત નિશ્ચેટ બની ગયું..વૃક્ષો મૂળમાંથી ઉખડ્યાં,વાડો તૂટી,બાર્બેક્યુ ગ્રીલ જેવી ભારે વસ્તુઓ પણ પક્ષીની જેમ હવામાં ઉડી જ્યાં-ત્યાં ફેંકાઇ..જાન હાની પણ થઇ… માનવ-હ્ર્દયની એક ખૂબી છે.નૈસર્ગિક આફતોમાં સૌ એકમેકના બની રહે છે.મારું મન આભારવશ વિચારે છે; ભલે મહેનતથી સજાવેલો ફળ-ફૂલનો બાગ ઉજડ્યો છે,પણ જીવન-બાગ અકબંધ છે,સુસજ્જ છે..આજે છઠ્ઠો દિવસ છે,આકાશનું રુદન બંધ છે,વાદળાંઓ વિખરાયાં છે,સૂરજના દર્શન થયાં છે,વૃક્ષો ફરી ટટ્ટાર થવા માંડ્યા છે, વીજળીનો સંચાર થતા,શબવત જીવનમાં પ્રાણ ફૂંકાયો છે.આળસ મરડી સૌ બેઠા થયાં છે.માનવે મરામત કરી કુદરતને હૂંફ આપી છે તો કુદરતે હંમેશ મુજબનો સાથ આપ્યો છે.અંતરમાંથી અવાજ આવે છે :

હરીકેને મઢીતી સારી રાત,એનું ઢૂંકડુ થયું છે પરભાત રે….
હરીકૃપા થી વીતી સારી રાત, હવે ઉઘડી ગયો છે ઉજાસ રે….
 

સમય સ્મરણ September 9, 2008

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

 time2.jpg

વીતેલા દિવસો જીવનના સ્મરણ બનીને રહી ગયાં,
બીડેલા નયનના અવિરત સ્વપ્ન બનીને રહી ગયાં….

આથમતી સંધ્યાએ સૂમસામ ખંડેરોમાં હેલી થઇને,
એકાંતને ભીંજવતો ઇતિહાસ બનીને રહી ગયા..
….

વીતેલા પ્રસંગોના કટકે કટકા હાથમાં લેતા,
સમી સાંજના ચમકતા સિતારા બનીને રહી ગયાં…..

કદમ કદમ પર સાથોસાથ ચાલતાં રહીને,
સમયના સંભારણા નાવના હલેસા બનીને રહી ગયાં…..
 

કાળના મુખમાં કોળિયો બનતા હરપળના ટૂકડા,
રાતના અંધકારમાં આગિયા બનીને રહી ગયાં…..

યુગની મૂઠ્ઠીમાં ઠલવાતા ક્ષણોના પ્રત્યેક કકડા,
દિલ બહેલાવતા પતંગિયા બનીને રહી ગયાં….

‘ધ’ની ધરતી August 29, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

  

ધોમધખતા ધૂપથી ધીખે,

          ધીમી ધીમી ધરા ધીખે,

ધક્ધક્તી ધમનીઓ ધડકે,

          ધન-ધાન્યની ધગશ ધરે,

ધૂપસળી-શી ધૂમ્રરેખે,

          ધૂન ધ્યેયની ધીરે ધીરે.

ધૂમધડાકે ધેનૂ ધ્રૂજે,

          ધસમસતી ધીરજથી ધારે,

ધરણીધરના ધાગે ધાગે,

          ધનંજયી ધ્વજ ધીમે ધીમે,

ધન્ય ધન્ય ધરતીને ધાબે,

          ધન્ય ધન્ય ધાતાને ધામે.

ધાતા=વિધાતા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.