English Translation of Gujarati Diaspora Literature Award
Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.
Translated Book in English:
8. Glow From Western Shores : July 10, 2020
-Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરેલી અને દર રવિવારની સવારે નિયમિત રીતે પીરસાતી ‘પત્રાવળી’ ‘પત્રોત્સવ’ રૂપે સપ્ટેમ્બર ૧, ૨૦૨૦ના રોજ પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગૂર્જર સાહિત્ય’ વતી આ પ્રકાશન સંપન્ન થયુ છે.
આ પુસ્તકમાં અમેરિકા,કેનેડા,યુકે અને ભારત જેવા જુદા જુદા દેશોના મળીને કુલ ૨૬ લેખકોના પત્રો (૫૬ પત્રો) નો સમાવેશ છે અને સૌએ શબ્દનો મહિમા અલગ અલગ રીતે પત્ર દ્વારા રજૂ કર્યો છે.સહુ લેખકોનો સહકાર નોંધપાત્ર છે.
એ માટે ખરા દિલથી, અમારા ચારે સંપાદકો વતી, અત્રે દરેકનો વ્યક્તિગત આભાર .
બાળપણમાં જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા નિકટના આત્મીય ભાઈને માટે ’હતા’ લખવાનું આવે ત્યારે કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાંઅમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.
૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦
શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે. ગઈ રક્ષાબંધને…
આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.
છેલ્લી ન રહે, એ ભાવ સાથેઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી.
ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાયને સઘળુ સારું થઈ જાયપણ ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું સચ પચાવીને રાખડી બાંધી’તી.
જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે? વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી.
મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ, હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મનમનાવીને બાંધી’તી.
जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.
પણ…. આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ જ ગયા.જીવનના સારા-માઠા,હળવા-ભારે પ્રસંગો, હજ્જારો બનાવો,એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છે. અત્યારે તો યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો કેટલોક ભાગ અહીં…
નવીન બેંકર એટલે એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા–રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક–સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ–ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને ‘નિત્યાનંદભારતી’ બનાવે તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં,મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે‘સત્યમેવ જયતે‘સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.” કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી.આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું.
૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા. દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય. અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટાં. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા.અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયાં. સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા–નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. હંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.
બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે. તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે તેમની કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને જકડનારી રહી છે.
૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે ડઝનેક એકાંકીઓ અને કેટલાક ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે.
૧૯૭૯માં અમેરિકા આવ્યાં. ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ–વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ–ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧–૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી!૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ હતું.નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો.
મન્નાડે, આશાભોંસલે, અનુમલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર, અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં.કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.
૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’ કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતો.
મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! જ્યારે જ્યારે ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદનાં પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરે. દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતી. આ છીપલાં પણ કેવા? ખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલ– ‘એક અનૂભુતિ એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/‘મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.
આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.
English Translation of Gujarati Diaspora Literature Award
Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.
Translated Book in English: Glow From Western Shores:
-Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
Many short term visitors have written superficial content in the forms of articles or essays till now. It is unheard that after staying for 35-40 years in a foreign land, someone has written all first-hand experiences, good or bad, with utmost detail without any prejudice. The uniqueness of these letters lies in the description of the difficult and closely associated incidents of two countries (U.K. and U.S.) in a literary style.
-The Researcher of Diaspora Literary Creation Shri Balvant Jani, gave much needed encouragement through the medium of the series of Gujarati books of his institute GREIDS.
Literature lovers will surely welcome this new experiment.
કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે, કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે. સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે, એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું અમે.– -બરકત વિરાણી “બેફામ”
છ – છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે, બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે. સંસારના વહેવારનો વેપાર બાકી છે, બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે. અભિમાનમાં ફુલાઈ ગયા, જોયું ના ફરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને મારા ભોળા દિલનો ———– રમેશ ગુપ્તા
જઃ
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.—આદિલ મનસુરી
ઝ –
ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું
નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ, હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે ઘૂંઘટ નહીં ખોલું હું …———– ચીમનલાલ ભીખાલાલ જોશી
ટ – ટચલી આંગળીનો નખ, હું તો લટમાં પરોવી બેઠી સાજન, મુ’ને એકવાર કાગળ તો લખ! ——- વિનોદ જોશી
ઠ – – ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર, તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર! ને દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં, લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર!! ———-સૌમ્ય જોશી
ડ – ડૂબતા સૂરજથી રૂઠી જાય છે સૂરજમુખી, રાતરાણી એને આવીને મનાવી જાય છેઃ ક્યાં રહે બાકી અભિવ્યક્તિની કોઈ શક્યતા, કક્કા સાથે કાનો-માતર પણ ઉઠાવી જાય છે! — અદમ ટંકારવી
ઢ – ઢળેલી આંખ તારા સ્નેહનું પ્રતિબિંબ છે ખરેખર તો હ્રદયની વાતનું પ્રતિબિંબ છે. ——— રશ્મિ શાહ
ણઃ
ક ને મળે તો નાનો કણ,ખ ને મળે તો માથુ ખણ…
ગ ને મળે તો પૈસા ગણ,ચ ને મળે તો પંખી ચણ…
જ ને મળે તો જન્મે જણ,ધ ને મળે તો ટોળે ધણ…
પ ને મળે તો પ્રભુ પણ, ભ ને મળે તો ભણતર ભણ…
મ ને મળે તો મઝા મણ, ર ને મળે તો તરસે રણ…
હ ને મળે તો કોઇને ન હણ,ક્ષ ને મળે તો સરકે ક્ષણ….
ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ,અગર મળે જો અક્ષર ત્રણ,
તો આંગણ ફાગણ કરતા કરતા…‘ણ’ મળી એમ કરતો કામણ….. દેવિકા ધ્રુવ
ત – તમારાં આજ અહીં પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે; ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે! ——– ગની દહીંવાળા
થ – થઈ ગયાં છે ગાંધી અહીં ને થઈ ગયાં લોખંડીવીર, ઈતિહાસને પલટી રહ્યાં, મોદી ખડા ગુજરાત છે. વાણી મારી ગુજરાતીનને ભૂમિ આ ગુજરાત છે! —— દેવિકા ધ્રુવ
દ – – દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે, એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે! માછલીની એક આંખે તાકવું જો તીર તો, સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે? —— શૈલા મુન્શા
ધ – –
ધારો કે એક સાંજ આપણે મળ્યાં; આપણે હળ્યાં, પણ આખા આ આયખાંનુ શું? —– જગદીશ જોશી
ન – નજર મિલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું? ખીલી ન ખીલી કળિયો ત્યાં તો ચૂંટી કોણ ગયું? -– — અમર પાલનપુરી
લ – લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો, શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો. હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો, ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.——- ગુલામ અબ્બાસ.
‘ળ‘ન હોત તો ગોળ ગળ્યો ન હોત,
ને સઘળું સળવળતુ ન હોત;
‘ળ‘ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત;
‘ળ‘ ન હોત તો માળવે મળ્યા ન હોત,
ને વાંસળી થી વ્યાકુળ ન હોત;
‘ળ‘ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત;
‘ળ‘ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,
ને જળ ખળભળ ન હોત.————–દેવિકા ધ્રુવ
*ક્ષ* –
ક્ષણ છોડી ને ,સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ ,નદીમાં શોધું છું !!
છે બધું છતાં કેમ,ખૂટે છે કશુ ?
સુખના કારણો,અતીતમાં શોધું છું !!
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
આઃ
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે !
ઈઃ
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….ઈશ્વર પડ્યો નથી રસ્તામાં….
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં… ઈશ્વર પડ્યો નથી રસ્તામાં….
નહી મળે ચાંદી સોનાના,અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….ઈશ્વર પડ્યો નથી….– અવિનાશ વ્યાસ
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના સંગી વિના, એકલા જવાના…
કાળજાની કેડીએ, કાયા ન સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ન સાથ દે ભલે, છાયા ન સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના… બરકત વિરાણી ‘બેફામ’
ઓઃ
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે….
ઔઃ
ઔર ગાણામાં હોય શું ગાવું.
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
છીછરા નીરમાં હોય શું ન્હાવું
તરવા તો મઝધારે જાવું.
ઐઃ
ઐ શાહજહાં,તારું એ સંગેમરમરનું દર્શન જોઇ લીધું
ને તેં કરાવેલ દૂનિયાને દોલતનું દર્શન જોઇ લીધું;
પણ યાર કબર પર ફૂલો હોય, પત્થર નહીં,
મેં તાજ શું જોયો,તારી અક્કલનું પ્રદર્શન લીધું.
અં
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
ગયા વખતે આપણે કલમ શબ્દ વિશે જાણ્યું. એ અંગે ‘સુરેશદાદા’એ ખૂબ મઝાની વીડિયો મૂકી અને કલમની ઉત્પત્તિ,તેનો ક્રમિક વિકાસ અને એ વિશેનો ઈતિહાસ પણ સમજાવ્યો. મને ખાત્રી છે તમને સૌને ખૂબ આનંદ આવ્યો હશે અને રસ પણ પડ્યો હશે. બરાબર ને? તો ચાલો, હવે કલમ થકી જેના ઉપર અક્ષરો લખાય છે તે ‘કાગળ’ વિશે થોડી વાત કરીએ.
કાગળ શબ્દના જુદા જુદાં સાત-આઠ જેટલા અર્થો થાય. જાણીતા શબ્દકોશો કહે છે તે મુજબ કાગળ એટલે પત્ર,દસ્તાવેજ,એક જાતનું ઝાડ, હૂંડીનો છેલ્લો ભાગ જેના પર લખાય તે, લોન, પત્રિકા, તુમાર, વગેરે. તુમાર એટલે કે લાંબો પત્રવ્યવહાર. હવે આ તો એના બધા અર્થો થયા.
કાગળ શબ્દનું મૂળ શોધતા શોધતા જાણવા મળ્યું કે મુસલમાનો જ્યારે હિંદમાં આવ્યા ત્યારે કાગઝ कागज़ શબ્દ પરથી ગુજરાતીમાં કાગળ શબ્દ દાખલ થયો. પેલું ગીત યાદ આવ્યું? “ કોરા કાગઝ થા યે મન મેરા…લિખ લિયા નામ ઉસ પે તેરા”…એ કાગઝ.. પણ તે પહેલાં મૂળ તો ફારસીમાં શબ્દ હતો “કાગદ”. તે સમયે ચીંથરાઓને કોહાવ્યા બાદ તેને બરાબર મસળતા કે કૂટતા અને તે પછી તેને માવા જેવો લીસો બનાવી સફાઈદાર પતરાં જેવું બનાવતા અને તેના ઉપર લખતા. તે કાગદ. જૂના જમાનામાં તો લોકો તાડપત્ર પર લખતા. જાણવા મળ્યું છે તે મુજબ પહેલવહેલો જાપાન અને ચીનમાં કાગળ બનાવવામાં આવ્યો હતો. જુદા જુદા દેશમાં કાગળ જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.
હા, તો આપણે ફારસી ભાષામાં ‘કાગદ’ શબ્દની વાત કરતા હતા. જો તમે અમદાવાદના હો તો માણેકચોક પાસે કાગદી બજારમાં જરૂર ગયા હશો. ત્યાં ‘કાગદી સોનીવાલા’ને ત્યાંથી જ લોકો વધુમાં વધુ નોટબૂકો ખરીદે. તે હવે સમજાય છે ને?!!
હવે કાગળ અર્થવાળા બીજાં પણ કેટલાક શબ્દો જોઈએ. દા.ત. ટપાલ,ખત,સમાચાર,ચિઠ્ઠી,ચબરખી,વગેરે.. આ ઉપરાંત, કાગળ શબ્દની સાથે ઘણા બધા રૂઢિપ્રયોગો પણ સાંભળવા મળે છે. બરાબર ને? થોડા ઉદાહરણ લઈએ. કાગળિયા કરવા= છૂટાછેડા લેવા, કાગળ ફોડવો.= વાત જાહેર કરી દેવી. કાગળ માંગવો=ભલામણ કરવી. કાગળની હોડીથી દરિયો ન તરાય= કામ પ્રમાણે સાધન વપરાય. કાગળે ચડવું= પ્રસિધ્ધ થવું,ચકચાર થવું.. કાગળની કોથળી=નાજુક વસ્તુ. કાગળિયું કરવું=ન ગમતું કશું થવું. વગેરે વગેરે…
કલમ,કાગળ અને હવે એને લગતો શબ્દ કવિ. સંસ્કૃતમાં क्व् ધાતુ છે તેનો અર્થ થાય જોડવું.. કવિતા જોડનાર કવિ કહેવાય. તે ઉપરાંત શબ્દની વ્યુત્પત્તિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, कु ધાતુ સાથે अच પ્રત્યય इ જોડીને કવિ શબ્દ બન્યો છે તેનો અર્થ થાય છે ‘આકાશ’, સર્વજ્ઞતા’. કવિઓની કલ્પના અગાધ હોય છે, આકાશ જેટલી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
હવે આ કવિઓ જે સુંદર રચના કરે તેને કાવ્ય કહેવાય. કાવ્ય શબ્દ कव् ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. कव् નો અર્થ થાય છે બોલવું. જેમાં કોઈ વિશેષ કથન હોય, બોધ હોય તે જ કાવ્ય કહેવામાં આવે છે. विशेषणं कवनं भवति तत् काव्यम्। જો કે, કાવ્ય અંગે ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. પણ આપણે એ બધી ચર્ચામાં ઊંડા ઉતરતા નથી. એટલું જ જાણી લઈએ કે કવિ શબ્દને સુંદર અને ભાગ્યવાન બનાવે છે, તો શબ્દ કવિને અમર બનાવે છે.
હમણાં એક માધ્યમિક શાળામાં ભણતા છોકરાએ પૂછ્યું કે, ગુજરાતી ભાષા આવી ક્યાંથી? અને આપણે જે બોલીએ છીએ તે અને લખાય છે તેમાં ફેર લાગે છે. તો આ બધું શું છે? આવા સવાલો ખૂબ વ્યાજબી પણ છે અને તેના જવાબો જાણવા જરૂરી પણ છે.
આમ તો વાત બહુ લાંબી છે, કારણ કે એનો એક આખો ઈતિહાસ છે. પણ આજે થોડા શબ્દોમાં આપણે એટલું તો સમજી લઈએ કે, ગુજરાતી ભાષા મૂળ ઈન્ડો-આર્યન કૂળમાંથી છૂટી પડેલી છે. પછી સમયની સાથે સાથે જુદી જુદી રીતે વિક્સેલી છે. પહેલાં વેદોના સમયથી સંસ્કૃત,પછી પ્રાકૃત બની તેમાંથી વળી અપભ્રંશ થતી થતી દરેક પ્રાંત મુજબ જુદી જુદી ભાષા બની. દા.ત. ગુજરાતી,બંગાળી,પંજાબી વગેરે. અને પછી તો ગુજરાતમાં પણ ગામે ગામે બોલી બદલાવા માંડી. કેવી નવાઈની વાત છે ને?
બીજું એ કે ગુજરાત ઉપર દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે અનેક લોકોએ આવીને ચઢાઈ કરી. દા.ત. શક,હૂણ,મુગલ,પારસી,બ્રીટીશ વગેરે. હવે શું થયું કે, આ બધી પ્રજાના લોકોની બોલીની અસર પણ ગુજરાતી ભાષા ઉપર થઈ. તેથી ઘણાં ગુજરાતી શબ્દોના મૂળ ત્યાંથી પણ મળી આવે છે.
આજે આપણે થોડી એવા શબ્દોની વાતો કરીએ. દા.ત.
‘મારે તમને રૂબરૂ મળવું છે.’
આ વાક્યમાં ‘રૂબરૂ’ શબ્દ છે તે મૂળ ફારસી ભાષામાંથી આવેલો શબ્દ.
ફારસીમાં રૂ એટલે ચહેરો. બ એટલે તરફ.
રૂબરૂ એટલે કે ચહેરા તરફ. નજર આગળ, ચહેરાની સામે, હાજર, સમક્ષ, મોંઢામોંઢ, સામસામે, સન્મુખ વગેરે.
હવે મઝાનો આ શબ્દ જુઓ. રૂમાલ. આગળ કહ્યું તેમ ફારસીમાં રૂ એટલે ચહેરો અને માલ એટલે ઘસવું તે !! આમ, રૂમાલનો અર્થ મોં લૂછવાનો કટકો. અને આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઘણીવાર રૂમાલી રોટલી ઓર્ડર કરીએ છીએ ને? તો એના મૂળમાં શું છે, ખબર છે? ફારસીમાં કબૂતરની એક જાતને રૂમાલી કહે છે. હવે કબૂતર તો કેવું ગભરું અને પોચું, નરમ નરમ હોય ને? તો લો, એના પરથી પોચીપોચી અને નરમનરમ ફૂલકા રોટલીનું વિશેષણ આવી ગયું! રૂમાલી રોટલી!
ખરેખર કેવા આશ્ચર્યો અને આનંદભરી આ બધી વાતો અને જાણકારી છે?!!
હવે રૂબ એટલે રજૂઆત. તેના ઉપરથી અરબી શબ્દ ‘રૂબાઈ’ આવ્યો કે જે ફારસી ભાષાની એક પ્રકારની કાવ્ય રચના છે.
બીજો એવો શબ્દ રૂઆબ. રૂઆબ એટલે કે રોફ, ભપકો, ફાંકો,આભિમાન વગેરે. રૂઆબદાર માણસ કહીએ છીએ ને?
વળી અરબી ભાષામાં આવો જ એક ‘રબાબ’ શબ્દ છે તેના ઉપરથી રૂબાબ શબ્દ આવ્યો કે જે એક સારંગી જેવું વાજિંત્રનું નામ બન્યું. મોટે ભાગે ફકીર લોકો એ રાખતા હોય છે.
રશિયાના એક ચાંદીના સિક્કાને રૂબલ કહેવામાં આવે છે.
હા, બીજી એક વાત. દરિયો શબ્દ ફારસી ભાષામાં પણ છે. તેનો અર્થ ખારા પાણીનો મોટો વિસ્તાર થાય છે. ખૂબ જ વિસ્તારવાળું જે કંઈ તે દરિયો. દરિયો કેટલો મોટો છે? દા.ત. દરિયાઈ દિલ એટલે કે, બહુ મોટા મનવાળી વ્યક્તિ. વિશાળ હ્રદય ધરાવતી વ્યક્તિ.
હવે દરિયા અર્થના પણ કેટકેટલા બીજા શબ્દો છે?
સાગર,સમુદ્ર,સિંધુ,જલનિધિ,અબ્ધિ, ઉદધિ,રત્નાકર,અંભોનિધિ,સરિત્પતિ,રત્નાકર વગેરે..
આવતા અંકમાં વધુ વાતો….અલગ અલગ ભાષા અને બોલી અંગે..