કોઇ કહો સૂરજને પાછો વળે October 18, 2008
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
કોઇ કહો સૂરજને પાછો વળે,
મારા કામમાં આવીને કાં આડો પડે ?
ક્યારેક વળી એ તો આંખે નડે !
કોઇ કહો સૂરજને ધીમો તપે…..
હઠીલો ફરતો એ માથે ચડે,
નાજૂક ત્વચા મારી એથી બળે,
વારી વારી મથી ના તો યે ખસે !
કોઇ કહો સૂરજને ધીમો તપે…..
થાકી હારીને જોઉં સાંજે જ્યાં નભે,
અદભૂત ધરી રૂપ દિલને હરે,
ભરીને આંખોમાં માણું, ત્યાં ઢળી પડે !
કોઇ કહો સૂરજને પાછો વળે…..
આલમને રાખીને આખી અંધારે,
જાણે કાળી એક કોટડીમાં પૂરે,
દૂર દૂર પૂરવના દેશે જઇ ઘૂમે !
કોઇ કહો સૂરજને પાછો વળે…….
‘ફ’ ના ફૂલો October 15, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentફાગણમાં ફૂલોની ફોરમ ફરીવાર,
ફળોથી ફાલતી ફસલ ફરીવાર.
ફરીથી ફલકમાં ફેલાતા ફેરફારે,
ફિક્કી ફરસ ફાલતી ફરીવાર.
ફરતો ફરતો ફળિયામાં ફેંટાબાજ,
ફૂલકાને ફૂંકી ફુલાવતો ફરીવાર.
ફક્કડ ફિરંગીની ફોગટ ફરિયાદે,
ફીકરને ફાક્તો ફકીર ફરીવાર.
ફાંકામાં ફુવારે ફુદરડી ફરતા,
ફેંક્યો ફરેબીએ ફટકો ફરીવાર.
ફાગણમાં ફૂલોની ફોરમ ફરીવાર,
ફળોથી ફાલતી ફસલ ફરીવાર.
અક્ષરના આગિયા October 8, 2008
Posted by devikadhruva in : સ્વરચના , add a commentઅંધકારના ઓરડે આવીને વળગે,અક્ષરના આગિયા ફરકે ને ચમકે,
પકડાવી હાથમા કલમ ને કાગળ,ટપટપ ટપકે ને પછી જ અટકે.
આભલે ભમતી જલભરી વાદળી,અવનીને આરે વરસીને જંપતી,
તૃષિત ધરતીને પીવડાવી પ્રેમથી,ગ્રહી ગરમીને પાછી એ વળતી.
ઝાડીથી ઉડતી પક્ષીઓની ટોળકી,વાડ પર બેસીને દાણાને ટાંપતી,
ચાંચેથી ચાંચમાં ખવડાવી નેહથી,હારબંધ ઉડી નિજમાળે જઇ બેસતી.
સ્મૃતિ તો માની રોમરોમ ફરતી,આસપાસ ગોળ ગોળ રોજ રોજ ઘૂમતી,
વીણાના તાર જાણે ઝંકારી દિલમહીં,બની સરસ્વતી સતત એ વહેતી.
‘પ’ની પ્રાર્થના October 2, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentપહેરી પાયલ પનઘટ પર,
પનિહારી પલકે પાંપણ પલપલ,
પાથરી પાનેતરનો પાલવ,
પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ…
પહેરી પટકૂળ પીળું પીતામ્બર,
પવન પગલે પૃથ્વી પથ પર,
પળમાં પહોંચે પ્રભુજી પાદર,
પ્રકૃતિ પામે પ્રચ્છન્ન પગરવ…
પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
પાંખ પ્રસારે પંખી પિંજર,
પનિહારી પામે પૈગામ પટપટ,
પહોંચી પામે પ્રીત પરબ પર…
પહેરી પાયલ પનઘટ પર,
પામે પાવન પ્રસાદ પલપલ,
પાડે પડઘા પરવત પરવત,
પનિહારી પ્રાર્થે પ્રભુને પલપલ….
**************** **************** ****************
પદ્મનાભ: પ્રભુ પાવન,પવિત્રાણામ પરમ પિતા,
પુષ્કરાક્ષ:પ્રાણદો પ્રાણ:,પ્રતિષ્ઠામ પર્યવસ્થિતમ;
પ્રજાભવ: પ્રભુરીશ્વર: પુષ્પહાસ:પ્રજાગર:
પ્રાંશુર્મોઘ: પ્રકાશાત્મા,પૂણ્યકીર્તિ પ્રિયકૃતમ.
**************** **************** ****************
આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ :: September 19, 2008
Posted by devikadhruva in : Uncategorized , add a comment
આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ ::
13મી સપ્ટેમ્બરની એ ભયાનક રાત હતી,રાતની વિકરાળ વાત હતી.આગાહી તો હતી જ કે એ આવનાર છે; છતાં યે જ્યારે એના આગમનનો ઝપાટો શરૂ થયો અને ગતિ તીવ્રતાએ પહોંચી ત્યારે તો લાગ્યું કે,આઇક નામના રાક્ષસે ત્રીજું નેત્ર ખોલ્યું અને પ્રકૃતિ પર તાંડવ ખેલાયું !
700 માઇલના ઘેરાવામાં અને 110 માઇલની ઝડપે મોતની જેમ ઘૂરકિયા કરતો આ રાક્ષસ માતેલા લાખો આખલાઓની જેમ સઘળુ પછાડતો હતો.અંધારી આલમ…મધરાત..માથે છત પર જાણે સેંકડો ભાલા બરછી,તીર,તલવાર,કરવત,કુહાડા,લઇ મહાભારતનું યુધ્ધ થઇ રહ્યું હતું.ક્યારે કોનો ભોગ લેવાશે, કોને ખબર એવી ભયાનકતાની વચ્ચે અવાક રાત રડતી રહી.એક એક સેકંડ યુગો જેવી લાગતી હતી.ટેલીફોનના કનેક્શનો ખોરવાઇ ગયાં,ઇલેક્ટ્રીસીટીના તારો તૂટી ગયાં,મોબાઇલની બેટરી ખતમ થઇ ગઇ પણ આ આતંકવાદીના ખસવાનું કોઇ ચિન્હ નહોતું જણાતું.આકાશ પણ ડૂસ્કે ચઢ્યું હતું.
એવામાં 3.00 વાગ્યાના સુમારે,અચાનક ઘરમાં એક તીણી ચીસ સંભળાઇ.હજારો સળવળતા પ્રશ્નો સાથે અમે અંધારામાં ઉઠી અવાજની દિશા તરફ વળ્યાં.મુખ્ય પ્રવેશદ્વાર ધ્રૂજતું હતું.કાળી મેઘલી રાતે કોણ હશે? મનમાં ચિત્ર ઉભુ થયું મધરાતે માથે ટોપલીમાં બાળકને છુપાવી નીકળેલાં વસુદેવનું !!! પણ ના,નંદ-યશોદા બનવાનુ એ સૌભાગ્ય ન હતું. એ તો રાક્ષસી વાવાઝોડાની 50 માઇલ દૂરની એક ઝલક હતી..બારણામાં નાની-શી તીરાડ કરી અંદર આવી ભરખી જવાનો એનો પ્રયાસ હતો.અમે ચેતી ગયાં અને ફાનસના અજવાળે. વજનદાર ફર્નીચરનો ટેકો મૂકી, હવાબંધ પટ્ટાઓના લેપ કરી જાકારો દઇ શક્યા ! ફરી પાછા ખુલ્લી આંખે,ગાયત્રીના મંત્રો જપતા જપતા પથારીમાં પડ્યાં,તન-મન શેકાતા રહ્યાં.
આખરે સવાર પડી.સૂરજ તો ક્યાંથી દેખાય ? પણ ફરજ પ્રમાણે ,ન જાણે કેવી રીતે વાદળાંઓની વચ્ચેથી પણ એ ઉજાસ ફેંકતો હતો ! આકાશ હજી પણ રડતું હતું…કુદરતના આ કોપે ટેક્સાસમાં તાંડવ ખેલાઇ ગયું,હ્યુસ્ટનમાં હોનારત સર્જાઇ ગઇ. માનવ સર્જિત વીજળી મરી ચૂકી હતી અને એની ચેતના વગર જીવન પણ સ્મશાનવત નિશ્ચેટ બની ગયું..વૃક્ષો મૂળમાંથી ઉખડ્યાં,વાડો તૂટી,બાર્બેક્યુ ગ્રીલ જેવી ભારે વસ્તુઓ પણ પક્ષીની જેમ હવામાં ઉડી જ્યાં-ત્યાં ફેંકાઇ..જાન હાની પણ થઇ… માનવ-હ્ર્દયની એક ખૂબી છે.નૈસર્ગિક આફતોમાં સૌ એકમેકના બની રહે છે.મારું મન આભારવશ વિચારે છે; ભલે મહેનતથી સજાવેલો ફળ-ફૂલનો બાગ ઉજડ્યો છે,પણ જીવન-બાગ અકબંધ છે,સુસજ્જ છે..આજે છઠ્ઠો દિવસ છે,આકાશનું રુદન બંધ છે,વાદળાંઓ વિખરાયાં છે,સૂરજના દર્શન થયાં છે,વૃક્ષો ફરી ટટ્ટાર થવા માંડ્યા છે, વીજળીનો સંચાર થતા,શબવત જીવનમાં પ્રાણ ફૂંકાયો છે.આળસ મરડી સૌ બેઠા થયાં છે.માનવે મરામત કરી કુદરતને હૂંફ આપી છે તો કુદરતે હંમેશ મુજબનો સાથ આપ્યો છે.અંતરમાંથી અવાજ આવે છે :
હરીકેને મઢી’તી સારી રાત,એનું ઢૂંકડુ થયું છે પરભાત રે….
હરીકૃપા થી વીતી સારી રાત, હવે ઉઘડી ગયો છે ઉજાસ રે….
સમય સ્મરણ September 9, 2008
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
વીતેલા દિવસો જીવનના સ્મરણ બનીને રહી ગયાં,
બીડેલા નયનના અવિરત સ્વપ્ન બનીને રહી ગયાં….
આથમતી સંધ્યાએ સૂમસામ ખંડેરોમાં હેલી થઇને,
એકાંતને ભીંજવતો ઇતિહાસ બનીને રહી ગયા..….
વીતેલા પ્રસંગોના કટકે કટકા હાથમાં લેતા,
સમી સાંજના ચમકતા સિતારા બનીને રહી ગયાં…..
કદમ કદમ પર સાથોસાથ ચાલતાં રહીને,
સમયના સંભારણા નાવના હલેસા બનીને રહી ગયાં…..
કાળના મુખમાં કોળિયો બનતા હરપળના ટૂકડા,
રાતના અંધકારમાં આગિયા બનીને રહી ગયાં…..
યુગની મૂઠ્ઠીમાં ઠલવાતા ક્ષણોના પ્રત્યેક કકડા,
દિલ બહેલાવતા પતંગિયા બનીને રહી ગયાં….
‘ધ’ની ધરતી August 29, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
ધોમધખતા ધૂપથી ધીખે,
ધીમી ધીમી ધરા ધીખે,
ધક્ધક્તી ધમનીઓ ધડકે,
ધન-ધાન્યની ધગશ ધરે,
ધૂપસળી-શી ધૂમ્રરેખે,
ધૂન ધ્યેયની ધીરે ધીરે.
ધૂમધડાકે ધેનૂ ધ્રૂજે,
ધસમસતી ધીરજથી ધારે,
ધરણીધરના ધાગે ધાગે,
ધનંજયી ધ્વજ ધીમે ધીમે,
ધન્ય ધન્ય ધરતીને ધાબે,
ધન્ય ધન્ય ધાતાને ધામે.
ધાતા=વિધાતા
શ્રાવણી રોશની August 16, 2008
Posted by devikadhruva in : સ્વરચના , add a commentનવજાત બાળ જોઉં ને ધક ધક, થાય હૈયે શુંશું લખુ;
માસુમ ચહેરો જોઉં ને થાય એકાએક ઇશ્વર લખુ.
પ્રથમ રુદનનો સૂર સાંભળી વિસ્મયનો ભંડાર લખુ,
ઘેરી નિંદનું સ્મિત આહા, બ્રહ્માંડનો આવિષ્કાર લખુ.
નાજુક કોમળ સ્પર્શી હથેળી, નિયતિનો આકાર લખુ,
નિર્દોષ ઉઘડતા નેત્રો નીરખી,સપનાઓ સાકાર લખુ.
પદ્મશો પંપાળી અંગૂઠો, ઇશાનો અજબ ઉપહાર લખુ,
લાગણી બની ગોવાલણી ર્હ્રદયે રચાતો રાસ લખુ.
મનને પકડી કલમમાં આજે, અશનિનો ચમકાર લખુ,
દિલ નિચોવી સમંદર જેટલો પ્રેમ પારાવાર લખુ.
ઉગી સુરખી ભરી આંગણે એક એવી સવાર લખુ,
નવજાત શિશુ જોઇ જોઇ થાય હૈયાનો હાર લખુ.
વિશાલાકાશે ભરી રોશની,પરમેશ્વરને અહોભાવ લખુ,
અડગ અચલ ધ્રુવ-તારકોનો બસ, જયજયકાર લખુ…..
અશનિ=વિજળી
ખુશીની વેદના August 7, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a comment “મેરે વતનકે લોગોં”ના સૂર ગૂંજ્યાં ફરી એક વાર આજે,
કુરબાની ને શહીદીના સ્મરણો સર્યાં ફરી એક વાર આજે.
રુધિરથી લથબથતી નવજવાનોની લાશો નજર સામે,
ને કદી ના રુઝાતા જખમ ઉપસ્યાં ફરી એક વાર આજે.
કેસરિયાં કરતી વિરાંગનાના શોણિતભીનાં દિલ,
ને આઝાદીના ચૂકવેલાં મૂલ સાંભર્યાં ફરી એક વાર આજે.
કોઇના લાડકવાયાનાં બીડાતાં લોચનોની તસ્વીર,
ને કપાળે કંકુ લૂછાતા હાથ સ્મર્યાં ફરી એક વાર આજે.
એક્સઠ વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
‘શાંતિ ક્યાં?‘સવાલ સળગતા જાગ્યાં ફરી એક વાર આજે.
દેશી-વિદેશી દિલમાં વસતા ને વંચાતા ગાંધીજીએ,
આઝાદ દિને,સત્ય-અહિંસા યાદ કર્યા ફરી એક વાર આજે.
વિશ્વ-માનવી બનવા કાજે રહેજે લડતો સ્વયંની સાથે,
સંદેશ ઝંડા સાથે લઇને શૂરા નમ્યાં ફરી એક વાર આજે.
********************************************************************
ઓગષ્ટ મહિનાને અને ભારતની આઝાદીને ઘેરો સંબંધ છે.15મી ઓગષ્ટનો માહોલ હર હિંદુસ્તાનીના દિલમાં જાગ્યા વગર રહેતો નથી..ક્યારેક શૂરવીરોની અપાયેલ આહુતિ યાદ આવતા,સ્વાતંત્ર્યની ખુશીમાં વેદના ટપકે છે;તો ક્યારેક ગુલામીની જંજિરો પછી મળેલી સ્વતંત્રતા, વેદનામાં ખુશી રૂપે નીતરી રહે છે. કદાચ 61 વર્ષ પછી પણ દ્વન્દ્વોભરી વર્તમાન પરિસ્થિતિ આવા મિશ્ર ભાવોનું પરિણામ હશે…
2007ના ઓગષ્ટમાં જે કલમે “વેદનાની ખુશી” વ્યક્ત કરી તે જ કલમ
2008ના ઓગષ્ટમાં આજે…… “ખુશીની વેદના” રૂપે પ્રગટ થઇ રહી છે……..
‘દ’ના દર્શન August 1, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
દુનિયાના દસ્તૂરને દફનાવી દો, દુર્ભાગ્યની દાસ્તાનને દબાવી દો,
દઝાડતા દુર્વચનોને દેશવટો દઇ; દેવાલયના દીવાઓને દિપાવી દો..
દોલતના દુ:ખ,દરદને દફનાવી દો, દામના દસ્તાવેજને દબાવી દો,
દંભના દરેક દરવેશને દંડ દઇ; દિલની દોલતને દિપાવી દો.
દાનવી દુર્મતિને દફનાવી દો, દૈત્યોના દાવાનળને દબાવી દો,
“દુ:ખની દવા દા‘ડા“ની દુવા દઇ ,દૈવના દમામને દિપાવી દો.
દુષ્પ્રાપ્યની દોટને દફનાવી દો, દુર્બુધ્ધિની દખલને દબાવી દો,
દંશતા દરને દક્ષતાથી દાટી દઇ; દ્રષ્ટિની દીર્ઘતાને દિપાવી દો..
દગાબાજીના દળને દફનાવી દો, દુર્વ્યસનના દમનને દબાવી દો,
દુશ્મનની દિવાલોને દિશા દઇ, દોસ્તીના દર્શનથી દિપાવી દો.
દુ:સ્વપ્નના દુહાને દફનાવી દો, દાહક દિલાસાઓને દબાવી દો,
દીન દુ:ખીને દયાના દાન દઇ; દેવીના દામનને દિપાવી દો..
