jump to navigation

તમે એટલા તો વ્યસ્ત ના થાવ June 23, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

 

તમે એટલા તો વ્યસ્ત ના થાવ કે સાવ ભૂલી જાવ,
                                   સખા કેમ ભૂલી જાવ.

સૂરજના કિરણે તમે આવતા વરતાવ,
સન્ધ્યાને  સમે તમે ચાંદો થઇ જાવ,
મળવાની આશે મારી આંખો મીંચાય,
પણ નિષ્ઠુર પ્રિતમ તમે આવો ના પાસ !
એવું કંઇ થાય સખા કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ….

ફળ ફૂલ ખરી ને ખીલી પણ જાય,
પાનખર  પ્રેમભરી ફરી છલકાય,
રોજ રોજ, ક્ષણે ક્ષણ, રૂપ બદલાય,
કુદરત પર પ્યાર ને અમ પર ના વ્હાલ !
એવું કંઇ થાય સખા કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ…..

વગડાની વાટ છે ને વદપક્ષની રાત આ,
દિલડું મૂંઝાય  કહે્તા જીભ અચકાય આ,
મનની મોસમ રોજ જાય મુરઝાય,
અંતરના યામી તોયે રહો અણજાણ !
એવું કંઇ થાય શ્યામ કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ…..

ઝાકળ June 5, 2010

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

 

 

 

રાતની આંખના ઝીલે આંસુ
પુષ્પનું કોમળ પાન,
ઝાકળ એનું નામ દઇને
મલકે માનવ જાત.
મનતરંગને સ્પર્શે ઝાકળ
શબદનો ઉઘડે વાન.
રુપ ધરી કો’ગીત-ગઝલનું
નિખરે સર્જન ભાત.
ગુન ગુન ભંવર અડકી અડકી,
વીંઝે પવનની સાથ.
ડાળને ટેકે બેસી ખુદને
બીડે ફૂલની માંય.
પાંદે ઝુલતું ઝાકળ-મોતી,
ચૂમે ધરાની ધાર.
વળી વળીને વરાળ થઇ,
ઉડે આભને ઘાટ.
ફરી રાતના આંસુ  ઝીલી,
ઝાકળ ઝુલે પાન. 

ધૂમ્મસ May 28, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

 અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                          ચાંદ છૂપાયે.

વરસાદી રાતે આજ અજંપો લાગે,

ધીરેથી સરસરતી કાગળની નૈયાઓ, 

                         યાદો ઉરાડે.

દુનિયાની રીતો આજ અકારી લાગે,

સાચા ને ખોટાના અટપટી ઝુલામાં, 

                        આતમ મૂંઝાયે.

સરિતાને તીરે આજ અટૂલું લાગે,

કંકરથી ઉઠેલ ગોળગોળ વલયમાં,

                        શ્વાસ રુંધાયે.

મંઝિલની રાહે આજ ઘૂંટાતુ લાગે,

સંજોગ-મેઘે ના સોનેરી સૂરજની,

                        ધાર જણાયે.   

અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                        ચાંદ છૂપાયે…

ઝળહળ દીપ May 8, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

                   

                           

ગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****

****************    ******************    **************           

દુહો  —

હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર  ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી  જુઓ છુમકછુમ…
                       અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
                       અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.

ગરબો  — 

દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગટાવ્યા આજ રે,             
                               સુવર્ણ ગુજરાત કેરા…

રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
                              સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી…

મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,                
                              સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી…
  
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે,
                             સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી…

                                                                                                                                                 

                                                                                                                                                     

યાત્રા May 3, 2010

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે,
ગાડી,હોડી કે વિમાન વાટે, સમયની ગાડી ભાગતી ચાલે……..

ચઢે યાત્રીઓ વિવિધ સ્થાને, નિકટ ઘડી બે ઘડી સૌ આવે,
મુકામ આવતા ઉતરી જઇને,
આવજોમીઠી કરીને જાયે,
ત્યારે ગતિ જરા ધીમી કરીને, ફરીથી છુક છુક દોડતી ચાલે.
ચક્ડોળ નામે વર્તુળાકારે, સમયની ગાડી ભાગતી ચાલે…….,

આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે,
હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે  એ સરતી જાયે,
આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે,
ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………

હાંકે હાંકનારો  જ સાચો, સહુ મુસાફર પાર ઉતારે.
ધમ ધમ ઘડીની સાથે સાથે, અંબર કે સમંદરને પંથે,
રંક-રાય યા સંતને રાહે, ધક ધક ગાડી ભાગતી ચાલે.
જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….

તડકો April 2, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
          હૂંફાળા હાથ લઇ હાથમાં,

આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
          સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

આદરી રમત કેવી પકડાપકડીની,
          જાણે ઇશારે સમજીને સાનમાં,

સરતો ને તરતો એ દરશન દઇ દે,
          દૂર કેમે ના જાય પેલાં વાદળા.

વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
          વેગે ફૂંકાયો પાનપાનમાં,

ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
          ધીરે  ધીરે વિખરાયા વરસાદમા.

ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
          ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

ભીની ભીની ક્ષણોને વીણી પકડીને,
          પછી વાગોળી જૂની વાતવાતમાં.

તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
           ભીંજાયા કુદરતના રાગમાં.

સીંગાપોરની લીલોતરી March 9, 2010

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

સીંગાપોરની આ

છમછમતી લીલોતરી;

નગર-પ્રવેશ પૂર્વે જ

આવકારતી આગોતરી……

આભલેથી વર-સાદના

સમૃધ્ધ પ્રેમવારિથી,

છલકતી પ્રેયસી-શી,

ભાવી ગઇ મનને,

સીંગાપોરની આ ધરિત્રી….

જ્યાં હરિણી-શી ઉછળતી,

થનગનતી ઉછરતી,

જીગરના ટૂકડા સમી,

રક્તના વ્હેણ સમી,

દ્વય સુપૌત્રી,

સીંગાપોરની જાણે,

છમછમતી લીલોતરી….

શ્વાસમાં સોડમભરી,

મહેંકતી લીલોતરી…….

કશમકશ February 28, 2010

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

જીવતરની ભરબપોર જેણે વિયોગના તાપમાં વેઠી લીધી છે એવી એક નારીને  ઉગતી સાંજે એક ઝીણી ઝંખના જાગે છે.ઘડીભર એ ચોંકી ઉઠે છે,ખળભળી ઉઠે છે.એનું મનોમંથન “કશમકશ” માં અભિવ્યક્ત થાય છે. 

 ***************                         *****************   

 આયખાને સીવે કોઇ અક્કલની સોયે,તો યે મનખાનો દોર વાળે ગાંઠો,
જાણે જુનું અધૂરું કોઇ પ્રોવે ને ખેંચી રુદિયામાં  પાડે નોખી ભાતો,
       કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ ;
                       
એવી ગોરજ વેળાની આ વાતો……

   પહેરીને બેઠેલી લીલુડી સાડી ને ધરતીને શિર કોનો છાંટો,
  ઝબકી જાગે ને વળી પલળે પલભર, ઝુરે ને તરસે મધરાતો,
          
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
                         
એવી પૃથાના પેટાળની વાતો…….

   પદ્માસન સંયમનુ વાળીને બેઠેલ ઋષિનો રત્તિભર નાતો,
  મેનકાને કેમ કરી વાળે કે ખાળે, એ કશમકશનો કાંટો  !
        
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
                        
એવી આતમની વીંધાતી વાતો…….

February 24, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

કદીક એ સોહામણી લાગે છે,
કદીક એ બિહામણી લાગે છે.

કાલે હસતી હસાવતી આવે,
આજે રડીને રડાવતી લાગે છે.

ક્વચિત પૂનમની ચાંદ-શી લાગે,
ક્વચિત ઉદાસ અમાસ-શી લાગે છે.

ક્યારેક ખુશીનો દરિયો ઉછાળે,
ક્યારેક ગમને વલોવતી લાગે છે.

રીઝે તો ખૂણે ખાંચરેથી શોધતી આવે,
રુઠે તો અકારણ પછાડતી લાગે છે.

જોવી તો છે સદા ખુબસૂરત એને,
પણ રોજ..
જીંદગી ..જુદી જુદી લાગે છે.

પૂછે જો કોઇ એના સર્જનહારને કે,
ચાલે જો સાથે તો તને કેવી લાગે છે ?
!!

હુંફાવી ગયું કોઇ. February 7, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

પાંપણ વચાળે પૂરાતી પ્રેમથી, નિંદરને કાલે,
નસાડી ગયું કોઇ.

ગુમાની મનડાને  ઝીણા-શા જ્વરથી, ધીરેથી કાલે,
હુંફાવી ગયું કોઇ.

વિચારના  આગળાને માર્યાં’તા તાળા,સાંકળ રુદિયાની,
ખોલાવી ગયું કોઇ.

ટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા,ગુલાલ ગાલે,
છંટાવી ગયું કોઇ.

દોરડી વિનાનુ આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે;
બંધાવી ગયું કોઇ.

અંદરથી એક સખી આવીને બહાર કહે,ભીતરને ધીરે
હલાવી ગયું કોઇ.

કહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,
ઝુલાવી ગયું કોઇ.

ઉજાગરા વેઠીને નીરખે મન-દર્પણ,પ્રતિબિંબ નિજનું
બતાવી ગયું કોઇ..

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.