jump to navigation

જતું હોય છે… April 28, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ઘણી વાર ઘણું બધું ગમી જતું હોય છે.

બધી વાર બધું યક્યાં મળી જતું હોય છે ?

 

ચહો કંઈ ને મળે કંઈએવું ઘણું લાગે ને
ન ધારેલું સપન, કદી ફળી જતું હોય છે!

 

નવું જૂનું અને જૂનું નવું થયે જાય છે.
અહીં કોઈ સમયને, ક્યાં કળી જતું હોય છે !

 

જે ચ્હેરો અરીસે હતો સદાતે આજે નથી.
આ દર્પણ બચપણનું મ્હોં, ગળી જતું હોય છે.

 

કદી એવું બને, ભીતર કંઈ ને બ્‍હારે કંઈ,
સત્ય એમ અસત્ય થઈવળી જતું હોય છે.

એ વાત ખોટી છે… April 25, 2019

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%96%e0%ab%8b%e0%aa%9f%e0%ab%80-%e0%aa%9b%e0%ab%87-%e0%ab%a8

હવે સૌને આવડે છે! April 24, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

કોમ્પ્યુટર યુગમાં નવું નાચતા, હવે સૌને આવડે છે!
આંગ્ળીઓના ટેરવે  રાચતા, હવે સૌને આવડે છે!

 

પાટી-પેનને નેવે મૂક્યાં, ડસ્ટર-બસ્ટર  તો હવામાં,
‘કી’ની ક્લીકથી લખતા ભૂંસતા,હવે સૌને આવડે છે!

 

જુનૂ ને જાણીતું સઘળું  નવા આકાર લઈ  રહ્યું છે.
લો, આડી રીતે ઘી કાઢતા, હવે સૌને આવડે છે!

 

ડુંગર ખોદી ઉંદર કાઢે, પ્રખ્યાતિના પહાડ જીતે.
ધીરા ડગથી દ્વારો વાસતા, હવે સૌને આવડે છે!

 

સમજી જા ‘દેવી’, ચેતી જા વહેલી, નહીં તો, અહીં તો,
“કસીનો’ જેવું  રમતા, લૂંટતા, હવે સહુને આવડે છે.

મળતો નથી…. April 23, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી. 

 

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી. 

 

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. 

 

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી. 

 

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!! 

 

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી. 

 

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી!

અલ્લડ આ મેઘ…. April 8, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

મૌન કુદરત કહે શબદને… April 7, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,

                કોમળ કૂણો તડકો વીંટે અંગ અંગ મનભાવન.

નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,

                    વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.

 ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કોગાગર,

                તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર.

નીર નદીના નિર્મલ રાખે અંતરતલને પાવન,

                        પંખી મધુરા ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.

તેજ સમેટી સૂર્ય સૂવાડે દઈને  શ્યામલ ચાદર,

                   પરમ શાંતિ શિર પર જ્યારે ટમકે ટમટમ તારક.

ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,

                     આભ ઝળુંબી ચૂમે ધરાને, ર્પણ જાણે સાગર.

મૌન કુદરત કહે શબદને; નિયતિ છે આવન-જાવન,

                      રૌદ્ર-રમ્ય, કરાલ કોમલ, સઘળું ઝીલશે માનવ?.

‘પળ-અકળ’….. March 18, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

માનનીય કવિ શ્રી યોસેફ મેકવાનના સૌજન્યથી અને શ્રીમતી રેખા કમલ મહેતા તરફથી મળેલ તસ્વીર..આનંદપૂર્વક..
‘કુમાર’-માર્ચ ૨૦૧૯માં પ્રગટ થયેલ સ્વરચના..

‘પળ-અકળ’…..

રંગપર્વ… March 17, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

યાદ આવે…. March 15, 2019

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.

 

આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું  કે, મારા મનમાં ખરતા પાન આવે.

 

હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.

 

રોજ કાગળ-પેન લઈ  શાંતિથી ને ધીરે ધીરે,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.

 

ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં એ ઉપર ગઈ!
ને ‘છે’માંથી તો ‘હતી’ થઈ ગઈ, મા તુજ વિણ તાણ આવે.

 

‘પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા,આપતી તું
હર પલે ઝંખુ  કે આ દિલે  સતત એ ગાન આવે.

 

માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચનો મહિનો ફરે ને મા,  મને બહુ યાદ આવે.

 

ઈ-વિદ્યાલય-૬ March 14, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 (૬)

ગયા વખતે આપણે કલમ શબ્દ વિશે જાણ્યું. એ અંગે ‘સુરેશદાદા’એ ખૂબ મઝાની વીડિયો મૂકી અને  કલમની ઉત્પત્તિ,તેનો ક્રમિક વિકાસ અને એ વિશેનો ઈતિહાસ પણ સમજાવ્યો.  મને ખાત્રી છે તમને સૌને ખૂબ આનંદ આવ્યો હશે અને રસ પણ પડ્યો હશે. બરાબર ને? તો ચાલો, હવે કલમ થકી જેના ઉપર અક્ષરો લખાય છે તે ‘કાગળ’ વિશે થોડી વાત કરીએ.

કાગળ શબ્દના જુદા જુદાં સાત-આઠ જેટલા અર્થો થાય. જાણીતા શબ્દકોશો કહે છે તે મુજબ કાગળ એટલે પત્ર,દસ્તાવેજ,એક જાતનું ઝાડ, હૂંડીનો છેલ્લો ભાગ જેના પર લખાય તે, લોન, પત્રિકા, તુમાર, વગેરે. તુમાર એટલે કે લાંબો પત્રવ્યવહાર. હવે આ તો એના બધા અર્થો થયા.

કાગળ શબ્દનું મૂળ શોધતા શોધતા જાણવા મળ્યું કે મુસલમાનો જ્યારે હિંદમાં આવ્યા ત્યારે કાગઝ कागज़ શબ્દ પરથી ગુજરાતીમાં કાગળ શબ્દ દાખલ થયો.  પેલું ગીત યાદ આવ્યું?
“ કોરા કાગઝ થા યે મન મેરા…લિખ લિયા નામ ઉસ પે તેરા”…એ કાગઝ.. પણ તે પહેલાં મૂળ તો ફારસીમાં શબ્દ હતો  “કાગદ”.  તે સમયે ચીંથરાઓને કોહાવ્યા બાદ તેને બરાબર મસળતા કે કૂટતા અને તે પછી તેને માવા જેવો લીસો બનાવી સફાઈદાર પતરાં જેવું બનાવતા અને તેના ઉપર લખતા. તે કાગદ. જૂના જમાનામાં તો લોકો તાડપત્ર પર લખતા. જાણવા મળ્યું છે તે મુજબ પહેલવહેલો જાપાન અને ચીનમાં કાગળ બનાવવામાં આવ્યો હતો. જુદા જુદા દેશમાં કાગળ જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.

હા, તો આપણે ફારસી ભાષામાં ‘કાગદ’ શબ્દની વાત કરતા હતા. જો તમે અમદાવાદના હો તો માણેકચોક પાસે કાગદી બજારમાં જરૂર ગયા હશો. ત્યાં ‘કાગદી સોનીવાલા’ને  ત્યાંથી જ  લોકો વધુમાં વધુ નોટબૂકો ખરીદે. તે હવે સમજાય છે ને?!!

હવે કાગળ અર્થવાળા બીજાં પણ કેટલાક શબ્દો જોઈએ. દા.ત. ટપાલ,ખત,સમાચાર,ચિઠ્ઠી,ચબરખી,વગેરે.. આ ઉપરાંત, કાગળ શબ્દની સાથે ઘણા બધા રૂઢિપ્રયોગો પણ સાંભળવા મળે છે. બરાબર ને?  થોડા ઉદાહરણ લઈએ.
કાગળિયા કરવા= છૂટાછેડા લેવા,
કાગળ ફોડવો.= વાત જાહેર કરી દેવી.
કાગળ માંગવો=ભલામણ કરવી.
કાગળની હોડીથી દરિયો ન તરાય= કામ પ્રમાણે સાધન વપરાય.
કાગળે ચડવું= પ્રસિધ્ધ થવું,ચકચાર થવું..
કાગળની કોથળી=નાજુક વસ્તુ.
કાગળિયું કરવું=ન ગમતું કશું થવું. વગેરે વગેરે…

કલમ,કાગળ અને હવે એને લગતો શબ્દ કવિ. સંસ્કૃતમાં  क्व् ધાતુ છે તેનો અર્થ થાય જોડવું.. કવિતા જોડનાર કવિ કહેવાય. તે ઉપરાંત શબ્દની વ્યુત્પત્તિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, कु ધાતુ સાથે अच પ્રત્યય इ જોડીને કવિ શબ્દ બન્યો છે તેનો અર્થ થાય છે ‘આકાશ’, સર્વજ્ઞતા’. કવિઓની કલ્પના અગાધ હોય છે, આકાશ જેટલી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.

હવે આ કવિઓ જે સુંદર રચના કરે તેને કાવ્ય કહેવાય. કાવ્ય શબ્દ कव् ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. कव् નો અર્થ થાય છે બોલવું. જેમાં કોઈ વિશેષ કથન હોય, બોધ હોય તે જ કાવ્ય કહેવામાં આવે છે. विशेषणं कवनं भवति तत् काव्यम्।  જો કે, કાવ્ય અંગે ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. પણ આપણે એ બધી ચર્ચામાં ઊંડા ઉતરતા નથી. એટલું જ જાણી લઈએ કે  કવિ શબ્દને  સુંદર અને ભાગ્યવાન બનાવે છે, તો શબ્દ કવિને અમર બનાવે છે.

અસ્તુ.

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help