સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠકનો અહેવાલ October 4, 2023
Posted by devikadhruva in : લેખ , trackbackગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત કવિ ડૉ. વિનોદ જોશીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું..
સૌથી પ્રથમ સાંજના ચાર ને દસ મિનિટે પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે સૌનું સ્વાગત કર્યું, જરૂરી સૂચનાઓ અને માહિતી આપીને સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રીમતી મીના પારેખને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. મા શારદાની સુંદર પ્રાર્થના બાદ કાર્યક્રમના ‘સ્પોન્સર્સ’દ્વારા આમંત્રિત કવિશ્રીનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારબાદ શ્રીમતી દેવિકા ધ્રુવે આજના મંચને કવિતાના તીર્થધામ તરીકે બિરદાવી “આજની ઘડી રળિયામણી” કહી પ્રારંભ કર્યો. તેમણે કાવ્યમય શૈલી થકી કવિ ડો.વિનોદ જોશીની જ લખેલ પંક્તિઓ દ્વારા કવિશ્રીની કલમનો સંક્ષિપ્તમાં પરિચય આપી સભાજનોને સવિશેષ માહિતગાર કર્યા. તે પછી સંસ્થાના પ્રથમ ૧૫ વર્ષના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક ભેટ ધર્યું અને કવિનાં ગીતોની ઝલક દર્શાવવા માટે શ્રીમતી ભાવના દેસાઈને આમંત્રણ આપ્યું. તેમણે મધુર કંઠે “ કચકડાંની ચૂડી રે, મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ? સપનાનું સાંબેલું લઈને, ઉજાગરાને ખાંડું રે! સહિયર શું કરીએ?” અને
“સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો,હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં……એમ બે ગીતો ગાઈ સંભળાવ્યાં. વાતાવરણમાં કવિનાં ગીતોનો, લયનો અને શબ્દોનો રંગ રેલાવા માંડ્યો.
ગીતોની રમઝટ પછી પ્રમુખે સભાનો દોર ડો.શ્રી વિનોદ જોશીને સોંપ્યો. શરૂઆતમાં તેમણે શબ્દ સાથેનો પોતાનો નાતો, શબ્દનો મહિમા, નારીભાવની કવિતા વગેરે અંગે સ્પષ્ટતાભરી સમજૂતી આપી, સર્જનપ્રક્રિયા દર્શાવી અને નરસિંહ મહેતાનો ઉલ્લેખ પણ કર્યો. તે ઉપરાંત પોતાનું ગામ, બાળપણ, ગામમાં કરેલાં કામો, પારિવારિક વારસો વગેરે સંભારણાં રજૂ કરતા ગયા; તે સાથે જ સભામાં સાહિત્યિક રંગો ઘેરા થતા ગયા. તે પછી કવિતાઓની શરૂઆત કરતાં પહેલાં, પ્રથમ તેમની લાક્ષણિક ઢબે સરસ્વતીની પ્રાર્થના આરંભી કે “વીજળીયું વેડીને લેખણ કીધી, સરસ્વતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો… ને પછી તો એક પછી એક કવિતાઓની રજૂઆત થતી ગઈ. નારી સંવેદનાનાં જાણીતાં ગીતો ઉપરાંત નવા કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ની કેટલીક રચનાઓ પણ સંભળાવી. ખૂબ લોકપ્રિય થઈ ગયેલ ગીતો જેવાં કે, (૧) ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી (૨) તું મીઢળ જેવો કઠણ ને હું નમણી નાડીછડી (૩) તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી (૪) પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું? અને (૫) ભારે ઉતાવળા.. વગેરે કવિતાઓને શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.
કેટલાંક ગીતો ગાઈને રજૂ કર્યા અને કેટલાંક ગીતોનું પઠન કર્યું. વાતાવરણ કવિતામય બનતું જતું હતું. તે પછી સોનેટ,અછાંદસ અને દીર્ઘકાવ્યના રચયિતા આ કવિએ વળાંક લીધો અને થોડી જુદા ભાવની કવિતાઓ એના મર્મ સાથે પ્રસ્તુત કરી. જેમકે, ‘ઝાડ એકલું અમથુંઅમથું જાગે’ અને વાવાઝોડાનું વર્ણન કરતું, પૃથ્વી છંદમા રચેલું “ECSTASY” ‘ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમા સોંસરી, ખચાક ખચખચ્ ચીરી’… જેવાં ગર્જનાત્મક શબ્દોયુક્ત કાવ્ય પણ સુપેરે સંભળાવ્યું.
ત્યારબાદ સભામાંથી અષ્ટનાયિકાનો પ્રસ્તાવ થયો અને કવિએ થોડી અષ્ટનાયિકા, જેવી કે, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, સ્વાધીનભર્તૃકા,ખંડિતા વગેરે વિશે વાત કરી અને તેમાંની એક ‘કલહાંતરિતા’ની કવિતા ‘મુજથી સહ્યું ન જાય, આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય’ રજૂ કરી. તે પછી વિનોદભાઈએ ખૂબ લોકપ્રિય બનેલ ‘સૈરંધ્રી’ વિશે સમજૂતી આપી કહ્યું કે, સ્વયંને છુપાવીને, પોતે એક રાણી હોવા છતાં, બીજા દેશની રાણીની દાસી બનીને રહેતી દ્રૌપદીની માનસિકતા, એની વિડંબના વિશેની એમાં વાત છે. આમ જુઓ તો માનવી પોતે જે કંઈ છે તેનાથી જગતને જુદો બતાવતો હોય છે. તો એ કાયમી અજ્ઞાતવાસ જ છે; એટલે કે, અંગત વિશ્વની વિડંબનાનું એ એક રૂપક છે! એમ જણાવી સૈરંધ્રીનો એક અંશ વાંચી સંભળાવ્યો.
આમ કવિતાનાં જુદાંજુદાં પરિમાણોનું સુંદર આચમન થયું. જો કે, વચમાં એકવાર ફરીથી નારી સંવેદનાનાં કાવ્યો આવતાં જતાં હતાં! જેમ કે, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ’, ‘જો આ રીતે મળવાનું નહિ’, ‘ મારા ઘરમાં તારો દીવો, તારા ઘરમાં મારો’, ‘મુંબઈ સમાચાર વાંચે મારો સાહ્યબો અને ‘ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું’ વગેરે. ત્યારબાદ છેલ્લે, ‘આ માછલી તો આવે પણ માછલીની ભેળો આ દરિયો પણ આવે છે, એ દખ’ કાવ્ય સંભળાવી તેમના ટૂંકા વક્તવ્ય સાથે સમાપન કર્યું. આમ, ભાવજગતમાં તલ્લીન થયેલ સૌ સભાજનોએ ઊભાં થઈ અવિરત તાળીઓની ગૂંજથી કવિ શ્રી વિનોદ જોશીનું સ્નેહપૂર્વક અભિવાદન કર્યું.
Comments»
no comments yet - be the first?