jump to navigation

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ.. February 20, 2024

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ટેક્સાસ પ્રસ્તુત કરે છે…

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ…

“વાત થોડી અંગત…સાહિત્યની સંગત”

પ્રતિભા પરિચયઃ આલેખન રાજુલ કૌશિક December 7, 2023

Posted by devikadhruva in : લેખ , add a comment

પ્રતિભા પરિચય-દેવિકા ધ્રુવ

  આલેખનઃ રાજુલ કૌશિક –

‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત લેખ. સૌજન્ય તંત્રી:શ્રી અંકિત ચૌધરી.

સહ તંત્રી:ભારતી ભંડેરી

પ્રતિભા પરિચય- દેવિકા ધ્રુવ

‘રોજ રોજ ઊડું છું તરંગની પાંખે

ને દૂર દૂર જોઉં છું વિશ્વની આંખે

શબ્દોના કુંડાંમાં ભાવોના રંગ ભરી,

પીંછી બોળું ને ચીતરાતી એક પરી’

એવું કહેતાં બહુઆયામી લેખિકા દેવિકા ધ્રુવ જ્યારે મ્યુનિસિપાલિટીના દીવા નીચે બેસીને વાંચતાં હશે ત્યારે એમણે અંતરથી તરંગની પાંખે ઉડવાનું અને શબ્દોનાં કુંડાંમાં ભાવોના રંગ ભરી કાલ્પનિક પરી ચીતરવાનું સપનું જરૂર જોયું જ હશે.

બહુઆયામી લેખિકા તરીકે પરિચય આપવાનું મન થાય એટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન દેવિકા ધ્રુવના નામે બોલે છે.

નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ રહેવાની સાથે શાળામાં વકૃત્વ સ્પર્ધા, નૃત્ય- નાટકની પ્રવૃત્તિમાં આગળ પડતાં દેવિકા ધ્રુવને નાનપણથી જ શેર, શાયરીમાં રસ પડવા માંડ્યો હતો. પંદર વર્ષે લખેલી પહેલી કવિતા પછી તો કેટલાય ગીતો, ગઝલ, છંદબદ્ધ અને અછાંદસ રચનાઓ ગુજરાતી સાહિત્યને આપ્યાં છે.

ભૂડાસણ જેવાં નાનાં ગામમાં ૧૯૪૮માં જન્મ. થોડીક આર્થિક વિટંબણાઓ વચ્ચે બાળપણ વીત્યું પણ અંદરનું અને અંતરનું જે ઓજસ હતું એ હંમેશાં ઝળકતું રહ્યું. ૧૯૬૪માં S.S.C.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં પછી B.A.માં પ્રથમ વર્ગની સાથે સોમૈયા ગોલ્ડ મેડલ અને અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કર્યાં. પ્રથમ આવવું એ જ એમની ખાસિયત છે. કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યાં પછી કૉલેજની ઈતર પ્રવૃત્તિમાં નાટક, સંસ્કૃત ભાષાનાં વકતવ્યમાં પણ સતત ઈનામો જીતતાં રહ્યાં. સવારની કૉલેજની સાથે બપોરે ટ્યુશન, ટાઇપિંગ જેવી પાર્ટ ટાઇમ જોબ કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં જોડાયાં.

૧૯૭૧માં જાણીતા રણજી ટ્રોફી પ્લેયર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન, ૧૯૮૦માં અમેરિકા કાયમી વસવાટ, ૧૯૮૦થી ૨૦૦૩ સુધી ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં જોબ, ૨૦૦૩માં હ્યુસ્ટન સ્થળાંતર. જો કે શબ્દોમાં લખવા જેટલી સરળતાથી અમેરિકામાં ગોઠવાવું સરળ નહોતું. નવો દેશ, નવું વાતાવરણ, નવી સંસ્કૃતિની સાથે તાલમેલ જાળવવાં સંઘર્ષ પણ વેઠ્યો છતાં આ સમગ્ર સમય દરમ્યાન સાહિત્ય વિસરાયું નહોતું.

૨૦૦૩માં હ્યુસ્ટન સ્થાયી થયાં પછી એમની સાહિત્યિક પ્રવૃત્તિને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નું પ્લેટફોર્મ મળ્યું. સાહિત્ય સર્જનને વેગ મળ્યો. દેવિકાબહેને આજ સુધી જે મેળવ્યું એ એમણે અનેક રીતે પાછું વાળ્યું છે. ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ને ફક્ત હ્યુસ્ટન સુધી સીમિત ન રાખતાં વિશ્વભરમાં એની ખ્યાતિ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આમંત્રિત મહેમાન લેખકો, કવિમિત્રો વિશે માહિતી એકઠી કરીને દેવિકાબહેને ઈબુક બનાવી. આ ઈબુકમાં ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ની પ્રવૃત્તિનો ઈતિહાસ સચવાયો છે. હ્યુસ્ટનના લેખકો, કવિઓ માટે દેવિકાબહેન લખવાનું પ્રેરકબળ બન્યાં છે. દેવિકાબહેને છંદ બંધારણની ઓળખ વિશે યોગ્ય માર્ગદર્શન આપીને સભ્યોને વધુ લખવા પ્રોત્સાહિત કર્યાં છે.

આ સાથે ગુર્જરી, નવનીત સમર્પણ, કવિલોક, ફીલિંગ્સ, ગુજરાત દર્પણ, ફીલિંગ્સ, ઓપિનીયન, કુમાર જેવાં સામયિકોમાં દેવિકા ધ્રુવની રચનાઓ પ્રકાશિત થતી રહી છે.

ગીત, ગઝલને અનુરૂપ એવા ટહુકો, અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા બ્લોગમાં એમની પદ્ય રચનાને આવકાર મળ્યો. પ્રિન્ટ મીડિયા સુધી એમની રચનાઓ સીમિત ન રહેતાં ડલાસ રેડિયો, આઝાદ, લંડન સંસ્કાર રેડિયોની સાથે લોકલ રેડિયો સ્ટેશનની જેમ યુટ્યુબ પર પણ એમની રચનાઓ ગુંજતી થઈ.

ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ, સ્વરસેતુ, બુધસભા, કેલીફોર્નિયા, યુનિ.ઓફ ફ્લોરીડા, ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ. કે. વગેરેનાં પ્રસારણમાં પણ દેવિકા ધ્રુવ ઝળકતાં રહ્યાં છે. લંડન, આંતરરાષ્ટ્રીય જુઈ મેળા જેવા અનેક કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહીને સ્વ-પ્રતિભા પરિચય કરાવ્યો છે. ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’ વગેરે સ્થળે કાવ્યપઠન કર્યું છે. દેવિકાબહેનની ૨૫ જેટલી રચનાઓને જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે.

દેવિકા બહેન પોતાનો પરિચય આપતાં કહે છે કે,

“નામ મારું દેવિકા હું છું શબ્દ-સેવિકા.”

૧૯૪૮થી માંડીને વર્તમાન ૨૦૨૩ સુધીમાં કેટલાય આવાસ બદલ્યાં હશે પણ હંમેશ માટે એમનાં સર્જનનું સરનામું તો એક જ રહ્યું ‘પોએટ કોર્નર’.

આવાસ બદલાયા એની સાથે વાતાવરણ બદલાયું હશે પણ અંતરથી એમનો નાતો પ્રકૃતિ અને પરમ સાથે રહ્યો. આવાસ બદલાયા એની સાથે સંસ્કૃતિ, સાથીઓ કે પાડોશી બદલાયા હશે, પણ દિલનો અતૂટ નાતો તો કવિઓ સાથે જ રહ્યો.

સમય અને સ્થળાંતર સાથેની દોડમાં ક્યારેક સારાનરસા અનુભવ થયા હશે, સાચાખોટા માણસો સાથે મુલાકાત થઈ હશે, ખટમધુરી યાદોની સાથે મન ચચરી જાય એવી યાદો પણ આ સફર દરમ્યાન ઉમેરાતી ગઈ હશે અને એમાંથી જ સ્ફૂરી હશે આ પંક્તિઓ…..

‘કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો…

ભર્યા ઠાલા અને પોલા છે અર્થો શબ્દ-કોષોમાં
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો’

દેવિકાબહેને મનની ઊર્મિઓ, હૃદયના ભાવો, પ્રસંગો, તહેવારો પર અનેક રચનાઓ આપી છે. એમની રચનાઓમાં નાવિન્ય છે. સૌ જ્યારે કૃષ્ણજન્મ ઉજવતાં હોય ત્યારે એમનાં દિલને દેવકીનો વલોપાત વ્યથિત કરતો હોય. સાત સાત બાળકોની કંસના હાથે હત્યા થઈ હોય એ માતાનાં હૃદયમાં આઠમા બાળકના જન્મ સમયે જે ભય,આતંકનો ઓળો ઝળુંબતો હોય ત્યારે જે ભાવ ઉદ્ભવે એ ભાવની કલ્પના માત્રથી જન્માષ્ટમી નિમિત્તે લખાય એક સાવ અનોખી રચના.

“શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો,

જન્મીને જ જવાને આવ્યો જ શાને?“

દેવિકા ધ્રુવ જિંદગીને વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો કહે છે. જિંદગી એક વર્તુળાકાર ગતિ છે જેમાં હારજીત તો છે જ નહીં. આ ક્ષણે યાદ આવે છે કવિ આનંદ બક્ષીએ લખેલું એક ગીત,

“ये न सोचो इस मे अपनी हार है के जीत है

इसे अपना लो जो जीवन की रीत है”.

કેટલું સામ્ય છે બંને ભાવ અભિવ્યક્તિમાં?

દેવિકાબહેનનાં બીજા એક પાસા વિશે વાત કરવી છે. એ સ્વલિખિત રચનાઓ સુધી સીમિત રહેવાનાં બદલે એ અન્યની રચનાઓમાં પ્રગટ થતા ભાવ, સૌંદર્યને જાણે છે, માણે છે અને વાચકો, ભાવકોને એ ગીત, ગઝલનો સુંદર કાવ્યમય આસ્વાદ કરાવે છે.

શબ્દારંભે અક્ષર એક ‘શબ્દોના પાલવડે’ પુસ્તક પ્રગટ કર્યું જેને એ માનસિક વ્યાયામ કહે છે પણ ‘શબ્દોના પાલવડે’ વાંચીએ તો સમજાય કે, સાચે જ એમનાં માટે એ કેટલો કપરો વ્યાયામ રહ્યો હશે. બારાખડીના દરેક અક્ષર પરથી એમણે કાવ્યો રચ્યાં છે. એ કાવ્યોની કડીઓમાં પણ શબ્દની શરૂઆત એક જ અક્ષરથી કરી છે. જેમકે,

આવો આવો આંગણે આજે, આવકારીએ આદિત્યનાં આગમનને આજે.

અમાસનાં અંધકારને ઓગાળતા, આરોગ્યને આશાઓને અજવાસતા…”

આ તો માત્ર એક જ રચના છે પણ કલ્પના કરીએ કે ખ,છ,ઝ, ટ, ઠ, ઢ, ળ, ણ, ક્ષ કે જ્ઞ પરથી રચના કરવી હોય તો એના માટે પ્રાસ બેસાડવાની કેવી અને કેટલી મથામણ કરી હશે!

પ્રસ્તુત છે એવા અક્ષર -ઢ અને ઉ- પરની રચના,

‘ઢ’પરની

‘ઢોલિયો ઢાળી ઢોલીએ,

ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.’

ઉ’ પરથી

‘ઉગમણેથી ઉષા ઉતરે,

ઊંચે ઊંચે ઉદધિ ઉછળે,

ઉમંગના ઉમળકા ઉમટે,

ઊર્ધ્વસ્થિત ઉમાપતિના’

શબ્દારંભે અક્ષર એક’ સાવ અનોખું કહી શકાય એવું પ્રકાશન છે. એ ઉપરાંત અન્ય પ્રકાશિત પુસ્તકો છે, જેમાં કવયિત્રી, ગઝલકાર, લેખિકા દેવિકા ધ્રુવની રચનાઓ જ નહીં ખુદ દેવિકા ધ્રુવ આવીને મળે છે.

વાત કરીએ દેવિકા ધ્રુવનાં સાહિત્ય સર્જન વિષે …

૧- શબ્દોના પાલવડે- ૨૦૦૯

૨- અક્ષરને અજવાળે- (ગીત અને છંદોબદ્ધ ગઝલનો સમાવેશ.) ઈબુક-૨૦૧૩

૩- ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક- ઈબુક -૨૦૧૫

૪- Glimpses into a Legacy of Dhruva Family. eBook in English-2016

૫-Maa- Banker Family- eBook in English 2017

૬- કલમને કરતાલે (ગીત, ગઝલ અને અછાંદસ કવિતાઓનો ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત સંગ્રહ-૨૦૧૭

૭- ‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીને- ડૉ. બળવંતભાઈ જાની દ્વારા ૨૦૧૬-૧૭માં ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ Glow From Western Shores (july 10, 2020) નામે પ્રસિદ્ધ થયો છે.

૮- Glow From Western Shores: July 10, 2020

૯- પત્રોત્સવ- ‘ગૂર્જર’ દ્વારા પ્રકાશિત પત્રશ્રેણી (સંપાદકઃ દેવિકા ધ્રુવ, પ્રીતિ સેનગુપ્તા, જુગલકિશોર વ્યાસ, રાજુલ કૌશિક)

૧૦- From There to Here.. સ્મરણની શેરીમાંથી ઈબુક ( અંગ્રેજી અને ગુજરાતીમાં)

૧૧- નિત્યનીશી- ઈબુક ( સંપાદકોઃ જુગલકિશોર વ્યાસ, પ્રીતિ શાહ-સેનગુપ્તા, દેવિકા ધ્રુવ, નયના પટેલ, રાજુલ કૌશિક)

આ ઉપરાંત વર્તમાનમાં વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્ય અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં દેવિકાબહેન સન્માનિત સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.

દેવિકા ધ્રુવને વધુ જાણવા હોય, વધુ ઓળખવા હોય તો એમનાં અનેક ગીત, ગઝલ, કાવ્યોની સાથે ગદ્ય સર્જન જ્યાં મુકાયું છે એ ભાવવિશ્વ https://devikadhruva.wordpress.com ની મુલાકાત લેવી ઘટે.

આલેખનઃ રાજુલ કૌશિક —

‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો November 27, 2023

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો

રાજુલબહેન કૌશિક અને કૌશિકભાઈ શાહના સ્નેહ અને સૌજન્યથી મળેલ પુરસ્કાર સમુ સુખદ આશ્ચર્ય.

From Sahitya Sangeet Nu Vishwa by Rajul Kaushik..

“શબ્દારંભે અક્ષર એક…દેવિકા ધ્રુવ અને સંગીતા ધારિયા .

‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ .

દેવિકા રાહુલ ધ્રુવના શબ્દો, સ્વર અને સંગીત ધારિયાના મધુર કંઠે ગવાયેલી રચનાઓનો આનંદ અનેરો માણીએ.

જુલાઈથી ઑક્ટોબર..

અષાઢથી આસો..

ચાતુર્માસની તીર્થયાત્રા.

કક્કાના મૂળાક્ષરો સાથે એક મઝાનો પ્રવાસ..

એક રોમાંચક અનુભૂતિ ઈ -બુક અને વિડીયો સ્વરૂપે માણો .

ઈ બુક :👇

https://drive.google.com/…/104sCREmo1u0MYKSy7GI…/view…

વિડીયો :👇 Devika Dhruva: ‘ક’થી’જ્ઞ’ની સંપૂર્ણ સફરઃ

‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ના ઍડમિન / મૉડરેટર અને સભ્યો તરફથી ખોબલો ભરીને દેવિકાબહેન તથા સંગીતાબહેનને અભિનંદન. 💐💐

રાજુલ કૌશિક

સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠકનો અહેવાલ October 4, 2023

Posted by devikadhruva in : લેખ , add a comment

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ  “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત કવિ ડૉ. વિનોદ જોશીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું..

  

સૌથી પ્રથમ સાંજના ચાર ને દસ મિનિટે પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે  સૌનું સ્વાગત કર્યું, જરૂરી સૂચનાઓ અને માહિતી આપીને સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રીમતી મીના પારેખને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. મા શારદાની  સુંદર પ્રાર્થના બાદ કાર્યક્રમના ‘સ્પોન્સર્સ’દ્વારા આમંત્રિત કવિશ્રીનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું.

    

ત્યારબાદ  શ્રીમતી દેવિકા ધ્રુવે આજના મંચને કવિતાના તીર્થધામ તરીકે બિરદાવી “આજની ઘડી રળિયામણી” કહી પ્રારંભ કર્યો.  તેમણે કાવ્યમય શૈલી થકી કવિ ડો.વિનોદ જોશીની જ લખેલ પંક્તિઓ દ્વારા કવિશ્રીની કલમનો સંક્ષિપ્તમાં પરિચય આપી સભાજનોને સવિશેષ માહિતગાર કર્યા.  તે પછી સંસ્થાના પ્રથમ ૧૫ વર્ષના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક ભેટ ધર્યું અને કવિનાં ગીતોની ઝલક દર્શાવવા માટે શ્રીમતી ભાવના દેસાઈને આમંત્રણ આપ્યું.  તેમણે મધુર કંઠે “ કચકડાંની ચૂડી રે, મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ? સપનાનું સાંબેલું લઈને, ઉજાગરાને ખાંડું રે! સહિયર શું કરીએ?” અને
“સખી! મારો સાહ્યબો સૂતો 
ફળીયે ઢાળી ઢોલિયો,હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં……એમ બે ગીતો ગાઈ સંભળાવ્યાં. વાતાવરણમાં  કવિનાં ગીતોનો, લયનો અને શબ્દોનો  રંગ રેલાવા માંડ્યો.

      

ગીતોની રમઝટ પછી પ્રમુખે સભાનો દોર ડો.શ્રી વિનોદ જોશીને સોંપ્યો. શરૂઆતમાં તેમણે શબ્દ સાથેનો પોતાનો નાતો, શબ્દનો મહિમા, નારીભાવની કવિતા વગેરે અંગે સ્પષ્ટતાભરી સમજૂતી આપી, સર્જનપ્રક્રિયા દર્શાવી અને નરસિંહ મહેતાનો ઉલ્લેખ પણ કર્યો. તે ઉપરાંત પોતાનું ગામ, બાળપણ, ગામમાં કરેલાં કામો, પારિવારિક વારસો વગેરે સંભારણાં રજૂ કરતા ગયા; તે સાથે જ સભામાં સાહિત્યિક રંગો ઘેરા થતા ગયા. તે પછી  કવિતાઓની શરૂઆત કરતાં પહેલાં, પ્રથમ તેમની લાક્ષણિક ઢબે સરસ્વતીની પ્રાર્થના આરંભી કે “વીજળીયું વેડીને લેખણ કીધી, સરસ્વતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો… ને પછી તો એક પછી એક કવિતાઓની રજૂઆત થતી ગઈ. નારી સંવેદનાનાં  જાણીતાં ગીતો ઉપરાંત  નવા કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ની કેટલીક રચનાઓ પણ સંભળાવી. ખૂબ લોકપ્રિય થઈ ગયેલ ગીતો જેવાં કે, (૧) ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી (૨) તું મીઢળ જેવો કઠણ ને હું નમણી નાડીછડી (૩) તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી  (૪) પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું? અને (૫) ભારે ઉતાવળા.. વગેરે કવિતાઓને શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.


કેટલાંક ગીતો ગાઈને રજૂ કર્યા અને કેટલાંક ગીતોનું પઠન કર્યું. વાતાવરણ કવિતામય બનતું જતું હતું.  તે પછી સોનેટ,અછાંદસ અને દીર્ઘકાવ્યના રચયિતા આ કવિએ વળાંક લીધો અને થોડી જુદા ભાવની કવિતાઓ એના મર્મ સાથે પ્રસ્તુત કરી. જેમકે, ‘ઝાડ એકલું અમથુંઅમથું જાગે’ અને વાવાઝોડાનું વર્ણન કરતું, પૃથ્વી છંદમા રચેલું “ECSTASY” ‘ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમા સોંસરી, ખચાક ખચખચ્ ચીરી’… જેવાં ગર્જનાત્મક શબ્દોયુક્ત કાવ્ય પણ સુપેરે સંભળાવ્યું.

   

ત્યારબાદ સભામાંથી અષ્ટનાયિકાનો પ્રસ્તાવ થયો અને કવિએ થોડી અષ્ટનાયિકા, જેવી કે, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, સ્વાધીનભર્તૃકા,ખંડિતા વગેરે વિશે વાત કરી અને તેમાંની એક ‘કલહાંતરિતા’ની કવિતા ‘મુજથી સહ્યું ન જાય, આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય’ રજૂ કરી. તે પછી વિનોદભાઈએ ખૂબ લોકપ્રિય બનેલ ‘સૈરંધ્રી’ વિશે સમજૂતી આપી કહ્યું કે, સ્વયંને છુપાવીને,  પોતે એક રાણી હોવા છતાં, બીજા દેશની રાણીની દાસી બનીને રહેતી દ્રૌપદીની માનસિકતા, એની વિડંબના વિશેની એમાં વાત છે. આમ જુઓ તો માનવી પોતે જે કંઈ છે તેનાથી જગતને જુદો બતાવતો હોય છે. તો એ કાયમી અજ્ઞાતવાસ જ છે; એટલે કે, અંગત વિશ્વની વિડંબનાનું  એ એક રૂપક છે! એમ જણાવી સૈરંધ્રીનો એક અંશ વાંચી સંભળાવ્યો.

 

આમ કવિતાનાં જુદાંજુદાં પરિમાણોનું સુંદર આચમન થયું. જો કે, વચમાં એકવાર ફરીથી નારી સંવેદનાનાં કાવ્યો આવતાં જતાં હતાં! જેમ કે, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ’, ‘જો આ રીતે મળવાનું નહિ’, ‘ મારા ઘરમાં તારો દીવો, તારા ઘરમાં મારો’, ‘મુંબઈ સમાચાર વાંચે મારો સાહ્યબો અને  ‘ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું’ વગેરે. ત્યારબાદ છેલ્લે, ‘આ માછલી તો આવે પણ માછલીની ભેળો આ દરિયો પણ આવે છે, એ દખ’ કાવ્ય સંભળાવી તેમના ટૂંકા વક્તવ્ય સાથે સમાપન કર્યું. આમ, ભાવજગતમાં તલ્લીન થયેલ સૌ સભાજનોએ ઊભાં થઈ  અવિરત તાળીઓની ગૂંજથી કવિ શ્રી વિનોદ જોશીનું સ્નેહપૂર્વક અભિવાદન કર્યું.

   

બેઠકને અંતે, દેવિકા ધ્રુવે કવિ માટે સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટના હસ્તે કવિને સુપ્રત કર્યું, ભારતી મજમુદારે સૌનો આભાર માન્યો અને ખજાનચી શ્રી પ્રફુલ ગાંધીએ યથોચિત રીતે કવિને પુરસ્કૃત કર્યા.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ  સાહિત્યરસિક ભાઈબહેનો છૂટાં પડ્યાં.

આ આખીયે બેઠક રસપ્રદ રહી, કવિતામય બની રહી. સુંદર આયોજન માટે સમિતિને અને અન્ય સૌ સહાયકો, દાતાઓ તેમજ ફોટો-વિડીયો લેનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

‘ગુજરાત દિન’ની ઉજવણી પ્રસંગે વક્તવ્ય. May 18, 2023

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

ગુજરાતી સમાજ, હ્યુસ્ટન દ્વારા ઉજવાયેલ ‘ગુજરાત દિન’ની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આપેલ વક્તવ્યની રજૂઆત.

ગુજરાતી સમાજના આભાર સાથે આનંદપૂર્વક..

 

January 20, 2023

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

http://devikadhruva.gujaratisahityasarita.org/files/2023/01/GSS-book-2015.pdf

GSS book 2015
GSS book 2015

બાંધી મુઠ્ઠી.. May 30, 2022

Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment

જૂઈ મેળોઃ માર્ચ ૨૦૨૨: રજૂઆત April 2, 2022

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

૨૬ માર્ચ, ૨૦૨૨ના રોજ ઉજવાયેલ ‘જૂઈમેળો’ ના કાર્યક્રમમાં અગાઉથી કરેલ રેકોર્ડેડ વિડીયો દ્વારા રજૂઆત…

શ્રીમતી ઉષાબહેન ઉપાધ્યાયના આભાર સાથે સહર્ષ..

Please, click the picture and listen…

 

 

 

 

મળી મને માતૃભાષા ગુજરાતી… March 1, 2022

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

  વિશ્વ માતૃભાષા દિન’ નિમિત્તે ફેબ્રુઆરી  ૨૧, ૨૦૨૨ના રોજ વિશ્વભારતી સંસ્થા તરફથી આયોજિત કાર્યક્રમ

  ‘મળી મને માતૃભાષા ગુજરાતી’ વિષય પર  રજૂઆત.

ડો.ઉષાબહેન ઉપાધ્યાયના આભાર સહ આનંદપૂર્વક….

યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ September 21, 2021

Posted by devikadhruva in : Uncategorized , add a comment

યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ

 https://akilanews.com/Nri_news/Detail/29-09-2021/22228

યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ :૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિએ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં ‘ભજનસંધ્યા’ નામે સંગીતનો કાર્યક્રમ સંપન્ન (akilanews.com)

 

આજે એક એવા અહેવાલ-લેખકના અવસરનો અહેવાલ લખવાનું કામ મારે ફાળે આવ્યું છે જેમની કલમમાંથી હ્યુસ્ટનની બધી જ સંસ્થાઓનાં સારાખોટા તમામ પ્રસંગોના, ઉજવણીના ‘આંખે દેખ્યા અહેવાલો’ આબેહૂબ ચિત્રિત થયા છે. અહેવાલો તો નવીન બેંકરના જ.

સ્વ.નવીન બેંકર જેવા સ્પષ્ટ, તટસ્થ, ગર્ભિત વ્યંગસભર અને ચહેરા પર સ્મિત ફરકાવી જાય તેવા અહેવાલો તો હવે હ્યુસ્ટનમાં કોણ લખી શકે? એમની કલમ એટલે કમાલનો જાદૂ. એમાં ભાવકોને વશ કરવાની એક અજબની મોહિની હતી એટલે આજના મારા લખાણને હું  અહેવાલને બદલે એક લેખ રૂપે જ લખીશ.

૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિનો એ અવસર હતો. મોટીબહેન ડો.કોકિલા પરીખની પ્રબળ ઇચ્છા અને અવિરત જહેમતના પરિપાકરૂપે તા.૧૮મીની સાંજે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં, સ્વજનો અને મિત્રોની સ્નેહભરી હાજરીની હૂંફમાં, ‘ભજનસંધ્યા’ નામે એક સરસ કાર્યક્રમ સંપન્ન થયો. ન્યૂયોર્કથી આવેલ સંગીતજ્ઞ ભાઈ વિરેન્દ્ર બેંકર, તેમના પુત્ર ડો.સુવિન બેંકર અને ડલાસથી આવેલ ‘આઝાદ રેડિયો’ના RJ કોકિલકંઠી બહેન સંગીતા ધારિયા વગેરેના સુસજ્જ વાજિંત્રવાદન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ઑસ્ટીનથી આવેલ કુટુંબની નાની પૂત્રવધૂ વ્યોમા બેંકરની હાજરી, પારિવારિક પ્રેમની શોભારૂપ હતી. વાતાવરણમાં, ન્યૂ જર્સીથી ન આવી શકેલ અત્યંત સંવેદનશીલ નાની બહેન સુષમા શાહ અને અન્ય સ્વજનોની પરોક્ષ હાજરીનો સતત અહેસાસ હતો. પરિવારના બીજાં સ્વજનોના પ્રતિનિધિ તરીકે સર્વ શ્રી પ્રકાશ પરીખ, મુ. ભાભીની બાજુમાં  બિરાજમાન હતા. ખૂબ જ ટૂંકી ‘નોટીસ’ છતાં નવીનભાઈના ચાહકો, માનીતા ગાયકો, ‘ગુજરાતી સમાજ’ના બોર્ડના વહીવટી હોદ્દેદારો અને ખાસ તો લાયબ્રેરીના સર્જનના ‘પાયોનિયર સમાન ડો.પુલિન પંડ્યા, હસમુખ દોશી જેવાં અન્ય દાતાઓ તથા માનનીય આમંત્રિત મહેમાનોથી હોલ સમૃદ્ધ હતો.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_7744-stage-2.jpg છે                  આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_0086-audiance-1.jpg છે
(શ્રી વિરેન્દ્ર બેંકર અને સૂત્રધાર સંગીતા ધારિયા )             ( સભાગૃહમાં બેઠેલ શ્રોતાજન)   ( તસ્વીર સૌજન્યઃ વિરેન્દ્ર બેંકર )

ટેબલ પરના  હસતા ફોટામાં ગોઠવાઈને બેઠેલા આ પુસ્તકપ્રેમી નવીનભાઈ બધું ઝીણી નજરે અવલોકતા હતા અને આમંત્રિત મિત્રોના સ્વાગત સમયે મારી પાસે બોલાવતા હતા.  


“શ્રીરામ… શ્રીરામ…કેવું છે હેં? અવસર મારો છે અને હાજરી મારી નથી!  કવિ ‘બેફામ’ના શેરનો એ સાની મિસરા! આવી જ કોઈક ક્ષણની કલ્પનામાંથી સર્જાયો હશે ને? સમય કેવો ઊડે છે? ત્યારે એક પળ વીતતી ન હતી અને આજે તો જુઓ, એક વર્ષ વીતી ગયું. આ ભજનસંધ્યા તો ‘બકુ’ને લીધે નામ રાખ્યું છે. બાકી આપણે તો રંગીલા રાજા ને સંગીતના રસિયા. ખરેખર તો આ યાદોનો ઓચ્છવ છે. રંગમંચનો આ પણ એક રોલ છે ને?”

.

નાટકના રસિયા એ જીવ ક્યારેક ‘સેટેલાઈટવાળા સંજીવકુમાર’ બની જતા, કદીક ‘નિત્યાનંદભારતી’ ઉપનામ ધારી રમૂજી સત્યનારાયણની કથા લખતા તો ક્યારેક “બેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો’ જેવી હાસ્યવાર્તા લખી ‘શાંતિકાકા’ બની જતા! યાદોના આ ભવ્ય ખેલની વચ્ચે એમને ગમતો ઓજસ પાલનપુરીનો શેરઃ
“ મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ જશે.
જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ જશે.” સાંભર્યા વગર કેમ રહે? ને તરત જ તેમનાં ઘરની દિવાલો પર લટકાવેલ સૂત્ર ‘આ સમય પણ વહી જશે’ નજર સામે આવ્યું. તેની સાથે જ આ સનાતન સત્યને સંભા્રી મેં પણ સમયનું સૂકાન સૂત્રધાર સોહામણી બહેન સંગીતાને સોંપ્યું.

નેપથ્યની પાછળ વિષાદને દુપટ્ટાની જેમ સિફતપૂર્વક ઢાંકતી બહેન સંગીતાએ માઈક હાથમાં લઈ, ભાવનાબહેન દેસાઈના મધુર કંઠે પ્રાર્થનાની શરૂઆત કરાવી. સમયને બરાબર સાચવી, એક પછી એક નવીનભાઈના ગમતાં ગાયકો સંગીતામૃત રેલાવતાં ગયાં.વચ્ચે વચ્ચે આવતાં રહેતાં મહેમાનોની ઓળખાણ, કોકિલાબહેન યોગ્ય શબ્દોમાં ભાવભરી રીતે કરાવતાં ગયાં. ભાઈ વિરેન્દ્રને જાણી બૂઝીને ‘બે શબ્દો’ કહેવા ન દીધા હતા. કારણ કે, તેઓ ન તો અંદરનાં મૂંગા ડૂસકાંને પાછાં વાળી શકતા હતા, ન બહાર લાવી શકતા હતા તેથી એમના ભાવોને હાર્મોનિયમની આંગળીઓ દ્વારા જ વહેવા દીધા હતા. ગજબની છે આ કરામત!  ભાવો ભરાય છે હૃદયમાં, ઉભરાય છે આંખોમાં અને વહે છે આંગળીઓ દ્વારા! તેથી હાર્મોનિયમ અને તબલાવાદન, વારાફરતી વિરેન્દ્ર બેંકર અને સુવિન બેંકરે સંભાળેલ. નવીનભાઈને પણ કદાચ એ જ સારું લાગ્યું હશે.

 ગાયકવૃંદમાં હતાં સર્વ શ્રી પ્રકાશ પરીખ, હેમંત ભાવસાર, દક્ષાબહેન ભાવસાર, મનોજ મહેતા, ભાવનાબહેન દેસાઈ, તનમનબહેન પંડ્યા, વિરેન્દ્ર બેંકર, સંગીતા ધારિયા, સુવિન બેંકર, તેની પાંચ વર્ષની  માસુમ દીકરી અનાયા બેંકર, મનીષા ગાંધી, સંગીતા દોશી અને ડો કિરીટ દેસાઈ. જાણીતા ભજન, ફિલ્મી ઢાળમાં લખાયેલ રચના, સ્વરચિત ગીત, ભક્તિસભર ધૂન, વચમાં વચમાં નાનકડી યાદોનો ખજાનો, રમૂજ વગેરેથી વાતાવરણ, શોકની છાયાને બદલવાનો પ્રયાસ કરતું જતું હતું. સૂત્રધાર અને દરેક ગાયકના ભાવપૂર્ણ રીતે ગવાયેલા સંગીતની એ જ તો  ખરી સફળતા. એ જ કારણે speechesને પણ સ્થાન નહિ આપવાનું નક્કી કર્યું હતું. બાકી સભામાં બેઠેલ દરેક વ્યક્તિની આંખમાં દિલથી કંઈક કહેવાની, નવીનભાઈ વિશે બોલવાની ઇચ્છાઓ ડોકાતી હતી. એ સભાનતા સાથે ફરી એકવાર કોકિલાબહેને સૌને ન બોલવા દેવાની ક્ષમાયાચના સાથે સ્પષ્ટતા કરી, ભીની આંખે અને ગદગદ કંઠે સૌનો આભાર માન્યો.

 અહો, આશ્ચર્ય!  નવીનભાઈએ પોતે પોતાની શાંતિસભામાં શું બોલવું તે પણ, શ્રી હસમુખભાઈ દોશીએ આપેલ નવા ‘લેપટોપ’માં લખીને મિત્રોને મેઈલ કરેલ! જેના એક બે અંશ શ્રી મુકુંદભાઈ ગાંધીએ વાંચી સંભળાવ્યા. તેમની એ રમૂજ સાંભળતા સાંભળતા શ્રોતાજનોના ખડખડાટ હાસ્યથી સભાખંડ આખોયે ભરાઈ ગયો..

ત્યારપછી ડો.કોકિલાબહેને ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના બોર્ડના સભ્યો ડો.હર્ષદભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને Architect દિનેશભાઈ શાહને  માનભેર  મંચ પર બોલાવ્યા. સમાજ માટે નવા બાંધેલા સેન્ટરની લાયબ્રેરીમાં, આ કાર્યક્રમ માટે એક હોલની વ્યવસ્થા કરી આપવા માટે, નવીનભાઈના વસાવેલા તમામ પુસ્તકોને અને ખાસ તો તેમના પુસ્તકાલયની દિવાલ પર નવીનભાઈની મોટી તસ્વીર ટાંકવાના કામમાં, સંપૂર્ણ રીતે સહાયરૂપ થવા માટે તહેદિલથી આભાર માન્યો. આખાયે અવસરમાં ભાગીદાર થવા બદલ એક એક વ્યક્તિને યાદ કરી કરીને આભાર માન્યો. સૂત્રધાર તરીકે સંગીતાબહેને પણ સમયને સુંદર રીતે સજાવી સમાપન કર્યો. સૌની હાજરીમાં જ નવીનભાઈની તસ્વીર વિધિસર મૂકવામાં આવી.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_0095-thanking-pic..jpg છે    આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_0118-photo-hanging.jpg છે

    (ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન. બોર્ડના સભ્યો અને ડો કોકિલા પરીખ )       (પુસ્તકાલયમાં તસ્વીર લગાવતાં પરિવાર જનો.)

અંતે શુદ્ધ શાકાહારી ભોજન પીરસાયું. હું વિચારતી હતી કે નવીનભાઈને આજે જરૂર સંતૃપ્તિનો ઓડકાર આવ્યો હશે. પારિવારિક પ્રસંગોના અહેવાલો લખતા હું અંગતપણે ખચકાઉં છું. પણ નવીનભાઈની મહેચ્છાના બહાના (!) હેઠળ ભાઈબહેનો તરફથી વહેતા રહેતાં લાગણીપ્રવાહમાં આજે તો ખેંચાઈ જ જવાયું છે. ફરી એક વાર સ્પષ્ટતા કે આ અહેવાલ નથી. આ અહેવાલ-લેખ છે. નવીનભાઈના ફોટા સામે જોઉં છું તો એ પણ એમ જ કહે છે.

આ ઓચ્છવની આરતી ટાણે..ઘેરા રંગનું જેકેટ, માથે હેટ, આંખ પર કાળાં ગોગલ્સ, ખીસામાં હાથ રાખીને જાણે મરક મરક હસી હસી સીટીમાં ગમતું ગીત વગાડી, ડોલી રહ્યા છેઃ
दुःखमें जो गाये मल्हारे वो इन्सां कहलाये,

जैसे बंसीके सीनेमें छेद है फिर भी गाये।
गाते गाते रोये मयूरा फिर भी नाच दिखाये रे…

तुम आज मेरे संग हंस लो, तुम आज मेरे संग गा लो।

ઓહ… આ લેખ પણ આજે ૨૦મી સપ્ટે.જ? વિદાયની એક વર્ષ પછીની ખરી તારીખે જ લખાયો!

આ કાર્યક્રમ માટેનો સંપૂર્ણ યશ બહેન કોકિલા અને શ્રી પ્રકાશભાઈને ફાળે જાય છે. સો સો સલામ.

અસ્તુ..  દેવિકા ધ્રુવ.. આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ devika-1.jpg છે  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.