‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત લેખ. સૌજન્ય તંત્રી:શ્રી અંકિત ચૌધરી.
સહ તંત્રી:ભારતી ભંડેરી
–પ્રતિભા પરિચય- દેવિકા ધ્રુવ–
‘રોજ રોજ ઊડું છું તરંગની પાંખે
ને દૂર દૂર જોઉં છું વિશ્વની આંખે
શબ્દોના કુંડાંમાં ભાવોના રંગ ભરી,
પીંછી બોળું ને ચીતરાતી એક પરી’
એવું કહેતાં બહુઆયામી લેખિકા દેવિકા ધ્રુવ જ્યારે મ્યુનિસિપાલિટીના દીવા નીચે બેસીને વાંચતાં હશે ત્યારે એમણે અંતરથી તરંગની પાંખે ઉડવાનું અને શબ્દોનાં કુંડાંમાં ભાવોના રંગ ભરી કાલ્પનિક પરી ચીતરવાનું સપનું જરૂર જોયું જ હશે.
બહુઆયામી લેખિકા તરીકે પરિચય આપવાનું મન થાય એટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન દેવિકા ધ્રુવના નામે બોલે છે.
નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ રહેવાની સાથે શાળામાં વકૃત્વ સ્પર્ધા, નૃત્ય- નાટકની પ્રવૃત્તિમાં આગળ પડતાં દેવિકા ધ્રુવને નાનપણથી જ શેર, શાયરીમાં રસ પડવા માંડ્યો હતો. પંદર વર્ષે લખેલી પહેલી કવિતા પછી તો કેટલાય ગીતો, ગઝલ, છંદબદ્ધ અને અછાંદસ રચનાઓ ગુજરાતી સાહિત્યને આપ્યાં છે.
ભૂડાસણ જેવાં નાનાં ગામમાં ૧૯૪૮માં જન્મ. થોડીક આર્થિક વિટંબણાઓ વચ્ચે બાળપણ વીત્યું પણ અંદરનું અને અંતરનું જે ઓજસ હતું એ હંમેશાં ઝળકતું રહ્યું. ૧૯૬૪માં S.S.C.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં પછી B.A.માં પ્રથમ વર્ગની સાથે સોમૈયા ગોલ્ડ મેડલ અને અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કર્યાં. પ્રથમ આવવું એ જ એમની ખાસિયત છે. કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યાં પછી કૉલેજની ઈતર પ્રવૃત્તિમાં નાટક, સંસ્કૃત ભાષાનાં વકતવ્યમાં પણ સતત ઈનામો જીતતાં રહ્યાં. સવારની કૉલેજની સાથે બપોરે ટ્યુશન, ટાઇપિંગ જેવી પાર્ટ ટાઇમ જોબ કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં જોડાયાં.
૧૯૭૧માં જાણીતા રણજી ટ્રોફી પ્લેયર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન, ૧૯૮૦માં અમેરિકા કાયમી વસવાટ, ૧૯૮૦થી ૨૦૦૩ સુધી ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં જોબ, ૨૦૦૩માં હ્યુસ્ટન સ્થળાંતર. જો કે શબ્દોમાં લખવા જેટલી સરળતાથી અમેરિકામાં ગોઠવાવું સરળ નહોતું. નવો દેશ, નવું વાતાવરણ, નવી સંસ્કૃતિની સાથે તાલમેલ જાળવવાં સંઘર્ષ પણ વેઠ્યો છતાં આ સમગ્ર સમય દરમ્યાન સાહિત્ય વિસરાયું નહોતું.
૨૦૦૩માં હ્યુસ્ટન સ્થાયી થયાં પછી એમની સાહિત્યિક પ્રવૃત્તિને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નું પ્લેટફોર્મ મળ્યું. સાહિત્ય સર્જનને વેગ મળ્યો. દેવિકાબહેને આજ સુધી જે મેળવ્યું એ એમણે અનેક રીતે પાછું વાળ્યું છે. ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ને ફક્ત હ્યુસ્ટન સુધી સીમિત ન રાખતાં વિશ્વભરમાં એની ખ્યાતિ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આમંત્રિત મહેમાન લેખકો, કવિમિત્રો વિશે માહિતી એકઠી કરીને દેવિકાબહેને ઈબુક બનાવી. આ ઈબુકમાં ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ની પ્રવૃત્તિનો ઈતિહાસ સચવાયો છે. હ્યુસ્ટનના લેખકો, કવિઓ માટે દેવિકાબહેન લખવાનું પ્રેરકબળ બન્યાં છે. દેવિકાબહેને છંદ બંધારણની ઓળખ વિશે યોગ્ય માર્ગદર્શન આપીને સભ્યોને વધુ લખવા પ્રોત્સાહિત કર્યાં છે.
આ સાથે ગુર્જરી, નવનીત સમર્પણ, કવિલોક, ફીલિંગ્સ, ગુજરાત દર્પણ, ફીલિંગ્સ, ઓપિનીયન, કુમાર જેવાં સામયિકોમાં દેવિકા ધ્રુવની રચનાઓ પ્રકાશિત થતી રહી છે.
ગીત, ગઝલને અનુરૂપ એવા ટહુકો, અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા બ્લોગમાં એમની પદ્ય રચનાને આવકાર મળ્યો. પ્રિન્ટ મીડિયા સુધી એમની રચનાઓ સીમિત ન રહેતાં ડલાસ રેડિયો, આઝાદ, લંડન સંસ્કાર રેડિયોની સાથે લોકલ રેડિયો સ્ટેશનની જેમ યુટ્યુબ પર પણ એમની રચનાઓ ગુંજતી થઈ.
ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ, સ્વરસેતુ, બુધસભા, કેલીફોર્નિયા, યુનિ.ઓફ ફ્લોરીડા, ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ. કે. વગેરેનાં પ્રસારણમાં પણ દેવિકા ધ્રુવ ઝળકતાં રહ્યાં છે. લંડન, આંતરરાષ્ટ્રીય જુઈ મેળા જેવા અનેક કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહીને સ્વ-પ્રતિભા પરિચય કરાવ્યો છે. ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’ વગેરે સ્થળે કાવ્યપઠન કર્યું છે. દેવિકાબહેનની ૨૫ જેટલી રચનાઓને જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે.
દેવિકા બહેન પોતાનો પરિચય આપતાં કહે છે કે,
“નામ મારું દેવિકા હું છું શબ્દ-સેવિકા.”
૧૯૪૮થી માંડીને વર્તમાન ૨૦૨૩ સુધીમાં કેટલાય આવાસ બદલ્યાં હશે પણ હંમેશ માટે એમનાં સર્જનનું સરનામું તો એક જ રહ્યું ‘પોએટ કોર્નર’.
આવાસ બદલાયા એની સાથે વાતાવરણ બદલાયું હશે પણ અંતરથી એમનો નાતો પ્રકૃતિ અને પરમ સાથે રહ્યો. આવાસ બદલાયા એની સાથે સંસ્કૃતિ, સાથીઓ કે પાડોશી બદલાયા હશે, પણ દિલનો અતૂટ નાતો તો કવિઓ સાથે જ રહ્યો.
સમય અને સ્થળાંતર સાથેની દોડમાં ક્યારેક સારાનરસા અનુભવ થયા હશે, સાચાખોટા માણસો સાથે મુલાકાત થઈ હશે, ખટમધુરી યાદોની સાથે મન ચચરી જાય એવી યાદો પણ આ સફર દરમ્યાન ઉમેરાતી ગઈ હશે અને એમાંથી જ સ્ફૂરી હશે આ પંક્તિઓ…..
ભર્યા ઠાલા અને પોલા છે અર્થો શબ્દ-કોષોમાં
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો’
દેવિકાબહેને મનની ઊર્મિઓ, હૃદયના ભાવો, પ્રસંગો, તહેવારો પર અનેક રચનાઓ આપી છે. એમની રચનાઓમાં નાવિન્ય છે. સૌ જ્યારે કૃષ્ણજન્મ ઉજવતાં હોય ત્યારે એમનાં દિલને દેવકીનો વલોપાત વ્યથિત કરતો હોય. સાત સાત બાળકોની કંસના હાથે હત્યા થઈ હોય એ માતાનાં હૃદયમાં આઠમા બાળકના જન્મ સમયે જે ભય,આતંકનો ઓળો ઝળુંબતો હોય ત્યારે જે ભાવ ઉદ્ભવે એ ભાવની કલ્પના માત્રથી જન્માષ્ટમી નિમિત્તે લખાય એક સાવ અનોખી રચના.
“શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…
સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો,
જન્મીને જ જવાને આવ્યો જ શાને?“
દેવિકા ધ્રુવ જિંદગીને વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો કહે છે. જિંદગી એક વર્તુળાકાર ગતિ છે જેમાં હારજીત તો છે જ નહીં. આ ક્ષણે યાદ આવે છે કવિ આનંદ બક્ષીએ લખેલું એક ગીત,
“ये न सोचो इस मे अपनी हार है के जीत है
इसे अपना लो जो जीवन की रीत है”.
કેટલું સામ્ય છે બંને ભાવ અભિવ્યક્તિમાં?
દેવિકાબહેનનાં બીજા એક પાસા વિશે વાત કરવી છે. એ સ્વલિખિત રચનાઓ સુધી સીમિત રહેવાનાં બદલે એ અન્યની રચનાઓમાં પ્રગટ થતા ભાવ, સૌંદર્યને જાણે છે, માણે છે અને વાચકો, ભાવકોને એ ગીત, ગઝલનો સુંદર કાવ્યમય આસ્વાદ કરાવે છે.
શબ્દારંભે અક્ષર એક ‘શબ્દોના પાલવડે’ પુસ્તક પ્રગટ કર્યું જેને એ માનસિક વ્યાયામ કહે છે પણ ‘શબ્દોના પાલવડે’ વાંચીએ તો સમજાય કે, સાચે જ એમનાં માટે એ કેટલો કપરો વ્યાયામ રહ્યો હશે. બારાખડીના દરેક અક્ષર પરથી એમણે કાવ્યો રચ્યાં છે. એ કાવ્યોની કડીઓમાં પણ શબ્દની શરૂઆત એક જ અક્ષરથી કરી છે. જેમકે,
આ તો માત્ર એક જ રચના છે પણ કલ્પના કરીએ કે ખ,છ,ઝ, ટ, ઠ, ઢ, ળ, ણ, ક્ષ કે જ્ઞ પરથી રચના કરવી હોય તો એના માટે પ્રાસ બેસાડવાની કેવી અને કેટલી મથામણ કરી હશે!
પ્રસ્તુત છે એવા અક્ષર -ઢ અને ઉ- પરની રચના,
‘ઢ’પરની
‘ઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.’
‘ઉ’ પરથી
‘ઉગમણેથી ઉષા ઉતરે,
ઊંચે ઊંચે ઉદધિ ઉછળે,
ઉમંગના ઉમળકા ઉમટે,
ઊર્ધ્વસ્થિત ઉમાપતિના’
‘શબ્દારંભે અક્ષર એક’ સાવ અનોખું કહી શકાય એવું પ્રકાશન છે. એ ઉપરાંત અન્ય પ્રકાશિત પુસ્તકો છે, જેમાં કવયિત્રી, ગઝલકાર, લેખિકા દેવિકા ધ્રુવની રચનાઓ જ નહીં ખુદ દેવિકા ધ્રુવ આવીને મળે છે.
વાત કરીએ દેવિકા ધ્રુવનાં સાહિત્ય સર્જન વિષે …
૧- શબ્દોના પાલવડે- ૨૦૦૯
૨- અક્ષરને અજવાળે- (ગીત અને છંદોબદ્ધ ગઝલનો સમાવેશ.) ઈબુક-૨૦૧૩
૩- ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક- ઈબુક -૨૦૧૫
૪- Glimpses into a Legacy of Dhruva Family. eBook in English-2016
૫-Maa- Banker Family- eBook in English 2017
૬- કલમને કરતાલે (ગીત, ગઝલ અને અછાંદસ કવિતાઓનો ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત સંગ્રહ-૨૦૧૭
૭- ‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીને- ડૉ. બળવંતભાઈ જાની દ્વારા ૨૦૧૬-૧૭માં ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ Glow From Western Shores (july 10, 2020) નામે પ્રસિદ્ધ થયો છે.
આ ઉપરાંત વર્તમાનમાં વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્ય અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં દેવિકાબહેન સન્માનિત સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.
દેવિકા ધ્રુવને વધુ જાણવા હોય, વધુ ઓળખવા હોય તો એમનાં અનેક ગીત, ગઝલ, કાવ્યોની સાથે ગદ્ય સર્જન જ્યાં મુકાયું છે એ ભાવવિશ્વ https://devikadhruva.wordpress.com ની મુલાકાત લેવી ઘટે.
Comments»
no comments yet - be the first?