jump to navigation

મનનો માણીગર November 26, 2011

Posted by devikadhruva in : સ્વરચના , comments closed

 

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.

 

         રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,

         હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,

         એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,

         કાયાપલટ  ત્‍હેં  કીધી કૈં એવી,

ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.

 

         રોબાટ થયો ને થયો મશીન એ,

         પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,

         અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,

         ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,

ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો!  જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.

 

        પેઢી બે પેઢીના અંતર વધાર્યા,

        સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,

        જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,

        દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.

ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.

 

 

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!

શરદ-પૂનમની રઢિયાળી રાત October 11, 2011

Posted by devikadhruva in : સ્વરચના , 3 comments

   

રાસઃ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

જાગી જાગીને સૂઝી જાય હો રાજ મારી,આંખો જાગીને સૂઝી જાય.

 

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

 

એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

 

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

 

અમે વાદળ-દળ પર વિહર્યા.. October 2, 2011

Posted by devikadhruva in : સ્વરચના , add a comment
 
છેલ્લાં ચાર દાયકાથી પ્લેઇનની મુસાફરી કરી છે.પરંતુ સાથે બેસીને, બારીની બહારનું અ‌દ્‍ભૂત સૌન્દર્ય  જોતી  નાનકડી પૌત્રીએ જ્યારે પૂછ્યું કે
“have you written poem about this scene ?” ત્યારે એને “ના” નો જવાબ આપવાનું કેમ ગમે ? અને એનો પ્રશ્ન પ્રેરણા બની ગયો. ખાસ એના માટે,એના જવાબ રૂપે, એક હવાની લ્હેરખી જેવી હલકી ફૂલકી રચના “અમે વાદળ-દળ પર વિહર્યા”…
 
 ***************          ********************   
   
  

પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,

સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,

ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,

           અમે વાદળ-દળ પર વિહર્યા…

 

હસ્તવિંઝનથી હવામહીં  બસ ઘડીભર મસ્તી માણી,

બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,

ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,

          અમે વાદળ-દળ પર વિહર્યા…

 

આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,

શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,

         અમે વાદળ-દળ પર વિહર્યા.. 
         અમે વાદળ-દળ પર વિહર્યા…

ઉસાલ July 25, 2011

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far
તાજેતરમાં મારી ભારતની મુલાકાત દરમ્યાન  અમદાવાદના જાણીતા કવિ અને ગઝલકાર શ્રી યોસેફ મેકવાન સાથે ફોન પર મળવાનુ થયુ. તેમણે ગઝલપ્રકારમાંથી એક નવો પ્રયોગ કર્યાની વાત કરી. યોસેફ મેકવાનના શબ્દોમાં  ” USAL is a new form  which is  formed  from GAZAL.By this new form poet can reveal  his  feelings powerfully.
અહીં મત્લા ન હોય.ગઝલમાં જેને ઉલા અને સાની પંક્તિઓ તરીકે પીછાનીએ છીએ તે પંક્તિઓનું અહીં સાયુજ્ય સાધવાનુ હોય છે.તે દ્વારા અર્થ કે ધ્વનિ યા વ્યંજના પ્રગટ કરવાના હોય-ચમત્કૃતિથી. આરંભની પ્રથમ,ત્રીજી,પાંચમી,સાતમી એમ આગળની ઉલા પંક્તિઓ આવે તેના કાફિયા-રદીફ જાળવવાના.એ જ રીતે બીજી, ચોથી,છઠ્ઠી,આઠમી એમ આગળની સાની પંક્તિઓના અલગ કાફિયા રદીફ જાળવવાના.આ એક નવ્ય પ્રયોગ છે જેની નિપજ ગઝલમાંથી કરી હોઇ તેને “ઉસાલ” નામ આપ્યુ છે.દિલીપ મોદી,દત્તાત્રય ભટ્ટ, ફિલિપ ક્લાર્ક વગેરે હાથ અજમાવી સુંદર રચનાઓ કરે છે. ”
મિત્રો, મારો પણ આ એક પ્રયાસ ઃઉસાલમાં ઃ
**************          **************           ***************           ***************
 
વરસાદના ફોરાં સમી ઝરતી સમય-ધારા બધી,
પલ પલ પડી યુગો તણાં પર્વત‍ પરે ખડકાય છે.
 
વિશ્વાસની મોટી અહીં સંસારની વાર્તા બધી,
સંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
 
સાચી કહો જૂઠી કહો લોભાવતી માળા બધી,
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
 
સૌએ વગાડે પોતીકા વાજિંત્ર અને ગાથા બધી,
વાહ્‍ વાહ્‍ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
 
છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
**********   **************   **********

અલ્લડ આ મેઘને…….. July 8, 2011

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.

પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

રોમરોમ જાગે ને વાગે  શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.

અલ્લડ આ મેઘને થયું  શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

સખી-સંવાદ April 17, 2011

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

                         સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
                        સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….

સખી-૧-
                      છોને વસતો જોજન પાર, નીરખું નિત્યે આભને ભાલ, 
                     વાદળ ચીરી સરતો રાજ, તેજ-કિરણથી સ્પર્શે ગાલ,
                     સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….

સખી-૨-
                     અદ્રષ્ય શ્યામની ભૂલ ના વાત, ભલે ન દીસે જગમાં ક્યાંય,
                     સદાયે કરતો અંતર વાસ, રોમરોમમાં રહેતો ખાસ,
                    તો યે સખી તુને વ્હાલો ચાંદ ?…..

સખી-૧-
                     નિર્દય વીંધે પહેલાં વાંસ, પછી જ છેડે હોઠથી ગાન,
                    ચાંદ સૂવાડે અર્પી આશ, કોમળ-કિરણની નવી સવાર,
                     હા,સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ…

સખી-૨-
                     છોડ કથા કુદરતની આમ, સર્જ્યાં કોણે મેઘ-મલ્હાર,
                     કોણે દીધા દિલના દાન ને રચ્યાં કોણે દિન ને રાત ?
                     કહે સખી, કહે, તને ચાંદથી વ્હાલા શ્યામ….

સખી-૧-           ના, સખી મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી-૨             હૈયે છે જે હોઠ પર લાવ, તને વ્હાલા શ્યામ,

સખી-૧-             ના, સખી, ના હારું  આજ, મુને વ્હાલો ચાંદ,
સખી-૨-             જા,જા, માન ન જીત કે હાર, તુને  વ્હાલા શ્યામ,

સખી-૧-            સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
                          સખી, મુને શ્યામથી..ચાંદથી વ્હાલો કહાન….!!!

  

શબદને સથવારે April 12, 2011

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

લો,અમે તો ચાલ્યાં પાછા શબદને સથવારે…. 

મબલખ અઢળક ઘેરી ઘેરી વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા ઉરસાગરને નાદે,
લો,અમે તો ચાલ્યાં પાછા કલમની કિરતાલે……..

તટના ત્યાગી નામ પછી તો ઉડાન પાંખે પાંખે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે તારે,
લો,અમે તો ચાલ્યાં પાછા અક્ષરને અજવાળે……… 

રોમરોમ શરણાઇ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને મ્હેંકે  મનને માળે,
લો,અમે તો ચાલ્યાં પાછા શારદમાને ખોળે……….. 

હળવે હળવે જીવને શિવનો રસ પરમ અહીં જાગે,
જૂઠ્ઠા જગનો કાજળ કાળો અહં ભરમ સહુ ભાગે,
લો,અમે તો ચાલ્યાં પાછા શબ્દ-બ્રહ્મની પાળે………..

પ્રાર્થના… February 20, 2011

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

છંદ –હરિગીત-૨૮ માત્રા
( ગાગાલગા*૪ ) 
*********************************

રક્ષા કરો વિપત્તિમાં, એવી ન મારી પ્રાર્થના,
લાગે ન ભય આપત્તિમાં,એવી જ મારી પ્રાર્થના.

આંધી અને તોફાનથી મન હો કદી મારું દુઃખી,
તૂટે ન બળ એવું કરો, બસ એ જ મારી પ્રાર્થના.

બોજો કરી હળવો ભલે હૈયાધરણ ન અર્પશો,
ઉંચકી શકું એવું કરો, બસ એ જ મારી પ્રાર્થના.

ડોલે ભલે નૈયા કદી ખૂટે ન હામ હૈયા તણી,
શ્રધ્ધા રહે તોયે સદા બસ એ જ મારી પ્રાર્થના.

ઊગારજો ભવસાગરે એવી ન મારી પ્રાર્થના,
તરવાને આપો બાહુબળ, બસ એ જ મારી પ્રાર્થના.

નિર્દોષતાથી સુખમાં પણ જોઉં તુજ મુખારવિંદ,
સરકે ધરા પગને તળે અવિચળ રહે આ પ્રાર્થના…..

શતદલ January 4, 2011

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

એક જૂની માનીતી રચના સુધારા/વધારા સાથે ફરી એક વાર પ્રસ્તૂત…..

માર્ચ મહિનામાં યોજાયેલ સબરસગુજરાતીપદ્યસ્પર્ધામાં નિર્ણાયક, કવિ અને ગઝલકાર શ્રી વિવેક ટેલરના ગુણ પત્રકમાં ૧૬૬માંથી બીજા નંબરે સ્થાન પામેલ અને નીચે પ્રમાણેની મૂલવણી પામેલ મારી કવિતા ”શતદલ”

વિવેક ટેલરના શબ્દો

મારી દ્રષ્ટિએશતદલનામની કવિતા બીજા ક્રમાંકને પાત્ર ઠરે છે.કવિએ અર્જુનની જેમ એક વિષયને લક્ષમાં રાખ્યો છે;અને એને યોગ્ય રીતે સંમાર્જ્યો પણ છે.ઊર્મિકાવ્યોનું આજે લુપ્ત થતું નજરે પડતું કલેવર કવિએ અપનાવ્યું છે કવિની ભાષાપ્રીતિ અને સમર્પિતતાનું દ્યોતક છે. શબ્દસમૂહના ધ્વન્યાત્મક આવર્તનોનો સુપેરે પ્રયોગ કરીને કવિ કવિતામાંથી સંગીત પણ સર્જે છે. ચોમાસાની ઋતુનો આખો માહોલ ઉભો કરીને એક સંપૂર્ણ શબ્દચિત્ર દોરે છે. કવિને ખુબ ખુબ અભિનંદન.

   

  

 શતદલ પંખ ખીલત પંકજ પર, 
         હસત નયન જ્યમ શ્યામ વદન પર.
 શત શત બુંદ સરક દલ વાદળ,  
        ભીંજત બદન નર નાર નવલ પર.

ઘનન ઘનન ગરજત નભમંડળ,
 
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
           સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
           ઝુલત ફૂલ શતદલ મધુવન પર.            

શારદસ્તુતિ December 26, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

શાર્દૂલવિક્રીડીત ( મસજસતતગા-૧૯ )

 

પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,

ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.