અલ્લડ આ મેઘને…….. July 8, 2011
Posted by devikadhruva in : સ્વરચના , trackbackઅલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.
પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !
અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
રોમરોમ જાગે ને વાગે શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.
અલ્લડ આ મેઘને થયું શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
Comments»
no comments yet - be the first?