jump to navigation

‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઈ પરીખની અલવિદા.. May 9, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

‘કુમાર’ સામયિકના તંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખના અવસાનના સમાચાર હમણાં જ  સાંભળ્યાં. ખૂબ  દુઃખ થયું. અવારનવાર ધીરુભાઈ સાથે ફોન પર વાતો થતી રહેતી હતી. તેમની અહીંની મુલાકાત હોય કે મારી ત્યાંની…. ફોનથી કે રૂબરૂ મળવાનું અચૂક બનતું.

૨૦૦૯ની સાલમાં, મારી ભારતની મુલાકાત દરમ્યાન કવિ શ્રી યોસેફ મેકવાન દ્વારા શ્રી ધીરુભાઈનો પરિચય થયેલ. એ વખતે જ્યારે યોસેફ્ભાઈ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઈએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઈ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો. એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

   

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુભાઇ પરીખ, દેવિકા ધ્રુવ
અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩.

કવિ શ્રી યોસેફ મેકવાનના ઘેર થયેલ એ આત્મીય મુલાકાતથી માંડીને સાહિત્ય પરિષદની બુધસભા દરમ્યાનની  ઘણી ઘણી યાદો નજર સામે આવે છે. ન્યૂ જર્સીની તેમની છેલ્લી વીઝીટ સમયે હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આવવા અંગે ઘણી વાતોની આપલે થયા પછી next time જરૂર આવીશ એવી ખાત્રી પણ આપી હતી. ખૈર…એ next time કાળના વહેણમાં વહી ગયો.

રહી ગઈ માત્ર  યાદોવંદન સાથે.. શાંતિ

BUDH SABHA JULY 2013(world poetry centre)PART_01 – YouTube

 

 

 

May 6, 2021

Posted by devikadhruva in : Uncategorized , add a comment

પ્રેરણામૂર્તિ..

કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે. બાળપણથી આજ સુધી મારા અને મારા જેવા અનેકના જીવનને સ્પર્શેલી મહત્વની ઉમદા વ્યક્તિઓમાંની એક..
સેવામૂર્તિ મુ.મુક્તિબેન મજમુદારને માટે આજે  ખાસ….
જોગાનુજોગ કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના દિવસે ( મે ૭ ) જ આવતા તેમના શુભ જન્મદિને,
પ્રેમ,આદર અને નમન સહિત… શતં જીવ શરદઃ ની શુભેચ્છા અને પ્રાર્થના સાથે….

*************                *************                 ***************

છંદ- શિખરિણી–  ( યમનસભલગા )

(રાગ-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.)

ઝરે જેના નેત્રે, અમરત તણી ધાર છલકે,

દિસે સેવામૂર્તિ, મૃદુલ કરુણા દિલ ઝળકે,

વિચારો આચારો, જગત હિત કાજે વિહરતા.

અને નામે મુક્તિ, કરમ પરમાર્થે મલકતા.

રુડી વાણી સાચી, તનમન સદા ગાન અમીના,

અપેક્ષા-નિરાશા સરળ રુદિયે ના દિઠી કદા.

રહે ના કો’પીડા સકળ જન એવા અવતરે.

અહો,પામે શાંતિ અગર સહુ પ્રેમે હળી મળે.

વિધિની આ કૃતિ, સજળ નયને વંદુ દિલથી

નમે દેવી સ્નેહે, હ્રદય-મન મુક્તિ-રજ લઇ….

 

 

લોસ એન્જેલસના ‘ઓટલો’ ગ્રુપમાં કાવ્યપઠન…

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a comment

Video:કાવ્યપઠનઃવક્તવ્યઃ ‘ઓટલો’ ગ્રુપ.લોસ એન્જેલસ. April 27, 2021

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a comment

એપ્રિલ ૨૪ ના રોજ લોસ એન્જેલસના ‘ઓટલો’ ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમનો એક અંશઃ
શ્રી કૌશિક શાહના સંકલન અને સૌજન્ય સાથે આનંદપૂર્વક..આભાર સહિત..
please click on picture:

વક્તવ્ય વીડિયો April 12, 2021

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તારીખ 6 થી 9 માર્ચ દરમ્યાન યોજાયેલા ‘વિશ્વ પુસ્તક મેળા’માં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાંનો એક ઓનલાઈન કાર્યક્રમ હતો “ગુજરાતી મહિલા લેખનની ગઈ કાલ, આજ અને આવતીકાલ” .આ વિષય પર ઉષા ઉપાધ્યાય, દેવિકા ધ્રુવ, લક્ષ્મી ડોબરિયા અને પ્રાર્થના જહાએ વક્તવ્ય આપ્યાં હતા. આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

જુગલબંધી કરી છે મેં… March 10, 2021

Posted by devikadhruva in : ગઝલ , add a comment

વિશ્વ પુસ્તક મેળો..દિલ્હી

Posted by devikadhruva in : Uncategorized , add a comment

વિશ્વ પુસ્તક મેળો..

આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

કવયિત્રી સંમેલન- યુટ્યુબ ઉપર..૨/૨/૨૦૨૧ February 6, 2021

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a comment

નીચેની લીંક ક્લીક કરી  માણોઃ કવયિત્રી સંમેલન..

VanitaVishv I NRI KavyitriSammelan | Raksha Shukla | Tofani Tandav – YouTube

 

VanitaVishv I NRI KavyitriSammelan | Raksha Shukla | Tofani Tandav – YouTube

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ દેવિકા ધ્રુવ January 23, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ 

 

 આજે ૨૩ મી જાન્યુ.ની અમેરિકાની સવારે, સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ સમા એક અદભૂત કાર્યક્રમે આજનો શનિવાર ધન્ય કરી દીધો. આ એક યુટ્યુબ ઉપર પ્રસારિત થયેલ પ્રીમિયર શો હતો. જૂનાગઢની  કુદરતની ગોદમાં શ્વેત વસ્ત્રમાં સજ્જ  ગાયક અને વાદક વૃંદ તથા ઘેરા ભૂરા આકાશી રંગના પોશાકમાં સુસજ્જ વક્તા બહેન રાધા મહેતાની અસ્ખલિત વાણીના આ મંત્રમુગ્ધ કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવ લખવાનું  તરત જ મન થયું. 

 

 આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની પાંચ કવિતાઓ અને તેના દરેક પદનું સમજણભર્યુ, સીધી સાદી, સરળ ભાષામાં વક્તવ્ય અને તેની સાથે ભાઈ શ્રી નિર્વેશ દવેના કંઠે ગવાતું ગાન પણ મનમોહક અને યાદગાર બની રહ્યું. વાદ્ય વૃંદના શ્રી કિશન પાઠક,સાગર સોલંકી અને પૂજન મુનશીએ પણ યથોચિત સુંદર કલા દાખવી.

 

સાત જેટલી ભાષાઓ જાણનાર રાધાએ નરસિંહ મહેતાની પાંચ અમર  કવિતાઓના મર્મને, એના શબ્દે શબ્દના અર્થને અને તત્ત્વને સમજાવ્યો તો ખરો જ. પણ એને અલગ અંદાજમાં વેદાંત વિચાર સાથે અદભૂત રીતે સાંકળી બતાવ્યો. વેદ ઉપનિષદ, ભાગવત,શ્રુતિ, સ્મૃતિ,ગીતા વગેરેના અવતરણો  યથાવત  તેના મૂળ રૂપમાં ટાંક્યા અને સંસ્કૃત ભાષાના ધાતુથી બનેલા શબ્દનો મહિમા પણ સુંદર રીતે, રૂપકોની ફ્રેઈમમાં મઢી સજાવ્યો અને સમજાવ્યો.

 

તે ઉપરાંત મરાઠી સંત શિરોમણિ રામદાસથી માંડીને,કબીર,શંકરાચાર્ય,સંત તુકારામ, સાંપ્રત સમયના ગઝલકારના શેરો, અરે, હિન્દી ફિલ્મના  (કૃષ્ણના રોલમાં ) હીરોના મુખે બોલાયેલ સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે તત્ત્વજ્ઞાન જેવા અઘરા અને ગૂઢ વિષયને પણ સરળ અને રસથી તરબોળ રાખ્યો. તેમના શુધ્ધ ઉચ્ચારો, જ્ઞાનની સ્પષ્ટતા, વક્તૃત્વ છટા અસરકારક અને નોંધપાત્ર હતી.એટલું જ નહિ, જ્ઞાનને આત્મસાત કર્યાની પ્રતીતિ કરાવતા હતા.

૧.ધ્યાન ધર હરિ તણું, ૨.નીરખને ગગનમાં, ૩.અખિલ બ્રહ્માંડમાં, ૪.હું ખરે તું ખરો અને ૫.ભૂતળ ભક્તિ પદારથ મોટું આ પાંચ કવિતાના પદોનો  વેદાંત વિચાર સાથે કરાવેલ સુંદર આસ્વાદ મમળાવવો ગમે તેવો રોચક અને અર્થસભર રહ્યો.

 

ઘડીભર માટે  સાબરમતીના તીરે આવેલ એચ.કે. આર્ટસ કોલેજના  વર્ષો જૂના વહેલી સવારના ઝીરો પીરયડવાળા સંસ્કૃતના ક્લાસમાં પહોંચી ગઈ.  જ્યાંથી પ્રો. શ્રી પરમાનંદ દવે અને ઈન્દુકલાબહેન ઝવેરીના વેદ અને ગીતા વિષયના વ્યાખ્યાનો મનોભૂમિકા પર પડઘાતા રહ્યાં. સાહિત્યનો રત્નાકર કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. તેમાંથી અમોલા મોતીઓ તો મળે જ પણ એને, સાચા અર્થમાં ભણનાર અને  આત્મસાત કરનાર રાધા મહેતા જેવાં રત્નો પણ સાંપડે જ. જે ખરા મૂલ્યોનું જતન કરે અને જગતમાં  આનંદપૂર્વક એની લ્હાણી પણ કરે.

કાર્યક્રમની લીંકઃ
https://youtu.be/u9X819MjY24

 

નરસિંહ મહેતાના જૂનાગઢમાં ગૂંજેલી કરતાલનો આનંદ હજી આજે પણ કેવો સૂરીલો બની વહે છે! પાંચે ગીતોના શબ્દાર્થ,ભાવ,મર્મ,કર્મ,જ્ઞાન,ભક્તિ સમગ્ર તત્ત્વ નો અખિલાઈપૂર્વક આનંદ માણ્યો. આ આંગણે આવેલ અષ્ટમહાસિધ્ધિ જેવા અથવા કહું કે, ચિદાનંદ સમા કાર્યક્રમ માટે સમગ્ર ટીમને સાચા દિલથી અભિનંદન. ફરી ફરી આ રીતે વધુ આગળ સોપાન ચઢતા રહો એ જ શુભેચ્છા.

 

દેવિકા રાહુલ ધ્રુવ.

હ્યુસ્ટન

તા. જાન્યુ.૨૨ ૨૦૨૧

 

ટેક્સાસની તેજસ્વી ધારા…. November 25, 2020

Posted by devikadhruva in : લેખ , add a comment

ટેક્સાસની તેજસ્વી ધારા-ચિ.સ્વરા અને આજ્ઞા.

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણઆઇ એમ સ્વરાઆઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર  ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે  ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છેતેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતાપિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતાવાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “” થી લઇને “” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છેઆગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે આખીયે વાત રસપ્રદ તો છે  પણ ખૂબ ખૂબ મહત્ત્વની છેપ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છેઆના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતાપિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડના સંશોધક શ્રી વિશાલ મોણપરામાતા નયનાબહેન  માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિઓફ ટેક્સાસમાં  ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

 વાત તો સૌને વિદિત છે  કે૨૦૦૪૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ  પ્રચલિત હતાંજેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા  નોન યુનિકોડમાં હતાંપરંતુ તેમાં કેટલીક તકલીફો હતી૨૦૦૫ માં  હ્યુસ્ટનસ્થિત શ્રી વિશાલ મોણપરાએ ગુજલીશમાં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ  કર્યાને  માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ  સાથે  ગુજરાતીમાં ટાઇપ થાય  માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને  જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યુંગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે  તેમના  પ્રમુખ ટાઇપ પેડે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ  આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છેતેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતાઆ સમયે સ્વરા ચાર વર્ષની હતીતેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કોબારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતાઆ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો. “

સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,

“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યુંતેમાંથી ગુજરાતી શિખવાશિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો  તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.


વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”


સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ  થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.


ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.

કક્કામાં બાળકોને પાપા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના  ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છેઆ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છેછતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન  www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે.  તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે  ખૂબ સરાહનીય છે.

અતિ નમ્રમીતભાષી અને માત્ર ૩૮ વર્ષના  યુવાન વિશાલ  મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
 રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારેસાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પરમંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતાશું સાથે લઇ જવાના?
બે ગજ બસ છેબ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચાધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોરઢીલ કોને જોઇએ છે?

વિશાલતેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા  પરિવારને સલામચિસ્વરા અને  ચિ.આજ્ઞાને અઢળક  શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

અસ્તુ.

લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ 
vishal_monpara@yahoo.com
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.