jump to navigation

યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ September 21, 2021

Posted by devikadhruva in : Uncategorized , trackback

યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ

 https://akilanews.com/Nri_news/Detail/29-09-2021/22228

યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ :૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિએ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં ‘ભજનસંધ્યા’ નામે સંગીતનો કાર્યક્રમ સંપન્ન (akilanews.com)

 

આજે એક એવા અહેવાલ-લેખકના અવસરનો અહેવાલ લખવાનું કામ મારે ફાળે આવ્યું છે જેમની કલમમાંથી હ્યુસ્ટનની બધી જ સંસ્થાઓનાં સારાખોટા તમામ પ્રસંગોના, ઉજવણીના ‘આંખે દેખ્યા અહેવાલો’ આબેહૂબ ચિત્રિત થયા છે. અહેવાલો તો નવીન બેંકરના જ.

સ્વ.નવીન બેંકર જેવા સ્પષ્ટ, તટસ્થ, ગર્ભિત વ્યંગસભર અને ચહેરા પર સ્મિત ફરકાવી જાય તેવા અહેવાલો તો હવે હ્યુસ્ટનમાં કોણ લખી શકે? એમની કલમ એટલે કમાલનો જાદૂ. એમાં ભાવકોને વશ કરવાની એક અજબની મોહિની હતી એટલે આજના મારા લખાણને હું  અહેવાલને બદલે એક લેખ રૂપે જ લખીશ.

૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિનો એ અવસર હતો. મોટીબહેન ડો.કોકિલા પરીખની પ્રબળ ઇચ્છા અને અવિરત જહેમતના પરિપાકરૂપે તા.૧૮મીની સાંજે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં, સ્વજનો અને મિત્રોની સ્નેહભરી હાજરીની હૂંફમાં, ‘ભજનસંધ્યા’ નામે એક સરસ કાર્યક્રમ સંપન્ન થયો. ન્યૂયોર્કથી આવેલ સંગીતજ્ઞ ભાઈ વિરેન્દ્ર બેંકર, તેમના પુત્ર ડો.સુવિન બેંકર અને ડલાસથી આવેલ ‘આઝાદ રેડિયો’ના RJ કોકિલકંઠી બહેન સંગીતા ધારિયા વગેરેના સુસજ્જ વાજિંત્રવાદન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ઑસ્ટીનથી આવેલ કુટુંબની નાની પૂત્રવધૂ વ્યોમા બેંકરની હાજરી, પારિવારિક પ્રેમની શોભારૂપ હતી. વાતાવરણમાં, ન્યૂ જર્સીથી ન આવી શકેલ અત્યંત સંવેદનશીલ નાની બહેન સુષમા શાહ અને અન્ય સ્વજનોની પરોક્ષ હાજરીનો સતત અહેસાસ હતો. પરિવારના બીજાં સ્વજનોના પ્રતિનિધિ તરીકે સર્વ શ્રી પ્રકાશ પરીખ, મુ. ભાભીની બાજુમાં  બિરાજમાન હતા. ખૂબ જ ટૂંકી ‘નોટીસ’ છતાં નવીનભાઈના ચાહકો, માનીતા ગાયકો, ‘ગુજરાતી સમાજ’ના બોર્ડના વહીવટી હોદ્દેદારો અને ખાસ તો લાયબ્રેરીના સર્જનના ‘પાયોનિયર સમાન ડો.પુલિન પંડ્યા, હસમુખ દોશી જેવાં અન્ય દાતાઓ તથા માનનીય આમંત્રિત મહેમાનોથી હોલ સમૃદ્ધ હતો.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_7744-stage-2.jpg છે                  આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_0086-audiance-1.jpg છે
(શ્રી વિરેન્દ્ર બેંકર અને સૂત્રધાર સંગીતા ધારિયા )             ( સભાગૃહમાં બેઠેલ શ્રોતાજન)   ( તસ્વીર સૌજન્યઃ વિરેન્દ્ર બેંકર )

ટેબલ પરના  હસતા ફોટામાં ગોઠવાઈને બેઠેલા આ પુસ્તકપ્રેમી નવીનભાઈ બધું ઝીણી નજરે અવલોકતા હતા અને આમંત્રિત મિત્રોના સ્વાગત સમયે મારી પાસે બોલાવતા હતા.  


“શ્રીરામ… શ્રીરામ…કેવું છે હેં? અવસર મારો છે અને હાજરી મારી નથી!  કવિ ‘બેફામ’ના શેરનો એ સાની મિસરા! આવી જ કોઈક ક્ષણની કલ્પનામાંથી સર્જાયો હશે ને? સમય કેવો ઊડે છે? ત્યારે એક પળ વીતતી ન હતી અને આજે તો જુઓ, એક વર્ષ વીતી ગયું. આ ભજનસંધ્યા તો ‘બકુ’ને લીધે નામ રાખ્યું છે. બાકી આપણે તો રંગીલા રાજા ને સંગીતના રસિયા. ખરેખર તો આ યાદોનો ઓચ્છવ છે. રંગમંચનો આ પણ એક રોલ છે ને?”

.

નાટકના રસિયા એ જીવ ક્યારેક ‘સેટેલાઈટવાળા સંજીવકુમાર’ બની જતા, કદીક ‘નિત્યાનંદભારતી’ ઉપનામ ધારી રમૂજી સત્યનારાયણની કથા લખતા તો ક્યારેક “બેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો’ જેવી હાસ્યવાર્તા લખી ‘શાંતિકાકા’ બની જતા! યાદોના આ ભવ્ય ખેલની વચ્ચે એમને ગમતો ઓજસ પાલનપુરીનો શેરઃ
“ મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ જશે.
જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ જશે.” સાંભર્યા વગર કેમ રહે? ને તરત જ તેમનાં ઘરની દિવાલો પર લટકાવેલ સૂત્ર ‘આ સમય પણ વહી જશે’ નજર સામે આવ્યું. તેની સાથે જ આ સનાતન સત્યને સંભા્રી મેં પણ સમયનું સૂકાન સૂત્રધાર સોહામણી બહેન સંગીતાને સોંપ્યું.

નેપથ્યની પાછળ વિષાદને દુપટ્ટાની જેમ સિફતપૂર્વક ઢાંકતી બહેન સંગીતાએ માઈક હાથમાં લઈ, ભાવનાબહેન દેસાઈના મધુર કંઠે પ્રાર્થનાની શરૂઆત કરાવી. સમયને બરાબર સાચવી, એક પછી એક નવીનભાઈના ગમતાં ગાયકો સંગીતામૃત રેલાવતાં ગયાં.વચ્ચે વચ્ચે આવતાં રહેતાં મહેમાનોની ઓળખાણ, કોકિલાબહેન યોગ્ય શબ્દોમાં ભાવભરી રીતે કરાવતાં ગયાં. ભાઈ વિરેન્દ્રને જાણી બૂઝીને ‘બે શબ્દો’ કહેવા ન દીધા હતા. કારણ કે, તેઓ ન તો અંદરનાં મૂંગા ડૂસકાંને પાછાં વાળી શકતા હતા, ન બહાર લાવી શકતા હતા તેથી એમના ભાવોને હાર્મોનિયમની આંગળીઓ દ્વારા જ વહેવા દીધા હતા. ગજબની છે આ કરામત!  ભાવો ભરાય છે હૃદયમાં, ઉભરાય છે આંખોમાં અને વહે છે આંગળીઓ દ્વારા! તેથી હાર્મોનિયમ અને તબલાવાદન, વારાફરતી વિરેન્દ્ર બેંકર અને સુવિન બેંકરે સંભાળેલ. નવીનભાઈને પણ કદાચ એ જ સારું લાગ્યું હશે.

 ગાયકવૃંદમાં હતાં સર્વ શ્રી પ્રકાશ પરીખ, હેમંત ભાવસાર, દક્ષાબહેન ભાવસાર, મનોજ મહેતા, ભાવનાબહેન દેસાઈ, તનમનબહેન પંડ્યા, વિરેન્દ્ર બેંકર, સંગીતા ધારિયા, સુવિન બેંકર, તેની પાંચ વર્ષની  માસુમ દીકરી અનાયા બેંકર, મનીષા ગાંધી, સંગીતા દોશી અને ડો કિરીટ દેસાઈ. જાણીતા ભજન, ફિલ્મી ઢાળમાં લખાયેલ રચના, સ્વરચિત ગીત, ભક્તિસભર ધૂન, વચમાં વચમાં નાનકડી યાદોનો ખજાનો, રમૂજ વગેરેથી વાતાવરણ, શોકની છાયાને બદલવાનો પ્રયાસ કરતું જતું હતું. સૂત્રધાર અને દરેક ગાયકના ભાવપૂર્ણ રીતે ગવાયેલા સંગીતની એ જ તો  ખરી સફળતા. એ જ કારણે speechesને પણ સ્થાન નહિ આપવાનું નક્કી કર્યું હતું. બાકી સભામાં બેઠેલ દરેક વ્યક્તિની આંખમાં દિલથી કંઈક કહેવાની, નવીનભાઈ વિશે બોલવાની ઇચ્છાઓ ડોકાતી હતી. એ સભાનતા સાથે ફરી એકવાર કોકિલાબહેને સૌને ન બોલવા દેવાની ક્ષમાયાચના સાથે સ્પષ્ટતા કરી, ભીની આંખે અને ગદગદ કંઠે સૌનો આભાર માન્યો.

 અહો, આશ્ચર્ય!  નવીનભાઈએ પોતે પોતાની શાંતિસભામાં શું બોલવું તે પણ, શ્રી હસમુખભાઈ દોશીએ આપેલ નવા ‘લેપટોપ’માં લખીને મિત્રોને મેઈલ કરેલ! જેના એક બે અંશ શ્રી મુકુંદભાઈ ગાંધીએ વાંચી સંભળાવ્યા. તેમની એ રમૂજ સાંભળતા સાંભળતા શ્રોતાજનોના ખડખડાટ હાસ્યથી સભાખંડ આખોયે ભરાઈ ગયો..

ત્યારપછી ડો.કોકિલાબહેને ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના બોર્ડના સભ્યો ડો.હર્ષદભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને Architect દિનેશભાઈ શાહને  માનભેર  મંચ પર બોલાવ્યા. સમાજ માટે નવા બાંધેલા સેન્ટરની લાયબ્રેરીમાં, આ કાર્યક્રમ માટે એક હોલની વ્યવસ્થા કરી આપવા માટે, નવીનભાઈના વસાવેલા તમામ પુસ્તકોને અને ખાસ તો તેમના પુસ્તકાલયની દિવાલ પર નવીનભાઈની મોટી તસ્વીર ટાંકવાના કામમાં, સંપૂર્ણ રીતે સહાયરૂપ થવા માટે તહેદિલથી આભાર માન્યો. આખાયે અવસરમાં ભાગીદાર થવા બદલ એક એક વ્યક્તિને યાદ કરી કરીને આભાર માન્યો. સૂત્રધાર તરીકે સંગીતાબહેને પણ સમયને સુંદર રીતે સજાવી સમાપન કર્યો. સૌની હાજરીમાં જ નવીનભાઈની તસ્વીર વિધિસર મૂકવામાં આવી.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_0095-thanking-pic..jpg છે    આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ img_0118-photo-hanging.jpg છે

    (ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન. બોર્ડના સભ્યો અને ડો કોકિલા પરીખ )       (પુસ્તકાલયમાં તસ્વીર લગાવતાં પરિવાર જનો.)

અંતે શુદ્ધ શાકાહારી ભોજન પીરસાયું. હું વિચારતી હતી કે નવીનભાઈને આજે જરૂર સંતૃપ્તિનો ઓડકાર આવ્યો હશે. પારિવારિક પ્રસંગોના અહેવાલો લખતા હું અંગતપણે ખચકાઉં છું. પણ નવીનભાઈની મહેચ્છાના બહાના (!) હેઠળ ભાઈબહેનો તરફથી વહેતા રહેતાં લાગણીપ્રવાહમાં આજે તો ખેંચાઈ જ જવાયું છે. ફરી એક વાર સ્પષ્ટતા કે આ અહેવાલ નથી. આ અહેવાલ-લેખ છે. નવીનભાઈના ફોટા સામે જોઉં છું તો એ પણ એમ જ કહે છે.

આ ઓચ્છવની આરતી ટાણે..ઘેરા રંગનું જેકેટ, માથે હેટ, આંખ પર કાળાં ગોગલ્સ, ખીસામાં હાથ રાખીને જાણે મરક મરક હસી હસી સીટીમાં ગમતું ગીત વગાડી, ડોલી રહ્યા છેઃ
दुःखमें जो गाये मल्हारे वो इन्सां कहलाये,

जैसे बंसीके सीनेमें छेद है फिर भी गाये।
गाते गाते रोये मयूरा फिर भी नाच दिखाये रे…

तुम आज मेरे संग हंस लो, तुम आज मेरे संग गा लो।

ઓહ… આ લેખ પણ આજે ૨૦મી સપ્ટે.જ? વિદાયની એક વર્ષ પછીની ખરી તારીખે જ લખાયો!

આ કાર્યક્રમ માટેનો સંપૂર્ણ યશ બહેન કોકિલા અને શ્રી પ્રકાશભાઈને ફાળે જાય છે. સો સો સલામ.

અસ્તુ..  દેવિકા ધ્રુવ.. આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ devika-1.jpg છે  

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.