કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે. બાળપણથી આજ સુધી મારા અને મારા જેવા અનેકના જીવનને સ્પર્શેલી મહત્વની ઉમદા વ્યક્તિઓમાંની એક..
સેવામૂર્તિ મુ.મુક્તિબેન મજમુદારને માટે આજે ખાસ….
જોગાનુજોગ કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના દિવસે ( મે ૭ ) જ આવતા તેમના શુભ જન્મદિને,
પ્રેમ,આદર અને નમન સહિત… શતં જીવ શરદઃ ની શુભેચ્છા અને પ્રાર્થના સાથે….
************* ************* ***************


(શ્રી વિરેન્દ્ર બેંકર અને સૂત્રધાર સંગીતા ધારિયા ) ( સભાગૃહમાં બેઠેલ શ્રોતાજન) ( તસ્વીર સૌજન્યઃ વિરેન્દ્ર બેંકર )
ટેબલ પરના હસતા ફોટામાં ગોઠવાઈને બેઠેલા આ પુસ્તકપ્રેમી નવીનભાઈ બધું ઝીણી નજરે અવલોકતા હતા અને આમંત્રિત મિત્રોના સ્વાગત સમયે મારી પાસે બોલાવતા હતા.
“શ્રીરામ… શ્રીરામ…કેવું છે હેં? અવસર મારો છે અને હાજરી મારી નથી! કવિ ‘બેફામ’ના શેરનો એ સાની મિસરા! આવી જ કોઈક ક્ષણની કલ્પનામાંથી સર્જાયો હશે ને? સમય કેવો ઊડે છે? ત્યારે એક પળ વીતતી ન હતી અને આજે તો જુઓ, એક વર્ષ વીતી ગયું. આ ભજનસંધ્યા તો ‘બકુ’ને લીધે નામ રાખ્યું છે. બાકી આપણે તો રંગીલા રાજા ને સંગીતના રસિયા. ખરેખર તો આ યાદોનો ઓચ્છવ છે. રંગમંચનો આ પણ એક રોલ છે ને?”
.
નાટકના રસિયા એ જીવ ક્યારેક ‘સેટેલાઈટવાળા સંજીવકુમાર’ બની જતા, કદીક ‘નિત્યાનંદભારતી’ ઉપનામ ધારી રમૂજી સત્યનારાયણની કથા લખતા તો ક્યારેક “બેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો’ જેવી હાસ્યવાર્તા લખી ‘શાંતિકાકા’ બની જતા! યાદોના આ ભવ્ય ખેલની વચ્ચે એમને ગમતો ઓજસ પાલનપુરીનો શેરઃ
“ મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ જશે.
જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ જશે.” સાંભર્યા વગર કેમ રહે? ને તરત જ તેમનાં ઘરની દિવાલો પર લટકાવેલ સૂત્ર ‘આ સમય પણ વહી જશે’ નજર સામે આવ્યું. તેની સાથે જ આ સનાતન સત્યને સંભા્રી મેં પણ સમયનું સૂકાન સૂત્રધાર સોહામણી બહેન સંગીતાને સોંપ્યું.
નેપથ્યની પાછળ વિષાદને દુપટ્ટાની જેમ સિફતપૂર્વક ઢાંકતી બહેન સંગીતાએ માઈક હાથમાં લઈ, ભાવનાબહેન દેસાઈના મધુર કંઠે પ્રાર્થનાની શરૂઆત કરાવી. સમયને બરાબર સાચવી, એક પછી એક નવીનભાઈના ગમતાં ગાયકો સંગીતામૃત રેલાવતાં ગયાં.વચ્ચે વચ્ચે આવતાં રહેતાં મહેમાનોની ઓળખાણ, કોકિલાબહેન યોગ્ય શબ્દોમાં ભાવભરી રીતે કરાવતાં ગયાં. ભાઈ વિરેન્દ્રને જાણી બૂઝીને ‘બે શબ્દો’ કહેવા ન દીધા હતા. કારણ કે, તેઓ ન તો અંદરનાં મૂંગા ડૂસકાંને પાછાં વાળી શકતા હતા, ન બહાર લાવી શકતા હતા તેથી એમના ભાવોને હાર્મોનિયમની આંગળીઓ દ્વારા જ વહેવા દીધા હતા. ગજબની છે આ કરામત! ભાવો ભરાય છે હૃદયમાં, ઉભરાય છે આંખોમાં અને વહે છે આંગળીઓ દ્વારા! તેથી હાર્મોનિયમ અને તબલાવાદન, વારાફરતી વિરેન્દ્ર બેંકર અને સુવિન બેંકરે સંભાળેલ. નવીનભાઈને પણ કદાચ એ જ સારું લાગ્યું હશે.
ગાયકવૃંદમાં હતાં સર્વ શ્રી પ્રકાશ પરીખ, હેમંત ભાવસાર, દક્ષાબહેન ભાવસાર, મનોજ મહેતા, ભાવનાબહેન દેસાઈ, તનમનબહેન પંડ્યા, વિરેન્દ્ર બેંકર, સંગીતા ધારિયા, સુવિન બેંકર, તેની પાંચ વર્ષની માસુમ દીકરી અનાયા બેંકર, મનીષા ગાંધી, સંગીતા દોશી અને ડો કિરીટ દેસાઈ. જાણીતા ભજન, ફિલ્મી ઢાળમાં લખાયેલ રચના, સ્વરચિત ગીત, ભક્તિસભર ધૂન, વચમાં વચમાં નાનકડી યાદોનો ખજાનો, રમૂજ વગેરેથી વાતાવરણ, શોકની છાયાને બદલવાનો પ્રયાસ કરતું જતું હતું. સૂત્રધાર અને દરેક ગાયકના ભાવપૂર્ણ રીતે ગવાયેલા સંગીતની એ જ તો ખરી સફળતા. એ જ કારણે speechesને પણ સ્થાન નહિ આપવાનું નક્કી કર્યું હતું. બાકી સભામાં બેઠેલ દરેક વ્યક્તિની આંખમાં દિલથી કંઈક કહેવાની, નવીનભાઈ વિશે બોલવાની ઇચ્છાઓ ડોકાતી હતી. એ સભાનતા સાથે ફરી એકવાર કોકિલાબહેને સૌને ન બોલવા દેવાની ક્ષમાયાચના સાથે સ્પષ્ટતા કરી, ભીની આંખે અને ગદગદ કંઠે સૌનો આભાર માન્યો.
અહો, આશ્ચર્ય! નવીનભાઈએ પોતે પોતાની શાંતિસભામાં શું બોલવું તે પણ, શ્રી હસમુખભાઈ દોશીએ આપેલ નવા ‘લેપટોપ’માં લખીને મિત્રોને મેઈલ કરેલ! જેના એક બે અંશ શ્રી મુકુંદભાઈ ગાંધીએ વાંચી સંભળાવ્યા. તેમની એ રમૂજ સાંભળતા સાંભળતા શ્રોતાજનોના ખડખડાટ હાસ્યથી સભાખંડ આખોયે ભરાઈ ગયો..
ત્યારપછી ડો.કોકિલાબહેને ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના બોર્ડના સભ્યો ડો.હર્ષદભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને Architect દિનેશભાઈ શાહને માનભેર મંચ પર બોલાવ્યા. સમાજ માટે નવા બાંધેલા સેન્ટરની લાયબ્રેરીમાં, આ કાર્યક્રમ માટે એક હોલની વ્યવસ્થા કરી આપવા માટે, નવીનભાઈના વસાવેલા તમામ પુસ્તકોને અને ખાસ તો તેમના પુસ્તકાલયની દિવાલ પર નવીનભાઈની મોટી તસ્વીર ટાંકવાના કામમાં, સંપૂર્ણ રીતે સહાયરૂપ થવા માટે તહેદિલથી આભાર માન્યો. આખાયે અવસરમાં ભાગીદાર થવા બદલ એક એક વ્યક્તિને યાદ કરી કરીને આભાર માન્યો. સૂત્રધાર તરીકે સંગીતાબહેને પણ સમયને સુંદર રીતે સજાવી સમાપન કર્યો. સૌની હાજરીમાં જ નવીનભાઈની તસ્વીર વિધિસર મૂકવામાં આવી.


