jump to navigation

ગુ.સા.સ. હ્યુસ્ટનના ઈતિહાસની ઝલક.. May 7, 2019

Posted by devikadhruva in : લેખ , add a comment

P.K.Davdaના સ્નેહભર્યા આમંત્રણથી લખેલ લેખ…

https://davdanuangnu.wordpress.com/category/%E0%AA%89%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/

(અમેરિકામાં પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે. પૂર્વ કિનારે ન્યુજર્સી, ફ્લોરિડા, ફીલા ડેલ્ફીયા અને ટેક્ષાસના હ્યુસ્ટનમાં સારી એવી વસ્તી છે. પશ્ચિમ કિનારે કેલીફોર્નિયા રાજ્યના Bay Area અને લોસ એંજેલસમાં વધારે ગુજરાતીઓ છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની સારી વસ્તી છે, ત્યાં ત્યાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવા સંગઠિત પ્રયાસ કરે છે. હ્યુસ્ટનમાં આવી એક સંગઠિત અને લોકશાહી રીતે ચાલતી પ્રવૃતિનો  અહીં સુંદર અને સંક્ષિપ્ત લેખ દેવિકાબહેન ધ્રુવે આપ્યો છે. અન્ય સંગઠનોને પણ આવો અહેવાલ મોકલવા આંગણાં વતી હું આમંત્રણ આપું છું. – સંપાદક- પી. કે. દાવડા )

 

           ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનઃ

સાહિત્ય જગતમાં જેનો ધ્વજ આજે સન્માનપૂર્વક ફરફરતો છે તેવી ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સ્થાપના ૨૦૦૧માં વ્યવસ્થિત રીતે કરવામાં આવી. તેની પૂર્વભૂમિકા, ઈતિહાસ અને વિકાસયાત્રા ખૂબ રસપ્રદ છે. એટલું નહિ, ગુજરાતી ભાષાને જાળવી રાખવા ઈચ્છતી આજની અને આવતી કાલની પેઢીને માટે જરૂરી અને માર્ગદર્શક પણ અવશ્ય છે . તેની પૂર્વભૂમિકા કાંઈક પ્રમાણે છે.

            પૂર્વભૂમિકા, સ્થાપના અને હેતુઃ

અમેરિકાના મોટાભાગના દરેક શહેરોમાં ગુજરાતીઓગુજરાતી સમાજનામે વિવિધ રીતે ગુજરાતને અને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. તે રીતે  વર્ષોથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પણ માતૃભાષાની સતત ઉજવણી થતી આવી છે.

હ્યુસ્ટન ગુજરાતીઓથી અને વિવિધ કલાના કસબીઓથી ધબકતું છે. પોતપોતાની રુચિ અનુસાર જુદા જુદા પ્રકારના  ગુજરાતી વર્તુળો સાથે મળીને કમાલ કરતા રહે છે. ૧૯૯૭૯૮માં જ્યારે સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ આવ્યા તે પછી હ્યુસ્ટનના કેટલાંક સાચા સાહિત્ય-રસિકોના મનમાં એક નવી વિચારધારાએ જન્મ લીધો અને થોડા સમય માટે ૧૫ થી ૨૦ જણનું એકસાહિત્યપરિચયજેવું વૃંદ રચાયું. તે થોડા સમય માટે ચાલ્યું. તેમાંથી એક વાત સમજાઈ કે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય માટેના સારા કાર્યક્રમો થઈ શકે છે. ફક્ત કમી છે એક વ્યવસ્થિત સંસ્થાની. વિચારને પુષ્ટી મળી શ્રી દીપકભાઈ ભટ્ટનાઆપણો અમર વારસોનામે સાહિત્યની બેઠક થકી. તેમણે ૨૩ સપ્ટે. ૨૦૦૧માં પ્રથમ બેઠક પોતાના ઘેર રાખી. ૪૨ માણસોની બેઠક આખી રસપ્રદ રહી.

રસ જળવયેલો રહે તે હેતુથી નામાભિધાન અંગે બહુમતી દ્વારા ‘ગુજરાતી સાહિત્ય સરિતા” નામે સંસ્થાનો જન્મ થયો. તે વખતે આમ તો, ગુજરાતી સાહિત્ય સરિતા ગણ્યાં ગાંઠ્યા સાહિત્ય પ્રેમીઓનું સ્વપ્ન હતું. પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે  સ્વ. ગઝલકાર શ્રી આદિલ મનસુરીએ નીચે પ્રમાણેના લક્ષ્યો કંડાર્યાં.

. ગુજરાતી કવિઓ અને લેખકોનો અમર વારસો જાળવી રાખવો.

. મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું.

. ઉચ્ચ કક્ષાના સર્જકોને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઉંચું લાવવા પ્રયત્નશીલ રહેવું.

. અન્ય લલિત કલાના કાર્યોમાં સહકાર આપવો.

. ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર, પ્રસાર અને વિકાસનો હેતુ રાખવો.

રીતે ત્યારથી માંડીને આજ સુધી એટલે કે, છેલ્લાં ૧૯ વર્ષથી સાહિત્ય સરિતા વહેતી રહી છે. તેમાં નિયમિતપણે મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક સર્જકોને માટે મંચ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, પરંતુ ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સાહિત્યનું સ્તર ઉંચું લાવવા માટે પ્રયત્નશીલ રહે છે અને સાહિત્ય સિવાય અન્ય લલિત કલાઓમાં પણ સહકાર આપવામાં આવે છે. તેમાં લગભગ ૨૦ થી ૨૫ જેટલાં સર્જકો કવિતાઓ રચે છે, વાર્તાઓ લખે છે, નવલકથાઓ ઘડે છે, નાટકો યોજે છે, સંગીત સર્જે છે, શેરાક્ષરી રમે છે, ઉજાણી કરે છે અને રીતે ગુજરાતી ભાષાને આદર સહિત વંદે છે, એક સામૂહિક આનંદ માણે  છે.

             પ્રવૃત્તિ અને પ્રગતિનો ક્રમિક ઈતિહાસઃ 

છેલ્લાં ૧૯ વર્ષના ઈતિહાસ પર અને www.gujaratisahityasarita.org. પર વિહંગાવલોકન કરશો તો જણાશે કે, એમાં સતત પ્રવૃત્તિઓ છે, ક્રમે ક્રમે પ્રગતિ છે, છલ છલ છલકાતી સરસ્વતીની સાધના  છે અને હર કલાની સિધ્ધિ છે. એક એવો મંચ છે જેમાં સર્જક હોય કે ભાવક, સૌને માટે અવકાશ છે. દર મહિનાની બેઠકોમાં નીચે મુજબ વિવિધતા જોવા મળશે.

૨૦૦૧સપ્ટે.મહિનામાં સ્થાપના થઈ.

૨૦૦૨પ્રથમ માર્ગદર્શી મુલાકાતી નામાંકિત ગઝલકાર શ્રી અદિલ મનસુરી અને આદમ ટંકારવી હતા. તેમની હાજરીમાં સર્જન અને શિબિરપર્વની ઉજવણી થઈ. ગાંધી હોલમાં પાદપૂર્તિ હરીફાઈ પણ ત્યારે થઈ.

૨૦૦૩ફ્લોરીડાથી ડૉ. દિનેશ શાહ, ડૉ.સ્નેહલતા પંડ્યાનું આગમન.

૨૦૦૪ –  જુદા જુદા સમયે કવિ શ્રી શ્રી રઈશ મનીયાર, ચીનુ મોદી, યુકે.થી ગઝલકાર શ્રીઅદમટંકારવી અને શ્રી એહમદ ગુલ સાથે બેઠકો થઈ.

૨૦૦૫સંસ્થાના સભ્ય શ્રી વિશાલ મોણપરાએ ગુજરાતી કીપેડની શોધ કરી. એ જ વર્ષમાં. કવિ શ્રી અનિલ જોશી, ગઝલકાર શ્રી શોભિત દેસાઈ સાથે કવિ સંમેલન યોજાયુ.

૨૦૦૬ કવિ શ્રી વિનોદ જોશી સાથે કાવ્યસંધ્યા અને  તે વષે શેરઅંતાક્ષરીનો પ્રથમ પ્રયોગ  પણ થયો.

૨૦૦૭પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા સાથે વાર્તાલાપ યોજાયો. તે વર્ષે મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, રઈશ મનીઆર સાથે ગઝલ વર્કશોપ અને શ્રી જવાહર બક્ષી સાથે કાવ્ય-ગોષ્ઠી યોજાઈ.

૨૦૦૮શાંગ્રિલા આર્ટગેલેરીમાં શેરોની રમઝટ મચાવતો શેરાક્ષરીનો નવો પ્રયોગ થયો. તે ઉપરાંત વિદ્વાન શ્રી સુમન શાહ સાથે બેઠક થઈ અનેચલો ગુજરાતનાં વૈશ્વિક અધિવેશનમાં ભાગ લીધો. શ્રી ગૌરાંગ દીવેટીઆ સાથે બેઠક પણ વર્ષે યોજાઈ.

૨૦૦૯પ્રથમ શબ્દસ્પર્ધાનું આયોજન અને ગાંધીનિર્વાણ દિનની ઉજવણી રૂપે તેમની અંતિમ પળોની ઝાંખી નાટ્યરૂપે દર્શાવવામાં આવી..

૨૦૧૦વાંચનયાત્રાના વિરલ યાત્રી મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, ‘સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગ રૂપેઅનોખી મહેફિલનામે નાટક અને ગુજરાતનો ઝળહળતો દીવડોગરબાનો કાર્યક્રમ, બળવંત જાનીનું પ્રવચન અને સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’માં સાહિત્ય સરિતાના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું

૨૦૧૧દશાબ્દિ-મહોત્સવ’ બે ભાગમાંઉજવાયો,. તે વર્ષે કવિ શ્રી વિવેક ટેલર, હાસ્યલેખક શ્રી હરનીશ જાની અને વાર્તાકાર શ્રી વલીભાઈ મુસા સાથે ખાસ બેઠકો યોજાઈ.

૨૦૧૨ ખુલ્લાં આકાશ નીચે સાહિત્ય ગોષ્ઠી અને ઉજાણી કરવામાં આવી.

૨૦૧૩સામયિકતંત્રી શ્રી અતુલભાઈ શાહ સાથે તેમજ વાર્તાકાર શ્રીમતી નીલમબેન દોશી સાથે  બેઠક કરવામાં આવી. ‘ગૂગલ હેંગઆઉટનો પ્રથમ પ્રયોગ પણ થયો.

૨૦૧૪ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની સાથે વાર્તાલાપ થયો. કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવી સાથે કાવ્યોત્સવ યોજાયો.

૨૦૧૫શ્રી હરિકૃષ્ણ મજમુદાર સાથે બેઠક અને તે વર્ષે શ્રી રઈશ મનીઆરની હાજરીમાંસાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલકનામે પુસ્તકનું ઉદઘાટન કરવામાં આવ્યું.

 ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમ્યાન કવિ શ્રી અનિલ ચાવડા, શ્રી ભાગ્યેશ જહા, શ્રી મુકેશ જોશી.શ્રી શોભિત દેસાઇ, શ્રી મહેશ રાવલ, પન્નાબેન નાયક, પ્રીતિ સેનગુપ્તા, વાર્તાકાર શ્રીમતી નીલમબહેન દોશી, ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની, વગેરેએ પણ મુલાકાત લીધી. તે સૌનો ફાળો પણ અનન્ય છે. ૨૦૧૯ના વર્ષથી અન્ય ભાષાઓના પ્રતિનિધિઓને નિમંત્રણ આપવાનું કામ પણ શરૂ કર્યું છે.

સંસ્થાની બીજી એક વિશેષતા છે કે અહીં દર વર્ષે કે બે વર્ષે વ્યવસ્થાપક સમિતિ બદલાય છે. સ્વૈચ્છિક રીતે ચાહીને આગળ આવનાર જવાબદારી ઉપાડે છે, અને અન્ય સભ્યો તેમાં સાથ આપે છે. મંચ ઉપર કોઈ એકનું સામ્રાજ્ય કે વર્ચસ્વ નથી. તેથી દરેકને અવકાશ મળી રહે છે. સંસ્થા યોગ્ય વ્યક્તિઓની પરખ કરી સન્માન પણ કરે છે. ખુશીની વાત છે કે, છેલ્લાં થોડા વર્ષોથી સભ્યોની સંખ્યા વધતી રહી છે.

અહીં સહાયકો, દાતાઓ, તસ્વીરકાર, પ્રચારક, પ્રસારક, વેબમાસ્ટર, ચિત્રકાર, કલાકાર, સર્જક, વ્યવસ્થાપક, ખજાનચી, અહેવાલ લખનાર સૌ કોઈ યથા શક્તિમતિ સાથ આપે છે. સરિતા છે એટલે અવરોધો તો આવતા રહે પણ છતાં સતત વહેતી રહી છે તે મોટું સદભાગ્ય છે અને તેનું ખૂબ ગૌરવ છે. અત્રે હંમેશને માટે ગુમાવેલા કેટલાંક સારા સર્જકો જેવા કે શ્રી સુમન અજમેરી, નાટ્યકાર શ્રી ગીરીશ દેસાઈ, શ્રી અશોક પટેલ, શ્રી મહમદ અલી પરમારસૂફીને પણ સ્મરી લેવા ઘટે અને નાદુરસ્તીને કારણે કાયમ માટે પાકિસ્તાન ગયેલા એક સારા ગઝલકાર શ્રીરસિકમેઘાણી (અબ્દુલ રઝાક) ને પણ કેમ ભૂલાય?

                 ઉપસંહારઃ
તો છે હ્યુસ્ટનના આંગણે ઉગેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો; જેમાં રોજ અવનવા હસ્તે અક્ષરજળનું સિંચન થયા કરે છે, વિવિધ વિચારકિરણોના તેજ પથરાયા કરે છે અને ભાવકોની શીતળ હવા ભળ્યા કરે છે. રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.

માતૃભાષાની કટોકટી નવી નથી, વર્ષોથી ચર્ચિત થતી આવી છે પણ નેટના નવા માધ્યમો થકી યુવાનવર્ગને ઉત્સાહિત થતાં જોઈને આંખ ઠરે છે અને આશા જન્મે છે. એક એવો પણ સમય આવશે જ્યારે અન્ય વિદેશી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા જાણવા, શીખવા, ટકાવવાની ટહેલ સંભળાશે.

સાહિત્ય સરિતાના આ મંચ પરથી ઘણાંને ઘણું મળ્યું છે. વાંચન, લેખન અને રજૂઆતનો  આયાસ, પ્રયાસ અને રિયાઝ થતો રહ્યો છે, લેખન-સાધના દ્વારા શબ્દપૂજા થતી રહી છે. પરિણામે ભીતરમાં સાહિત્યનું એક વિશ્વ ઉઘડતું રહ્યું છે. કંઈ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મને અને સૌને મળ્યાં છે. એકાદ વાક્યમાં કહેવું હોય તો પંખીની પાંખને વિહરવા માટે અહીં આકાશ મળ્યું છે. સાચું કહું તો  મને તો એમ લાગે છે કે જાણે ‘મને હું મળી ! ‘

सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ
Ddhruva1948@yahoo.com
મે ૨૦૧૯.
https://devikadhruva.wordpress.com/

http://devikadhruva.gujaratisahityasarita.org/

 

 

 

.

 

ઈ-વિદ્યાલય-૫ March 13, 2019

Posted by devikadhruva in : લેખ , add a comment

કલમ શબ્દ બહુ મજેદાર છે. એ મૂળ અરબી ભાષાનો શબ્દ. લખવાનું અણીદાર સાધન એટલે કલમ. કલમ શબ્દના બીજાં પણ ઘણા અર્થો છે. તે તો જોઈશું જ. પણ તે પહેલાં એ પણ જાણી લઈએ કે  કલમ શબ્દ સંસ્કૃતમાં, ફારસીમાં અને ઊર્દૂમાં અને અંગ્રેજીમાં પણ ઉતરી આવ્યો છે. ઊર્દૂમાં ‘ક’ની નીચે મીંડું કરવામાં આવે  એટલે કે क़लम   (हिन्दी लिपि) આ રીતે લખાય.

કલમ શબ્દના બીજા અર્થો થાયઃ લખવું, જેનાથી લખાય તે સાધન,ચીતરવા માટેની પીંછી, લેખિની, બંગાળમાં થતી એક પ્રકારની ચોખાની જાત, કદંબ વૃક્ષની એક જાત, કતાર વગેરે. આ કતાર શબ્દ લખ્યો એટલે લખાણની કતાર મતલબ કે અંગ્રેજીમાં જેને કોલમ કહીએ છીએ તે થાય. મઝા આવી ને જાણવાની?

હવે કતારને અડીને પણ કેટલા બધા શબ્દ-પ્રયોગો બને છે, ખબર છે?

કલમ-કશી= સુંદર છટાદાર લખાણ કરવું તે. અહીં કલમ એ અરબી શબ્દ અને કશી એ વળી ફારસી શબ્દ.

કલમ ચોર= લખવા માટે આળસુ માણસ, કોપી કરનારો, નકલ કરનારો.

કલમ ચિત્ર = ચિત્ર જેવું સુંદર લખાણ

કલમ-ક્રિયા= જુદા જુદા બે ઝાડની ડાળીઓને કાપી એકબીજાં પર ચડાવવી.

કલમબાજ=લેખન કાર્યમાં કુશળ.

આગળના લેખમાં આપણે વાત શરૂ કરી હતી કે અલગ અલગ ભાષા અને બોલીની.

સંસ્કૃત શબ્દ ‘ભાષ’ પરથી ભાષા અને ‘બોલ’ પરથી બોલી, એમ ગુજરાતીમાં ભાષા અને બોલી શબ્દો આવેલા છે. ભાષા અને બોલી વચ્ચે તફાવત  છે.

બોલી રોજબરોજના સ્વાભાવિકપણે વપરાશના શબ્દો જે બોલાય છે તે. દા.ત. હું ઘરની વ્યક્તિ સાથે ‘પાણી આપજે ને?”એમ કહું તે મારી સ્વાભાવિક બોલી કહેવાય. પણ એ જ હું મારી ઓફિસમાં અન્ય વ્યક્તિ પાસે પાણીની માંગણી કરતા કહું કે “મને પાણી આપશો,પ્લીઝ?” તો એ મારી ઔપચારિક ભાષા બની.

ભાષા જે તે રાજ્ય કે પ્રદેશની શિક્ષણની ભાષા છે તે. જ્યારે બોલી એ કોઈ ચોક્કસ જનસમુદાય કે શહેર કે પ્રદેશમાં વસતા લોકો દ્વારા રોજિંદા જીવનમાં બોલચાલમાં બોલાતી ભાષા છે તે. તે દેશે,દેશે,પ્રાંતે,પ્રાંતે અને શહેરે શહેરે જુદી જુદી  બની જતી હોય છે. તેની ઉપર જે તે જગાની સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતોની અસર પડતી હોય છે.

સાવ સામાન્ય દાખલો લઈએ તો ગુજરાતના શહેરોમાં ‘પાણી આપો’ બોલે જ્યારે ગામડાના લોકો

‘પોણી આલો ને બઈ” એમ બોલે. ભાષાને અતિ શુધ્ધ રીતે બોલતા નાગરો વળી એક વિશિષ્ટ લઢણથી “પાણી આપશો? એ રીતે માંગણી કરે! આમ.બોલી બાર ગાઉએ બદલાતી રહેતી હોય છે.

ભાષા અને બોલીનો આ તફાવત સમજવા માટે નેલ્સન મંડેલા ખુબજ સરસ વાત કરે છે. એ કહે છે કે, “If you talk to a man in a language he understands, that goes to his head. If you talk to him in his language, that goes to his heart.“ અર્થાત, “કોઈ વ્યક્તિ જે ભાષા સમજે છે તે ભાષામાં તમે તેની સાથે વાત કરશો તો તે તેના મગજ સુધી પહોંચશે, પરંતુ તમે જો તેની પોતાની ભાષામાં તેની સાથે વાત કરશો તો તે તેના હ્રદય સુધી પહોંચશે.”

આ રીતે કેટલીક વાતો બૌધ્ધિક કહેવાય અને કેટલીક વાતો લાગણીની,હ્રદયની કહેવાય. આમ, ભાષા અને બોલીનો દરિયો કેટલો મોટો છે ને? ધીરે ધીરે પગલાં મૂકીએ તો વધુ ને વધુ મઝા આવતી જાય. તેથી આજે આટલેથી અટકીશુ? ફરી પાછા કોઈ નવા શબ્દોની વધુ વાત…

દેવિકા ધ્રુવ

 

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ. June 13, 2016

Posted by devikadhruva in : લેખ , 1 comment so far

 

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ.

        DSC_9399DSC_9395     IMG_1344     IMG_1348

સંસ્કૃતથી સંસ્કૃતિના માણસ શ્રી ભાગ્યેશ જહાની ઉપસ્થિતિમાં,વરસાદના જોરદાર ઝાપટા વચ્ચે, ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૬૫મી બેઠક, ૧૨મી જૂનની ભીની ભીની સાંજે યોજાઈ. પ્રાર્થના,સ્વાગત અને પરિચયની વિધિ પછી ભાગ્યેશભાઈએ સંસ્કૃતમાં “વાગર્થાવિવ સમ્પૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે, જગતઃપિતર્રૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ…થી વક્તવ્યની શરુઆત સંસ્કૃતમાં જ કરી. આ કોમ્પ્યુટરના આધુનિક યુગમાં, વેબવિશ્વમાં પ્રમ્પ્ટ ધારીને બેઠેલી ચીપરૂપી સરસ્વતી દેવીના પ્રારંભથી સૌ શ્રોતાજનોને પોતાની અદભૂત વાગ્ધારાના પકડમાં લઈ લીધા.

કવિતાની શરુઆત, વિદ્વાન પિતાની યાદો સાથે, આજના વરસાદી વાતાવરણને જોડી એક ગામડાના વરસાદના માહોલને તાદૃશ કરી મઝાની કવિતા સંભળાવી કે “તમે વરસાદે કેમ કદી મળતા નથી, તમે મેઘધનુષની જેમ કેમ મળતા નથી”. કવિતા વેદનામાંથી આવે છે એવા કથન સાથે એક વ્યંગ-કાવ્ય રજૂ કર્યું કે; “અમે તો એક્ટિવિસ્ટો,….. ટવીસ્ટ કરી ગાવું એ જ અમારો મેનીફેસ્ટો”!

ત્યારબાદ પોતાના વોશિંગ્ટનના અનુભવોને યાદ કરતા, ‘જ્યોર્જ વોશિંગ્ટન તમારા મહામેટ્રોની જય હો’ કહી ‘સલામ વોશિંગ્ટન’ની કવિતા રજૂ કરી. એ જ ભાવને મહેસાણાની ભાષામાં “મારું હારું મેટ્રો નામનું ગાડું,ફટાક દૈને ડાઉનટાઉન પોંક્યું,જબરુ હારું ગાડું..આ  વાતના અનુસંધાનમાં એક ખેડૂતની ભાષામાં પણ હમજ્યો મારા દિયોર,ખરા બપોરે ચ્યોંથી આયા મારા દિયોર” એવી હળવી રચના સંભળાવી શ્રોતાજનોને હસાવ્યા.

મઝાથી મહાલતા અને રજૂઆત કરતા આ કવિએ બે-ત્રણ પારિવારિક કાવ્યો “ દીકરી રંગોળી દોરે છે” અને પિતાના મૃત્યુ ટાણે “મૃત્યુ ખોલે છે એક અજાણી બારી” રજૂ કરી સભાગૃહને લાગણીભીના કરી દીધા. તો પત્ની અંગેનું કાવ્ય “ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા”પણ ખૂબ જ સુંદર રીતે સંભળાવ્યું. ‘એન આર આઇ’ નું એક ગીત “તમે અહીંથી ના જાઓ તો સારું રહે, કે જળને વહેવાનું એક કારણ રહે..પ્રસ્તૂત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

ત્યાર પછી જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તે ચિતોડગઢની વાતને યાદ કરી આ માધવ અને મૂરલીના મોહક કવિએ  ભાવભેર “ મેં તો ઝેરનો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!’  અને ‘આરપાર, આસપાસ અઢળક ઊભો છું, તમે પાછાં વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો”  અને “SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,મોરલી મોબાઇલ જેવી રાખો.” વાળી તેમની જાણીતી કવિતાઓ રજૂ કરી સૌની વાહ વાહ મેળવતા રહ્યાં.

છેલ્લે, ગાંધારી નામના હાલ લખાઈ રહેલા પોતાના નાટકના પ્રોજેક્ટની માહિતી, કાલિદાસના મેઘદૂત,રઘુવંશનો થોડો અછડતો ઉલ્લેખ,, સંસ્કૃતમાં લખેલા ગરબાની ઝલક અને શ્રી નરેન્દ્ર મોદી સાથેના કામના સંસ્મરણોની વાતો પણ કરી. શ્રોતાજનોના કેટલાંક પ્રશ્નોના ઉત્તરો આપ્યા પછી શ્રી ભાગ્યેશભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. સાહિત્ય સરિતા તરફથી આભાર વિધિ અને આગામી કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ સભા સમાપ્ત થઈ. બે કલાક ચાલેલી આ રસપ્રદ બેઠક પછી સૌ સભાજનો અલ્પાહારને ન્યાય આપી વિખેરાયા.

આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા એક કાબેલ અને કુશળ તથા માધવ અને મોરલીના કવિ સાથે ગાળેલી આ સાંજ, સાહિત્ય સરિતાના પાના પર એક સુગંધિત મોરપીંછ સમી મહેંકી રહી. પંદર-સોળ વર્ષથી ચાલતી હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના અહોભાગ્યમાં એક વધુ ઉમેરો થયો. અંતે ગુજરાતી સાહિત્ય એકેડેમી સાથે આ ગૌરવવંતી સંસ્થાના સંધાનની આશા સાથે અહીં વિરમીએ.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

જુન ૧૩, ૨૦૧૬

વિશાલ મોણપરા-ગુજરાતીઓની શાન… September 18, 2013

Posted by devikadhruva in : લેખ , 1 comment so far

 

 

નેટ-જગતના ગુજરાતી-વિશ્વમાં આજે જેમનું નામ અજાણ્યું નથી એવા વિશાલ મોણપરાની થોડી વાતો કરીશું. વિશાલ મોણપરા એટલે શાંત અને શરમાળ, વિનયી અને વિવેકી. નમ્ર અને નિરાભિમાની. ધર્મ અને સાહિત્ય-પ્રેમી. તેમને કામ સાથે કામ. બોલાવો તો પરાણે થોડું બોલે પણ કામ, સતત બેસુમાર કરે. એમની સિધ્ધિઓને બિરદાવીએ તે પહેલાં જરૂર કહેવાનુ મન થાય કે વિશાલ એટલે ગુજરાતીઓ માટે વરદાન, હ્યુસ્ટનનું અભિમાન અને ગુજરાતી ભાષાનું આશાસ્પદ સ્થાન. 

પોતાનો પરિચય આપતા http://www.vishalon.net પર નમ્રતાપૂર્વક એ માત્ર આટલું જ લખે છે કે, 

“I am Vishal Monpara. I am a Microsoft certified technology specialist and working in Houston, TX. I am proud volunteer of Bochasanvasi Shree Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS). Unique combination of inspiration from my spiritual guru HDH Pramukh Swami Maharaj, love to Gujarati and technical skills led me to develop various Indian language tools.” 

કેટલી સરળતા અને સહજતા ! 

આપની જાણકારી માટે આ રહ્યા વિશાલનાં નોંધનીય કાર્યો– 

૧) પ્રમુખ ટાઇપ પેડ.. 

૨) સ્પેલ-ચેકર ઇન ટાઇપ પેડ.. 

૩) શબ્દસ્પર્ધાનો સોફ્ટવેર. 

૪)કન્વર્ટર કે જેમાં ગુજરાતી ભાષાના વિવિધ ફોન્ટને યુનિકોડમાં ફેરવવાની સવલત આપી. યુનિકોડમાંથી અન્ય ફોન્ટમાં પણ બદલી શકાય છે. આ પ્રોગ્રામમાં પબ્લીશરનો ઘણો સમય બચતો હોય છે. 

૫) હાલ સ્પેલચેકર માટે શબ્દ-ભંડોળ વધારી રહ્યા છે. સાર્થ જોડણીના બધા જ શબ્દો તે સ્પેલચેકરમાં લાવવા કટીબધ્ધ છે. 

૬) ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના વેબ પેઇજ પર એક સાથે ૩૫ જેટલાં સર્જકોને તેમના સ્વતંત્ર બ્લોગ આપ્યા. 

૭) જોડણી પર એ વિશેષ ભાર મૂકે છે.માતૃભાષા એ ગૌરવ અને સંસ્કારનો વિષય છે.બીજી પેઢી સુધી તેને લઇ જવાનો પ્રયત્ન સાચા હ્રદયથી નથી થતો તેમ તે માને છે અને તેથી તે માટે તે ટેક્નીકલ સંશોધનો કરી જાળવવા મથે છે. 

પ્રમુખ આઇ.એમ.ઈ.ને તેમણે વધુ સુસજ્જ કર્યું છે અને તેના ઉપયોગથી ૨૦ ભારતીય ભાષાઓમાં કંપ્યુટરમાં ટાઇપીંગ શક્ય બન્યુ છે. ડિસેમ્બર ૨૦૦૯માં આ સોફ્ટવેરની આવૃત્તિ ૧.૧ તેમણે બહાર પાડેલી અને નવી આવૃત્તિ ૨.૦ તેમણે ૧૫ ઑગષ્ટ ૨૦૧૩માં બહાર પાડેલ છે. આ સમયગાળા દરમ્યાન આ સોફ્ટવેરમાં કરેલાં ફેરફાર વિષે તે જણાવે છે કે, “ પ્રમુખ આઇ.એમ.ઈ.ની જૂની આવૃત્તિ એ લિપિ પર આધારિત હતી જેથી હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરે ભાષાઓના ટાઇપીંગ માટે દેવનાગરી લિપીના યુનિકોડ વપરાતા હતા.પરંતુ સૌથી મોટી તકલીફ એ હતી કે આ દરેક ભાષાઓમાં દેવનાગરી લિપીના અમુક યુનિકોડ વપરાતા ન હતા. વળી દરેક ભાષાઓના ટાઇપીંગના નિયમોમાં પણ થોડીક ભિન્નતા હતી. પ્રમુખ આઇ.એમ.ઈ.ની નવી આવૃત્તિમાં લિપીની જગાએ દરેક ભાષામાં ટાઇપીંગ શક્ય બન્યું છે કે જેથી દરેક ભાષાઓમાં વપરાતા અક્ષરોનો જ જે તે ભાષામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અલગ અલગ ભાષાઓના ટાઇપીંગના નિયમોની ભિન્નતાને પણ આવરી લેવાયા છે.તેનાથી ટાઇપીંગ કરવાનું પણ આસાન બન્યું છે. 

આ ઉપરાંત દરેક ભાષાઓમાં ભારતિય રૂપિયાનું ચિન્હ અને સ્વસ્તિકનું ચિન્હ પણ આવરી લેવાયું છે. પહેલાં વિવિધ મૅનુનો ઉપયોગ કરવા માટે માઉસ વાપરવું પડતું હતું અને ટાઇપીંગની ઝડપ ઓછી થઇ જતી હતી. નવી આવૃત્તિમાં કીબોર્ડના શોર્ટકટની મદદથી માઉસ વગર પણ વિવિધ મૅનુનો ઉપયોગ શક્ય બન્યો છે અને ટાઇપીંગની ઝડપ જળવાઇ રહે છે.” 

માત્ર ગુજરાતી ભાષા માટે પ્રમુખ આઇ.એમ.ઈ.માં કરેલાં ફેરફાર વિષે તેઓ જણાવે છે કે, 

“ગુજરાતી ભાષામાં પહેલેથી જ ટાઇપીંગના મોટાભાગના નિયમો સાચા હોવાથી તેમાં મોટો ફેરફાર કર્યો નથી.પરંતુ લોકોના પ્રતિભાવના આધારે થોડા સુધારા કરવામાં આવ્યા છે.દા.ત. પહેલાં ‘છ’ લખવા માટે Ch ટાઇપ કરવું પડતું હતું.પરંતુ હવે તેને chh કે Ch બંને વડે લખી શકાય છે. વળી અન્ય ભારતિય ભાષાઓ સાથે તાલ મેળવવા માટે ‘જ્ઞ’ ને Gn કે Gy બંને વડે લખી શકાય છે. આ ઉપરાંત ભારતિય રુપિયાનું ચિન્હ પણ ઉમેરાયું છે.” 

વાચકોને એ વિદિત થાય કે, પ્રમુખ આઇ.એમ.ઈ કોઇપણ વ્યક્તિ વિશાલ મોણપરાની વેબસાઇટ http://vishalon.net પરથી નિઃશુલ્ક ( ફ્રી ) ડાઉનલોડ કરીને વાપરી શકે છે. 

ઑગષ્ટ ૨૦૧૩ સુધીમાં કુલ ૮૮,૫૦૦ વખત આ સોફ્ટવેર ડાઉનલોડ થયેલ છે. જાન્યુઆરી ૨૦૦૫થી ઑગષ્ટ ૨૦૧૩ સુધી ૨,૩૦૦ કલાક કરતાં પણ વધારે સમય આ વિવિધ નિઃશુલ્ક ( ફ્રી ) સોફ્ટવેર બનાવવામાં ફાળવીને તેમણે માત્ર ગુજરાતી જ નહિ પણ ભારતિય અન્ય ભાષાઓની પણ અનન્ય સેવા કરી છે. 

વિશાલ વિશે શ્રી પી.કે દાવડાએ ગુજરાતના બે બ્લોગ-રત્નો- માં સવિશેષ વાત કરી છે. 

તો શ્રી વિજય શાહે વિશાલ મોણપરાની એક વધુ સિદ્ધિ અને ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા દ્વારા યોગ્ય મૂલવણી કરી છે.વિવિધ સમાચાર પત્રોમાં પણ તેમના કાર્યોની નોંધ લેવાઇ છે. 

આ ઉપરાંત વિશાલની એક છૂપી ખુબી એ છે કે તે્મણે ૨૦૦૫ થી ૨૦૦૭ સુધીના ગાળામાં ગઝલ અને પદ્યરચનાઓ પણ કરી છે અને હાલ પણ સમયની અનુકુળતાએ એ મસ્તી માણે છે. 

આ રહ્યા કેટલાંક નમૂના ઃ 

ફાયર એલાર્મ સાંભળ્યો 

અને હું રૂમની બહાર નીકળી ગયો.. 

ત્યારે એક વિચાર આવ્યો. 

તેં મારા દિલમાં લગાડેલી પ્રેમની 

આગનો ફાયર એલાર્મ વાગ્યો 

એ તે સાંભળ્યો હશે? 

 ********************************

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? 

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
********************************

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા.. 

અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી….. 

************************************************

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? 

પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? 

એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં 

બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
******************************************

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે.. 

આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે.. 

એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે.. 

જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે.
********************************************************

આમ, વિશાલના દિલ અને દિમાગ બંને ટેલેન્ટેડ છે !!!!  

છેલ્લે, ફરી એક વાર મારા શબ્દોને દોહરાવીશ કે,વિશાલ એટલે ગુજરાતીઓ માટે વરદાન, માત્ર હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું જ નહિ પણ સમગ્ર હ્યુસ્ટન શહેરનું અભિમાન અને ભવિષ્યની નવી પેઢી માટે ગુજરાતી ભાષાનું આશાસ્પદ સ્થાન. ધરતી આવા સિતારાઓથી ચમકતી રહે એ જ ધન્યતા.

 

અસ્તુ.

 

દેવિકા ધ્રુવ

 

યાદગાર ક્ષણો September 5, 2013

Posted by devikadhruva in : લેખ , add a comment

ઑગષ્ટ ૨૯

લાંબા વિરામ બાદ ફરી એક વાર…

વચગાળામાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા ! ( તાજી તાજી અમદાવાદથી પાછી વળેલ લાગુ છું ને ?) પરિવારના માઠા સમાચારને કારણે અચાનક જ ભારત જવાનું થયું. ઉનાળાના વેકેશનને કારણે એરલાઇન ખાસ્સી ભરચક રહી, પાછા આવવા માટે ધારી ટિકિટ ન મળી શકી. પણ એને પરિણામે કેટલાંક સાહિત્યકારોને મળવાનો અલભ્ય મોકો મળ્યો.

શરુઆત થઇ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇથી. દર વખતે ભારતની મુલાકાત દરમ્યાન તેમને મળવાના યોગો અનાયાસે જાગે જ છે. મુક્તિબેન મજમુદારનું કુટુંબ એટલે મારી છત્રછાયા. નારાયણ દેસાઇનો પણ એ ઘેર જ મુકામ. તેમના તમામ એવોર્ડ પણ ત્યાં જ હોય. આ વખતે પણ એ રીતે એ ઘરમાં જ તેમને શાંતિથી મળવાનું બન્યુ. મને યાદ છે ૨૦૦૯માં મારા પ્રથમ પૂસ્તક ‘શબ્દોને પાલવડે’ની પ્રથમ કોપી પણ તેમને જ આપવા સદભાગી બની હતી અને આ બીજી ઇબૂક ‘અક્ષરને અજવાળે’ને પણ એ જ સદભાગ્ય સાંપડ્યુ. આ રહી એ ધન્ય ક્ષણો..

ન..દેસાઇ     ન..દેસાઇ-૨

ગાંધીકથાના પ્રખર હિમાયતી પૂજનીય શ્રી નારાયણ દેસાઇ સાથે-જુલાઇ ૨૦૧૩.

બીજી એક સુખદ ઘટના બની “બુધસભાની”. ૨૦૦૯ની સાલમાં કવિ શ્રી યોસેફ મેકવાન નો પરિચય થયેલ. આ વખતે જ્યારે યોસેફ્ભાઇ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઇએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઇ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો.એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

BUDH SABHA JULY 2013 (PART_01)

Watch this link. http://youtu.be/E9hzWslr-0Y.

ધિરુભાઇ-૨

( ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેસીડેન્ટ શ્રી ધીરુભાઇ પરીખ,દેવિકા ધ્રુવ અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩. )

બુધસભા વિષે વર્ષોથી ઘણી વાર ઘણું બધુ સાંભળ્યું હતુ અને ‘કુમાર’માં અવારનવાર વાંચ્યું પણ હતુ. તો પણ આજે બુધ સભા વિશે થોડું સવિશેષ લખવાનું મન થાય છે.તેના ઘણા કારણો છે. સૌથી પ્રથમ તો તેનું આયોજન ખુબ જ શિસ્તબધ્ધ, સમયસર અને મુદ્દાસર હોવાથી હું ખુબ જ પ્રભાવિત થઇ. બીજું, સાહિત્યનો એક એવો સરસ માહોલ રચાય છે જે અતિશય આનંદ આપે છે. બરાબર સાતના ટકોરે ભાઇ શ્રી મનીષ પાઠકે કાર્યક્રમની શરુઆત કરી અને ક્ષણના પણ વિલંબ કે બિનજરૂરી વાતોમાં સમય વેડફ્યા વગર,એક પછી એક સર્જકો આવતા ગયા અને પોતાની કૃતિઓ રજૂ કરતા ગયાં. મધુસૂદન પટેલ,ગુંજન ગાંધી, રાધિકા પટેલ,દક્ષા પટેલ અને પ્રવીણ પટેલે પોતપોતાની એક એક કૃતિ રજૂ કરી જેમાં ગીત,ગઝલ અને અછાંદસનો સમાવેશ હતો. શ્રી ધીરુભાઇએ, વિદેશમાં ગુજરાતીને સાચવવાની અને વિક્સાવવાની પ્રવૃત્તિઓની સરસ કદર કરતાં, મારી સવિશેષ ઓળખાણ આપી અને બે સ્વરચના વાંચવાનું ઇજન આપ્યું. મેં મારી ખુબ જ માનીતી રચના ‘શતદલ’ અને ‘પૃથ્વી વતન કે’વાય છે’ એ બંને રચનાઓ રજૂ કરી. બુધસભામાં કાવ્યપઠનનો આનંદ તો થયો જ પરંતુ અન્ય સર્જકોને સાંભળવાનો અનેરો લ્હાવો પણ મળ્યો એ મારે મન બહુ મોટી વાત બની ગઇ..

ત્યારપછી મહાન કવિની અમર રચના’નીરખને ગગનમાં’ના શબ્દે શબ્દનો રસાસ્વાદ ધીરુભાઇના મુખે,મનભાવન રીતે સાંભળતા સાંભળતા ઘણી બધી જૂની સ્મૃતિઓ તાજી થતી ગઇ. ( BUDH SABHA JULY 2013 (PART_02) http://youtu.be/f2Yq0w3-wJc ) ઘડીભર માટે એચ.કે આર્ટ્સ કોલેજના વિશાળ સભાખંડમાં યશવંત શુક્લ,નગીનકાકા ( નગીનદાસ પારેખ ) કે મધુસુદન પારેખના ગુજરાતીના વર્ગમાં હોવાનો રોમાંચ અનુભવ્યો. તેમનો બુલંદ અવાજ અને હળવી રસાળ વાણી સાંભળીને ધન્યતા અનુભવી.આ યાદગાર પ્રસંગની ખુશીનો આખો યે યશ યોસેફભાઇને અને આભારનો ભાર, નતમસ્તકે શ્રી ધીરુભાઇને આપુ છું.

https://youtu.be/E9hzWslr-0Y

તે પછી ઉડન ખટોલાની જેમ, “stop by” થવા આવું છું અને ઘેર ન હોવ તો પુસ્તક ‘drop-off’ કરીને જતી રહીશ’  એવી રીતે નેટ અને વેબ ગુર્જરીના શ્રી જુ.કાકાના નામથી ખ્યાતનામ  જુ.ભાઇશ્રી જુગલકિશોર વ્યાસને પણ અલપઝલપ મળી લીધું.તેમની ઇચ્છા તો હતી કે થોડા સાહિત્ય-પ્રેમીઓને એક્ઠા કરી શાંતિથી મળીએ.પણ પ્રખર ગરમી અને સાંબેલાધાર સતત વરસાદને કારણે સંગઠનની અનુકૂળતા ન મળી શકી. છતાં એ ટૂંકી મુલાકાત દરમ્યાન (૧)ભાષાશુધ્ધિનો તેમનો આગ્રહ અને (૨) ગુજરાતી કીબોર્ડના સંશોધક આપણા હ્યુસ્ટનના લાડીલા વિશાલ મોણપરાના બહુમાનની એમ બે મુખ્ય વાતો ભારપૂર્વક કરી.

અમદાવાદના ૩૬ દિવસના રોકાણમાં માંડ ૬ દિવસ વરસાદ વિનાના હતા તેમાંના એક દિવસનો લાભ લઇ વડોદરાની મુલાકાત લીધી.ઘણાં વખતથી ‘રીડગુજરાતી’ના સ્થાપક અને સર્જક મૃગેશ નવયુવાન મૃગેશ શાહને મળવાની ઇચ્છા હતી. અવારનવાર ફોન,ઇમેઇલ વગેરે માધ્યમો દ્વારા મળવાનું બનતુ. પણ આ વખતે પ્રત્યક્ષ મળતાં સાહિત્ય અને ગુજરાતી ભાષા અંગે ઘણી વાતો થઇ. એ કહે છે કે, “રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ છે યુવાવર્ગ સુધી એવા પ્રકારનું સાહિત્ય પહોંચાડવાનો કે જે તેમને આપમેળે વાંચતા કરી દે. સૌને પોતાના જીવનનું પ્રતિબિંબ એમાં દેખાય. એક એવા પ્રકારનું વાંચન જે સૌના મનને અનેરી તાજગી અર્પે. આ હેતુથી આ વેબસાઈટ પર રોજ નિયમિત રૂપે બે ચૂંટેલા લેખો પ્રકાશિત કરવામાં આવે છે.” યુવાનવયે ભાષાનો ભેખ ધરીને બેઠેલા,રાત દિવસ સતત માત્ર આ જ કામમાં મગ્ન અને એકલે હાથે ઝઝુમતા આ નવયુવાનને અંતરથી સલામ.

આવા જ એક બીજા વેબમિત્ર મળ્યા જીગનેશ જિજ્ઞેશ અધ્યારું. ‘અક્ષરનાદ’ પર ધૂમ મચાવતા આ સાહિત્યપ્રેમી પણ મળવા જેવી વ્યક્તિ છે. અક્ષરનાદને એ લેખન,વાંચન અને ભ્રમણ એમ ત્રણે પ્રવૃત્તિનું સંગમ સ્થાન ‘પ્રયાગ’ તરીકે ગણાવે છે.અક્ષરના માધ્યમથી અંતરના નાદ તરફ દોરી જતી આ પ્રવૃત્તિ તેમની મનગમતી વાત છે. વેબમિત્ર તરીકે મેં જ્યારે ફોન પર “તમારા ગામમાં છું’નો ટહૂકો કર્યો ત્યારે ‘મહુવા કે વડોદરા? ના આશ્ચર્યોદ્ગાર પછી ઉમળકાભેર સ્વાગત કર્યું અને યોગાનુયોગે તે દિવસે ત્રણ મહિના પછીની તેમની એ વડોદરાની ટૂંકી મુલાકાત હતી ! જેમાં પરસ્પર આ મોકો મળી ગયો. વિચારું છું; વેબવિશ્વે કેટલું સર કર્યું અને કરાવ્યુ !!

વડોદરાની ત્રીજી એક વ્યક્તિ કે જે કમ્પોસર અને ગાયક બંને છે તેમને ખાસ મળવાનો મારો ઉદ્દેશ હતો. નામ શ્રી કર્ણિક શાહ. ૨૦૧૨માં ફ્લોરી્ડાના પોએટ્રી ફેસ્ટીવલ દરમ્યાન પરિચય થયો. ડો.દિનેશ શાહ અને અન્ય કવિઓના તેમણે કમ્પોઝ કરેલાં ગીતો અને ગઝલો તેમના પોતાના જ કંઠે ત્યારે સાંભળવા મળ્યા હતાં. તે પછી મારા કેટલાંક ગીતો અને ગઝલો તેમણે કમ્પોઝ કર્યા છે જે મારે મન આનંદનો વિષય છે. વડોદરાના તેમના રેકોર્ડીંગ સ્ટુડીઓમાં, મારા શબ્દોને સૂરબધ્ધ થઇ વહેતા સાંભળવાની એ ક્ષણો પણ યાદગાર જ રહી.

એક જ દિવસના વડોદરાના માત્ર ચાર-પાંચ કલાક જેટલાં ટૂંકા સમયગાળામાં જેમને કારણે આ બધું શક્ય બન્યું તેમનું તો સદાનુ ૠણ ! તાજેતરમાં ‘અહમથી સોહમ્ સુધી’ જેવા ઉચ્ચ,આધ્યાત્મિક વિષય પર અતિ સરળ અને સહજ ભાષામાં લખનાર નિકટના મિત્ર ભોન્ડેશ્રી વિલાસ ભોંડેનો, આ તબક્કે, જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે.

યુ એસ એ.નીકળવાના દિવસે વળી ગુજરાતી સાહિત્ય એકેડેમી, ગાંધીનગરની મુલાકાત લીધી. ‘ગુજરાતી સાહિત્યકાર કોશ’ ઉપલબ્ધ કરી અને ગુ.સા.એ.ના મહામંત્રી તથા ‘શબ્દસૃષ્ટિ’ના  કવિ,વાર્તાકાર અને તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદીને પણ મળવાની તક ઝડપી. તેમની પાસેથી મનોહર ત્રિવેદી સંપાદિત કવિ શ્રી કિસન સોસાના ગીતોનો સંચય ભેટ તરીકે મળ્યો અને મારી ’અક્ષરને અજવાળે’ બૂક અવલોકનાર્થે શ્રી હર્ષદભાઇને આપી. સાહિત્યરસિક વ્યક્તિઓ સાથેની આ થોડી થોડી ક્ષણો આનંદસભર અને યાદગાર લાગે જ.

તો આ હતી મારી ખોબોભર ખુશી અને ગમતાનો ગુલાલ. કલમ શબ્દ અર્પે છે, શબ્દ કલા જગવે છે, કલા સર્જન કરે છે અને સર્જન સંબંધોનો સેતુ બને છે. કદાચ આનું જ નામ જીવન હશે કે જીવંત ચૈતન્ય હશે ! આ દિવસો દરમ્યાન કુદરતે પણ વરસવામાં માઝા મૂકી હતી. અવિરત વરસાદ પડ્યો હતો પણ ક્યાંય નડ્યો ન હતો ! એ પણ કેવો સુયોગ…ઋણાનુબંધ ! પરિવારના માઠા સમાચારથી અચાનક જ આરંભાયેલી આ અનાયોજીત યાત્રા ( કે યાતના ) મહદ્ અંશે સંકેતપૂર્ણ રહી.

बलियसी केवलम इश्वरेच्छा.

અસ્તુ.

 

કાવ્ય-મહોત્સવ-ઑગષ્ટ ૨૦૧૨ August 31, 2012

Posted by devikadhruva in : લેખ , 3 comments

  

 

કાવ્ય-મહોત્સવ-ઑગષ્ટ ૨૦૧૨

Poetry Festival,Gainsville,Florida.-Devika Dhruva-

 

છેલ્લાં કેટલાંક મહિનાઓથી જે કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી અને જેને મનભરીને માણવાની પ્રબળ ઝંખના હતી તે કાર્યક્રમ ગઇકાલે જ પૂરો થયો.તા.૨૫,૨૬ ઑગષ્ટના રોજ બે દિવસ માટે, યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા,ગેઇન્સ્વિલમાં,સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે ‘પોએટ્રી ફેસ્ટીવલ’ ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ આયોજન CHiTra એટલે કે, Center for the Study of Hindu Traditions દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરાવવા અંગે હતુ.પણ મારા મનમાં તો બે દિવસ કવિતાના માહોલમાં રાચવાનુ અને માનીતા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનુ હતું.

૨૪મીની બપોરથી ચહલપહલ શરુ થઇ ચૂકી હતી.બહારગામથી આવનારાઓમાં હું પહેલી હતી.ધીરે ધીરે એક પછી એક સાંજ સુધીમાં સૌ આવીને પોતપોતાની રીતે એક જ સ્થળે ગોઠવાઇ ગયાં હતા.ડો. દિનેશભાઇ શાહના નિવાસસ્થાને સાંજે સૌ ડીનર માટે ભેગા થયા ત્યારે આનંદ અને આશ્ચર્યનો જાણે કે દરિયો ઉમટ્યો. મારા પ્રિય સર્જક પન્નાબેન નાયક, શ્રી મુકેશ જોશી, શ્રી નટવર ગાંધી,શ્રી હરનીશ જાની,શ્રી હિમાંશુ ભટ્, મોના નાયક અને ગેઇન્સ્વિલના સ્થાનિક કવયિત્રી શ્રીમતિ સ્નેહલતાબેન પંડ્યા મળ્યાં. આ ઉપરાંત બ્લોગ જગતના નહિ જોયેલાં છતાં નિકટના મિત્રોમાં ‘સપના’ના નામથી ઓળખાતા શિકાગોના બાનુમા વિજાપુરા,બીજાં રેખા શુક્લ અને ઑસ્ટીનથી ઘરના અને પોતાના શ્રીમતિ સર્યૂબેન પરીખ. આશ્ચર્ય એટલા માટે કે ઓળખ વિધિ દરમ્યાન ૪૫ વર્ષ પછી બે જૂની સખીઓ ( સર્યૂબેન અને ઉર્વશીબેન ) એકબીજાને ઓળખીને ભેટ્યા ત્યારે આખું યે દ્રશ્ય, સંબંધોના  આવા અણધાર્યા યોગાનુયોગથી ભાવવિભોર અને સભર થઇ ગયું. ત્યારપછી સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સંગીતનો કાર્યક્રમ ચાલુ થયો. શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના સુંદર અવાજમાં રાતના દસ-સાડાદસ સુધી મેઘધનુષી ગીતો સાંભળ્યા.

૨૫મીની સવારે નિયત કરેલા સમયે અને સ્થળે સૌ પહોંચી ગયા.બરાબર ૯ વાગ્યે ડો. દિનેશભાઇ શાહે કાર્યક્રમની શરુઆત કરી અને સંચાલન વસુધાબેન નારાયણને સોંપ્યુ.યુનિ.ઓફ ફ્લોરીડાના  હિન્દુ ટ્રેડીશન સેન્ટરના ડિરેક્ટર,શ્રીમતી  વસુધા નારાયણે સ્વાગત-વચનથી સૌને આવકાર્યા અને ભારતની સંસ્કૃતિ,વિવિધ ભાષા,હિંદુ પ્રણાલી,તેનુ મહત્વ અને ગુજરાત પર પ્રકાશ પાડતો આ સંસ્થાનો અને આ કાર્યક્રમનો ઉદ્દેશ સુંદર રીતે વિગતવાર  સમજાવ્યો. ત્યારપછી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે મુકેશ જોશીથી કાવ્યોત્સવનો આરંભ થયો. બુલંદ અવાજ,મુક્ત છટા અને ભાવભરી અદાથી તેમણે જુદા જુદા મુકતકોની  સફર શરુ કરાવી. સૌ પ્રથમ શ્રી પિનાકિન ઠાકોરનું મુક્તક “લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર લખી ચંદન કરું છું, બે ગીત, બે ગઝલના પુષ્પો ચડાવી,સૌ પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.’થી શરુઆત કરી. પછી ’પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ…શ્રી રઇશ મણિયારનું “જુવાની જાય છે ક્યાં વૃધ્ધ બનતા વાર લાગે છે…જ.પંડ્યા રચિત આવતાં આવે છે, કૈં વારસે વળતી નથી,આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે જિગર,માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી..અને શ્રી ખલીલ ધનતેજવીનું ” વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે,તરણું ઊખડી જાય તો કેજે મને.જિંદગી તારાથી હું થાક્યો નથી,તું જો થાકી જાય તો કેજે મને.…આમ એક પછી એક જોરદાર મુક્તકો અને તેની રજૂઆત સાંભળીને તાળીઓનો સતત ગડગડાટ ચાલુ જ રહ્યો. કેટલાંક ઓછા જાણીતા કવિઓ જેવા કે, નાઝ માંગરોળી.ઇસ્માઇલ પંજુ,અને એક કચ્છી કવિની રચનાઓની ઝલક પણ અદ્‍ભૂત રીતે પેશ કરી.તેમાંની એક વિશનજી નાગડાની રચના ’શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?જીભે તો રાખ્યા’તા રામને, હોઠેથી રામ એણે સમર્યાતા ક્યાં?ઠેઠ તળિયેથી ઝંખ્યાતા રામને.’ તો સાંભળીને શ્રોતાજનો બસ વારી ગયા.મરીઝની એક અજાણી ગઝલ બે સખીઓનો સંવાદ,સૈફ પાલનપુરીનો એક શેર’વર્ષોથી સંઘરી રાખેલ દિલની વાત જણાવું છું’પણ અફ્લાતૂન ઢબે રજૂ કરી અને છેલ્લે સ્વ.સુ્રેશ દલાલ.ના આ પટ્ટ શિષ્યે તેમની થોડી વાતો કરી. સ્વ.સુ.દ.ની મબલખ રચનાઓ પૈકી બે ‘અડસઠ વર્ષનુ બગાસુ ને સાઠ વર્ષની છીંક’ તથા “ અમે સમાજ છીએ’ એ કટાક્ષ કાવ્ય સંભળાવી પોતાનું વક્તવ્ય પૂરું કર્યુ.જો કે, શ્રોતાઓની માંગ તેમને સાંભળવાની ચાલુ જ રહી. મને તો લાગ્યું કે એ આખો દિવસ કાવ્યપઠન કરતા જ રહે અને બસ સાંભળ્યા જ કરીએ. મુકેશ જોશીના પ્રેઝન્ટેશન માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.એક જ શબ્દમાં કહેવું હોય તો કદાચ શબ્દકોષમાં એક નવો જ અસરકારક શબ્દ સર્જવો પડે!!

૧૦ વાગે કોફી-બ્રેક પડ્યો અને તે પછી ફરીથી દોર શરુ થયો. ડો દિનેશભાઇ શાહે તેમના પૌત્ર-પૌત્રીઓના શુભેચ્છાસંદેશની એક નાનકડી વીડિયો ક્લીપ બતાવી જેમાં હિંદુ સંસ્કૃતિ, કૌટુંબિક ભાવના અને સંસ્કારો પ્રતિબિંબિત થતા હતાં.

ત્યારપછી બ્લોગ જગતમાં ઊર્મિના નામથી જ ઓળખાતી અને સૌની માનીતી અને લાડકી મોના નાયકે “પ્રેમ” વિષયને અનુલક્ષીને “ચમકતો ને દમકતો એ મ્હેલ જોવા દે,મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે’ અને કલાપીની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની”થી શરુઆત કરીને વિવિધ શાયરોના પ્રેમ અંગેના શેરો દબાબભેર રજૂ કર્યા. “તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી” એમ એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ કહેનાર સુંદરમને તો ભૂલાય જ કેમ? પ્રેમ,વિરહ,વેદના,મિલન,પ્રતીક્ષા એમ અનેક વિધ પાસાઓાને સ્પર્શતી સ્વરચિત કવિતા અને શેર સુંદર રીતે રજૂ કર્યા.તેમની “તેરે જાનેકે બાદ’ની પંક્તિઓ “તું નથી,તું નથી,તું નથી,તું નથી,તું બધે તરવરે तेरे जाने के बाद.‘ઊર્મિ કેવી તરંગી હતી પણ હવેના જીવે, ના મરે तेरे जाने के बाद.અને “રાધાપો” ગઝલના આ શેરે તો દિલ હરી લીધું કે,”સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,પણ પ્રભુતાથી પછી લૂંટી મને.વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,આખરે તો બેયથી વીંધી મને. મઝા આવી ગઇ.

હવે વારો આવ્યો ઓસ્ટીનથી આવેલ સર્યુબેન પરીખનો જેમના બે કાવ્ય-સંગ્રહ પ્રકાશિત થઇ ચૂક્યા છે અને http://saryuparikh.gujaratisahityasarita.org/ પર  ગંગોત્રી નામના બ્લોગ પર રચનાઓ લખી રહ્યા છે.તેમણે મલ્હાર નામની સ્વરચના “મેહુલા ને અવનીની અવનવી પ્રીત, માદક ને મંજુલ ગવન ગોષ્ઠીની રીત“વાંચી સંભળાવી. તે પછી શિકાગોથી પધારેલ રેખાબેન શુક્લએ સ્વરચના ‘ખુશીછું,  જોશછું,ઉભરાતી લાગણી ઉમંગછું….કારણકે હું નારી છું..! અને ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારાસત્કારમાં,ફુલોની ફોરમનો લાવી ખજાનો…તારા સત્કારમાં. રજૂ કરી. ત્યારબાદ ‘સપનાના ઉપનામથી ઓળખાતા અને http://www.kavyadhara.com/પર સપનાઓને ખુલી આંખે બતાવનાર શિકાગોથી આવેલ સ્મિતવદના બાનુમા વિજાપુરાએ  સ્વરચના વાંચી સંભળાવી કે, ‘સખી હું શબ્દોને શમણે મ્હાલુ,અને વ્હાલુ વ્હાલુ બોલુ’ અને ‘ભીના ભીના નયન વરસે,આગ હૈયે લગાવે’… બંને કવિતા શ્રોતાજનોએ વાહ વાહથી વધાવી લીધી. ત્યારપછી પાલવડે’ ભાવો ફરકાવતા મારો વારો આવ્યો અને મારી ખુબ જ પ્રિય અને સાહિત્યજગતે કસેલી ‘શતદલ’ કવિતા “શતદલ પંખ ખીલત પંકજ પર,હસત નયન જ્યમ શ્યામ વદન પર’ અને છંદોબધ્ધ એક ગઝલ ‘સોનેરી સાંજની એક વાત લાવી છું,તારા ભરેલી રાતનું આકાશ લાવી છું. રજૂ કરી જે સૌએ માણી અને ગમી જેનો ખુબ જ આનંદ છે. મુકેશભાઇના શબ્દોમાં “તમારી શતદલ ખુબ સરસ રચના છે “સાંભળી આનંદ બેવડાયો.

લગભગ સાડા અગિયાર વાગ્યે વોશિંગ્ટન ડી.સી.ના CFO અને “A Tryst with Destiny” નામના નાટકમાં ‘ગાંધી”નો રોલ ભજવનાર ખ્યાતનામ આદરણિય વ્યક્તિ શ્રી નટવર ગાંધી એક નવો જ ટોપીક લઇને આવ્યા.સૌથી પ્રથમ તો તેમણે સ્વ. સુવર્ણાબેન સાથેની થોડી યાદોને તાજી કરી.’અમેરિકા,અમેરિકા નામના તેમના પૂસ્તક્નો ઉલ્લેખ કરી એક પ્રભાવિત શૈલીથી ‘અશાંત ઉછળે ભળે, સમભળે,સળવળે,ઉછળે,દયા, દમન દાનનો દૈત દેશ દળે”અક્ષરમેળ છંદનો ગુંજારવ કર્યો. “છોને ભમુ ભૂતલ હું દૂર દેશદેશે,પા્છો વળું અચૂક હું ચિત્તમહીં સ્વદેશે…અમેરિકા અને ભારત અંગેની વાસ્તવિકતા, ભારતની બંને બાજુઓનો સોનેટ દ્વારા ચિતાર, આત્મદીપો ભવઃ essence of Budhdhism, વિશ્વ જે છે તે રીતે તેની સ્વીકૃતિનો ભાવ ‘અહીં આજુબાજુ જગત વસતુ ત્યાં જ વસીએ” જેવી ઘણી ઊંચી વાતો તથા પૃથ્વી,શિખરિણિ,મંદાક્રાન્તા,વસંતતિલકા,અનુષ્ટુપ જેવા અક્ષરમેળ છંદોની જે વાતો કરી તે સંસ્કૃતની વિદ્યાર્થિની હોઇ મને ખુબ ભાવી ગઇ. “ગયેલ પિતાની યાદમાં” “સવાર પડતા તમે નીકળતા દૂકાને જવા’રચના પણ તેમના મુખે સ્પર્શનીય બની રહી.

૧૨.૩૦ થી ૧.૦૦ લંચના વિરામ પછી ફરીથી ૧.૩૦ વાગ્યે કાર્યક્રમ આગળ વધ્યો.

ગેઇન્સ્વિલના કવયિત્રી સ્નેહલતાબેન પંડ્યાએ અવિસ્મરણિય સ્મૃતિ નામનુ  સોનેટ રજૂ કર્યું..રેખાબેન શુક્લએ બિકતા હૈ જહાં બિકતી હૈ જમીં બિક્ત હૈ યહાં ઇન્સાનકા ઝમીર,પરાયે તો પરાયે રહે,અપના ભી યહાં કોઇ નહીં’ અને“તું મઝાની વાર્તા’ કાવ્ય રજૂ કર્યું. સપનાબેને ‘એક આખું ગામ ઉદાસ રહે છે,લોક એવા એની પાસ રહે..અને સર્યુબેને ‘સુતર આંટીની સમી આ  ઝિંદગાની,ખેંચુ એક તાર વળે ગુંચળે વીંટાતી’. વાંચી સંભળાવ્યુ. સ્થાનિક કવિ ડો.પાઠક અને તેજલભાઇએ પોતપોતાની કૃતિ પેશ કરી.મેં પણ વિષયને અનુરૂપ ચંદ્ર પરથી લેવાયેલ પૃથ્વીના ચિત્ર પરથી રચાયેલ ગઝલ “હું કોણ છું ને ક્યાંનો છું,પ્રશ્નો નકામા લાગતા;ઇન્સાન છું બ્રહ્માંડનો એ કથન સમજાય છે,પૃથ્વી વતન કે’વાય છે” એ ગઝલ રજૂ કરી. તો ડો.દિનેશભાઇએ ‘આગિયા’ પરની રચના અંભળાવી..

બપોરે ૨ વાગ્યે હરનીશ જાનીનો હાસ્ય દરબાર શરુ થયો.”તાજો તાજો રીટાયર્ડ થયો છું,કામ નથી તેથી ટાયર્ડ થયો છુ. એ એક મિનિટની હઝલ કહેતા કહેતા તો તેમણે એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ કંઇ કેટલીયે હાસ્યજનક વાતો,પ્રસંગો અને ઘટનાઓ  ૨૫ મિનિટ સુધી કહી સંભળાવી કે આખા યે હોલમાં ખડખડાટ હાસ્યના ફુવારા ઊડવા માંડ્યા.ઘડીભર તો બધાને એમ જ થયું કે કવિતાને બાજુએ મૂકી આમ જ હસ્યા કરીએ.નાની નાની વાતોમાંથી હાસ્ય ઉત્પન્ન કરવું એ પણ એક મોટી કલા છે.વચ્ચે વચ્ચે ડો. દિનેશભાઇ વિષયને સાંકળતી બે ચાર લાઇનો જેવીકે,”અમે મગનમાંથી મેટ થઇએ, છગનમાંથી જેક થઇએ.આપણે મોર્ડન છોરાં થઇએ’’ પીરસતા જતા હતાં.ત્યારપછી ગેઇન્સવિલના સ્થાનિક સર્જકો( ડો..પાઠક.શ્રી પંડ્યા)એ પણ પોતાની રચના રસભેર સંભળાવી. સપનાએ ‘નથી છૂટતું,નથી છૂટતુ,આ અમેરિકા નથી છૂટતું’,રેખાબેન શુક્લે “  હુક્કા-પાણીજલ્દીલાવો,પંગત પાડોઆંગણજી,ક્યાં થીઆવ્યાસાઢુજીસાથેલાવ્યા સાળાજી.અને સર્યુબેન પરીખે “ વિચારવર્તનવાણીનો કાચોપાકો  બાંધો  છે,સાંધામાપણ સાંધો છે ને એમાં સૌનેવાંધો છે’ હળવી રીતે રજૂ કર્યુ.આ જ દોરમાં સૌના આગ્રહને માન આપીને ફરીથી હરનિશભાઇ જાની હાસ્યનો થાળ લઇને આવ્યા અને તેમાંથી એમની છેલ્લે લખાયેલી હાસ્ય કવિતા- ‘‘વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.તમારા બાળકોનું વતન છે તો. વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.કયાં સુધી છત્રીઓ ખોલશો,અમેરિકામાં. આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો, કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં રજૂ કરી સૌને ખડખડાટ હસાવ્યા.

૩.૩૬ મિનિટે મારા ખુબ માનીતા પન્નાબેન  નાયક આવીને ઉભા.સૌથી પ્રથમ તેમણે પોતાનો કવિતાના ક્ષેત્રે પ્રવેશ અંગેનો પ્રારંભિક પરિચ આપ્યો.કાવ્યસર્જનનો યશ સુરેશ દલાલને આપી તેમની સાથેના આગલા થોડા દિવસોની વાતો સ્મરી…તે પછી.નાનપણની,ગુલમ્હોરથી ડેફોડિલ્સ સુધીની,અંગ્રેજ કવયિત્રીની પોતાના પર થયેલ અસર વગેરે ઘણી વાતો ટૂંકમાં જણાવી.અને પોતાના કપાળ પર ચાંલ્લો જોઇને એક અમેરિકન નાનકડા બાળકની કોમેંટ ‘અરે, આના કપાળમાં તો લોહી નીકળ્યુ છે’ સાંભળી પોતે અમેરિકામાં પરદેશી હોવાની અનુભૂતિ કરી તેની પણ વાત હ્રદયસ્પર્શી રીતે કરી. તે પછી તેમના જુદા જુદા કાવ્યસંગ્રહોમાંની એક એક ઝલક જે એમણે રજૂ કરી તે અહીં ટાકુ છું

“પીઠી ચોળાવી બેઠા છે ડેફોડિલ્સ ઘાસ મંડપે’”તડકો સૂતો ડાળી પર ફૂલનું ઓશીકું કરી. અને સપનાના હૈયાને નંદવામાં વાર શી?તથા  “અછાંદસ રચના” બિલ્લી”ની “હવે તો હું સાવ  પાળેલુ પશુ બની ગઇ છું”.આ ઉપરાંત,ખુશીનો સ્નેપશોટલઈ મઢાવી સૂવાનાઓરડામાંટાંગીશકાયતો?, “આપણને જેભાષામાંસપનાંઆવે એ આપણીમાતૃભાષા. મને હજી યેફિલાડેલ્ફિઆમાં સપનાં ગુજરાતીમાં આવેછે.” “સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું,સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મનબધામાં મને ક્યાં ગોઠવું ?કેન્દ્ર  શોધું છું’. શોધું છું, બાનો હાથવગેરે લાગણીની તીવ્રતા વ્યક્ત કરતી વિવિધ  રચનાઓને ખુબ જ ભાવપૂર્વક આરપાર પઠન કર્યુ.

સમય સરતો જતો હતો.  રંગ જામતો હતો. ઘણા બધાને બોલવુ હતુ અને ઘણા બધાને સાંભળવુ પણ હતું. પરિસ્થિતિની આ નાજુકાઇ જોઇને મેં નક્કી કર્યું કે આ સેશનમાં મારો સમય કોઇ બીજાને મળે તેમ થવા દઇશ.યુનિ.ના લોકલ તાજા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તેમાના એક નિકિબેને કબીરનુ ભજન ગાયુ.ડો.પાઠક કે જે ‘પંથી’ના ઉપનામ થી લખે છે તેમણે “સૂસવાટા સમીરના છે અંધારા આકાશે’ અને શીતલભાઇએ એક લઘુકાવ્ય રજૂ કર્યું કે,તારી યાદોના ધોમધખતા તાપમાં ઉકળીને ઠંડા થયા યાદના વરસાદમાં અને “શબ્દો સાથે નાતો તોડી મૌન કરે છે જીભાજોડી,ઇચ્છાઓના સ્ટેશન પર કાયમ પડે છે ટ્રેઇન મોડી”..રેખાબેન શુક્લએ “વીણો હ્રદયના ટુકડા કવિતા નુ બનવાનું , અને શબ્દોનું લોહી ટપકટપક સરી જવાનું, મળે ટુક્ડે ટુકડે મા…..નવી બની જવાનું, લાગે કે સંગે ભગવાન ભળીજવાનું’.. વાંચ્યુ.  

મેં ‘શબ્દારંભે અક્ષર એક’ ના મારા નવતર પ્રયોગનો પરિચય આપી તેમાંનુ એક મુક્તક.’મેવાડની મીરાને માધવની મમતા.માધવને મથુરાના માખણની મમતા,મથુરાને મોહક મોરલીની માયા અને મૈયાને મોંઘેરા માસુમની મમતા’ રજૂ કર્યુ. તો ‘ક’ પરનું કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરા કસબી કંકણ’ પણ સંભળાવ્યુ.સપનાએ ‘આપણી વચ્ચે આ અવિશ્વાસની કાચની દિવાલ છે, અને ‘જડીબુટ્ટી’ કાવ્ય સરસ રીતે વાંચ્યું. ડો. દિનેશ શાહ, સ્નેહલતાબેન પંડ્યા,અને મોના નાયકે પણ એક વધુ રચના સંભળાવી. હિમાંશુભાઇ ભટ્ટે ‘ ન તો મંઝીલ હૈ, ન તો હમ સફર,હમેં રાસ્તોકી તલાશ હૈ’.એ રચના સુપેરે રજુ કરી.સર્યુબેન પરીખે Must Have Done Something Good……A house on a hill and a window to the sky, In the blue of eyes feel warm sunny sky. સંભળાવ્યું અને ફરી પાછા મુકેશ જોશીને સાંભળવાનો અવસર સાંપડ્યો. એક પ્રેમપત્ર’ અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો છાનોછપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો;કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયા’તા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનોછપનો..કવિતા રજૂ કરી શ્રોતાઓની વાહવાહ ઝીલી. મુકેશ જોશીને સાંભળવા એ એક લ્હાવો છે.સૌએ ફરીથી બીજા દિવસ માટે તેમને સાંભળવાની માંગણી કરી જે મુકેશભાઇએ માન્ય રાખી.સમયે એનુ કામ કર્યે રાખ્યું. દિવસ આખો ક્યાં વીતી ગયો, ખબર ના રહી.શબ્દોના આ માહોલમાં વિહરવાનુ એક સ્વર્ગ જેવું લાગે..છેલ્લે, આજના દિવસ માટે આભારવિધિ કરીને દિનેશભાઇએ સાંજે સંગીત અને ભોજનના કાર્યક્રમમાં સમયસર પહોંચવાની યાદ અપાવી. આમંત્રણ તો હતું જ!! એકાદ દોઢ કલાકના વિરામ બાદ સૌ સંગીત માટે એક્ઠા થયા.વસુધાબેને સ્વાગત પ્રવચન અને આ કાર્યનો હેતુ તથા વ્યવસ્થિત પ્લાન સમજાવતુ પાવરપોઇંટ પ્રેઝન્ટેશન કર્યું. તેમણે કહ્યું કે, This is the first major university to focus on Gujarat and its culture with an academic view point. ફ્લોરિડાના જુદા જુદા શહેરોમાંથી આવેલ જન સમુદાયે આ વાતને ખુબ વધાવી લીધી.એટલું જ નહિ, પરંતુ  highlights of the Festival  is that Dr. Kiranbhai and Pallaviben Patel  offered  $ 125,000, an anonymous but proud Gujarati offering them $ 50,000 and  making a milestone of $ 300,000 as the Foundation of Gujarat Culture Program at UF.આ કોઇ નાની સૂની ઘટના નથી. જાણે કે એક ચમત્કાર હતો. દિનેશભાઇની પ્રસન્નતાનો કોઇ પાર ન હતો.તેમણે પોતે પણ આ ભગીરથ કાર્યમાં એક લાખ ડોલરનો ફાળો નોંધાવ્યો હતો.ઉમદા કાર્યના કોઇ સપના સાકાર થતા જોવા મળે ત્યારે ખુબ ખુબ આનંદ જ થાય. હું ત્યારે, મનોમન, એક ક્ષણ માટે મારા હ્યુસ્ટનના સાહિત્ય સરિતા્ની સુદામાપુરીને યાદ કરી અજંપો અનુભવી રહી હતી. Miracles do happen.મન મક્કમ જોઇએ અને સહિયારો સરખો ભાવ જોઇએ.આ એક પ્રેરક અને મનનીય ઘટના બની ગઇ.

હા, તો સુંદર અને સુસજ્જ હોલમાં સ્વાદિષ્ટ ભોજન સાથે,સાહિત્ય અને સંગીત પ્રેમી ઘણાની ઓળખાણ થઇ. નામો લખવા બેસું તો પાના ભરાઇ જાય.શરુઆતમાં આમંત્રિત કવિઓનો પરિચય આપવામાં આવ્યો અને તેમની એક બે પંક્તિ/શેર રજૂ કરવામાં આવી.ત્યારપછી ચાર સર્જકો જેવા કે, હિમાંશુભાઇ ભટ્ટ, ડો.દિનેશભાઇ શાહ, સ્નેહલતાબેન પંડ્યા અને લંડનનિવાસી રમેશ પટેલ.આ ચારેની સહિયારી ‘મેઘધનુષ’ નામની સીડીનું ઉદઘાટન કરવામાં આવ્યું.રાતના ૯ વાગ્યે કર્ણિકભાઇ શાહ અને રીંકી શેઠનો સંગીતનો કાર્યક્રમ શરુ થયો.એક પછી એક ગીતોની રંગત ચાલી.સભાખંડ મન મૂકીને માણી રહ્યો હતો. વાતાવરણમાં સરસ તબલા,હાર્મોનિયમના સૂરો,ગાયકોના સૂરીલા કંઠ રેલાતા હતા અને જ્યારે ગરબાની રીધમ શરુ થઇ કે તરત આ બંદાના તો પગ થનગનવા લાગ્યા અને અન્ય ભાઇ-બેનોના સાથમાં ગોળ ગોળ ગરબો ઘૂમવા લાગ્યો. આ દ્રશ્ય પણ બિલકુલ ત્વરિત આયોજાઇ ગયું!!બસ, મઝા આવી ગઇ.

બીજા દિવસે એટલે કે,૨૬મીની સવારે ૯ વાગ્યે બધા ફરી પાછાં નવા દિવસની મઝા માટે તૈયાર થઇ આવીને ગોઠવાઇ ગયા.દિનેશભાઇના ચહેરા પર એક ઇડરિયો ગઢ જીત્યાનો આનંદ,આનંદ છલકાતો હતો. સૌથી પહેલી શરુઆત થઇ શ્રી હિમાંશુભાઇની ગઝલોના ગુલદસ્તાથી.ડલાસમાં રહેતા શ્રી હિમાંશુભાઇ ગઝલ ક્ષેત્રે મારા માર્ગદર્શકોમાંના એક છે. તેમણે ગઝલની સાથે સાથે ગીતો અને અછાંદસ રચનાઓ પણ કરી છે.આ રહી તેમણે રજૂ કરેલી કેટલીક પંક્તિઓ/શેર. ખુબ જ હળવી રીતે શરુઆત કરી કે,”સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ, કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો. અને સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,જીગર પર કોકનો  હરદમ તમે ઉપકાર રહેવા દો… તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇતો વળી પ્રેમની વાત કરતાં તેમણે કહ્યું કે,”સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે….હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે.” અને ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે; ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે..શ્રોતાઓ ખુબ જ રસપૂર્વક સાંભળતા હતા.પૂત્રી પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતી રચના “ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો,ખોળામાં લો, બેસો મને સપના ગણાવો, મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી.કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો” પર્વત તને મળે કદી, કે રણ તને મળે બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે…આમ, તેમની એક એક રજુઆત કાબિલે તારીફ રહી.તે પછી સ્નેહલતાબેન પંડ્યાએ વસુધાબેન અને દિનેશભાઇના આ કાર્યને બિરદાવતુ એક મુક્તક રજૂ કર્યું. સોળે શણગાર સજી બેઠી આ જીંદગી,આંખોમાં હવે અમીરાતો ભરીએ.છો બેઠું કમળ લક્ષ્મીને ચરણે,તારી સાથે સીધો નાતો કરીએ.એ રચના સંભળાવી. આજે કેટલાંક કારણો સર schedualeને વફાદાર રહી શકાયું નહિ.પણ સૌને વ્હેતી ધારા મંજૂર હતી! ત્યારબાદ ફરી એક વાર આપેલ વચનને પાળવા મુકેશ જોશીને આમંત્રણ આપવામાં આવ્યું. !  તેમણે મન-મોહક શૈલીમાં રજૂઆત ચાલુ કરી કે,”કોઇ કોઇને ના પૂછે,તું હિંદુ કે મુસ્લિમ કોમનો.હવે આ જમાનો છે ડોટ.કોમનો.અને આ સાથે રહેતા શીખ્યાં તેથી વટ છે રવિ-સોમનો !.”..”કોઇ વાર એવું પણ થાય કે આપણે સિતારાઓ શોધતા હોઇએ ને મસ્તીમાં ને મસ્તીમાં ચાંદ મળી જાય..આપણે અત્તરની શીશી ખોલીએ ને અંદરથી ફૂલોના ડૂસ્કા સંભળાય એવું પણ થાય!! ‘અને મને જે ખુબ ગમ્યુ તે આ કે, ‘એ જ સંબંધો સાચા જેની પાસે ખુલતી હોય હ્રદયની વાચા;અને સાચવવાની લ્હાય નહિ તો યે રહે એ સાચા’ ….જ્યાં કોઇ ન હોય અહમના ખાંચા’…બીજી કેટલીક તેમની જાણીતી રચના ‘પાંચીકારમતીતી, દોરડાઓ કુદતીતી,ઝુલતીતી આંબાની ડાળે ગામનેપાદરે જાન એક આવી,નેમારુ બચપણ  ખોવાયુ દાડે. અને ”ગયા સ્કૂલમાં રમવાના, ભણવાના દિવસો ગયા..બહુ જ ખુબીથી પેશ કર્યું. શ્રોતાજનોએ ઉભા થઇ સજળ નેત્રે તેમને બિરદાવ્યા.હું તો અંતરથી આ શબ્દોના અને અભિવ્યક્તિના બાદશાહને ઝૂકી ગઇ.એમ થાય કે બસ એ બોલ્યા જ કરે અવિરત અને સાંભળ્યા જ કરીએ સતત. સ્નેહલતાબેનનો અધૂરો સમય ફરી ફાળવવામાં આવ્યો અને તેમણે આદિલ મનસુરીને યાદ કરી થોડી લાઇનો રજૂ કરી. ‘સૃષ્ટિના સર્જન અને વિસર્જનના અમૂલ્ય બાગનો તું જ એક રક્ષણહાર’એવી બાળપણમાં પોતે લખેલી પંક્તિઓને યાદ કરી અને કેટલીક સુંદર અને ગંભીર સ્વરચનાઓ સંભળાવી.વચ્ચે વચ્ચે દિનેશભાઇએ પણ “જીવન-મરણની ઘટમાળને તુજ ખેલ સમજું ક્યાં સુધી ? અને માટી તણી આ જેલને હું મ્હેલ સમજું ક્યાં સુધી?” રજૂ કરી જે મને ખુબ ગમી.

પછી વીસેક મિનિટ માટે discussion about future planningને ન્યાય આપ્યો. કેટલાંક સભ્યોએ પોતપોતાના વિચારો દર્શાવ્યા. અને યુએસએના જુદા જુદા મોટા શહેરોમાં આવા ફેસ્ટીવલ યોજાય તેવી આશા વ્યક્ત કરી. સમયને સરક્તો કોણ રોકી શકે? ફેસ્ટીવલ અંત તરફ વળતો જતો હતો તેથી ફરી એક વાર મુકેશ જોશી પાસેથી “ મારા બાજુનો ફ્લેટ થયો ખાલી ઓ હરિવર લઇ લો આ ખાલી’સાંભળવાનો લ્હાવો લીધો છેલ્લે શ્રીમતિ વસુધાબેન અને શ્રી દિનેશભાઇએ આભારવિધિ કરી અને સહભોજન કરી સૌ છૂટાં પડ્યાં.

થોડા શબ્દોમાં કહેવું હોય તો મારે મન આ ‘પોએટ્રી ફેસ્ટીવલ’ એક મનમાન્યા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનો ઉત્સવ હતો, યાદગાર સંભારણુ હતું અને એક અનુભવ હતો.

અસ્તુ.

 

 

 

 

 

 

નમો ગુર્જરી નમો સ્તુતે – June 4, 2012

Posted by devikadhruva in : લેખ , add a comment

 

નમો ગુર્જરી નમો સ્તુતે

ખળખળ વ્હેતા ઝરણાં જેવી નૃત્ય નાટિકા એટલે  નમો ગુર્જરી નમો સ્તુતે. તનમનને પ્રસન્ન્તાના સરોવરમાં સ્નાન કરાવતી એક પરી જેવી નૃત્ય નાટિકા એટલે  નમો ગુર્જરી નમો સ્તુતે. અને કલાની રુચિને જગવે અને સાક્ષાત પ્રતીતિ કરાવે તેવી નૃત્ય નાટિકા એટલે  નમો ગુર્જરી નમો સ્તુતે. ઘણાં વખત પછી, ૨૭મી મે રવિવારના, રોજ હ્યુસ્ટનના સ્ટેફર્ડ સિવિક સેન્ટરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એક અદ્‍ભૂત નૃત્યનાટિકા જોવાનો અવસર સાંપડ્યો. પહેલેથી છેલ્લે સુધી સાદ્યંત રસપાન થયું. તેમાં ગુજરાતનો એક જ વિષય હાથ ધરવા છતાં, વિવિધ રીતે દ્ર્શ્ય અને શ્રાવ્યનો સુભગ સમન્વય થયો છે. તેમાં રંગોના ઓવારા છે,પ્રકાશના ફુવારા છે, સુમધુર સંગીતના રણકાર છે તો પ્રવક્તાના મધઝરતા ટહુકા પણ છે.

પ્રારંભ થાય છે શિવનૃત્યથી. નંદિનો પ્રવેશ, શિવ-પાર્વતી વિવાહ, સપ્તપદીનું નયનરમ્ય દ્રશ્ય, કર્ણપ્રિય ગીત,આકર્ષક વેશપરિધાન, યથાયોગ્ય લાઇટોના ઝગારા બધું જ ભવ્ય વરતાતુ હતું.

બે આઇટમોની વચ્ચે કાર્યક્રમના લેખક-પટકથા લેખક અને આયોજક એવા શ્રી.બીપીન ચુનાવાલાએ અમદાવાદની ખાસિયતો અને સુરતના લ્હેરીલાલાઓની બોલચાલ અને રહેણી-કરણી અંગેની થોડી કોમેડી રજૂ કરી હતી. તો પ્રવક્તા હેમાલી સેજપાલની શેર-શાયરીઓ સહિતની રજૂઆત પણ પ્રેક્ષકોની વાહવાહ પોકારતી હતી.. આ નૃત્ય-નાટિકામાં ગુજરાતના જાણીતા માનીતા કવિઓ,તેમના ગીતો ભજનો,આરતી સ્તુતિ,ગરબા,કવિતા,ચોટદાર શેર,વિવિધ રાજ્યોની લાક્ષણિકતાઓ,સૂપડું,સાંબેલુ,ટીપ્પણી,પનઘટ,પટોળા, અરે,જાણે સાક્ષાત શંકર-પાર્વતી,રાધા-કૃષ્ણ,જયજગદંબેની ઝાંખી,તાના-રીરી,મલ્હાર રાગ,ઉત્તરાયણ,હોળી,રક્ષાબંધન વગેરે આપણા તહેવારો….આવું તો કેટકેટલું ?!! અને આ બધું યે સુંદરતમ ગીત-નર્તન દ્વારા, આંગિક મુદ્રાઓ ને સ્મિતઝરતા મુખભાવો દ્વારા, રંગબેરંગી લાઇટોના આયોજન દ્વારા,મનમોહક વેશભુષા દ્વારા અને વાદળ-દળના વિહાર સમા દ્રશ્ય દ્વારા !!

આ ઉપરાંત,શ્રી. સૌરભ મહેતાનો બુલંદ અવાજ અને મનીષા રાવલનો મધુર સ્વર ખુબ જ કર્ણપ્રિય અને પ્રશંસનીય હતો..સુશાંત જાદવની કોરિયોગ્રાફી અને મુખ્ય નર્તકી સોનાલી સુર્વે-ગાવડેના ન્રુત્યો  અદ્‍ભૂત હતા.અન્ય સૌ કલાકારો પણ મન મૂકીને ઝુમતા હતા.આખી યે રજૂઆત એટલી જબરદસ્ત અને જાનદાર હતી કે પ્રેક્ષકોએ ‘સ્ટેન્ડીંગ ઓવેશન’ આપ્યું હતું..

છેલ્લે, ‘જનગણમન અધિનાયક જય હે’ ના સમુહગાન સાથે આ ચિરસ્મરણીય કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

આ આખી યે નૃત્ય-નાટિકાને અંતે મને તો લાગ્યું કે, જાણે અમે…

પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,
સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.
અમે વાદળ-દળ પર વિહર્યા……
હસ્તવિંઝનથી હવામહીં બસ ઘડીભર મસ્તી માણી,
બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં
,
અમે વાદળ-દળ પર વિહર્યા…

નમો ગુર્જરીના દરેકે દરેક કલાકાર ભાઇ-બહેનોને મારા તરફથી ખોબલે ખોબલે દરિયા જેટલાં અભિનંદન અને શતશત શુભેચ્છા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

 

ગુર્જર નારી May 1, 2012

Posted by devikadhruva in : લેખ , add a comment

ગુર્જર નારી…શબ્દમાં જ કેટલું લાલિત્ય છે ? કેટલી સૌમ્યતા અને સંસ્કારીતા છે ? કોઇ કવિ કે લેખક એવો હશે ખરો, જેણે ગુજરાતી નારી વિષે કંઇ લખ્યું ન હોય ?!! અરે ભાઇ, નારી જ તો સર્જનની જનની છે અને સર્જકની પણ ખરી સ્તો !

આદિ-અનાદિકાળથી કહેવાતુ આવ્યું છે કે, “યત્ર નાર્યેસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ” એ વાત જેટલી સમગ્ર નારી જાતિ માટે લાગુ પડે છે તેટલી જ વિશેષ રીતે ગુજરાતી નારીને પણ લાગુ પડે છે. આ વિષે કંઇ પણ કહેવું હોય તો સૌથી પ્રથમ યાદ આવે આપણા ગુજરાતના જાણીતા,માનીતા અને લાડીલા શ્રી અવિનાશભાઇ વ્યાસની પંક્તિઓઃ

 

કંઠે રૂપનુ હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા,ઝાંઝરનો ઝણકાર; લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર, લટકમટકતી ચાલ ચાલતી, જુઓ ગુર્જરી નાર….

 

અલબત્ત, જીવન અને જગત પરિવર્તનશીલ છે એટલે આજની ગુજરાતી નારી પછી એ પૂર્વમાં હોય કે પશ્ચિમમાં, જુદી તો લાગે જ. છતાં પ્રગતિશીલ આધુનિક ગુજરાતી નારીની આંતરિક આભા તો એ જ સદીઓ જૂની ચમકીલી છે. આદ્ય કવિઓની જેમ મીરાં,શબરી કે સીતાની વાત કરીએ કે દેશવિદેશ ફરતી આજની નારીની વાત કરીએ પણ ગુજરાતી સ્ત્રીની સંવેદના તો બધે જ હરકાળમાં એકસરખી છે. અરે,આ સંવેદના જ તો એની તાકાત છે.નબળાઇ નથી.ધાર છે, કહો કે અણી વખતની ઢાલ છે. જીવન જીવવાની આબાદ ઔષધિ છે, જડીબુટ્ટી છે.સંવેદનામાં જેટલી વધારે સચ્ચાઇ તેટલી વધારે શક્તિ. એ મેંદી ભલે માળવાની લાવે પણ એનો રંગ તો ગુજરાત જેવો ક્યાંય ન ખીલે !

 

વીર કવિ નર્મદ,દલપતરામથી માંડીને પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન કાળના જે જે સર્જકોએ જ્યારે જ્યારે ગુજરાતની ગાથા ગાઇ છે ત્યારે ત્યારે ગુજરાતી નારીની ગરિમા પણ અચૂક વર્ણવી જ છે. સ્થળ કે સમયના સીમાડા એને ક્યારેય નડ્યા નથી. કાલે હતી એ જ વાત આજે પણ છે. વતનમાં હોય કે વતનથી દૂર પણ ગુજરાતની નારીમાં ગુજરાતના હરેક શહેરનું નૂર છે. એ કનૈયાલાલ મુનશીની અસ્મિતા છે,પાટણની પ્રભૂતા છે તો મેઘાણીની રસધાર છે. વધુ ભણેલી હોય કે થોડું પણ તેનામાં સુરતના હીરાની પાસાદાર ચમક છે. મહદ્‍અંશે પોતાના ઘર-સંસારને સુપેરે સજાવતી જાણે કે, સરસ્વતીચંદ્રની કુમુદસુંદરી છે. નાટ્યક્ષેત્રે છેલછબીલી સંતુરંગીલી છે. ગઇકાલની હોય કે આજની…નજરના જામ છલકાવનારી કામિની છે.મલ્હાર રાગ ગાઇને મેઘરાજને બોલાવતી,વરસાદ વરસાવતી તાના-રીરી છે તો યમરાજને પડકારનારી સાવિત્રી પણ છે. વિદેશમાં રહેતી ગુજરાતી નારી સમયને અભાવે ભલે પીઝા,પીટા ને નાનથી ટેવાઇ હોય, ભલે “જેવો દેશ તેવો વેશ” ને ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય, પણ એ હરહંમેશ…હરહંમેશ… વતનની પ્યાસી છે.!! ગુજરાતના તહેવારો…દિવાળી, હોળી,ઉતરાણ, નવરાત્રી…દરેક તહેવાર મસ્તીથી ઉજવે છે. ગુજરાતની વાનગીઓ મન ભરીને માણે છે. હા, નવો સમય છે, નવી પાંખ છે, નવા ઉમંગો છે, નવો મલકાટ છે,એટલે નવી રીતો છે. પણ દિલ તો એનું એ જ છે. હજી આજે પણ દરેક ગુર્જર નારીને સ્નેહનું સિંદૂર ગમે છે,પ્રેમના કંગન ગમે છે અને આદરના અલંકાર ગમે છે. છેલ્લે, સાબરમતી અને તાપીના પાણી પીધેલ,પાણીદાર ગુર્જર નાર વિષે એટલું જ કહીશ કેઃ
વાણી જેનીગુર્જરી ને ગાથા ઘર ઘર નારી છે, વેશ ભૂષા વિદેશી પણ અંતરમાં વસનારી છે. પૂરવ હો યા પશ્ચિમ, ઉત્તર હો યા દક્ષિણ, ગિરા જેની નેક, એ તો ગરબે ઘૂમતી નારી છે…..ગુર્જર નારી છે…    

અસ્તુ..          

                             ( દેવિકા રાહુલ ધ્રુવ )

 


 

મુક્તિધામ-અંતિમ વિશ્રામસ્થાન April 13, 2012

Posted by devikadhruva in : લેખ , 11 comments

એક નવી વાત..સ્મશાનગૃહની…ચોંકી ગયા? સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની.

ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની.થોડા દિવસ પહેલાં જ એનું હ્રદયંગમ વર્ણન સાંભળ્યું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દ્રષ્ટિઆર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વિડીયો પણ જોવા મળી. દિલને ખુબ શાતા વળી.

સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવા્ળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત,કરુણ નાદસાથે..તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુધ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય,દરેકના પ્રિય ગીત/ભજન/કવિતા વાગતી જાય. આહા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતા જોતા મને તો ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનુ મન થઈ આવ્યુ!!!

થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યુ. જળ, આકાશ,વાયુ,અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલકનિરંજન શંકર, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ,ગદાધારી હનુમાન, વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન વિશ્વના સર્જક  બ્રહ્મા, ભારત માતા, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર નટખટ કૃષ્ણ, મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતા ગયાં. મન શોકારહિત થતુ જતુ,આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતા્ની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત,સુશોભિત દિવાલો.

આટલું જોતા જોતા અને ખરેખર તો સાચા અર્થમાં માણતા જતા વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે.એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ..આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક  શાયરે કહ્યું છે ને કે,
“કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે !!!!!
વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારના સ્ટેચ્યુ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ડીવાઈન  દ્રશ્ય ઉભું કરે છે.સંગીતના ધીમા સૂરો તો હજી ચાલુ જ છે.

છેલ્લે બીજા બે ફાંટા પડે છે .૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…

માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં ક્યાં સુધી, કેવી કેવી રીતે, લઇ જાય છે !માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે  વળગેલો  માણસ અંતે લાકડે ચઢી  ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં  ભીંત પર ટીંગાઈ જાય છે.

“રાખના રમકડા…કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા…તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ…રાખના રમકડાં.”

પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ વાતો સાંભળીને,વીડીયો જોઈને મનને ખુબ જ સારું લાગ્યું.આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે એટલું જ નહિ, નિયતિના દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભુતિઓ સમા છે. તે સૌને મારા શત શત વંદન.

મને તો લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતા સ્વજનો અને મિત્રોના હ્દયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતા જતા સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ.

અસ્તુ…

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.