jump to navigation

વિશાલ મોણપરા-ગુજરાતીઓની શાન… September 18, 2013

Posted by devikadhruva in : લેખ , trackback

 

 

નેટ-જગતના ગુજરાતી-વિશ્વમાં આજે જેમનું નામ અજાણ્યું નથી એવા વિશાલ મોણપરાની થોડી વાતો કરીશું. વિશાલ મોણપરા એટલે શાંત અને શરમાળ, વિનયી અને વિવેકી. નમ્ર અને નિરાભિમાની. ધર્મ અને સાહિત્ય-પ્રેમી. તેમને કામ સાથે કામ. બોલાવો તો પરાણે થોડું બોલે પણ કામ, સતત બેસુમાર કરે. એમની સિધ્ધિઓને બિરદાવીએ તે પહેલાં જરૂર કહેવાનુ મન થાય કે વિશાલ એટલે ગુજરાતીઓ માટે વરદાન, હ્યુસ્ટનનું અભિમાન અને ગુજરાતી ભાષાનું આશાસ્પદ સ્થાન. 

પોતાનો પરિચય આપતા http://www.vishalon.net પર નમ્રતાપૂર્વક એ માત્ર આટલું જ લખે છે કે, 

“I am Vishal Monpara. I am a Microsoft certified technology specialist and working in Houston, TX. I am proud volunteer of Bochasanvasi Shree Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS). Unique combination of inspiration from my spiritual guru HDH Pramukh Swami Maharaj, love to Gujarati and technical skills led me to develop various Indian language tools.” 

કેટલી સરળતા અને સહજતા ! 

આપની જાણકારી માટે આ રહ્યા વિશાલનાં નોંધનીય કાર્યો– 

૧) પ્રમુખ ટાઇપ પેડ.. 

૨) સ્પેલ-ચેકર ઇન ટાઇપ પેડ.. 

૩) શબ્દસ્પર્ધાનો સોફ્ટવેર. 

૪)કન્વર્ટર કે જેમાં ગુજરાતી ભાષાના વિવિધ ફોન્ટને યુનિકોડમાં ફેરવવાની સવલત આપી. યુનિકોડમાંથી અન્ય ફોન્ટમાં પણ બદલી શકાય છે. આ પ્રોગ્રામમાં પબ્લીશરનો ઘણો સમય બચતો હોય છે. 

૫) હાલ સ્પેલચેકર માટે શબ્દ-ભંડોળ વધારી રહ્યા છે. સાર્થ જોડણીના બધા જ શબ્દો તે સ્પેલચેકરમાં લાવવા કટીબધ્ધ છે. 

૬) ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના વેબ પેઇજ પર એક સાથે ૩૫ જેટલાં સર્જકોને તેમના સ્વતંત્ર બ્લોગ આપ્યા. 

૭) જોડણી પર એ વિશેષ ભાર મૂકે છે.માતૃભાષા એ ગૌરવ અને સંસ્કારનો વિષય છે.બીજી પેઢી સુધી તેને લઇ જવાનો પ્રયત્ન સાચા હ્રદયથી નથી થતો તેમ તે માને છે અને તેથી તે માટે તે ટેક્નીકલ સંશોધનો કરી જાળવવા મથે છે. 

પ્રમુખ આઇ.એમ.ઈ.ને તેમણે વધુ સુસજ્જ કર્યું છે અને તેના ઉપયોગથી ૨૦ ભારતીય ભાષાઓમાં કંપ્યુટરમાં ટાઇપીંગ શક્ય બન્યુ છે. ડિસેમ્બર ૨૦૦૯માં આ સોફ્ટવેરની આવૃત્તિ ૧.૧ તેમણે બહાર પાડેલી અને નવી આવૃત્તિ ૨.૦ તેમણે ૧૫ ઑગષ્ટ ૨૦૧૩માં બહાર પાડેલ છે. આ સમયગાળા દરમ્યાન આ સોફ્ટવેરમાં કરેલાં ફેરફાર વિષે તે જણાવે છે કે, “ પ્રમુખ આઇ.એમ.ઈ.ની જૂની આવૃત્તિ એ લિપિ પર આધારિત હતી જેથી હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરે ભાષાઓના ટાઇપીંગ માટે દેવનાગરી લિપીના યુનિકોડ વપરાતા હતા.પરંતુ સૌથી મોટી તકલીફ એ હતી કે આ દરેક ભાષાઓમાં દેવનાગરી લિપીના અમુક યુનિકોડ વપરાતા ન હતા. વળી દરેક ભાષાઓના ટાઇપીંગના નિયમોમાં પણ થોડીક ભિન્નતા હતી. પ્રમુખ આઇ.એમ.ઈ.ની નવી આવૃત્તિમાં લિપીની જગાએ દરેક ભાષામાં ટાઇપીંગ શક્ય બન્યું છે કે જેથી દરેક ભાષાઓમાં વપરાતા અક્ષરોનો જ જે તે ભાષામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અલગ અલગ ભાષાઓના ટાઇપીંગના નિયમોની ભિન્નતાને પણ આવરી લેવાયા છે.તેનાથી ટાઇપીંગ કરવાનું પણ આસાન બન્યું છે. 

આ ઉપરાંત દરેક ભાષાઓમાં ભારતિય રૂપિયાનું ચિન્હ અને સ્વસ્તિકનું ચિન્હ પણ આવરી લેવાયું છે. પહેલાં વિવિધ મૅનુનો ઉપયોગ કરવા માટે માઉસ વાપરવું પડતું હતું અને ટાઇપીંગની ઝડપ ઓછી થઇ જતી હતી. નવી આવૃત્તિમાં કીબોર્ડના શોર્ટકટની મદદથી માઉસ વગર પણ વિવિધ મૅનુનો ઉપયોગ શક્ય બન્યો છે અને ટાઇપીંગની ઝડપ જળવાઇ રહે છે.” 

માત્ર ગુજરાતી ભાષા માટે પ્રમુખ આઇ.એમ.ઈ.માં કરેલાં ફેરફાર વિષે તેઓ જણાવે છે કે, 

“ગુજરાતી ભાષામાં પહેલેથી જ ટાઇપીંગના મોટાભાગના નિયમો સાચા હોવાથી તેમાં મોટો ફેરફાર કર્યો નથી.પરંતુ લોકોના પ્રતિભાવના આધારે થોડા સુધારા કરવામાં આવ્યા છે.દા.ત. પહેલાં ‘છ’ લખવા માટે Ch ટાઇપ કરવું પડતું હતું.પરંતુ હવે તેને chh કે Ch બંને વડે લખી શકાય છે. વળી અન્ય ભારતિય ભાષાઓ સાથે તાલ મેળવવા માટે ‘જ્ઞ’ ને Gn કે Gy બંને વડે લખી શકાય છે. આ ઉપરાંત ભારતિય રુપિયાનું ચિન્હ પણ ઉમેરાયું છે.” 

વાચકોને એ વિદિત થાય કે, પ્રમુખ આઇ.એમ.ઈ કોઇપણ વ્યક્તિ વિશાલ મોણપરાની વેબસાઇટ http://vishalon.net પરથી નિઃશુલ્ક ( ફ્રી ) ડાઉનલોડ કરીને વાપરી શકે છે. 

ઑગષ્ટ ૨૦૧૩ સુધીમાં કુલ ૮૮,૫૦૦ વખત આ સોફ્ટવેર ડાઉનલોડ થયેલ છે. જાન્યુઆરી ૨૦૦૫થી ઑગષ્ટ ૨૦૧૩ સુધી ૨,૩૦૦ કલાક કરતાં પણ વધારે સમય આ વિવિધ નિઃશુલ્ક ( ફ્રી ) સોફ્ટવેર બનાવવામાં ફાળવીને તેમણે માત્ર ગુજરાતી જ નહિ પણ ભારતિય અન્ય ભાષાઓની પણ અનન્ય સેવા કરી છે. 

વિશાલ વિશે શ્રી પી.કે દાવડાએ ગુજરાતના બે બ્લોગ-રત્નો- માં સવિશેષ વાત કરી છે. 

તો શ્રી વિજય શાહે વિશાલ મોણપરાની એક વધુ સિદ્ધિ અને ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા દ્વારા યોગ્ય મૂલવણી કરી છે.વિવિધ સમાચાર પત્રોમાં પણ તેમના કાર્યોની નોંધ લેવાઇ છે. 

આ ઉપરાંત વિશાલની એક છૂપી ખુબી એ છે કે તે્મણે ૨૦૦૫ થી ૨૦૦૭ સુધીના ગાળામાં ગઝલ અને પદ્યરચનાઓ પણ કરી છે અને હાલ પણ સમયની અનુકુળતાએ એ મસ્તી માણે છે. 

આ રહ્યા કેટલાંક નમૂના ઃ 

ફાયર એલાર્મ સાંભળ્યો 

અને હું રૂમની બહાર નીકળી ગયો.. 

ત્યારે એક વિચાર આવ્યો. 

તેં મારા દિલમાં લગાડેલી પ્રેમની 

આગનો ફાયર એલાર્મ વાગ્યો 

એ તે સાંભળ્યો હશે? 

 ********************************

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? 

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
********************************

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા.. 

અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી….. 

************************************************

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? 

પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? 

એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં 

બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
******************************************

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે.. 

આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે.. 

એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે.. 

જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે.
********************************************************

આમ, વિશાલના દિલ અને દિમાગ બંને ટેલેન્ટેડ છે !!!!  

છેલ્લે, ફરી એક વાર મારા શબ્દોને દોહરાવીશ કે,વિશાલ એટલે ગુજરાતીઓ માટે વરદાન, માત્ર હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું જ નહિ પણ સમગ્ર હ્યુસ્ટન શહેરનું અભિમાન અને ભવિષ્યની નવી પેઢી માટે ગુજરાતી ભાષાનું આશાસ્પદ સ્થાન. ધરતી આવા સિતારાઓથી ચમકતી રહે એ જ ધન્યતા.

 

અસ્તુ.

 

દેવિકા ધ્રુવ

 

Comments»

1. પ્રા. દિનેશ પાઠક - September 25, 2013

સરસ, હું વિશાલ ભાઈ થી અજાણ જ હતો. માહિતીસભર લેખ.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.