jump to navigation

ગઝલકાર અદમ ટંકારવી સાથે ગઝલોત્સવ September 10, 2024

Posted by devikadhruva in : લેખ , add a comment

બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ:

તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને શ્રી ફૈયાઝ ખાંધિઆ.

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૦મી બેઠક, ૭મી સપ્ટે.૨૦૨૪ને શનિવારે, ઑસ્ટીન પાર્કવે, સ્યુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન હતા યુકે.થી પધારેલ, સુવિખ્યાત ગુજલીશ ગઝલકાર શ્રી અદમ ટંકારવી.

    

ગણેશચતુર્થીના તહેવારની ઠેકઠેકાણે ઉજવણી હોવા છતાં  હાજર રહેલા સભ્યોની સંખ્યા નોંધપાત્ર હતી.

પ્રણાલિકા મુજબ સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે જરૂરી સૂચનાઓ અને માહિતી આપ્યા બાદ, શ્રીમતી જ્યોત્સના વેદ દ્વારા ગણેશ અને સરસ્વતી વંદનાથી શુભ શરૂઆત કરવામાં આવી. પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ સૌનું સ્વાગત કરી ‘ગણેશચતુર્થી અને સાહિત્ય’ વિષયક પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. તે પછી શ્રીમતી દેવિકા ધ્રુવે સંસ્થાની સ્થાપનાના આ મહિનાની યાદ સાથે, શ્રી અદમભાઈના જન્મદિવસનો મહિનો હોવાની પણ જાણ કરી, તેમનો સાહિત્યિક પરિચય આપ્યો. શ્રી અદમ ટંકારવીના એક કાબિલેદાદ શેર સાથે બેઠકનું વાતાવરણ જમાવતી એક ઝલક રજૂ કરી કેઃ
બાઈબલ
 ખોલું ને સીતા નીકળે
ખિસ્સામાંથી પણ
 ફરિશ્તા નીકળે.
ઝેર
 તો બીજું  કોઈ પી ગયું
ખાલી
 પ્યાલીમાંથી મીરાં નીકળે..

         

ડો. કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, સભાજનોની તાળીઓના ગડગડાટ અને આવકાર સાથે શ્રી અદમભાઈએ મુશાયરાનો પ્રથમ દોર શરૂ કર્યો.

આરંભમાં જ શબ્દનો મહિમા વર્ણવતા તેમણે એક પછી એક નામાંકિત ગઝલકારોના શેર દબદબાપૂર્વક રજૂ કર્યા કેઃ  મનોજ ખંડેરિયા કહે છે કે,
રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.

અમૃત ઘાયલનો શેર કે “શબ્દોની આરપાર જીવ્યો છું, હું ધારદાર જીવ્યો છું.
 આમ ઘાયલ છું અદનો શાયર પણ સર્વથી શાનદાર જીવ્યો છું…

કવિનો શબ્દ કેવો જાદૂ જેવો હોય છે તેના અનુસંધાનમાં ખલીલ ધનતેજવી, મનહર ચોક્સી, રમેશ પારેખ,શોભિત દેસાઈ વગેરેના ચોટદાર શેર, શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સાંભળતા હતા. તે પછી આ નમ્ર શાયરે પોતાની ગઝલના શેર પ્રસ્તૂત કર્યા. ઈંગ્લૅંન્ડમાં  ગુજરાતીની સ્થિતિ અંગે કહેતાં જણાવ્યું કે,
“વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
અને
તું ગુજરાતીમાં  જો ‘આવો’ કહે છે, તો મારા કાને એક ટહુકો પડે છે.
તું ગુજરાતીમાં જો વાતો કરે છે, તો તારા હોઠથી ફૂલો ઝરે છે.

સાદી સીધી બોલચાલની ભાષામાં લખાયેલા તેમના શેર ભાવકોને આનંદ આપતા હતા અને તેમાં પણ આછા હાસ્ય સાથે એમણે સુરતી બોલીમાં, ‘હારુ અંઈ હુરત જેવું ની મલે’ શરૂ કર્યું અને તે પછી રઈશ મનીઆરને યાદ કરી તેમના થોડા જાણીતા શેર અને  અમદાવાદની લાક્ષણિક ખાસિયતોના શેર સંભળાવ્યા ત્યારે તો સભાગૃહમાં હાસ્યનાં મોજાંઓ ફર્યે જતાં હતાં.

       

  તે પછી બીજો જામ ખોલ્યો જીવન વિશેનો.
‘સોમવારે પારણું બંધાય છે, બોખાં દાદીમા હરખાય છે’ એવા મત્લાથી ઉઘાડ કરી મંગળ,બુધ,ગુરુ,શુક્રવારના શેર સંભળાવી  શનિ-રવિવાર વિષે કહ્યું કે,
થાક લાગે છે શનિવારે બહું,
ને કબરમાં ટાંટિયા લંબાય છે.
હા રવિવારે તો છુટ્ટી પાળીએ,
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે.

જીંદગીની કેટલી મોટી વાસ્તવિકતા સહજ રીતે સમજાવી દીધી. જીંદગીના રસ્તાને ‘ઘરથી કબર સુધી’ કહેનાર’ બેફામ’ સાહેબને પણ યાદ કરી જ લીધા તો સાથે સાથે વાતાવરણમાં જરાયે ભાર ન રહે તે આશયથી તરત જ સિફતપૂર્વક, મુંબઈના મુશાયરાની વાતો તરફ વળ્યા. જ્યોતિન્દ્ર દવેની રમૂજભરી પંક્તિઓને રસિક રીતે પ્રસ્તુત કરી. તે પછી વરસાદ, દિલ વગેરે ગઝલકારોના મનગમતા વિષયો છેડ્યા. રમેશ પારેખ, કૃષ્ણ દવે, રાજેન્દ્ર શુક્લ, મરીઝ, મુકુલ ચોક્સી, જલન માતરી, સૈફ પાલનપુરી, આદિલ મનસુરી વગેરે શાયરોના શેર મસ્તીથી રજૂ કર્યા. અમેરિકન અનુભૂતિ વિશે તેમણે ન્યૂયોર્કના પટેલો અને મોટેલોના વિસ્તારની,જનરેશન ગૅપની અને બે સંસ્કૃતિઓની મથામણની ઝલક દર્શાવતા શેર સંભળાવ્યા.
ભલે યુકે.માં વસીએ અમે,
પણ અવળચંડા એવા અમે
હશે ડોરબૅલ તોયે બારણાં
ખટખટાવીએ છીએ અમે.

મઝાના આ પ્રથમ દોર પછી સ્થાનિક ૩-૪ સર્જકોએ પોતપોતાની એક કૃતિ રજૂ કરી. શ્રી પ્રકાશ મજમુદારે મરીઝની એક ગઝલ ગાઈ સંભળાવી. સૈદભાઈ પઠાણે ‘મેરા ભારત’ની એક રચના હિન્દીમાં પ્રસ્તુત કરી. સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે અદમ ટંકારવીની ગઝલનો આસ્વાદ ગુર્જરીમાં પ્રકાશિત થયેલ છે; તેની જાણ કરી. દેવિકા ધ્રુવે અદમ ટંકારવીની એક ખૂબ જૂની ગઝલ ‘બાગમા ક્યાં હવે મળે છે સનમ’ની સામે લખેલ પ્રતિગઝલ અને કેટલાક સ્વરચિત શેર રજૂ કર્યા.

 થોડી મિનિટો પછી તરત જ ફરી પાછો બીજો દોર અદમભાઈએ મરીઝના શેરથી શરૂ કર્યો કે,

“ઘણાં વર્ષો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે.
જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.” એની સાથે કેટલીક લાગણીની, હૃદયની,પ્રેમની અને જીવનની ગઝલોની વાત કરી જેમાં શ્યામ સાધુ, ર.પા. અને મરીઝ વગેરેને વારંવાર યાદ કરી અદમભાઈએ હઝલો સંભળાવી. પોતાની ગુજલીશ ગઝલો,ભાષાભવનની ગઝલ,હ્યુસ્ટનમાં લખાયેલ ગઝલ વગેરેના જામ અવનવી ઢબે ઉઘડતા ગયા અને શ્રોતાજનોનો કેફ વધારતા રહ્યા. આ રહ્યા તેમાંના કેટલાક ઘૂંટઃ

સમય સરતો જતો હતો. સાંજના ૪.૧૫ વાગ્યાથી શરૂ થયેલ મુશાયરામાં ક્યાં ૭ વાગી ગયા, ખબર પણ ન પડી.

જુદાજુદા ઘણા વિષયોને આવરી લેતા, ટૂંકી બહેરના શેર થકી, અદમભાઈ સૌના મનમાં અમીટ છાપ મૂકતા ગયા. ગઝલ અને હઝલની વચ્ચે એક વિશાળ વ્યાપ ખોલી ગયા. તેમની ગઝલોમાં તેમના સ્વભાવ જેટલી સાદગી અને સરળતા. શબ્દો સ્વાભાવિકપણે સાવ બોલચાલની ભાષાના. તેમ છતાં ભાવો અને અર્થોમાં ઊંચાઈ અને ઊંડાણ સ્પર્શી ગયાં. ડાયસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીછીથી સજાવેલ આ કાર્યક્રમ કલાત્મક બની રહ્યો. અદમભાઈના કવિકર્મને, સતત કંઠસ્થ રજૂઆતને અને યાદશક્તિને સલામ.

સમાપનમાં આભારવિધિ, અન્ય ઔપચારિક વિધિ અને અસ્સલ ગુજરાતી ભોજન પછી સૌ ભાઈબહેન આ મજેદાર મુશાયરાની ઘેરી અસર પામી છૂટાં પડ્યાં..ભોજન સ્પૉન્સર કરનાર શ્રી હસમુખ દોશી અને સ્વ.નવીન બેંકરની સ્મૃતિમાં, બેંકર પરિવાર તરફ્થી અનુદાન કરનાર દેવિકા ધ્રુવ અને ડો.કોકિલા પરીખ હતા.  આ સાથે એક ખાસ નોંધ લેવી ઘટે કે, શ્રી અલીભાઈ ભીમ કે જેઓ અદમભાઈને માટે ખાસ શિકાગો સુધી ગયા હતા; ત્યાંથી તેમની સાથે હ્યુસ્ટન લઈ આવી યજમાન બનવાના હતા, તેમની અચાનક ઊભી થયેલ નાદુરસ્તીને કારણે આવી ન શક્યા. ગુ.સા.સ. અલીભાઈને માટે જલદી સાજાં થવાની શુભેચ્છા પાઠવે છે. તેમની કામગીરી સંપૂર્ણ રીતે પૂરી કરનાર શ્રી ફૈયાઝ ખાંધિઆને આભાર અને આદર સહિત સલામ.

૨૬૦મી આ બેઠક યાદગાર બની રહેશે.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

સપ્ટે.૮, ૨૦૨૪.

 

સાહિત્યિક અવસરોનો આનંદઃ ફેબ્રુ.૧૨ થી માર્ચ ૧૨, ૨૦૨૪ August 8, 2024

Posted by devikadhruva in : લેખ , add a comment

સાહિત્યિક અવસરોનો આનંદઃ ફેબ્રુ.૧૨ થી માર્ચ ૧૨, ૨૦૨૪

પૂરાં ૬ વર્ષ પછી આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ભારતની મુલાકાત લીધી. એક મહિનો પારિવારિક અને સાહિત્યિક સ્વજનોથી સભર રહ્યો. તે સઘળી સુખદ અને સુભગ પળોને શબ્દાંકિત કરવાનું મન થયું.

શરુઆત થઈ હતી ગાંધીનગરસ્થિત, માતપિતા તુલ્ય મોટાભાઈ અને ભાભી ( જેઠજેઠાણી)ને સ્નેહ અને ઉષ્માસભર મળવાથી. થાક, ઉંઘ અને ‘જેટલેગ’તો  એકદમ જ ગાયબ થઈ ગયો. પ્રથમ દિવસે જ પરિવારના અન્ય સભ્યો સાથે એક અગાઉથી આયોજેલ સુખદ આશ્ચર્યનો પ્રસંગ પણ સુપેરે ઉજવાયો અને સૌએ  સાથે મળીને ખૂબ આનંદ કર્યો. ગાંધીનગરના સુસજ્જ ‘રીનોવેટેડ મકાનના પ્રાંગણમાં, સદ્ગત  પૂ.બા-દાદાજીનાં પગલાં સમીપ, તેમની હાજરી તાદૃશ  કરી. 

ધ્રુવ પરિવારનાં ભાઈબહેનો અને ભાભી સાથે..

ઘણીવાર જીવનમાં એવું પણ બને છે કે, ન ધારેલું, ન આયોજન કરેલું છતાં આપમેળે ઘણું બધું સરસ બની જાય છે. મારો સાહિત્ય સાથેનો લગાવ કહું કે સંબંધોની સમૃદ્ધિ ગણું પણ ખરેખર ગમતી પ્રવૃત્તિઓ ઉઘડતી જાય છે. મિત્રો અને સ્વજનો તો ખરાં જ, પણ નેટના તારે કેટલી બધી વ્યક્તિઓ મળી? માંડીને જ વાત કરું.

શ્રી ગૌરાંગ દીવેટીઆ,શ્રી સતીશ વ્યાસ,શ્રી હર્ષદ ત્રિવેદી, પ્રીતિ સેનગુપ્તા દેવિકા ધ્રુવ અને શ્રી મનીષ પાઠક

બે દિવસ પછી એટલે કે, ૧૪મી ફેબ્રુઆરીના રોજ  ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદના સભાગૃહમાં યોજાયેલ ‘શબ્દજ્યોતિ’ નામે કાર્યક્રમમાં જવાનું થયું. પ્રીતિબહેન સેનગુપ્તાનાં જીવનકવન વિષે વક્તવ્ય સાંભળવાની મઝા આવી અને તે સાથે ઘણા બધા સાહિત્યકારોને મળી શકાયું. ઑમ કૉમ્યુનિકેશનના સંચાલક ભાઈ શ્રી મનીષ પાઠક ઘણાં વર્ષોથી આવા સુંદર કાર્યક્રમો કરતા આવ્યા છે. તેમની સાહિત્યપ્રીતિને સલામ. ગુ.સા.પ.ના ચાલુ વર્ષે નિમાયેલ પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીને રૂબરૂ મળી પંદરેક મિનિટ સુધી વાતો કરવાની તક મળી.

શ્રીમતી ગિરિમા ઘારેખાન સાથે …

તા.૨૦મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં જ ગુજરાતી સાહિત્ય ઍકેડેમીનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સાહિત્ય ઍકેડેમીના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જહા તરફથી આમંત્રણ મળ્યું હતું ત્યાં હાજરી આપી. ખુલ્લા મેદાનમાં બાંધેલ મોટા મંડપ નીચે એક ખૂબ મોટો સમારંભ હતો જેમાં મોટાભાગના બધા જ કવિઓ/લેખકોને જોવા/મળવાનો આનંદ માણ્યો. તે સમયે સૌથી વધુ સાથ મળ્યો બહેન ગિરિમા ઘારેખાનનો. પ્રત્યક્ષ રીતે મળવાનો એ પ્રથમ અવસર હતો જે મનમાં એક આત્મીયપણાની છાપ મૂકી ગયો. તે દિવસે ગાંધીનગરમાં મેઘાણી ભવનનું ઉદ્ ઘાટન હતું અને કેટલાંક પુસ્તકોને પારિતોષિક અર્પવાનો પ્રસંગ પણ હતો. 

શ્રી રતિલાલ બોરીસાગર સાથે દેવિકા ધ્રુવ

તે પછીના દિવસે ગુજરાત વિશ્વકોશ પર વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું ઐશ્વર્ય વ્યક્ત કરતા કાર્યક્રમમાં જવાનું બન્યું. ત્યાં શ્રી કુમારપાળ દેસાઈ,અમર ભટ્ટ વગેરે તો મળ્યા જ પરંતુ રતિલાલ બોરીસાગરને પ્રથમ વાર પ્રત્યક્ષ જોવા/સાંભળવા/મળવાનું પણ બન્યું. સૌના વક્તવ્યનો અને  અમરભાઈની મંત્રમુગ્ધ સંગીતમય પ્રસ્તુતિનો ખૂબ આનંદ માણ્યો.

જૂઈસભા’ની એક ગ્રુપ તસ્વીર.

(હેતલ બ્રહ્મભટ્ટ, રશ્મિ જાગીરદાર,દેવિકા ધ્રુવ, ઉષા ઉપાધ્યાય અને સખી ભાર્ગવી પંડ્યા તથા ગોપાલી બુચ .)

 

 

 https://youtu.be/bMVzCX7hGdw

તા. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે જૂઈસભાનાં પ્રણેતા ઉષાબહેન ઉપાધ્યાય તરફથી આમંત્રણ મળતાં તે કાર્યક્રમ પણ એમ જ ગોઠવાઈ ગયો. ત્યાં પણ ઘણી યુવાન બહેનોની રચનાઓ સાંભળી અને ખુશી એ વાતની થઈ કે, ગુજરાતી ભાષાનું ભવિષ્ય હજી ઉજળું છે જ તેની પ્રતિતી થઈ. ત્યાં પણ જાણીતી કવયિત્રીઓનો પરિચય થયો. બહેન માર્ગી દોશી તેમની કલમ અને રજૂઆત દ્વારા મન પર સુંદર અસર મૂકી ગયાં.

બીજા દિવસે એટલે  કે, ૨૪મી તારીખે અમદાવાદ શહેર વિસ્તારમાં ચાલતાં ગયાં જ્યાં જૂની મીઠી સ્મૃતિઓને મમળાવવા ઉપરાંત ‘કુમાર’ કાર્યાલયમાં પણ ગયાં. ત્યાં શ્રી પ્રફુલભાઈ રાવલ અને તેમના સાથીદારો સાથે થોડી સાહિત્યને લગતી વાતો થઈ..

તા. ૨૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં  કડી  સર્વ વિશ્વવિદ્યાલય ખાતે ‘કાવ્યહેલી’ નામે યોજાયેલ કવયિત્રી સંમેલનની પણ મુલાકાત લીધી જ્યાં આઠ કવયિત્રીઓને મળવાનું બન્યું અને ત્યાં જ મંચ પરથી આમંત્રણ  મળતાં  ‘જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે, હરપળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે’ એ ગઝલની રજૂઆત કરી.

માર્ચની પહેલી તારીખે ફરી ‘વિશ્વકોશ’ પર શ્રી કુમારપાળભાઈ સાથે મળીને ડાયસ્પોરા સાહિત્ય અંગે વાતો કરી.  ત્યાંના સક્રિય કાર્યકરો સાથે તાજેતરમાં ખોલાયેલ ડાયસ્પોરા સ્ટડી સેન્ટરની મુલાકાત લીધી. પ્રકૃતિના પ્રાંગણમાં બંધાયેલ એ રમણીય અને નીરવ શાંતિથી છલકતી જગાએ રહી જવાનું ખૂબ મન થયું. વળી ત્યાંના પુસ્તકાલય વિભાગમાં મારાં કેટલાંક પુસ્તકો મૂકાયાંનો પણ આનંદ માણ્યો.

ગૂર્જર સાહિત્ય પ્રકાશનઃ મનુભાઈ શાહ સાથે..

તે જ દિવસે સાંજે ગૂર્જર પ્રકાશનનાં શ્રી મનુભાઈ શાહની સાથે શાંતિથી  મારા નવા કાવ્યસંગ્રહ ‘અહીં જ બધું’ વિશે  વિગતે વાતો કરી. તે ઉપરાંત સાંપ્રત સમયમાં  ‘ડીજિટલાઇઝડ’ થતી જતી વ્યવસ્થાને કારણે પુસ્તક- પ્રકાશનની પ્રવૃત્તિ પર પડતી માઠી અસરોની પણ જે વાતો થઈ તેમાંથી અજંપો વરતાયો.

બંસરી ગ્રીન ફાર્મ હાઉસ પર..

છેલ્લું અઠવાડિયું માત્ર મિત્રો અને પરિવાર સાથેનો રાખ્યો હતો તે મુજબ પાંચમી માર્ચે ફરી એક વાર ગાંધીનગરથી થોડા માઈલો દૂર ‘બંસરી ગ્રીન’ નામના ઘરના જ ફાર્મ-હાઉસમાં  ગયાં અને ખુલ્લાં ખેતરો અને પ્રકૃત્તિની ગોદમાં સૌની સાથે મળી આનંદ માણ્યો.

શૈલા મુન્શા અને પ્રશાંત મુન્શા સાથે…
ગુજરાત યુનિં. ની નિકટની સાહેલીઓ ( સહકાર્યકર) સાથે સ્મરણીય ક્ષણો..

૭ મી માર્ચે સવારે  ન્યૂયોર્કની બેંક ઑફ બરોડાના મિત્ર સાથે, બપોરે હ્યુસ્ટનનાં, પણ હવે વડોદરા સ્થાયી થયેલ મિત્ર-દંપતિ સાથે અને સાંજે ગુજરાત યુનિવર્સિટીમાં સાથે કામ કરતાં કરતાં થયેલ વર્ષો જૂની નિકટની સહેલીઓ સાથે ખૂબ મસ્તીથી વીતાવ્યો. આ સૌએ મારી અનુકૂળતા મુજબના દિવસે, સમયે અને તે પ્રમાણેની જ જગાઓએ મળવાની અનુકૂળતાઓ કરી તેની નોંધ લેતાં સહર્ષ હૃદય ગદ્દગદ્ થઈ જાય છે. તે સિવાય પણ કેટલાંકને ફોન પર મળવાનું થયું તો વળી શરૂઆતના બીજા જ દિવસે સી.જી.રોડ પરના બહેનના ઘેર જવાનું અને સાથે શોપીંગ કરવાનો લાભ લેવાયો તે બોનસમાં મળ્યો!

ઝુંપડીની પોળની નાનકડી ખડકીમાં બેઠેલી, મ્હોંમાં કશુંક ચગળતી ગાય પણ કેટલી પોતીકી લાગતી હતી! શૈશવનું એ ઘર,ભાડાનું ઘર,દાદરનાં પગથિયાં અને પ્રત્યેક ભીંત અંદરના ધોધને બહાર લાવતાં ક્યાં રોકતી હતી? રિનોવેટ કરાયેલા એ મકાનની પાછળ મનમાં પેલું જૂનું ઘર, ભાઈબહેન, માબાપ, દાદી અને કેટલાંયે સુખદુઃખ મિશ્રિત ચિત્રો ઉપસતાં જતાં હતાં. સંવેદનશીલ ભાઈબહેનો તો ત્યાં જતાં જ રડી ઉઠે છે અથવા જઈ શક્તા જ નથી. હું કદાચ,એ રીતે થોડી મજબૂત બની છું કે પછી કલમ થકી એ શક્તિ કેળવાઈ છે! બંધ પડેલાં બાલભવનની બારી પણ જૂનાં પાનાંઓ ફેરવી હચમચાવતી હતી. 
થોડા બચેલા પરિચિત ચહેરાઓના ઉમળકા ભીતર અડતા હતા. રોજરોજ પૂજા નહિ કરવા છતાં પણ, જીંદગીભર સતત,સાથે રહેલ આશાપુરી માતાના મંદિરની પત્થરની મૂર્તિ પણ સજીવ થઈ ઘણું બધું
બોલતી હતી! તે પછી તો પ્રભૂતામાં પગલાં માંડેલ ઘર “ધ્રુવ નિવાસ”ને પણ એના નવા લિબાશમાં જોયું.

સમાપનમાં બે ખાસ વાત નોંધવાની એ કે, જ્યારે અમે શહેરની શેરી, પોળો અને એ જૂના રસ્તાઓ ઉપર યુવાનીની દિલચશ્પ સ્મૃતિઓને, સાથે વાગોળતાં વાગોળતાં  જતાં હતાં ત્યારે મનોમન ૨૦૧૮માં કરેલી છેલ્લી મુલાકાતો સાથે સરખામણી થયે જતી હતી. એ જ સંવેદનાઓ ફરી દોહરાતી હતી. કારણ કે, ત્યાં તો છેલ્લાં છ વર્ષમાં કહેવાતા વિકાસનો કોઈ જ અંશ દેખાતો ન હતો. કશું જ બદલાયું ન હતું.  એટલે કે, ૨૦૧૮ની સાલમાં ફર્યા હતાં એ જ ભાવ ફરીફરીને સ્પર્શતો હતો. સાંકડીશેરીનાં એક એક મકાનો, દૂકાનો, નિશાળ, લાયબ્રેરી, રસ્તાઓ કંઈ કેટલુંયે બધું  ફરીથી એકવાર એકસામટી અઢળક   યાદોને ઝંઝોડતું હતું.

હા, અમદાવાદ શહેરની બહારના વિસ્તારને એનાં મૂળ રૂપે બહું શોધ્યું પણ ન જડ્યું. મને અમારો આંબાવાડીનો ફલેટ શોધવામાં પણ મુશ્કેલી નડી! વિકાસ થયો છે ને? હા,મોટી મોટી ઈમારતો, અદ્યતન મકાનો, ગાડીઓથી ભરચક માર્ગો, મોજશોખ ગણાતી વસ્તુઓની હવે બનતી જતી જરૂરિયાતો! કેટલું બધું બદલાયું છે? તો પછી ગરીબી ક્યાં છે? ઝૂંપડપટ્ટી કેમ નાબૂદ થતી નથી?  સાંભળ્યું છે કે, ઝૂંપડાંવાસીઓ પોતાને મળેલા ફ્લેટ્સ ભાડે આપી, પોતે તો ઝૂંપડામાં જ રહે છે!
ધૂળના ઢગલાંયે ક્યાં હટે છે? ટ્રાફિક સેન્સ” કેમ અમલમાં આવતી નથી? સવાલો એટલા માટે જાગે છે કે, પોતાની ભૂમિ માટે ખૂબ દુઃખ થાય છે. આમ છતાં નવી પેઢી અને દેશના નાગરિકો હજી વધુ સારાં પરિવર્તનો લાવે એવી એક આશા અને શ્રદ્ધા સાથે આ વિચારોને વિરામ આપું.

છેલ્લે, આ એક મહિનાના ગાળામાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪નાં વર્ષો દરમ્યાન ગુમાવેલ અમદાવાદનાં સર્જકમિત્રો શ્રી વલીભાઈ મુસા, શ્રી યોસેફ મેકવાન, માનનીય શ્રી ધીરુભાઈ પરીખ વગેરે કે જેમને હું અચૂક મળતી તેમની યાદ આવતી હતી. એ જ રીતે હ્યુસ્ટન પાછાં આવ્યાં પછી આ બધી જ વાતોને વહેંચવાનો સૌથી વધુ આનંદ મળતો તે શ્રી નવીન બેંકર (ભાઈ)ની ખોટ- ન પૂરાય તેવી ખોટ ખૂબ જ લાગી.

આજે સાડા ત્રણ મહિના પછી આ સ્મરણોને લખ્યાંની રાહત સાથે વિરમું.

–દેવિકા રાહુલ ધ્રુવ

 

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ.. February 20, 2024

Posted by devikadhruva in : લેખ , add a comment

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ટેક્સાસ પ્રસ્તુત કરે છે…

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ…

“વાત થોડી અંગત…સાહિત્યની સંગત”

પ્રતિભા પરિચયઃ આલેખન રાજુલ કૌશિક December 7, 2023

Posted by devikadhruva in : લેખ , add a comment

પ્રતિભા પરિચય-દેવિકા ધ્રુવ

  આલેખનઃ રાજુલ કૌશિક –

‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત લેખ. સૌજન્ય તંત્રી:શ્રી અંકિત ચૌધરી.

સહ તંત્રી:ભારતી ભંડેરી

પ્રતિભા પરિચય- દેવિકા ધ્રુવ

‘રોજ રોજ ઊડું છું તરંગની પાંખે

ને દૂર દૂર જોઉં છું વિશ્વની આંખે

શબ્દોના કુંડાંમાં ભાવોના રંગ ભરી,

પીંછી બોળું ને ચીતરાતી એક પરી’

એવું કહેતાં બહુઆયામી લેખિકા દેવિકા ધ્રુવ જ્યારે મ્યુનિસિપાલિટીના દીવા નીચે બેસીને વાંચતાં હશે ત્યારે એમણે અંતરથી તરંગની પાંખે ઉડવાનું અને શબ્દોનાં કુંડાંમાં ભાવોના રંગ ભરી કાલ્પનિક પરી ચીતરવાનું સપનું જરૂર જોયું જ હશે.

બહુઆયામી લેખિકા તરીકે પરિચય આપવાનું મન થાય એટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન દેવિકા ધ્રુવના નામે બોલે છે.

નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ રહેવાની સાથે શાળામાં વકૃત્વ સ્પર્ધા, નૃત્ય- નાટકની પ્રવૃત્તિમાં આગળ પડતાં દેવિકા ધ્રુવને નાનપણથી જ શેર, શાયરીમાં રસ પડવા માંડ્યો હતો. પંદર વર્ષે લખેલી પહેલી કવિતા પછી તો કેટલાય ગીતો, ગઝલ, છંદબદ્ધ અને અછાંદસ રચનાઓ ગુજરાતી સાહિત્યને આપ્યાં છે.

ભૂડાસણ જેવાં નાનાં ગામમાં ૧૯૪૮માં જન્મ. થોડીક આર્થિક વિટંબણાઓ વચ્ચે બાળપણ વીત્યું પણ અંદરનું અને અંતરનું જે ઓજસ હતું એ હંમેશાં ઝળકતું રહ્યું. ૧૯૬૪માં S.S.C.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં પછી B.A.માં પ્રથમ વર્ગની સાથે સોમૈયા ગોલ્ડ મેડલ અને અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કર્યાં. પ્રથમ આવવું એ જ એમની ખાસિયત છે. કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યાં પછી કૉલેજની ઈતર પ્રવૃત્તિમાં નાટક, સંસ્કૃત ભાષાનાં વકતવ્યમાં પણ સતત ઈનામો જીતતાં રહ્યાં. સવારની કૉલેજની સાથે બપોરે ટ્યુશન, ટાઇપિંગ જેવી પાર્ટ ટાઇમ જોબ કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં જોડાયાં.

૧૯૭૧માં જાણીતા રણજી ટ્રોફી પ્લેયર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન, ૧૯૮૦માં અમેરિકા કાયમી વસવાટ, ૧૯૮૦થી ૨૦૦૩ સુધી ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં જોબ, ૨૦૦૩માં હ્યુસ્ટન સ્થળાંતર. જો કે શબ્દોમાં લખવા જેટલી સરળતાથી અમેરિકામાં ગોઠવાવું સરળ નહોતું. નવો દેશ, નવું વાતાવરણ, નવી સંસ્કૃતિની સાથે તાલમેલ જાળવવાં સંઘર્ષ પણ વેઠ્યો છતાં આ સમગ્ર સમય દરમ્યાન સાહિત્ય વિસરાયું નહોતું.

૨૦૦૩માં હ્યુસ્ટન સ્થાયી થયાં પછી એમની સાહિત્યિક પ્રવૃત્તિને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નું પ્લેટફોર્મ મળ્યું. સાહિત્ય સર્જનને વેગ મળ્યો. દેવિકાબહેને આજ સુધી જે મેળવ્યું એ એમણે અનેક રીતે પાછું વાળ્યું છે. ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ને ફક્ત હ્યુસ્ટન સુધી સીમિત ન રાખતાં વિશ્વભરમાં એની ખ્યાતિ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આમંત્રિત મહેમાન લેખકો, કવિમિત્રો વિશે માહિતી એકઠી કરીને દેવિકાબહેને ઈબુક બનાવી. આ ઈબુકમાં ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ની પ્રવૃત્તિનો ઈતિહાસ સચવાયો છે. હ્યુસ્ટનના લેખકો, કવિઓ માટે દેવિકાબહેન લખવાનું પ્રેરકબળ બન્યાં છે. દેવિકાબહેને છંદ બંધારણની ઓળખ વિશે યોગ્ય માર્ગદર્શન આપીને સભ્યોને વધુ લખવા પ્રોત્સાહિત કર્યાં છે.

આ સાથે ગુર્જરી, નવનીત સમર્પણ, કવિલોક, ફીલિંગ્સ, ગુજરાત દર્પણ, ફીલિંગ્સ, ઓપિનીયન, કુમાર જેવાં સામયિકોમાં દેવિકા ધ્રુવની રચનાઓ પ્રકાશિત થતી રહી છે.

ગીત, ગઝલને અનુરૂપ એવા ટહુકો, અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા બ્લોગમાં એમની પદ્ય રચનાને આવકાર મળ્યો. પ્રિન્ટ મીડિયા સુધી એમની રચનાઓ સીમિત ન રહેતાં ડલાસ રેડિયો, આઝાદ, લંડન સંસ્કાર રેડિયોની સાથે લોકલ રેડિયો સ્ટેશનની જેમ યુટ્યુબ પર પણ એમની રચનાઓ ગુંજતી થઈ.

ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ, સ્વરસેતુ, બુધસભા, કેલીફોર્નિયા, યુનિ.ઓફ ફ્લોરીડા, ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ. કે. વગેરેનાં પ્રસારણમાં પણ દેવિકા ધ્રુવ ઝળકતાં રહ્યાં છે. લંડન, આંતરરાષ્ટ્રીય જુઈ મેળા જેવા અનેક કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહીને સ્વ-પ્રતિભા પરિચય કરાવ્યો છે. ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’ વગેરે સ્થળે કાવ્યપઠન કર્યું છે. દેવિકાબહેનની ૨૫ જેટલી રચનાઓને જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે.

દેવિકા બહેન પોતાનો પરિચય આપતાં કહે છે કે,

“નામ મારું દેવિકા હું છું શબ્દ-સેવિકા.”

૧૯૪૮થી માંડીને વર્તમાન ૨૦૨૩ સુધીમાં કેટલાય આવાસ બદલ્યાં હશે પણ હંમેશ માટે એમનાં સર્જનનું સરનામું તો એક જ રહ્યું ‘પોએટ કોર્નર’.

આવાસ બદલાયા એની સાથે વાતાવરણ બદલાયું હશે પણ અંતરથી એમનો નાતો પ્રકૃતિ અને પરમ સાથે રહ્યો. આવાસ બદલાયા એની સાથે સંસ્કૃતિ, સાથીઓ કે પાડોશી બદલાયા હશે, પણ દિલનો અતૂટ નાતો તો કવિઓ સાથે જ રહ્યો.

સમય અને સ્થળાંતર સાથેની દોડમાં ક્યારેક સારાનરસા અનુભવ થયા હશે, સાચાખોટા માણસો સાથે મુલાકાત થઈ હશે, ખટમધુરી યાદોની સાથે મન ચચરી જાય એવી યાદો પણ આ સફર દરમ્યાન ઉમેરાતી ગઈ હશે અને એમાંથી જ સ્ફૂરી હશે આ પંક્તિઓ…..

‘કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો…

ભર્યા ઠાલા અને પોલા છે અર્થો શબ્દ-કોષોમાં
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો’

દેવિકાબહેને મનની ઊર્મિઓ, હૃદયના ભાવો, પ્રસંગો, તહેવારો પર અનેક રચનાઓ આપી છે. એમની રચનાઓમાં નાવિન્ય છે. સૌ જ્યારે કૃષ્ણજન્મ ઉજવતાં હોય ત્યારે એમનાં દિલને દેવકીનો વલોપાત વ્યથિત કરતો હોય. સાત સાત બાળકોની કંસના હાથે હત્યા થઈ હોય એ માતાનાં હૃદયમાં આઠમા બાળકના જન્મ સમયે જે ભય,આતંકનો ઓળો ઝળુંબતો હોય ત્યારે જે ભાવ ઉદ્ભવે એ ભાવની કલ્પના માત્રથી જન્માષ્ટમી નિમિત્તે લખાય એક સાવ અનોખી રચના.

“શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો,

જન્મીને જ જવાને આવ્યો જ શાને?“

દેવિકા ધ્રુવ જિંદગીને વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો કહે છે. જિંદગી એક વર્તુળાકાર ગતિ છે જેમાં હારજીત તો છે જ નહીં. આ ક્ષણે યાદ આવે છે કવિ આનંદ બક્ષીએ લખેલું એક ગીત,

“ये न सोचो इस मे अपनी हार है के जीत है

इसे अपना लो जो जीवन की रीत है”.

કેટલું સામ્ય છે બંને ભાવ અભિવ્યક્તિમાં?

દેવિકાબહેનનાં બીજા એક પાસા વિશે વાત કરવી છે. એ સ્વલિખિત રચનાઓ સુધી સીમિત રહેવાનાં બદલે એ અન્યની રચનાઓમાં પ્રગટ થતા ભાવ, સૌંદર્યને જાણે છે, માણે છે અને વાચકો, ભાવકોને એ ગીત, ગઝલનો સુંદર કાવ્યમય આસ્વાદ કરાવે છે.

શબ્દારંભે અક્ષર એક ‘શબ્દોના પાલવડે’ પુસ્તક પ્રગટ કર્યું જેને એ માનસિક વ્યાયામ કહે છે પણ ‘શબ્દોના પાલવડે’ વાંચીએ તો સમજાય કે, સાચે જ એમનાં માટે એ કેટલો કપરો વ્યાયામ રહ્યો હશે. બારાખડીના દરેક અક્ષર પરથી એમણે કાવ્યો રચ્યાં છે. એ કાવ્યોની કડીઓમાં પણ શબ્દની શરૂઆત એક જ અક્ષરથી કરી છે. જેમકે,

આવો આવો આંગણે આજે, આવકારીએ આદિત્યનાં આગમનને આજે.

અમાસનાં અંધકારને ઓગાળતા, આરોગ્યને આશાઓને અજવાસતા…”

આ તો માત્ર એક જ રચના છે પણ કલ્પના કરીએ કે ખ,છ,ઝ, ટ, ઠ, ઢ, ળ, ણ, ક્ષ કે જ્ઞ પરથી રચના કરવી હોય તો એના માટે પ્રાસ બેસાડવાની કેવી અને કેટલી મથામણ કરી હશે!

પ્રસ્તુત છે એવા અક્ષર -ઢ અને ઉ- પરની રચના,

‘ઢ’પરની

‘ઢોલિયો ઢાળી ઢોલીએ,

ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.’

ઉ’ પરથી

‘ઉગમણેથી ઉષા ઉતરે,

ઊંચે ઊંચે ઉદધિ ઉછળે,

ઉમંગના ઉમળકા ઉમટે,

ઊર્ધ્વસ્થિત ઉમાપતિના’

શબ્દારંભે અક્ષર એક’ સાવ અનોખું કહી શકાય એવું પ્રકાશન છે. એ ઉપરાંત અન્ય પ્રકાશિત પુસ્તકો છે, જેમાં કવયિત્રી, ગઝલકાર, લેખિકા દેવિકા ધ્રુવની રચનાઓ જ નહીં ખુદ દેવિકા ધ્રુવ આવીને મળે છે.

વાત કરીએ દેવિકા ધ્રુવનાં સાહિત્ય સર્જન વિષે …

૧- શબ્દોના પાલવડે- ૨૦૦૯

૨- અક્ષરને અજવાળે- (ગીત અને છંદોબદ્ધ ગઝલનો સમાવેશ.) ઈબુક-૨૦૧૩

૩- ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક- ઈબુક -૨૦૧૫

૪- Glimpses into a Legacy of Dhruva Family. eBook in English-2016

૫-Maa- Banker Family- eBook in English 2017

૬- કલમને કરતાલે (ગીત, ગઝલ અને અછાંદસ કવિતાઓનો ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત સંગ્રહ-૨૦૧૭

૭- ‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીને- ડૉ. બળવંતભાઈ જાની દ્વારા ૨૦૧૬-૧૭માં ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ Glow From Western Shores (july 10, 2020) નામે પ્રસિદ્ધ થયો છે.

૮- Glow From Western Shores: July 10, 2020

૯- પત્રોત્સવ- ‘ગૂર્જર’ દ્વારા પ્રકાશિત પત્રશ્રેણી (સંપાદકઃ દેવિકા ધ્રુવ, પ્રીતિ સેનગુપ્તા, જુગલકિશોર વ્યાસ, રાજુલ કૌશિક)

૧૦- From There to Here.. સ્મરણની શેરીમાંથી ઈબુક ( અંગ્રેજી અને ગુજરાતીમાં)

૧૧- નિત્યનીશી- ઈબુક ( સંપાદકોઃ જુગલકિશોર વ્યાસ, પ્રીતિ શાહ-સેનગુપ્તા, દેવિકા ધ્રુવ, નયના પટેલ, રાજુલ કૌશિક)

આ ઉપરાંત વર્તમાનમાં વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્ય અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં દેવિકાબહેન સન્માનિત સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.

દેવિકા ધ્રુવને વધુ જાણવા હોય, વધુ ઓળખવા હોય તો એમનાં અનેક ગીત, ગઝલ, કાવ્યોની સાથે ગદ્ય સર્જન જ્યાં મુકાયું છે એ ભાવવિશ્વ https://devikadhruva.wordpress.com ની મુલાકાત લેવી ઘટે.

આલેખનઃ રાજુલ કૌશિક —

સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠકનો અહેવાલ October 4, 2023

Posted by devikadhruva in : લેખ , add a comment

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ  “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત કવિ ડૉ. વિનોદ જોશીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું..

  

સૌથી પ્રથમ સાંજના ચાર ને દસ મિનિટે પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે  સૌનું સ્વાગત કર્યું, જરૂરી સૂચનાઓ અને માહિતી આપીને સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રીમતી મીના પારેખને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. મા શારદાની  સુંદર પ્રાર્થના બાદ કાર્યક્રમના ‘સ્પોન્સર્સ’દ્વારા આમંત્રિત કવિશ્રીનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું.

    

ત્યારબાદ  શ્રીમતી દેવિકા ધ્રુવે આજના મંચને કવિતાના તીર્થધામ તરીકે બિરદાવી “આજની ઘડી રળિયામણી” કહી પ્રારંભ કર્યો.  તેમણે કાવ્યમય શૈલી થકી કવિ ડો.વિનોદ જોશીની જ લખેલ પંક્તિઓ દ્વારા કવિશ્રીની કલમનો સંક્ષિપ્તમાં પરિચય આપી સભાજનોને સવિશેષ માહિતગાર કર્યા.  તે પછી સંસ્થાના પ્રથમ ૧૫ વર્ષના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક ભેટ ધર્યું અને કવિનાં ગીતોની ઝલક દર્શાવવા માટે શ્રીમતી ભાવના દેસાઈને આમંત્રણ આપ્યું.  તેમણે મધુર કંઠે “ કચકડાંની ચૂડી રે, મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ? સપનાનું સાંબેલું લઈને, ઉજાગરાને ખાંડું રે! સહિયર શું કરીએ?” અને
“સખી! મારો સાહ્યબો સૂતો 
ફળીયે ઢાળી ઢોલિયો,હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં……એમ બે ગીતો ગાઈ સંભળાવ્યાં. વાતાવરણમાં  કવિનાં ગીતોનો, લયનો અને શબ્દોનો  રંગ રેલાવા માંડ્યો.

      

ગીતોની રમઝટ પછી પ્રમુખે સભાનો દોર ડો.શ્રી વિનોદ જોશીને સોંપ્યો. શરૂઆતમાં તેમણે શબ્દ સાથેનો પોતાનો નાતો, શબ્દનો મહિમા, નારીભાવની કવિતા વગેરે અંગે સ્પષ્ટતાભરી સમજૂતી આપી, સર્જનપ્રક્રિયા દર્શાવી અને નરસિંહ મહેતાનો ઉલ્લેખ પણ કર્યો. તે ઉપરાંત પોતાનું ગામ, બાળપણ, ગામમાં કરેલાં કામો, પારિવારિક વારસો વગેરે સંભારણાં રજૂ કરતા ગયા; તે સાથે જ સભામાં સાહિત્યિક રંગો ઘેરા થતા ગયા. તે પછી  કવિતાઓની શરૂઆત કરતાં પહેલાં, પ્રથમ તેમની લાક્ષણિક ઢબે સરસ્વતીની પ્રાર્થના આરંભી કે “વીજળીયું વેડીને લેખણ કીધી, સરસ્વતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો… ને પછી તો એક પછી એક કવિતાઓની રજૂઆત થતી ગઈ. નારી સંવેદનાનાં  જાણીતાં ગીતો ઉપરાંત  નવા કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ની કેટલીક રચનાઓ પણ સંભળાવી. ખૂબ લોકપ્રિય થઈ ગયેલ ગીતો જેવાં કે, (૧) ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી (૨) તું મીઢળ જેવો કઠણ ને હું નમણી નાડીછડી (૩) તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી  (૪) પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું? અને (૫) ભારે ઉતાવળા.. વગેરે કવિતાઓને શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.


કેટલાંક ગીતો ગાઈને રજૂ કર્યા અને કેટલાંક ગીતોનું પઠન કર્યું. વાતાવરણ કવિતામય બનતું જતું હતું.  તે પછી સોનેટ,અછાંદસ અને દીર્ઘકાવ્યના રચયિતા આ કવિએ વળાંક લીધો અને થોડી જુદા ભાવની કવિતાઓ એના મર્મ સાથે પ્રસ્તુત કરી. જેમકે, ‘ઝાડ એકલું અમથુંઅમથું જાગે’ અને વાવાઝોડાનું વર્ણન કરતું, પૃથ્વી છંદમા રચેલું “ECSTASY” ‘ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમા સોંસરી, ખચાક ખચખચ્ ચીરી’… જેવાં ગર્જનાત્મક શબ્દોયુક્ત કાવ્ય પણ સુપેરે સંભળાવ્યું.

   

ત્યારબાદ સભામાંથી અષ્ટનાયિકાનો પ્રસ્તાવ થયો અને કવિએ થોડી અષ્ટનાયિકા, જેવી કે, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, સ્વાધીનભર્તૃકા,ખંડિતા વગેરે વિશે વાત કરી અને તેમાંની એક ‘કલહાંતરિતા’ની કવિતા ‘મુજથી સહ્યું ન જાય, આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય’ રજૂ કરી. તે પછી વિનોદભાઈએ ખૂબ લોકપ્રિય બનેલ ‘સૈરંધ્રી’ વિશે સમજૂતી આપી કહ્યું કે, સ્વયંને છુપાવીને,  પોતે એક રાણી હોવા છતાં, બીજા દેશની રાણીની દાસી બનીને રહેતી દ્રૌપદીની માનસિકતા, એની વિડંબના વિશેની એમાં વાત છે. આમ જુઓ તો માનવી પોતે જે કંઈ છે તેનાથી જગતને જુદો બતાવતો હોય છે. તો એ કાયમી અજ્ઞાતવાસ જ છે; એટલે કે, અંગત વિશ્વની વિડંબનાનું  એ એક રૂપક છે! એમ જણાવી સૈરંધ્રીનો એક અંશ વાંચી સંભળાવ્યો.

 

આમ કવિતાનાં જુદાંજુદાં પરિમાણોનું સુંદર આચમન થયું. જો કે, વચમાં એકવાર ફરીથી નારી સંવેદનાનાં કાવ્યો આવતાં જતાં હતાં! જેમ કે, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ’, ‘જો આ રીતે મળવાનું નહિ’, ‘ મારા ઘરમાં તારો દીવો, તારા ઘરમાં મારો’, ‘મુંબઈ સમાચાર વાંચે મારો સાહ્યબો અને  ‘ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું’ વગેરે. ત્યારબાદ છેલ્લે, ‘આ માછલી તો આવે પણ માછલીની ભેળો આ દરિયો પણ આવે છે, એ દખ’ કાવ્ય સંભળાવી તેમના ટૂંકા વક્તવ્ય સાથે સમાપન કર્યું. આમ, ભાવજગતમાં તલ્લીન થયેલ સૌ સભાજનોએ ઊભાં થઈ  અવિરત તાળીઓની ગૂંજથી કવિ શ્રી વિનોદ જોશીનું સ્નેહપૂર્વક અભિવાદન કર્યું.

   

બેઠકને અંતે, દેવિકા ધ્રુવે કવિ માટે સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટના હસ્તે કવિને સુપ્રત કર્યું, ભારતી મજમુદારે સૌનો આભાર માન્યો અને ખજાનચી શ્રી પ્રફુલ ગાંધીએ યથોચિત રીતે કવિને પુરસ્કૃત કર્યા.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ  સાહિત્યરસિક ભાઈબહેનો છૂટાં પડ્યાં.

આ આખીયે બેઠક રસપ્રદ રહી, કવિતામય બની રહી. સુંદર આયોજન માટે સમિતિને અને અન્ય સૌ સહાયકો, દાતાઓ તેમજ ફોટો-વિડીયો લેનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–૨૦૦૧ થી ૨૦૧૫ અને ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ August 28, 2021

Posted by devikadhruva in : લેખ , 5 comments

 ૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો.
New Version with  Best Wishes from well known writers   

Click and read here:

 

     GSS 2015 to 2021 9 23 2021     Part-2

 

           GSS book 2015   Part -1

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

        GSS 2015 to 2021      Part-2

New Version with Additional Best Wishes from more well wishers…   

‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઈ પરીખની અલવિદા.. May 9, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

‘કુમાર’ સામયિકના તંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખના અવસાનના સમાચાર હમણાં જ  સાંભળ્યાં. ખૂબ  દુઃખ થયું. અવારનવાર ધીરુભાઈ સાથે ફોન પર વાતો થતી રહેતી હતી. તેમની અહીંની મુલાકાત હોય કે મારી ત્યાંની…. ફોનથી કે રૂબરૂ મળવાનું અચૂક બનતું.

૨૦૦૯ની સાલમાં, મારી ભારતની મુલાકાત દરમ્યાન કવિ શ્રી યોસેફ મેકવાન દ્વારા શ્રી ધીરુભાઈનો પરિચય થયેલ. એ વખતે જ્યારે યોસેફ્ભાઈ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઈએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઈ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો. એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

   

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુભાઇ પરીખ, દેવિકા ધ્રુવ
અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩.

કવિ શ્રી યોસેફ મેકવાનના ઘેર થયેલ એ આત્મીય મુલાકાતથી માંડીને સાહિત્ય પરિષદની બુધસભા દરમ્યાનની  ઘણી ઘણી યાદો નજર સામે આવે છે. ન્યૂ જર્સીની તેમની છેલ્લી વીઝીટ સમયે હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આવવા અંગે ઘણી વાતોની આપલે થયા પછી next time જરૂર આવીશ એવી ખાત્રી પણ આપી હતી. ખૈર…એ next time કાળના વહેણમાં વહી ગયો.

રહી ગઈ માત્ર  યાદોવંદન સાથે.. શાંતિ

BUDH SABHA JULY 2013(world poetry centre)PART_01 – YouTube

 

 

 

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ દેવિકા ધ્રુવ January 23, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ 

 

 આજે ૨૩ મી જાન્યુ.ની અમેરિકાની સવારે, સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ સમા એક અદભૂત કાર્યક્રમે આજનો શનિવાર ધન્ય કરી દીધો. આ એક યુટ્યુબ ઉપર પ્રસારિત થયેલ પ્રીમિયર શો હતો. જૂનાગઢની  કુદરતની ગોદમાં શ્વેત વસ્ત્રમાં સજ્જ  ગાયક અને વાદક વૃંદ તથા ઘેરા ભૂરા આકાશી રંગના પોશાકમાં સુસજ્જ વક્તા બહેન રાધા મહેતાની અસ્ખલિત વાણીના આ મંત્રમુગ્ધ કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવ લખવાનું  તરત જ મન થયું. 

 

 આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની પાંચ કવિતાઓ અને તેના દરેક પદનું સમજણભર્યુ, સીધી સાદી, સરળ ભાષામાં વક્તવ્ય અને તેની સાથે ભાઈ શ્રી નિર્વેશ દવેના કંઠે ગવાતું ગાન પણ મનમોહક અને યાદગાર બની રહ્યું. વાદ્ય વૃંદના શ્રી કિશન પાઠક,સાગર સોલંકી અને પૂજન મુનશીએ પણ યથોચિત સુંદર કલા દાખવી.

 

સાત જેટલી ભાષાઓ જાણનાર રાધાએ નરસિંહ મહેતાની પાંચ અમર  કવિતાઓના મર્મને, એના શબ્દે શબ્દના અર્થને અને તત્ત્વને સમજાવ્યો તો ખરો જ. પણ એને અલગ અંદાજમાં વેદાંત વિચાર સાથે અદભૂત રીતે સાંકળી બતાવ્યો. વેદ ઉપનિષદ, ભાગવત,શ્રુતિ, સ્મૃતિ,ગીતા વગેરેના અવતરણો  યથાવત  તેના મૂળ રૂપમાં ટાંક્યા અને સંસ્કૃત ભાષાના ધાતુથી બનેલા શબ્દનો મહિમા પણ સુંદર રીતે, રૂપકોની ફ્રેઈમમાં મઢી સજાવ્યો અને સમજાવ્યો.

 

તે ઉપરાંત મરાઠી સંત શિરોમણિ રામદાસથી માંડીને,કબીર,શંકરાચાર્ય,સંત તુકારામ, સાંપ્રત સમયના ગઝલકારના શેરો, અરે, હિન્દી ફિલ્મના  (કૃષ્ણના રોલમાં ) હીરોના મુખે બોલાયેલ સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે તત્ત્વજ્ઞાન જેવા અઘરા અને ગૂઢ વિષયને પણ સરળ અને રસથી તરબોળ રાખ્યો. તેમના શુધ્ધ ઉચ્ચારો, જ્ઞાનની સ્પષ્ટતા, વક્તૃત્વ છટા અસરકારક અને નોંધપાત્ર હતી.એટલું જ નહિ, જ્ઞાનને આત્મસાત કર્યાની પ્રતીતિ કરાવતા હતા.

૧.ધ્યાન ધર હરિ તણું, ૨.નીરખને ગગનમાં, ૩.અખિલ બ્રહ્માંડમાં, ૪.હું ખરે તું ખરો અને ૫.ભૂતળ ભક્તિ પદારથ મોટું આ પાંચ કવિતાના પદોનો  વેદાંત વિચાર સાથે કરાવેલ સુંદર આસ્વાદ મમળાવવો ગમે તેવો રોચક અને અર્થસભર રહ્યો.

 

ઘડીભર માટે  સાબરમતીના તીરે આવેલ એચ.કે. આર્ટસ કોલેજના  વર્ષો જૂના વહેલી સવારના ઝીરો પીરયડવાળા સંસ્કૃતના ક્લાસમાં પહોંચી ગઈ.  જ્યાંથી પ્રો. શ્રી પરમાનંદ દવે અને ઈન્દુકલાબહેન ઝવેરીના વેદ અને ગીતા વિષયના વ્યાખ્યાનો મનોભૂમિકા પર પડઘાતા રહ્યાં. સાહિત્યનો રત્નાકર કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. તેમાંથી અમોલા મોતીઓ તો મળે જ પણ એને, સાચા અર્થમાં ભણનાર અને  આત્મસાત કરનાર રાધા મહેતા જેવાં રત્નો પણ સાંપડે જ. જે ખરા મૂલ્યોનું જતન કરે અને જગતમાં  આનંદપૂર્વક એની લ્હાણી પણ કરે.

કાર્યક્રમની લીંકઃ
https://youtu.be/u9X819MjY24

 

નરસિંહ મહેતાના જૂનાગઢમાં ગૂંજેલી કરતાલનો આનંદ હજી આજે પણ કેવો સૂરીલો બની વહે છે! પાંચે ગીતોના શબ્દાર્થ,ભાવ,મર્મ,કર્મ,જ્ઞાન,ભક્તિ સમગ્ર તત્ત્વ નો અખિલાઈપૂર્વક આનંદ માણ્યો. આ આંગણે આવેલ અષ્ટમહાસિધ્ધિ જેવા અથવા કહું કે, ચિદાનંદ સમા કાર્યક્રમ માટે સમગ્ર ટીમને સાચા દિલથી અભિનંદન. ફરી ફરી આ રીતે વધુ આગળ સોપાન ચઢતા રહો એ જ શુભેચ્છા.

 

દેવિકા રાહુલ ધ્રુવ.

હ્યુસ્ટન

તા. જાન્યુ.૨૨ ૨૦૨૧

 

ટેક્સાસની તેજસ્વી ધારા…. November 25, 2020

Posted by devikadhruva in : લેખ , add a comment

ટેક્સાસની તેજસ્વી ધારા-ચિ.સ્વરા અને આજ્ઞા.

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણઆઇ એમ સ્વરાઆઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર  ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે  ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છેતેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતાપિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતાવાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “” થી લઇને “” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છેઆગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે આખીયે વાત રસપ્રદ તો છે  પણ ખૂબ ખૂબ મહત્ત્વની છેપ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છેઆના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતાપિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડના સંશોધક શ્રી વિશાલ મોણપરામાતા નયનાબહેન  માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિઓફ ટેક્સાસમાં  ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

 વાત તો સૌને વિદિત છે  કે૨૦૦૪૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ  પ્રચલિત હતાંજેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા  નોન યુનિકોડમાં હતાંપરંતુ તેમાં કેટલીક તકલીફો હતી૨૦૦૫ માં  હ્યુસ્ટનસ્થિત શ્રી વિશાલ મોણપરાએ ગુજલીશમાં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ  કર્યાને  માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ  સાથે  ગુજરાતીમાં ટાઇપ થાય  માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને  જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યુંગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે  તેમના  પ્રમુખ ટાઇપ પેડે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ  આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છેતેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતાઆ સમયે સ્વરા ચાર વર્ષની હતીતેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કોબારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતાઆ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો. “

સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,

“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યુંતેમાંથી ગુજરાતી શિખવાશિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો  તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.


વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”


સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ  થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.


ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.

કક્કામાં બાળકોને પાપા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના  ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છેઆ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છેછતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન  www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે.  તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે  ખૂબ સરાહનીય છે.

અતિ નમ્રમીતભાષી અને માત્ર ૩૮ વર્ષના  યુવાન વિશાલ  મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
 રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારેસાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પરમંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતાશું સાથે લઇ જવાના?
બે ગજ બસ છેબ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચાધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોરઢીલ કોને જોઇએ છે?

વિશાલતેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા  પરિવારને સલામચિસ્વરા અને  ચિ.આજ્ઞાને અઢળક  શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

અસ્તુ.

લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ 
vishal_monpara@yahoo.com

ગુ.સા.સ. હ્યુસ્ટનના ઈતિહાસની ઝલક.. May 7, 2019

Posted by devikadhruva in : લેખ , add a comment

P.K.Davdaના સ્નેહભર્યા આમંત્રણથી લખેલ લેખ…

https://davdanuangnu.wordpress.com/category/%E0%AA%89%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/

(અમેરિકામાં પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે. પૂર્વ કિનારે ન્યુજર્સી, ફ્લોરિડા, ફીલા ડેલ્ફીયા અને ટેક્ષાસના હ્યુસ્ટનમાં સારી એવી વસ્તી છે. પશ્ચિમ કિનારે કેલીફોર્નિયા રાજ્યના Bay Area અને લોસ એંજેલસમાં વધારે ગુજરાતીઓ છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની સારી વસ્તી છે, ત્યાં ત્યાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવા સંગઠિત પ્રયાસ કરે છે. હ્યુસ્ટનમાં આવી એક સંગઠિત અને લોકશાહી રીતે ચાલતી પ્રવૃતિનો  અહીં સુંદર અને સંક્ષિપ્ત લેખ દેવિકાબહેન ધ્રુવે આપ્યો છે. અન્ય સંગઠનોને પણ આવો અહેવાલ મોકલવા આંગણાં વતી હું આમંત્રણ આપું છું. – સંપાદક- પી. કે. દાવડા )

 

           ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનઃ

સાહિત્ય જગતમાં જેનો ધ્વજ આજે સન્માનપૂર્વક ફરફરતો છે તેવી ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સ્થાપના ૨૦૦૧માં વ્યવસ્થિત રીતે કરવામાં આવી. તેની પૂર્વભૂમિકા, ઈતિહાસ અને વિકાસયાત્રા ખૂબ રસપ્રદ છે. એટલું નહિ, ગુજરાતી ભાષાને જાળવી રાખવા ઈચ્છતી આજની અને આવતી કાલની પેઢીને માટે જરૂરી અને માર્ગદર્શક પણ અવશ્ય છે . તેની પૂર્વભૂમિકા કાંઈક પ્રમાણે છે.

            પૂર્વભૂમિકા, સ્થાપના અને હેતુઃ

અમેરિકાના મોટાભાગના દરેક શહેરોમાં ગુજરાતીઓગુજરાતી સમાજનામે વિવિધ રીતે ગુજરાતને અને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. તે રીતે  વર્ષોથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પણ માતૃભાષાની સતત ઉજવણી થતી આવી છે.

હ્યુસ્ટન ગુજરાતીઓથી અને વિવિધ કલાના કસબીઓથી ધબકતું છે. પોતપોતાની રુચિ અનુસાર જુદા જુદા પ્રકારના  ગુજરાતી વર્તુળો સાથે મળીને કમાલ કરતા રહે છે. ૧૯૯૭૯૮માં જ્યારે સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ આવ્યા તે પછી હ્યુસ્ટનના કેટલાંક સાચા સાહિત્ય-રસિકોના મનમાં એક નવી વિચારધારાએ જન્મ લીધો અને થોડા સમય માટે ૧૫ થી ૨૦ જણનું એકસાહિત્યપરિચયજેવું વૃંદ રચાયું. તે થોડા સમય માટે ચાલ્યું. તેમાંથી એક વાત સમજાઈ કે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય માટેના સારા કાર્યક્રમો થઈ શકે છે. ફક્ત કમી છે એક વ્યવસ્થિત સંસ્થાની. વિચારને પુષ્ટી મળી શ્રી દીપકભાઈ ભટ્ટનાઆપણો અમર વારસોનામે સાહિત્યની બેઠક થકી. તેમણે ૨૩ સપ્ટે. ૨૦૦૧માં પ્રથમ બેઠક પોતાના ઘેર રાખી. ૪૨ માણસોની બેઠક આખી રસપ્રદ રહી.

રસ જળવયેલો રહે તે હેતુથી નામાભિધાન અંગે બહુમતી દ્વારા ‘ગુજરાતી સાહિત્ય સરિતા” નામે સંસ્થાનો જન્મ થયો. તે વખતે આમ તો, ગુજરાતી સાહિત્ય સરિતા ગણ્યાં ગાંઠ્યા સાહિત્ય પ્રેમીઓનું સ્વપ્ન હતું. પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે  સ્વ. ગઝલકાર શ્રી આદિલ મનસુરીએ નીચે પ્રમાણેના લક્ષ્યો કંડાર્યાં.

. ગુજરાતી કવિઓ અને લેખકોનો અમર વારસો જાળવી રાખવો.

. મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું.

. ઉચ્ચ કક્ષાના સર્જકોને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઉંચું લાવવા પ્રયત્નશીલ રહેવું.

. અન્ય લલિત કલાના કાર્યોમાં સહકાર આપવો.

. ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર, પ્રસાર અને વિકાસનો હેતુ રાખવો.

રીતે ત્યારથી માંડીને આજ સુધી એટલે કે, છેલ્લાં ૧૯ વર્ષથી સાહિત્ય સરિતા વહેતી રહી છે. તેમાં નિયમિતપણે મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક સર્જકોને માટે મંચ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, પરંતુ ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સાહિત્યનું સ્તર ઉંચું લાવવા માટે પ્રયત્નશીલ રહે છે અને સાહિત્ય સિવાય અન્ય લલિત કલાઓમાં પણ સહકાર આપવામાં આવે છે. તેમાં લગભગ ૨૦ થી ૨૫ જેટલાં સર્જકો કવિતાઓ રચે છે, વાર્તાઓ લખે છે, નવલકથાઓ ઘડે છે, નાટકો યોજે છે, સંગીત સર્જે છે, શેરાક્ષરી રમે છે, ઉજાણી કરે છે અને રીતે ગુજરાતી ભાષાને આદર સહિત વંદે છે, એક સામૂહિક આનંદ માણે  છે.

             પ્રવૃત્તિ અને પ્રગતિનો ક્રમિક ઈતિહાસઃ 

છેલ્લાં ૧૯ વર્ષના ઈતિહાસ પર અને www.gujaratisahityasarita.org. પર વિહંગાવલોકન કરશો તો જણાશે કે, એમાં સતત પ્રવૃત્તિઓ છે, ક્રમે ક્રમે પ્રગતિ છે, છલ છલ છલકાતી સરસ્વતીની સાધના  છે અને હર કલાની સિધ્ધિ છે. એક એવો મંચ છે જેમાં સર્જક હોય કે ભાવક, સૌને માટે અવકાશ છે. દર મહિનાની બેઠકોમાં નીચે મુજબ વિવિધતા જોવા મળશે.

૨૦૦૧સપ્ટે.મહિનામાં સ્થાપના થઈ.

૨૦૦૨પ્રથમ માર્ગદર્શી મુલાકાતી નામાંકિત ગઝલકાર શ્રી અદિલ મનસુરી અને આદમ ટંકારવી હતા. તેમની હાજરીમાં સર્જન અને શિબિરપર્વની ઉજવણી થઈ. ગાંધી હોલમાં પાદપૂર્તિ હરીફાઈ પણ ત્યારે થઈ.

૨૦૦૩ફ્લોરીડાથી ડૉ. દિનેશ શાહ, ડૉ.સ્નેહલતા પંડ્યાનું આગમન.

૨૦૦૪ –  જુદા જુદા સમયે કવિ શ્રી શ્રી રઈશ મનીયાર, ચીનુ મોદી, યુકે.થી ગઝલકાર શ્રીઅદમટંકારવી અને શ્રી એહમદ ગુલ સાથે બેઠકો થઈ.

૨૦૦૫સંસ્થાના સભ્ય શ્રી વિશાલ મોણપરાએ ગુજરાતી કીપેડની શોધ કરી. એ જ વર્ષમાં. કવિ શ્રી અનિલ જોશી, ગઝલકાર શ્રી શોભિત દેસાઈ સાથે કવિ સંમેલન યોજાયુ.

૨૦૦૬ કવિ શ્રી વિનોદ જોશી સાથે કાવ્યસંધ્યા અને  તે વષે શેરઅંતાક્ષરીનો પ્રથમ પ્રયોગ  પણ થયો.

૨૦૦૭પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા સાથે વાર્તાલાપ યોજાયો. તે વર્ષે મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, રઈશ મનીઆર સાથે ગઝલ વર્કશોપ અને શ્રી જવાહર બક્ષી સાથે કાવ્ય-ગોષ્ઠી યોજાઈ.

૨૦૦૮શાંગ્રિલા આર્ટગેલેરીમાં શેરોની રમઝટ મચાવતો શેરાક્ષરીનો નવો પ્રયોગ થયો. તે ઉપરાંત વિદ્વાન શ્રી સુમન શાહ સાથે બેઠક થઈ અનેચલો ગુજરાતનાં વૈશ્વિક અધિવેશનમાં ભાગ લીધો. શ્રી ગૌરાંગ દીવેટીઆ સાથે બેઠક પણ વર્ષે યોજાઈ.

૨૦૦૯પ્રથમ શબ્દસ્પર્ધાનું આયોજન અને ગાંધીનિર્વાણ દિનની ઉજવણી રૂપે તેમની અંતિમ પળોની ઝાંખી નાટ્યરૂપે દર્શાવવામાં આવી..

૨૦૧૦વાંચનયાત્રાના વિરલ યાત્રી મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, ‘સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગ રૂપેઅનોખી મહેફિલનામે નાટક અને ગુજરાતનો ઝળહળતો દીવડોગરબાનો કાર્યક્રમ, બળવંત જાનીનું પ્રવચન અને સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’માં સાહિત્ય સરિતાના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું

૨૦૧૧દશાબ્દિ-મહોત્સવ’ બે ભાગમાંઉજવાયો,. તે વર્ષે કવિ શ્રી વિવેક ટેલર, હાસ્યલેખક શ્રી હરનીશ જાની અને વાર્તાકાર શ્રી વલીભાઈ મુસા સાથે ખાસ બેઠકો યોજાઈ.

૨૦૧૨ ખુલ્લાં આકાશ નીચે સાહિત્ય ગોષ્ઠી અને ઉજાણી કરવામાં આવી.

૨૦૧૩સામયિકતંત્રી શ્રી અતુલભાઈ શાહ સાથે તેમજ વાર્તાકાર શ્રીમતી નીલમબેન દોશી સાથે  બેઠક કરવામાં આવી. ‘ગૂગલ હેંગઆઉટનો પ્રથમ પ્રયોગ પણ થયો.

૨૦૧૪ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની સાથે વાર્તાલાપ થયો. કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવી સાથે કાવ્યોત્સવ યોજાયો.

૨૦૧૫શ્રી હરિકૃષ્ણ મજમુદાર સાથે બેઠક અને તે વર્ષે શ્રી રઈશ મનીઆરની હાજરીમાંસાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલકનામે પુસ્તકનું ઉદઘાટન કરવામાં આવ્યું.

 ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમ્યાન કવિ શ્રી અનિલ ચાવડા, શ્રી ભાગ્યેશ જહા, શ્રી મુકેશ જોશી.શ્રી શોભિત દેસાઇ, શ્રી મહેશ રાવલ, પન્નાબેન નાયક, પ્રીતિ સેનગુપ્તા, વાર્તાકાર શ્રીમતી નીલમબહેન દોશી, ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની, વગેરેએ પણ મુલાકાત લીધી. તે સૌનો ફાળો પણ અનન્ય છે. ૨૦૧૯ના વર્ષથી અન્ય ભાષાઓના પ્રતિનિધિઓને નિમંત્રણ આપવાનું કામ પણ શરૂ કર્યું છે.

સંસ્થાની બીજી એક વિશેષતા છે કે અહીં દર વર્ષે કે બે વર્ષે વ્યવસ્થાપક સમિતિ બદલાય છે. સ્વૈચ્છિક રીતે ચાહીને આગળ આવનાર જવાબદારી ઉપાડે છે, અને અન્ય સભ્યો તેમાં સાથ આપે છે. મંચ ઉપર કોઈ એકનું સામ્રાજ્ય કે વર્ચસ્વ નથી. તેથી દરેકને અવકાશ મળી રહે છે. સંસ્થા યોગ્ય વ્યક્તિઓની પરખ કરી સન્માન પણ કરે છે. ખુશીની વાત છે કે, છેલ્લાં થોડા વર્ષોથી સભ્યોની સંખ્યા વધતી રહી છે.

અહીં સહાયકો, દાતાઓ, તસ્વીરકાર, પ્રચારક, પ્રસારક, વેબમાસ્ટર, ચિત્રકાર, કલાકાર, સર્જક, વ્યવસ્થાપક, ખજાનચી, અહેવાલ લખનાર સૌ કોઈ યથા શક્તિમતિ સાથ આપે છે. સરિતા છે એટલે અવરોધો તો આવતા રહે પણ છતાં સતત વહેતી રહી છે તે મોટું સદભાગ્ય છે અને તેનું ખૂબ ગૌરવ છે. અત્રે હંમેશને માટે ગુમાવેલા કેટલાંક સારા સર્જકો જેવા કે શ્રી સુમન અજમેરી, નાટ્યકાર શ્રી ગીરીશ દેસાઈ, શ્રી અશોક પટેલ, શ્રી મહમદ અલી પરમારસૂફીને પણ સ્મરી લેવા ઘટે અને નાદુરસ્તીને કારણે કાયમ માટે પાકિસ્તાન ગયેલા એક સારા ગઝલકાર શ્રીરસિકમેઘાણી (અબ્દુલ રઝાક) ને પણ કેમ ભૂલાય?

                 ઉપસંહારઃ
તો છે હ્યુસ્ટનના આંગણે ઉગેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો; જેમાં રોજ અવનવા હસ્તે અક્ષરજળનું સિંચન થયા કરે છે, વિવિધ વિચારકિરણોના તેજ પથરાયા કરે છે અને ભાવકોની શીતળ હવા ભળ્યા કરે છે. રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.

માતૃભાષાની કટોકટી નવી નથી, વર્ષોથી ચર્ચિત થતી આવી છે પણ નેટના નવા માધ્યમો થકી યુવાનવર્ગને ઉત્સાહિત થતાં જોઈને આંખ ઠરે છે અને આશા જન્મે છે. એક એવો પણ સમય આવશે જ્યારે અન્ય વિદેશી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા જાણવા, શીખવા, ટકાવવાની ટહેલ સંભળાશે.

સાહિત્ય સરિતાના આ મંચ પરથી ઘણાંને ઘણું મળ્યું છે. વાંચન, લેખન અને રજૂઆતનો  આયાસ, પ્રયાસ અને રિયાઝ થતો રહ્યો છે, લેખન-સાધના દ્વારા શબ્દપૂજા થતી રહી છે. પરિણામે ભીતરમાં સાહિત્યનું એક વિશ્વ ઉઘડતું રહ્યું છે. કંઈ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મને અને સૌને મળ્યાં છે. એકાદ વાક્યમાં કહેવું હોય તો પંખીની પાંખને વિહરવા માટે અહીં આકાશ મળ્યું છે. સાચું કહું તો  મને તો એમ લાગે છે કે જાણે ‘મને હું મળી ! ‘

सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ
Ddhruva1948@yahoo.com
મે ૨૦૧૯.
https://devikadhruva.wordpress.com/

http://devikadhruva.gujaratisahityasarita.org/

 

 

 

.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.