ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ. June 13, 2016
Posted by devikadhruva in : લેખ , trackback
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ.
સંસ્કૃતથી સંસ્કૃતિના માણસ શ્રી ભાગ્યેશ જહાની ઉપસ્થિતિમાં,વરસાદના જોરદાર ઝાપટા વચ્ચે, ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૬૫મી બેઠક, ૧૨મી જૂનની ભીની ભીની સાંજે યોજાઈ. પ્રાર્થના,સ્વાગત અને પરિચયની વિધિ પછી ભાગ્યેશભાઈએ સંસ્કૃતમાં “વાગર્થાવિવ સમ્પૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે, જગતઃપિતર્રૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ…થી વક્તવ્યની શરુઆત સંસ્કૃતમાં જ કરી. આ કોમ્પ્યુટરના આધુનિક યુગમાં, વેબવિશ્વમાં પ્રમ્પ્ટ ધારીને બેઠેલી ચીપરૂપી સરસ્વતી દેવીના પ્રારંભથી સૌ શ્રોતાજનોને પોતાની અદભૂત વાગ્ધારાના પકડમાં લઈ લીધા.
કવિતાની શરુઆત, વિદ્વાન પિતાની યાદો સાથે, આજના વરસાદી વાતાવરણને જોડી એક ગામડાના વરસાદના માહોલને તાદૃશ કરી મઝાની કવિતા સંભળાવી કે “તમે વરસાદે કેમ કદી મળતા નથી, તમે મેઘધનુષની જેમ કેમ મળતા નથી”. કવિતા વેદનામાંથી આવે છે એવા કથન સાથે એક વ્યંગ-કાવ્ય રજૂ કર્યું કે; “અમે તો એક્ટિવિસ્ટો,….. ટવીસ્ટ કરી ગાવું એ જ અમારો મેનીફેસ્ટો”!
ત્યારબાદ પોતાના વોશિંગ્ટનના અનુભવોને યાદ કરતા, ‘જ્યોર્જ વોશિંગ્ટન તમારા મહામેટ્રોની જય હો’ કહી ‘સલામ વોશિંગ્ટન’ની કવિતા રજૂ કરી. એ જ ભાવને મહેસાણાની ભાષામાં “મારું હારું મેટ્રો નામનું ગાડું,ફટાક દૈને ડાઉનટાઉન પોંક્યું,જબરુ હારું ગાડું..આ વાતના અનુસંધાનમાં એક ખેડૂતની ભાષામાં પણ હમજ્યો મારા દિયોર,ખરા બપોરે ચ્યોંથી આયા મારા દિયોર” એવી હળવી રચના સંભળાવી શ્રોતાજનોને હસાવ્યા.
મઝાથી મહાલતા અને રજૂઆત કરતા આ કવિએ બે-ત્રણ પારિવારિક કાવ્યો “ દીકરી રંગોળી દોરે છે” અને પિતાના મૃત્યુ ટાણે “મૃત્યુ ખોલે છે એક અજાણી બારી” રજૂ કરી સભાગૃહને લાગણીભીના કરી દીધા. તો પત્ની અંગેનું કાવ્ય “ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા”પણ ખૂબ જ સુંદર રીતે સંભળાવ્યું. ‘એન આર આઇ’ નું એક ગીત “તમે અહીંથી ના જાઓ તો સારું રહે, કે જળને વહેવાનું એક કારણ રહે..પ્રસ્તૂત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
ત્યાર પછી જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તે ચિતોડગઢની વાતને યાદ કરી આ માધવ અને મૂરલીના મોહક કવિએ ભાવભેર “ મેં તો ઝેરનો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!’ અને ‘આરપાર, આસપાસ અઢળક ઊભો છું, તમે પાછાં વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો” અને “SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,મોરલી મોબાઇલ જેવી રાખો.” વાળી તેમની જાણીતી કવિતાઓ રજૂ કરી સૌની વાહ વાહ મેળવતા રહ્યાં.
છેલ્લે, ગાંધારી નામના હાલ લખાઈ રહેલા પોતાના નાટકના પ્રોજેક્ટની માહિતી, કાલિદાસના મેઘદૂત,રઘુવંશનો થોડો અછડતો ઉલ્લેખ,, સંસ્કૃતમાં લખેલા ગરબાની ઝલક અને શ્રી નરેન્દ્ર મોદી સાથેના કામના સંસ્મરણોની વાતો પણ કરી. શ્રોતાજનોના કેટલાંક પ્રશ્નોના ઉત્તરો આપ્યા પછી શ્રી ભાગ્યેશભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. સાહિત્ય સરિતા તરફથી આભાર વિધિ અને આગામી કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ સભા સમાપ્ત થઈ. બે કલાક ચાલેલી આ રસપ્રદ બેઠક પછી સૌ સભાજનો અલ્પાહારને ન્યાય આપી વિખેરાયા.
આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા એક કાબેલ અને કુશળ તથા માધવ અને મોરલીના કવિ સાથે ગાળેલી આ સાંજ, સાહિત્ય સરિતાના પાના પર એક સુગંધિત મોરપીંછ સમી મહેંકી રહી. પંદર-સોળ વર્ષથી ચાલતી હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના અહોભાગ્યમાં એક વધુ ઉમેરો થયો. અંતે ગુજરાતી સાહિત્ય એકેડેમી સાથે આ ગૌરવવંતી સંસ્થાના સંધાનની આશા સાથે અહીં વિરમીએ.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
જુન ૧૩, ૨૦૧૬
Comments»
live commentary વાંચવાની ઘણી મજા પડી..