jump to navigation

નમો ગુર્જરી નમો સ્તુતે – June 4, 2012

Posted by devikadhruva in : લેખ , trackback

 

નમો ગુર્જરી નમો સ્તુતે

ખળખળ વ્હેતા ઝરણાં જેવી નૃત્ય નાટિકા એટલે  નમો ગુર્જરી નમો સ્તુતે. તનમનને પ્રસન્ન્તાના સરોવરમાં સ્નાન કરાવતી એક પરી જેવી નૃત્ય નાટિકા એટલે  નમો ગુર્જરી નમો સ્તુતે. અને કલાની રુચિને જગવે અને સાક્ષાત પ્રતીતિ કરાવે તેવી નૃત્ય નાટિકા એટલે  નમો ગુર્જરી નમો સ્તુતે. ઘણાં વખત પછી, ૨૭મી મે રવિવારના, રોજ હ્યુસ્ટનના સ્ટેફર્ડ સિવિક સેન્ટરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એક અદ્‍ભૂત નૃત્યનાટિકા જોવાનો અવસર સાંપડ્યો. પહેલેથી છેલ્લે સુધી સાદ્યંત રસપાન થયું. તેમાં ગુજરાતનો એક જ વિષય હાથ ધરવા છતાં, વિવિધ રીતે દ્ર્શ્ય અને શ્રાવ્યનો સુભગ સમન્વય થયો છે. તેમાં રંગોના ઓવારા છે,પ્રકાશના ફુવારા છે, સુમધુર સંગીતના રણકાર છે તો પ્રવક્તાના મધઝરતા ટહુકા પણ છે.

પ્રારંભ થાય છે શિવનૃત્યથી. નંદિનો પ્રવેશ, શિવ-પાર્વતી વિવાહ, સપ્તપદીનું નયનરમ્ય દ્રશ્ય, કર્ણપ્રિય ગીત,આકર્ષક વેશપરિધાન, યથાયોગ્ય લાઇટોના ઝગારા બધું જ ભવ્ય વરતાતુ હતું.

બે આઇટમોની વચ્ચે કાર્યક્રમના લેખક-પટકથા લેખક અને આયોજક એવા શ્રી.બીપીન ચુનાવાલાએ અમદાવાદની ખાસિયતો અને સુરતના લ્હેરીલાલાઓની બોલચાલ અને રહેણી-કરણી અંગેની થોડી કોમેડી રજૂ કરી હતી. તો પ્રવક્તા હેમાલી સેજપાલની શેર-શાયરીઓ સહિતની રજૂઆત પણ પ્રેક્ષકોની વાહવાહ પોકારતી હતી.. આ નૃત્ય-નાટિકામાં ગુજરાતના જાણીતા માનીતા કવિઓ,તેમના ગીતો ભજનો,આરતી સ્તુતિ,ગરબા,કવિતા,ચોટદાર શેર,વિવિધ રાજ્યોની લાક્ષણિકતાઓ,સૂપડું,સાંબેલુ,ટીપ્પણી,પનઘટ,પટોળા, અરે,જાણે સાક્ષાત શંકર-પાર્વતી,રાધા-કૃષ્ણ,જયજગદંબેની ઝાંખી,તાના-રીરી,મલ્હાર રાગ,ઉત્તરાયણ,હોળી,રક્ષાબંધન વગેરે આપણા તહેવારો….આવું તો કેટકેટલું ?!! અને આ બધું યે સુંદરતમ ગીત-નર્તન દ્વારા, આંગિક મુદ્રાઓ ને સ્મિતઝરતા મુખભાવો દ્વારા, રંગબેરંગી લાઇટોના આયોજન દ્વારા,મનમોહક વેશભુષા દ્વારા અને વાદળ-દળના વિહાર સમા દ્રશ્ય દ્વારા !!

આ ઉપરાંત,શ્રી. સૌરભ મહેતાનો બુલંદ અવાજ અને મનીષા રાવલનો મધુર સ્વર ખુબ જ કર્ણપ્રિય અને પ્રશંસનીય હતો..સુશાંત જાદવની કોરિયોગ્રાફી અને મુખ્ય નર્તકી સોનાલી સુર્વે-ગાવડેના ન્રુત્યો  અદ્‍ભૂત હતા.અન્ય સૌ કલાકારો પણ મન મૂકીને ઝુમતા હતા.આખી યે રજૂઆત એટલી જબરદસ્ત અને જાનદાર હતી કે પ્રેક્ષકોએ ‘સ્ટેન્ડીંગ ઓવેશન’ આપ્યું હતું..

છેલ્લે, ‘જનગણમન અધિનાયક જય હે’ ના સમુહગાન સાથે આ ચિરસ્મરણીય કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

આ આખી યે નૃત્ય-નાટિકાને અંતે મને તો લાગ્યું કે, જાણે અમે…

પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,
સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.
અમે વાદળ-દળ પર વિહર્યા……
હસ્તવિંઝનથી હવામહીં બસ ઘડીભર મસ્તી માણી,
બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં
,
અમે વાદળ-દળ પર વિહર્યા…

નમો ગુર્જરીના દરેકે દરેક કલાકાર ભાઇ-બહેનોને મારા તરફથી ખોબલે ખોબલે દરિયા જેટલાં અભિનંદન અને શતશત શુભેચ્છા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.