નમો ગુર્જરી નમો સ્તુતે – June 4, 2012
Posted by devikadhruva in : લેખ , add a comment
ખળખળ વ્હેતા ઝરણાં જેવી નૃત્ય નાટિકા એટલે નમો ગુર્જરી નમો સ્તુતે. તનમનને પ્રસન્ન્તાના સરોવરમાં સ્નાન કરાવતી એક પરી જેવી નૃત્ય નાટિકા એટલે નમો ગુર્જરી નમો સ્તુતે. અને કલાની રુચિને જગવે અને સાક્ષાત પ્રતીતિ કરાવે તેવી નૃત્ય નાટિકા એટલે નમો ગુર્જરી નમો સ્તુતે. ઘણાં વખત પછી, ૨૭મી મે રવિવારના, રોજ હ્યુસ્ટનના સ્ટેફર્ડ સિવિક સેન્ટરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એક અદ્ભૂત નૃત્યનાટિકા જોવાનો અવસર સાંપડ્યો. પહેલેથી છેલ્લે સુધી સાદ્યંત રસપાન થયું. તેમાં ગુજરાતનો એક જ વિષય હાથ ધરવા છતાં, વિવિધ રીતે દ્ર્શ્ય અને શ્રાવ્યનો સુભગ સમન્વય થયો છે. તેમાં રંગોના ઓવારા છે,પ્રકાશના ફુવારા છે, સુમધુર સંગીતના રણકાર છે તો પ્રવક્તાના મધઝરતા ટહુકા પણ છે.
પ્રારંભ થાય છે શિવનૃત્યથી. નંદિનો પ્રવેશ, શિવ-પાર્વતી વિવાહ, સપ્તપદીનું નયનરમ્ય દ્રશ્ય, કર્ણપ્રિય ગીત,આકર્ષક વેશપરિધાન, યથાયોગ્ય લાઇટોના ઝગારા બધું જ ભવ્ય વરતાતુ હતું.
બે આઇટમોની વચ્ચે કાર્યક્રમના લેખક-પટકથા લેખક અને આયોજક એવા શ્રી.બીપીન ચુનાવાલાએ અમદાવાદની ખાસિયતો અને સુરતના લ્હેરીલાલાઓની બોલચાલ અને રહેણી-કરણી અંગેની થોડી કોમેડી રજૂ કરી હતી. તો પ્રવક્તા હેમાલી સેજપાલની શેર-શાયરીઓ સહિતની રજૂઆત પણ પ્રેક્ષકોની વાહવાહ પોકારતી હતી.. આ નૃત્ય-નાટિકામાં ગુજરાતના જાણીતા માનીતા કવિઓ,તેમના ગીતો ભજનો,આરતી સ્તુતિ,ગરબા,કવિતા,ચોટદાર શેર,વિવિધ રાજ્યોની લાક્ષણિકતાઓ,સૂપડું,સાંબેલુ,ટીપ્પણી,પનઘટ,પટોળા, અરે,જાણે સાક્ષાત શંકર-પાર્વતી,રાધા-કૃષ્ણ,જયજગદંબેની ઝાંખી,તાના-રીરી,મલ્હાર રાગ,ઉત્તરાયણ,હોળી,રક્ષાબંધન વગેરે આપણા તહેવારો….આવું તો કેટકેટલું ?!! અને આ બધું યે સુંદરતમ ગીત-નર્તન દ્વારા, આંગિક મુદ્રાઓ ને સ્મિતઝરતા મુખભાવો દ્વારા, રંગબેરંગી લાઇટોના આયોજન દ્વારા,મનમોહક વેશભુષા દ્વારા અને વાદળ-દળના વિહાર સમા દ્રશ્ય દ્વારા !!
આ ઉપરાંત,શ્રી. સૌરભ મહેતાનો બુલંદ અવાજ અને મનીષા રાવલનો મધુર સ્વર ખુબ જ કર્ણપ્રિય અને પ્રશંસનીય હતો..સુશાંત જાદવની કોરિયોગ્રાફી અને મુખ્ય નર્તકી સોનાલી સુર્વે-ગાવડેના ન્રુત્યો અદ્ભૂત હતા.અન્ય સૌ કલાકારો પણ મન મૂકીને ઝુમતા હતા.આખી યે રજૂઆત એટલી જબરદસ્ત અને જાનદાર હતી કે પ્રેક્ષકોએ ‘સ્ટેન્ડીંગ ઓવેશન’ આપ્યું હતું..
છેલ્લે, ‘જનગણમન અધિનાયક જય હે’ ના સમુહગાન સાથે આ ચિરસ્મરણીય કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.
આ આખી યે નૃત્ય-નાટિકાને અંતે મને તો લાગ્યું કે, જાણે અમે…
પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,
સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.
અમે વાદળ-દળ પર વિહર્યા……
હસ્તવિંઝનથી હવામહીં બસ ઘડીભર મસ્તી માણી,
બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા…
નમો ગુર્જરીના દરેકે દરેક કલાકાર ભાઇ-બહેનોને મારા તરફથી ખોબલે ખોબલે દરિયા જેટલાં અભિનંદન અને શતશત શુભેચ્છા.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
ગુર્જર નારી May 1, 2012
Posted by devikadhruva in : લેખ , add a commentગુર્જર નારી…શબ્દમાં જ કેટલું લાલિત્ય છે ? કેટલી સૌમ્યતા અને સંસ્કારીતા છે ? કોઇ કવિ કે લેખક એવો હશે ખરો, જેણે ગુજરાતી નારી વિષે કંઇ લખ્યું ન હોય ?!! અરે ભાઇ, નારી જ તો સર્જનની જનની છે અને સર્જકની પણ ખરી સ્તો !
આદિ-અનાદિકાળથી કહેવાતુ આવ્યું છે કે, “યત્ર નાર્યેસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ” એ વાત જેટલી સમગ્ર નારી જાતિ માટે લાગુ પડે છે તેટલી જ વિશેષ રીતે ગુજરાતી નારીને પણ લાગુ પડે છે. આ વિષે કંઇ પણ કહેવું હોય તો સૌથી પ્રથમ યાદ આવે આપણા ગુજરાતના જાણીતા,માનીતા અને લાડીલા શ્રી અવિનાશભાઇ વ્યાસની પંક્તિઓઃ
કંઠે રૂપનુ હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા,ઝાંઝરનો ઝણકાર; લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર, લટકમટકતી ચાલ ચાલતી, જુઓ ગુર્જરી નાર….
અલબત્ત, જીવન અને જગત પરિવર્તનશીલ છે એટલે આજની ગુજરાતી નારી પછી એ પૂર્વમાં હોય કે પશ્ચિમમાં, જુદી તો લાગે જ. છતાં પ્રગતિશીલ આધુનિક ગુજરાતી નારીની આંતરિક આભા તો એ જ સદીઓ જૂની ચમકીલી છે. આદ્ય કવિઓની જેમ મીરાં,શબરી કે સીતાની વાત કરીએ કે દેશવિદેશ ફરતી આજની નારીની વાત કરીએ પણ ગુજરાતી સ્ત્રીની સંવેદના તો બધે જ હરકાળમાં એકસરખી છે. અરે,આ સંવેદના જ તો એની તાકાત છે.નબળાઇ નથી.ધાર છે, કહો કે અણી વખતની ઢાલ છે. જીવન જીવવાની આબાદ ઔષધિ છે, જડીબુટ્ટી છે.સંવેદનામાં જેટલી વધારે સચ્ચાઇ તેટલી વધારે શક્તિ. એ મેંદી ભલે માળવાની લાવે પણ એનો રંગ તો ગુજરાત જેવો ક્યાંય ન ખીલે !
વીર કવિ નર્મદ,દલપતરામથી માંડીને પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન કાળના જે જે સર્જકોએ જ્યારે જ્યારે ગુજરાતની ગાથા ગાઇ છે ત્યારે ત્યારે ગુજરાતી નારીની ગરિમા પણ અચૂક વર્ણવી જ છે. સ્થળ કે સમયના સીમાડા એને ક્યારેય નડ્યા નથી. કાલે હતી એ જ વાત આજે પણ છે. વતનમાં હોય કે વતનથી દૂર પણ ગુજરાતની નારીમાં ગુજરાતના હરેક શહેરનું નૂર છે. એ કનૈયાલાલ મુનશીની અસ્મિતા છે,પાટણની પ્રભૂતા છે તો મેઘાણીની રસધાર છે. વધુ ભણેલી હોય કે થોડું પણ તેનામાં સુરતના હીરાની પાસાદાર ચમક છે. મહદ્અંશે પોતાના ઘર-સંસારને સુપેરે સજાવતી જાણે કે, સરસ્વતીચંદ્રની કુમુદસુંદરી છે. નાટ્યક્ષેત્રે છેલછબીલી સંતુરંગીલી છે. ગઇકાલની હોય કે આજની…નજરના જામ છલકાવનારી કામિની છે.મલ્હાર રાગ ગાઇને મેઘરાજને બોલાવતી,વરસાદ વરસાવતી તાના-રીરી છે તો યમરાજને પડકારનારી સાવિત્રી પણ છે. વિદેશમાં રહેતી ગુજરાતી નારી સમયને અભાવે ભલે પીઝા,પીટા ને નાનથી ટેવાઇ હોય, ભલે “જેવો દેશ તેવો વેશ” ને ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય, પણ એ હરહંમેશ…હરહંમેશ… વતનની પ્યાસી છે.!! ગુજરાતના તહેવારો…દિવાળી, હોળી,ઉતરાણ, નવરાત્રી…દરેક તહેવાર મસ્તીથી ઉજવે છે. ગુજરાતની વાનગીઓ મન ભરીને માણે છે. હા, નવો સમય છે, નવી પાંખ છે, નવા ઉમંગો છે, નવો મલકાટ છે,એટલે નવી રીતો છે. પણ દિલ તો એનું એ જ છે. હજી આજે પણ દરેક ગુર્જર નારીને સ્નેહનું સિંદૂર ગમે છે,પ્રેમના કંગન ગમે છે અને આદરના અલંકાર ગમે છે. છેલ્લે, સાબરમતી અને તાપીના પાણી પીધેલ,પાણીદાર ગુર્જર નાર વિષે એટલું જ કહીશ કેઃ
વાણી જેનીગુર્જરી ને ગાથા ઘર ઘર નારી છે, વેશ ભૂષા વિદેશી પણ અંતરમાં વસનારી છે. પૂરવ હો યા પશ્ચિમ, ઉત્તર હો યા દક્ષિણ, ગિરા જેની નેક, એ તો ગરબે ઘૂમતી નારી છે…..ગુર્જર નારી છે…
અસ્તુ..
( દેવિકા રાહુલ ધ્રુવ )
