જાળાં November 22, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farસૌ પોતાની જાત સાથે જીવે છે,
જાણે કરોળિયાના જાળાં બનાવી જીવે છે.
લોહીના જાળા તો કદીક લાગણીના,
સ્વયંસર્જિત જાળાં વચ્ચે જીવે છે.
ગૂંચ વધારી, કદીક ઉકેલતા,
ચીસો પાડી, મરતાં મરતાં, જીવે છે.
અપેક્ષાના જાળાં, ને કદી ફરિયાદના,
સંપત્તિના યે જાળાં વચ્ચે જીવે છે.
ભૂતની સ્મૃતિના,ને ભાવિની ચિંતાના,
જાળાં મધ્યે આજ બગાડતાં જીવે છે.
અરે,પ્રેમની પ્યાસમાં વેર વધારતાં !!
આજમાં રહીને કોણ આજે જીવે છે ?
સૌ પોતાની જાત સાથે જીવે છે,
જાણે કરોળિયાના જાળાં બનાવી જીવે છે.
સ્મૃતિ November 16, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farઅતીતના આગળે અડક્યાં જ્યાં આંગળાં,
પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
પડછાયા તમારા દેખાયાં;
શૈશવમાં કદમ જ્યાં સંગ સંગ માંડ્યાં,
એ રસ્તા ફરીથી અફળાયાં;
સાથ સાથ ગીતો જે સૂર મહીં ગાયાં,
એ શબ્દો ફરીથી પડઘાયાં;
મિલનના આશ-દીપ મનમહીં પ્રગ્ટ્યાં,
વિદાયના વાયરે બૂઝાયાં.
****—————————–****——————————–****—————
જેના જન્મની તારીખ ,એના મૃત્યુની પણ તારીખ બની, એવા એક નિકટના મિત્રની
યાદમાં, તેની બીજી પૂણ્ય તારીખે,ઉપરોક્ત સ્મૃતિ…….11/14
નવા વર્ષનો સૂરજ November 10, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentબેસતા વર્ષની શુભ શરુઆત…..સાલ-મુબારક….
ઇશ્વરના રૂપ સમા સૂરજની વાત….
ફરી એક્વાર….આપની સમક્ષ રજૂઆત….
*—————–*—————-*——————*————-*
પૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે,
આશ નવી કોઇ લાવે;
મંચ આકાશે નર્તન કરતે,
રંગ અનોખા વેરે.
કોમળ સવારે,તપ્ત મધ્યાન્હે,
શીળો બને સમી સાંજે;
સુદૂર સાગરે ડૂબી અન્તે,
પુનઃ પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો,
ખુબ ખુબીથી ખેલે;
પૂરવ દિશાનો સુરજ ઊગે,
છાબ કિરણની વેરે.
લગાવની લગામ November 1, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentએને મેં એક દિન સકારણ છોડી હતી,
હ્રદયને ઠેસ ત્યારે ઉંડી વાગી હતી.
લાગતી યંત્રવત આસપાસ છતાંયે,
હરપલમાં રોજ ત્યારે છવાઇ હતી.
વર્ષોની સફર, સફળતાથી સાધી એવી,
લગાવની લગામ ક્યાં રોકાઇ હતી ?
સરિતા યાદોની છલકાઇ ગઇ અમથી,
કે પ્રેમની એ વણકહી પ્રતીતિ હતી ?
કલમ પર આવીને વળગી અડિયલ,
સમજાઇ હા, ત્યારે, એ તો મારી બેંક હતી !!!!!!!
8 Comments | કાવ્યો | Permalink
પૂનમ રાત October 25, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentમારે મનને મંદિરિયે,રૂમઝુમ રૂમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે,છુમછુમ છુમછુમ તું ફરે.
મા જ્ઞાતા છે સર્વકાલ,
આ દિલડું છે અણજાણ,
રહી મુજમાં તું ક્ષણભર
પ્રાર્થી લે તને ઘડીભર.
હરપલ ઝંખુ હું સહાય,નિકટ રહેજે તું સદાય…..મારે મનને મંદિરેયે….
મારે અંતર આકાશે,
ખુશીના પંખી ઉડે,
મારે આતમ આવાસે,
તાળી ને રાસ રમે.
મારે આંગણ નવ નવરાત, ખેલે સહુ પૂનમ રાત…મારે મનને મંદિરિયે
નવલી રાત,ગરવી ગુજરાત October 18, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 5 comments હે…..
બુલંદ નાદે,નોબત વાગે,
મૃદંગ બાજે,માઝમ રાત,
હે…..
કસુંબ કોરે,આભની ટોચે,
રતુંબ રંગે, સોહત માત,
હે…
ચુંદડી ઓઢી,સૈયર સાથે,
માવડી નાચે,નવનવ રાત……
હે…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,
ખનન ખનન કર કંકણ સાજ,
હે…
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,
ઝગમગ ઝગમગ દીવડા હાર,
હે…
ધડક ધડક નરનારી આજે,
છલક છલક ગોરી ગુજરાત….
*****************************************************************************
અંતરિક્ષની બારીએથી મા કઇંક કહી ગઇ.એના સૂરો તો ના સંભળાયા.પરંતુ
ભાવો, ” શબ્દોને પાલવડે” પથરાઇ ગયાં………
“નવલી રાત ,ગરવી ગુજરાત” .
અંતરીક્ષની બારીએથી October 13, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farઅંતરિક્ષની બારી જરા ખોલીને જોઇ,તો દૂનિયા દેખાઇ હવે સાવ અનોખી;
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ,ફેલાયા ઠેરઠેર ઘરના સિતારા,
છે કોઇ કેનેડા તો કોઇ છે રશિયા,દીસે છે આભેથી ભૂમિના નક્શા….
રમતા’તા ભૂલકાં કેવા મોટા ચોકમાં,રહેતા’તા એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં,બંધાતી રાખડીઓ મોટા આંગણામાં….
કદી સાંભરે છે પતંગો ને દોરી,કદી યાદ ઉભરે એ રંગીન હોળી;
નવલી નવરાત્રિ ને દિપતી દિવાળી,કેવી હતી જીન્દગી સાવ સહેલી,
ઉજવાયે આજે ઇમેઇલ પર સઘળી,ને સામે વળી હોયે વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઇ,તો દૂનિયા નિહાળી સાવ જ જૂદી….–
——————————————————————————————
પ્રીતનું ગીત October 5, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so far
આપણા સંબંધનું ગીત જડ્યું આજે
નો’તુ વિચાર્યું મારે શોધવું છતાં યે,
દોડીને આવ્યું બસ એમ આપમેળે,
રમતું દીઠું ને બેઠું કલમની કોરે;
સમયના પાન કેવાં ઉડ્યાં ને આજે,
નો’તુ વિચાર્યું મને સ્પર્શ્યું છતાંયે,
આવીને સ્મિત દીધું દિલને માંડવડે,
મસ્તીથી ઝૂલે એ તો મનડાને માળે;
વર્ષોના વાયરા વીત્યા ને આજે,
નો’તુ વિચાર્યું મને વળગ્યું છતાંયે,
ગણગણતું કાનમાં ગૂંજ્યુ કોણ જાણે,
શબ્દોની દોરે ગૂંથાયું ગીત રૂપે….
નકલી સંસાર September 30, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentએક મુક્તક :
નકલી સંસાર
કુદરત સર્જિત સમય વીણા પર
વર્ષો ફરે છે નખલી જાણે,
સત-અસતના સાજ ઉપર
સંસાર ફરે છે નકલી જાણે….
પાનખર : September 28, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farએક મુક્તક :પાનખર
ઝીણી ઝીણી જાળી જેવી ખરેલ પાનની ડાળી,
ક્રમ સ્વીકારી, મનને વાળી, સ્થિર ઉભી આ ડાળી,
રંગ ગયાં,ફળ ફૂલ ગયાં,ઋતુની દઇ બે તાળી,
થડ ને મૂળ બસ જડાઇ રહ્યાં,સૌ વાત સમજો શાણી.