jump to navigation

ધૂમ્મસ May 28, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

 અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                          ચાંદ છૂપાયે.

વરસાદી રાતે આજ અજંપો લાગે,

ધીરેથી સરસરતી કાગળની નૈયાઓ, 

                         યાદો ઉરાડે.

દુનિયાની રીતો આજ અકારી લાગે,

સાચા ને ખોટાના અટપટી ઝુલામાં, 

                        આતમ મૂંઝાયે.

સરિતાને તીરે આજ અટૂલું લાગે,

કંકરથી ઉઠેલ ગોળગોળ વલયમાં,

                        શ્વાસ રુંધાયે.

મંઝિલની રાહે આજ ઘૂંટાતુ લાગે,

સંજોગ-મેઘે ના સોનેરી સૂરજની,

                        ધાર જણાયે.   

અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                        ચાંદ છૂપાયે…

ઝળહળ દીપ May 8, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

                   

                           

ગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****

****************    ******************    **************           

દુહો  —

હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર  ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી  જુઓ છુમકછુમ…
                       અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
                       અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.

ગરબો  — 

દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગટાવ્યા આજ રે,             
                               સુવર્ણ ગુજરાત કેરા…

રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
                              સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી…

મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,                
                              સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી…
  
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે,
                             સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી…

                                                                                                                                                 

                                                                                                                                                     

યાત્રા May 3, 2010

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે,
ગાડી,હોડી કે વિમાન વાટે, સમયની ગાડી ભાગતી ચાલે……..

ચઢે યાત્રીઓ વિવિધ સ્થાને, નિકટ ઘડી બે ઘડી સૌ આવે,
મુકામ આવતા ઉતરી જઇને,
આવજોમીઠી કરીને જાયે,
ત્યારે ગતિ જરા ધીમી કરીને, ફરીથી છુક છુક દોડતી ચાલે.
ચક્ડોળ નામે વર્તુળાકારે, સમયની ગાડી ભાગતી ચાલે…….,

આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે,
હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે  એ સરતી જાયે,
આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે,
ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………

હાંકે હાંકનારો  જ સાચો, સહુ મુસાફર પાર ઉતારે.
ધમ ધમ ઘડીની સાથે સાથે, અંબર કે સમંદરને પંથે,
રંક-રાય યા સંતને રાહે, ધક ધક ગાડી ભાગતી ચાલે.
જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.