jump to navigation

‘ત’ના તારલા July 25, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

 stars.jpg

તારલાના તેજે, તારલાના તેજે,
તલસે તલાવડીને તીર તું,
રણાઓ તોડતીને તાક્તી તું તારલે…..

તાલીઓના તાલે,તબલાના તાલે,
તડપે તનમન તન્મય તાલમાં,
તિમિરમાં તેજ તારું તસતસતું તારલે…..

તક્દીરના તાપે, તક્દીરના તાપે,
તાસીર તપીને તપાવતી,
તણખા તલાશના તગતગતા તારલે…..

તાંતણાના તારે, તાંતણાના તારે,
તંદ્રા તરછોડી, તનહાઇમાં,
તરસે તસ્વીર તારી તરવરતી તારલે…..

‘ઢ’નો ઢોલ July 17, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

  dhol.jpg            gamadu.jpg

ઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.

ઢંઢેરાના ઢાંચે ઢબથી,
ઢંક,ઢોર,ને ઢેલ ઢળકાવ્યાં;

ઢેબરાં ઢાંકી ઢૂંકડેથી,
ઢચૂક ઢચૂક ઢીંગલા ઢસડાવ્યાં.

ઢાલથી ઢાંકપીંછોડના ઢંગે,
ઢળી ઢોળાઇ ઢોલ ઢંઢોળાવ્યાં,

ઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલ ઢમ ઢમ ઢબુકાવ્યાં.

ઢંક=કાગડો

તરંગની પાંખે July 9, 2008

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

રોજ રોજ તરંગની પાંખે, હું ઉડું છું,

          દૂર,દૂર,જુદી નવી સફરે હું ઉડું છું.

ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની,

          કુદરત ને ભીતરની સફરે હું ઉડું છું.

હિરા-મોતી ખુબ ખોબે ભરી લાવીને,

          અમોલા ખજાને  સ્નેહે સજાવું છું.

કલમની પીંછી લઇ ચીતરી વિરાટે,

          શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.

ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,

          કલ્પનાની  નાવ લઇ દરિયો હું ડહોળું છું,

ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,

          તરતા ન આવડે,તરવૈયાને  શોધું છું.

‘ડ’- ડોલરનો ડંખ July 3, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

dollar-sign-1981-print-c10056258.jpg

હાયકુ :  5-7-5

( 1 )

ડોલર ડંખે,

ડગમગ ડગલું,

ડેલીએ ડૂસ્કું.

( 2 )

ડોલર ડાળી,

ડોલતી ડોલાવતી,

ડોકે ડસતી.

તાન્કા :  5-7-5-7-7

(મૂળે જાપાનીઝ કાવ્ય-પ્રકાર, 31 અક્ષર,પાંચ લીટી. )

( 1 )

ડોલર ડંકે,

ડુંગરાઓ ડોલતાં,

ડાહ્યાઓ ડોલી,

ડગલાઓ ડહોળી,

ડૂબીને ડૂબાડ્યાં….

‘ઠ’ના ઠાકોરજી June 28, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

 thakorji.jpg

ઠાકોરજીનો ઠાઠ  ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો;

ઠગને ઠોકે ઠેસ-ઠોકરથી,
ઠાંસોઠાંસ ઠીકઠાક ઠસ્સો.

ઠંડીમાં ઠીંગુજી ઠૂઠવે;
ઠારે ઠાકોરજીનો ઠસ્સો;

ઠુમક ઠુમક ઠુમરી ઠસ્સો,
ઠારી ઠાલવે ઠુમકે ઠસ્સો;

ઠાકોરજીનો ઠાઠ  ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો.

પારેવાની પીડા June 21, 2008

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

  birdcage.jpg   bird.jpg 

પારેવાની પાંખમાં વેદના કણસાય છે,
આભમાં આજ કશુંક અશુભ વરતાય છે.

મુક્ત ગગનમાં વિહરતા પંખીને,
અચાનક કાં વ્યાકુળતા વીંટળાય છે ?

આઝાદીનાં ગીતડાં ગાતો માનવી,
વિહંગના ઉંચા ઉડ્ડયનથી કતરાય છે !

જાળમાં ફસાઇ,પિંજરમાં પકડાયેલ,ભેરુને જોતાં,
માળાના પક્ષીને હવે સઘળું સમજાય છે.

નીડમાં છુપાઇ,દર્દને લપેટી ગભરુ પંખી,
પાંખો ફેલાવીને હવે ઉડતાં ગભરાય છે.

‘ટ’નો ટહૂકો June 18, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

tahuko.jpg

ટિક…ટિક..ટિક..ના ટકોરે

ટોડલે ટહૂકો.

ટોડલાને ટહૂકે,

ટપ…ટપ…ટપ…

ટોળાંઓ ટપકે.

ટપકતા ટોળાઓ,

ટગર…ટગર…ટગર..

ટહૂકાને ટળવળે.

ટમ…ટમ…ટમ…

ટશરો ટમકે.

ટમકતી ટશરે,

ટાઢને ટાણે,

ટૂંકો ટચૂકડો,

ટોડલો ટહૂકે.

ટિક..ટિક…ટિક…ના ટકોરે

ટોડલે ટહૂકો..

‘ઝ’ની ઝલક June 13, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

ઝરુખેથી ઝુકી ઝરણા ઝુમે,

        ઝુમક ઝુમક ઝાંઝર ઝુમે;

ઝરમર ઝરમર,ઝીણી ઝીણી,

        ઝંખના ઝાકળભીની ઝમકે.

ઝગમગ ઝગમગ ઝુમ્મર ઝુલે,

        ઝુલ્ફ ઝળુંબી ઝાંપે ઝુલે,

ઝાંખી  ઝલક ઝાંઝવાની ઝીલી,

        ઝબકી,ઝટકી ઝીલ-શી ઝળકે.

‘જ’નો જાદૂ June 4, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

 jalkamal.jpg

 ( જળકમળ છાંડી જાને બાળા….ના રાગમાં )

જલકમલવત્ જીવી જાને,

જરૂર જગન્નાથ જાગશે,

જાગશે જે જાણશે જ્યારે,

જીવનની જ્યોતિ જશે…………જી……..જલકમલવત્

જન્મ, જુવાની જે જરાના,

જીવે જગત જંજાળમાં,

જર,જમીન,જોરૂ જનોના,

જખમો જીરવી જાણજે…………જી………જલકમલવત્

જગમાં જામ્યા જંગી જાળા,

જાદૂના જામ જબાનમાં,

જલસામાં જકડી જશે,

જયાં જિગરને જાકારશે………..જી………જલકમલવત્

જોબન જોશીલાની જ્વાળા,

જતનથી જાળવી જજે,

જીસ્મથી જશે જીવ જ્યારે,

જાલીમ જમાનો જલાવશે………જી……..જલકમલવત્

તમન્ના May 27, 2008

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

231995824_5da4083584_o1.jpg

તમન્ના છે આભની પાતળી વાદળી બનું,
કે ઝાકળભીના પુષ્પની પાંદડી બનું;
ઉંચા કોઇ તરુવરની ડાળખી બનીને,
વિસામો ઝંખતા કો’શ્રમિત પથિકની છાંયડી બનુ……….
 

તમન્ના છે પૂનમની રાતની ચાંદની બનું,
કે કાજલકાળી અમાસી રાતની તારલી બનુ;
આંસુ સારતી,પ્રોષિત-ભર્તૃકાની વાટડી બનીને,
નાનકડા ગામની ઝુંપડીની આશા-દીવડી બનુ…………
 

તમન્ના છે મઝધારે ડૂબતા માનવીની નાવડી બનુ,
કે,કુદરતનો કોપ પામેલ અપંગની લાકડી બનુ,
મેઘલી રાતે નવજાત શિશુને શિર પર લઇ,
સરિતા પાર કરતા વસુદેવની છાબડી બનુ…………….
 

તમન્ના છે  વિયોગિનીને ડોલાવતી વાંસળી બનું,
કે,મંદિરના પૂજારીની ભાવભીની આરતી બનું,
સઘળું થાઉં કે ઘડીભર કંઇ એક માત્ર થાઉં,
બસ, તારી કલાની એક સુરેખ આકૃતિ બનું….

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.