ઇશ્વરની કૃતિ January 11, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far“તૂટેલા કાચના કટકા સિતારા કદી થાતા નથી.”ના શાયરને સલામ
ઇશ્વરની કૃતિમાં ફેરફાર કદી થાતાં નથી,
માનવને પીંછા ને પાંખો કદી થાતા નથી.
અંબર પર માછલાં કદી તરતા નથી,
સમંદર પર સિતારા કદી થાતા નથી.
પંખીઓને પગ અને વાચા કદી હોતા નથી,
પ્રેમીના ભાગે વિરહના દુ:ખ કદી જાતા નથી.
વીતેલા સમયના પાન પાછા કદી ફરતા નથી,
છૂટેલા જીભના તીર પાછા કદી વળતા નથી.
એક્મેકના મનને વાંચી કદી શકાતા નથી,
પોતાના છે જે સાચા, પારકા કદી થાતા નથી.
શાંતિના કોડ પૂરા કોઇના કદી થાતા નથી,
માત્ર સમજ વિના ક્યાંય કદી શાતા નથી !!
હવે ગમે છે. January 2, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a comment—–અમૃત ઘાયલ—“કાજલભર્યા નયનના કામણ મને ગમે છે”ને સલામ–
છો ને પ્રગટતા દીવા, મંદિરમાં હજારો,
મનમાં પ્રગટતો સાચો, દીવો હવે ગમે છે.
છો ને પૂજાતો પથ્થર,બની દેવરૂપ હજારો,
કરી કામ પછી છૂપાતો, ઇનસાન હવે ગમે છે.
છો ને જીવનમાં થાતો, વર્ષોનો આ ઉમેરો,
વરસમાં ઉભરે જો જીવન,એવું હવે ગમે છે.
છો ને મળતી સંપત્તિ, ધનની બધે હજારો,
સમૃધ્ધિ સંબંધોની ,સાચી હવે ગમે છે.
છો ને પહોંચે ગગનમાં,ચાંદ ઉપર યુવાનો,
શીતળતા અર્પે દિલને,ચાંદની હવે ગમે છે.
‘ક્ષ’ અને ‘જ્ઞ’ નો મેળો December 30, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
ગદ્ય
ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,
જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,
જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,
ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,
ક્ષેમકુશળતા બક્ષી…..
************************************************************
‘ળ’ ન હોત તો ? December 29, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને જળ ખળભળ ન હોત.
‘હ’ની હવા December 26, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , 1 comment so farહળવી હળવી હવા હતી,
હુતો-હુતીની હસલ હતી.
હવેલીના હિરાજડિત હિંડોળે,
હોંશીલી હસીનાની હસ્તી હતી.
હેતાળ,હુંફાળા હાથ હાથમાં,
હસતા હોઠોની હલચલ હતી.
હરદમ હરિયાળી હરિયાળી,
હૈયામાં હેતની હેલી હતી.
હેમવર્ણા હરણ-હરણીઓની,
હજાર હંસોની હારમાળા હતી.
હોડીના હલેસા હસ્તમાં,
હરિની હુબહુ હાજરી હતી.
હળવી હળવી હવા હતી;
હુતો-હુતીની હસલ હતી.
‘સ’નું સંગીત December 24, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
‘શ’ની શોભા December 23, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
શબનમ શતદલની શોભા.
શમણાઓ શૈશવની શાન,
શીતલતા શીકરોની શોભા.
શીલ શરમ શીલવાનની શોભા,
શમીપૂજન શબરીની શોભા.
શબદ શાણો શૂન્યની શાન,
શુધ્ધ શૈલી શબ્દોની શોભા.
શૃંગ શૃંગ શિખરની શોભા,
શંખનાદ શૂરવીરની શોભા.
શોણિતભીની શહીદોની શાન,
શાલીનતા શહેનશાહની શોભા.
શુભ્રતા શરદેન્દુની શોભા,
શુચિ-શર્વાણી શંભુની શોભા,
શકુંતશોર શારદાની શાન,
શસ્ય શ્યામલા શત શત શોભા.
_______________________________________________
શગ=જ્યોત; શમા=મીણબત્તી
શકુંત=મોર; શસ્યશ્યામલા=ભારતમાતાનું વિશેષણ.
———————————————————————————-
‘લ’ની લગન December 4, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
લલાટે લખેલા લેખની લકીરો,
લગની લાગે તો લાખેણી લાગે;
લાડીના લાલ લીલાં લ્હેરિયામાં,
લોચનની લાજ લાખેણી લાગે..
લલિત લતાના લાજવાબ લયમાં,
લાખ લાખ લોરી લચકાતી લાગે;
લજામણીના લાડભર્યા લટકામાં,
લટકતી લટો લ્હેરાતી લાગે..
લોહીની લાગણી લગાતાર,
લીલીછમ,લસલસતી લાગે;
લખતા લખતા,લીટીએ લીટીએ,
લાગણી લથબથ લીંપાતી લાગે..
તુલસીના વન November 8, 2008
Posted by devikadhruva in : સ્વરચના , add a commentતુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે મારે આંગણ,
લોક મને આવી આવી જોઇ હવે પૂછે,
કહેને અલી,કોણે અહીં,કીધા આવી કામણ ?
કે તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે તારે આંગણ ?
એ..તો વાયુ સંગ વાતું માનું વ્હાલ,
જેમ ફળફૂલ ફાલે ખુબ ફાગણ,
એમ છોડ રામશ્યામ બની વન વન ઉગે,
કે તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે મારે આંગણ..
‘ર’નો રંગ November 6, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
રંગ રાખ્યો રતુંબલ રંગ રાખ્યો,
રંગીલી રાતે રંગ રાખ્યો.
રાંદલમા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રૂડા રૂપમાં રસની રુચિ રેડી,
રંગરસિયા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રઢિયાળી રાતે રાધા રમે,
રાસેશ્વરનો રાખ્યો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
રંગબેરંગી રિધ્ધિની રોશની,
રાગરાગિણીમાં રામનું રટણ…..રતુંબલ રંગ રાખ્યો.
રીસાતી,રીઝાતી રાણી રમે,
રાજદ્વારે રાજાનો રુઆબ…..રતુંબલ રંગ રાખ્યો.
રળિયામણી રાત રણઝણતી’તી,
રોમેરોમ રુદિયામાં રંગ, …..રતુંબલ રંગ રાખ્યો.
રજ,રેણુ ને રાખના રમકડાં રચી,
રબ્બાએ રુધિરનો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.