અમે વાદળ-દળ પર વિહર્યા.. October 2, 2011
Posted by devikadhruva in : સ્વરચના , add a commentપવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,
સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.
અમે વાદળ-દળ પર વિહર્યા
તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,
ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,
અમે વાદળ-દળ પર વિહર્યા…
હસ્તવિંઝનથી હવામહીં બસ ઘડીભર મસ્તી માણી,
બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા
કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,
ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,
અમે વાદળ-દળ પર વિહર્યા…
આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,
શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા..
અમે વાદળ-દળ પર વિહર્યા…
વાત લાવી છું… September 25, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far
સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….
************ ************** **********
( છંદ વિધાનઃ —ષટકલ ૨૨-વિષમ- ( ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા )
ન કોઇ અહીં August 16, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farસરી જાય છે દિન આ બધા, પકડી શકે ન કોઇ અહીં.
વહી જાય છે લઇ બાળપણ, બદલી શકે ન કોઇ અહીં.
નિયતિ ફરે ધરતી પરે, સહુ દોડતા ઝીલવા થકી,
અણમોલ ભેટ છે જીંદગી, સમજી શકે ન કોઇ અહીં.
અરમાન સૌ ભરી મન મહીં ઉજવે મળી ભર-યૌવને,
ઘડપણ પછીની વિદાયને, સમજી શકે ન કોઇ અહીં.
જળમાં ચરે જલચર મૂંગા,તરતા મળે ફરતા જીવો,
નહિ જીવતા વિણ પાણી સૌ, જીરવી શકે ન કોઇ અહીં.
પથરા નડે, તડકા પડે, રમતી રહે પુરપાટ આ,
સરિતા સદા હસતી વહે, જકડી શકે ન કોઇ અહીં.
જો મળે નજર મુજથી અગર, સમજી જજે પ્રભુ આરઝુ,
કે જુબાન જે ન કહી શકે, પરખી શકે ન કોઇ અહીં.
ઉસાલ July 25, 2011
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farસંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
વાહ્ વાહ્ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
અલ્લડ આ મેઘને…….. July 8, 2011
Posted by devikadhruva in : સ્વરચના , add a commentઅલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.
પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !
અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
રોમરોમ જાગે ને વાગે શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.
અલ્લડ આ મેઘને થયું શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
એક નાનકડી વાતઃ June 30, 2011
Posted by devikadhruva in : ટૂંકી વાર્તા/લઘુ કથા , 5 comments૪૫ વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે અમે સ્કુલમાં સાથે ભણતા હતા.અમારું એક નાનકડું ગ્રુપ હતુ. શાન્તુ એમાંની એક હતી..વર્ષો પછી એને મળીને, વિશેષ તો એને સાંભળીને ગદ્ગદ્ થઇ જવાયું. સાત બેનો અને ત્રણ ભાઇઓ સાથે સંયુક્ત કુટુંબમાં ઉછરેલી શાન્તુ આજે વર્ષોના ગેપ પછી મને સાવ જુદી જ લાગી. કેટકેટલી વાતો કરી એણે ? એની એક એક વાતમાંથી નર્યો પ્રેમ નીતરતો હતો.
કહેતી હતીઃ દેવી, કેટલાં વખત પછી મળ્યા,નહિ ? હું તો તને વારંવાર ખુબ યાદ કરું. સ્કુલમાં સાથે ભણતા હતા અને કેવી મઝા કરતા હતા એ દિવસો તો કેમે કરી ભૂલાતા નથી. પછીના વર્ષોમાં તો આપણે સૌ પોતપોતાની જીન્દગીમાં પરોવાઇ ગયા.તું અમેરિકા ગઇ એ જાણ્યું હતું. ક્યારે કેવી રીતે આટલો મોટો ગેપ પડી ગયો એ જ ખબર ન પડી ! દુનિયાને નાની બનાવતી અને નજીક રાખતી આજના જેવી ટેક્નોલોજી પણ પહેલાં ક્યાં હતી ? કહેતા કહેતા એણે એની બેગમાંથી એક સુંદર, હા્થે બનાવેલ રંગીન પૂજાનું આસન કાઢ્યું અને મને આપતા બોલીઃ આ મેં જાતે બનાવ્યું છે, ખાસ તારા માટે આજે જ પુરૂં કર્યુ. બે વર્ષ પહેલાં તું આવી ત્યારે તને મળવાનું ખુબ મન હતું અને પ્રયત્નો પણ ખુબ કર્યા હતાં પણ જ્યારે તારો ટેલી.નં. મળ્યો ત્યારે તું તો પાછી અમેરિકા જવા નીકળી ચૂકી હતી ! ત્યારથી તારા ફરી આવવાની રાહ જોતી હતી.”
હું તો તાજ્જુબ થઇ ગઇ. ક્યાંય કોઇ ફરિયાદ નહિ, અપેક્ષા નહિ. કેવળ હ્રદયનો છલોછલ છલકાતો સ્નેહ.. સાંભળતા સાંભળતા હ્રદય ભરાઇ આવ્યુ અને આંખ ઝળઝળ થઇ ગઇ.. એ બોલે જતી હતી,ઃ” હવે જરા આંખની થોડીક તકલીફ છે. સોય પરોવતા વાર લાગે. બપોરે ઘરમાં કોઇ હતુ નહિ તો પડોશીને ત્યાં જઇ ત્રણ-ચાર સોયો પરોવડાવી..મારે મારા હાથે જ કંઇક બનાવીને તને આપવુ હતું.;અને હા,આ તારા માટે ખમણ અને સમોસા પણ લાવી છું”.. વાહ, મારા ઘેર આવી હતી અને મારા માટે નાસ્તો લઇને આવી હતી !! એની પ્રેમધારામાં હું ભીંજાતી જતી હતી. શું બોલવું એ જ મને સૂઝતુ નહોતુ. કારણ કે મેં તો એને ફોન પણ કર્યો નહતો..મનોમન મેં ખુબ ગુનેગારીની લાગણી અનુભવી.
ભૂતકાળના સંસ્મરણો યાદ કરી કરીને કહેતી હતીઃ “યાદ છે આપણે પેલા નાટકમાં રહ્યા હતાઃ ”માનવ તારું વિશ્વ” ? મણીપુરી નૃત્ય, આસામી લોક-નૃત્ય ? હું આપણા ગુરુ રામકુમાર રાજપ્રિયને મળી હતી.એ પણ બધાને યાદ કરતા હતા.” એને કેટલું બધું કહેવુ હતું ? પોતે દીકરા-વહુ અને પૌત્રી સાથે રહે છે જણાવી સારી સારી આનંદની વાતો કરી અને એના મનોકાશમાં મારી સાથે સંકળાયેલી જેટલી જેટલી વ્યક્તિઓ હતી તે તમામના ખબર અંતર રસપૂર્વક પૂછ્યાં અને જાણ્યાં.સાંભળતા સાંભળતા તેને લઇને આવેલી મારી ખાસ સખી શોભામાંથી મારું ધ્યાન શાન્તુની લાગણી તરફ કેન્દ્રિત થતું જતુ હતું. મારી વાતો અને પ્રવૃત્તિઓની કહેવા અને બતાવવા માંગતી બાબતને બાજુએ મૂકી હું તેને વધુ ને વધુ સાંભળવા લાગી.મનમાં વિચારતી હતી કે સાત સમંદર પાર કરીને જ્યારે સૌને મળવા અને જોવા વતનમાં જઇએ છીએ ત્યારે આ બદલાતા જતા સમયમાં હવે તો ત્યાં કોઇને સમય,અનુકૂળતા અને અમદાવાદથી ગાંધીનગર જેટલા અંતર સુધી જવાની તૈયારી કે ઇચ્છા પણ હોતી નથી; ત્યારે આવી વ્યક્તિઓની આ નીતરતી લાગણી, હૈયાના ઊંડાણને અડકી ન જાય ?
પતિના અવસાન પછીની પોતાની મનોદશાની વાત પણ એણે કેટલી હિંમતપૂર્વક છતાં અતિ નાજૂકાઇથી કરી. કહેતી હતીઃ “દેવી, રોજ સવારે ઉઠું અને અરીસા સામે જોઇને જાતને સમજાવું, હિંમત ભેગી કરતા શીખવાડું, સમાજની પરંપરાગત વિધવાના રિવાજોમાંથી બહાર આવી જીવવાના રસ્તાઓ વિષે ચિંતન-મનન કરું,. દીકરા-વહુના જીવનમાં ઉપયોગી થઇ પડું, ભારરૂપ ન બનું તેવુ બધું ઘણું વિચારું. છેવટે આ “હેન્ડીક્રાફ્ટ” નું કામ શીખી અને હવે તેમાં આગળ ધપી રહી છું. સારું ચાલે છે. મોટી કંપનીઓ ખરીદે છે અને મને આનંદ આવે છે તે જુદો. અમે બધા સંયુક્ત કુટુંબમાં સાથે જ રહીએ છીએ અને આનંદ કરી છીએ.” કેટકેટલી નમ્રતા,સ્વાભાવિક્તા અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર હતો એમાં ?
ત્રણ ચાર કલાકની આ મુલાકાત મારા મન પર ઘેરી અસર કરી ગઇ. જતા જતા એના પર્સમાંથી સાચવીને રાખેલી એક દોઢ વર્ષ જૂની,નાનકડી છાપાની કાપલી કાઢીને બતાવી; જેમાં મારા પુસ્તક પ્રકાશન અંગે ફોટા સહિતનો લેખ હતો ! હું તો નિઃશબ્દ,અવાક્,સ્તબ્ધ થઇ ગઇ. છેલ્લે “આવજે” કહેતા અમારા ત્રણેની આંખો ભીની થઇ. એ એટલું જ બોલીઃ”યાદ રાખજે હવે,” અને હું ક્યારના વાળી રાખેલા આંસુને ખાળી રહી.. ઉનાળાના બળબળતા એ દિવસે આકાશ પણ મન મૂકીને વરસ્યું…માટીમાંથી મીઠી મીઠી મનગમતી સોડમ પ્રસરી ગઇ. બહારનું અને આંતરમનનું વાતાવરણ પ્રફુલ્લિત થઇ રહ્યું….
અનિલ ચાવડાનું એક સુંદર ગીત સાંભર્યુઃ–
જીવતરના ગણિતનો ના ગણતા ફાવે ઘડિયો,ભીતરમાં મંદિર ચણે છે કોઇ અજાણ્યો કડિયો..
નહીં જ ભીંતો,નહીં જ બારી,નહીં કશી યે ફ્રેમ,કહો હ્રદયજી,લખ્યા વિણ કૈં રહી જ શક્શો કેમ ? !!!!
મે ૧૩,૨૦૧૧.
આ શહેરની… May 22, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.
લીલા લીલા વૃક્ષો ઉંચા યાદો ભરે દૂર દેશની,
સ્પર્શે પવન આ તનબદન લૈ લહેરખી આ શહેરની.
અંગો તણી ધમની સમી આ રક્તવર્ણી ડાળ તો,
જુઓ કશે બીજે ન દીસે શોભતી આ શહેરની.
આકાશબાગે જલપુલે સ્હેલાવતી દર્શાવતી,
અદ્ભૂત સિંગાપુરની અજાયબી આ શહેરની.
કુમળી કળી જેવી અહીં ખીલી રહી પૌત્રી દ્વયી,
બ્હેલાવતી આશા ઘણી ફૂલો તણી આ શહેરની.
જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની.
અણમોલ કેવી ભેટ આ અર્પી અહો જાદુગરે,
જ્યાં જ્યાં ઠરે આંખો ભરે, લીલોતરી આ શહેરની..
( છંદવિધાન – ગાગાલગા*૨૮ – રજસઃ )
કયામત છે….. April 27, 2011
Posted by devikadhruva in : ગઝલ , add a commentછંદવિધાન -હજઝ ૨૮
( લગાગાગા-૪ આવર્તનો )
ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.
હકીકત તો હતી કે બે, કલેજાની શહાદત છે.
રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો ફેંકવા સ્હેલા,
અગર ભિતર પડો જાણો, શૂરાની શી ઇબાદત છે.
જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
અહીં ના કોઇ અસલી છે, બધી મેક્કપ મરામત છે.
ખરાને પાડવા ખોટા, જગતની રીત જૂની છે;
નિજાનંદે સદા રે’નારના ભવભવ સલામત છે.
પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
બધા બખ્તર લીધાં સૌએ, છતાં કોની હિફાજત છે ?
પરાજય પામનારાને, પૂછાશે કૈં સવાલો જ્યાં,
ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.
સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
અરે આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.
સખી-સંવાદ April 17, 2011
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….
સખી-૧-
છોને વસતો જોજન પાર, નીરખું નિત્યે આભને ભાલ,
વાદળ ચીરી સરતો રાજ, તેજ-કિરણથી સ્પર્શે ગાલ,
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….
સખી-૨-
અદ્રષ્ય શ્યામની ભૂલ ના વાત, ભલે ન દીસે જગમાં ક્યાંય,
સદાયે કરતો અંતર વાસ, રોમરોમમાં રહેતો ખાસ,
તો યે સખી તુને વ્હાલો ચાંદ ?…..
સખી-૧-
નિર્દય વીંધે પહેલાં વાંસ, પછી જ છેડે હોઠથી ગાન,
ચાંદ સૂવાડે અર્પી આશ, કોમળ-કિરણની નવી સવાર,
હા,સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ…
સખી-૨-
છોડ કથા કુદરતની આમ, સર્જ્યાં કોણે મેઘ-મલ્હાર,
કોણે દીધા દિલના દાન ને રચ્યાં કોણે દિન ને રાત ?
કહે સખી, કહે, તને ચાંદથી વ્હાલા શ્યામ….
સખી-૧- ના, સખી મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી-૨ હૈયે છે જે હોઠ પર લાવ, તને વ્હાલા શ્યામ,
સખી-૨- જા,જા, માન ન જીત કે હાર, તુને વ્હાલા શ્યામ,
સખી-૧- સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી, મુને શ્યામથી..ચાંદથી વ્હાલો કહાન….!!!
શબદને સથવારે April 12, 2011
Posted by devikadhruva in : સ્વરચના , add a commentલો,અમે તો ચાલ્યાં પાછા શબદને સથવારે….
મબલખ અઢળક ઘેરી ઘેરી વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા ઉરસાગરને નાદે,
લો,અમે તો ચાલ્યાં પાછા કલમની કિરતાલે……..
તટના ત્યાગી નામ પછી તો ઉડાન પાંખે પાંખે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે તારે,
લો,અમે તો ચાલ્યાં પાછા અક્ષરને અજવાળે………
રોમરોમ શરણાઇ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને મ્હેંકે મનને માળે,
લો,અમે તો ચાલ્યાં પાછા શારદમાને ખોળે………..
હળવે હળવે જીવને શિવનો રસ પરમ અહીં જાગે,
જૂઠ્ઠા જગનો કાજળ કાળો અહં ભરમ સહુ ભાગે,
લો,અમે તો ચાલ્યાં પાછા શબ્દ-બ્રહ્મની પાળે………..