હોય છે…. October 10, 2011
Posted by devikadhruva in : ગઝલ , trackbackજેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.
બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.
પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
**************** ******************
( છંદવિધાન ઃ રજઝ-૨૮–ગાગાલગા*૪ )
Comments»
no comments yet - be the first?