જીંદગી જાદુગરનો ખેલ છે…. February 10, 2012
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a commentનથી છતાં તું છે અહીં….. February 5, 2012
Posted by devikadhruva in : ગઝલ , add a commentકમાલ છે…. January 13, 2012
Posted by devikadhruva in : ગઝલ , add a commentન જવાબ છે, ન સવાલ છે,
ન પૂછો કશું, શી કમાલ છે.
રજકણ કહો, કે સૂરજ કહો,
જગની સદા, એ મશાલ છે.
છો જગત બધું ભમતું રહે,
એ રહે છતાં, ખુશહાલ છે !
કદી દે સુખો, કદી દે દુઃખો,
જીરવો નહિ, તો કરાલ છે !
એ વિરાટ છે ને વિશાલ પણ,
જે ગમે તે સૌનો ગુલાલ છે.
કદી ધૂપ દે, કદી છાંવ દે,
ભગવાન છે, તે ત્રિકાલ છે !
દ્વય બંધ રાખી નયન અને,
ભજતા રહો, એ વહાલ છે..
2012… December 31, 2011
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a commentJanuary 1, 2012
નવા આ વર્ષની ગૂંજી રહી, શહેનાઇઓ ચોપાસ,
હવાની લ્હેરખી લઇ આવતી, આશાભર્યો અહેસાસ,
ને શબ્દોને ફૂટી કૂણી કૂણી, કૂંપળ નવી લીલી,
રહે તન-મન તણી શાંતિ, સદાયે આપને આવાસ.
સદાયે સર્વને આવાસ…વિશ્વને આવાસ…
મુક્તકો December 7, 2011
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment
કદીક મનને સજાવ્યું હતું,
કદીક મનને મનાવ્યું હતું,
ખુશી દર્દના દરિયા વચ્ચે,
જીવન કેવું આ વહાવ્યું હતુ ?!!
************** *************
ખુશી જો મળે તો કવન ફૂટે છે,
પીડાઓ મળે તો ગઝલ છૂટે છે,
અગર જો કશું ના મળે તો લાગે,
સવારે સવારે કલમ રૂઠે છે.
************** **************
આ વરસાદના ફોરાં છે ?
કે સમયની ધારા છે !
જલના ટીપાંઓ સાગરમાં,
કે પળના મોતી યુગથાળામાં છે ?!!!
************* ***************
ખુશ્બૂ-ભીની સવાર.. December 1, 2011
Posted by devikadhruva in : સ્વરચના , add a comment ( હ્યુસ્ટનની આજની (૨૨મી નવે.) ની સવાર…)
મને આવી સવાર ગમે.
ખુશ્બૂ-ભીની બહાર ગમે.
અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે.
મને આવી સવાર ગમે.
ઝરમરતી જલધાર ગમે.
યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી, ભીની ભીની રાહ ગમે.
મને આવી સવાર ગમે.
ફરફરતી જલધાર ગમે.
આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો, કુદરતનો પ્રસાદ ગમે.
મને આવી સવાર ગમે.
ઝીલમીલતી જલધાર ગમે.
મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે.
મને આવી સવાર ગમે.
ખુશ્બૂ-ભીની બહાર ગમે.
મનનો માણીગર November 26, 2011
Posted by devikadhruva in : સ્વરચના , comments closed
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.
રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,
હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,
એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,
કાયાપલટ ત્હેં કીધી કૈં એવી,
ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.
રોબાટ થયો ને થયો મશીન એ,
પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,
અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,
ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,
ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો! જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.
પેઢી બે પેઢીના અંતર વધાર્યા,
સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,
જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,
દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.
ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!
પીવાઇ ગયું…. November 15, 2011
Posted by devikadhruva in : ગઝલ , add a commentછંદવિધાનઃ ષટકલ ૧૭-વિષમ
પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.
દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ.
દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું.
વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.
શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.
મળવા તને. November 7, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far( છંદવિધાનઃ રજઝ ૨૮-ગાગાલગા*૪ )
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.
સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.
ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.
સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.
સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને.


