jump to navigation

“ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ” October 19, 2011

Posted by devikadhruva in : Uncategorized , trackback

સરસ  વિષય મળ્યો. “ ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ”

એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય તો હું કહીશ કે એક પંખીની પાંખને વિહરવા માટે આકાશ મળ્યું ! પણ આ ટૂંકાક્ષરી જવાબ આપી દઇને ન તો સંતોષ થાય છે, ન  ઋણચૂકવણી. તેથી માંડીને જ વાત કરીશ.

મને યાદ છે,૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૫ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને સુંદરમની કવિતા, આનંદના સંદર્ભમાં અનુભવાઇ કે, ”તને મેં ઝંખી છે યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસથી.” જન્મજાત વવાયેલા ભીતરના બીજને જાણે પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગૃત થઇ,વિકાસ પામી..પરિણામે “શબ્દારંભે અક્ષર એક”નો એક નવીન પ્રયોગ અને “શબ્દોને પાલવડે” પુસ્તકનો જન્મ થયો.એટલું જ નહિ, એક સાવ નવું જ “વેબવિશ્વ” મળ્યું, કંઇ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મળ્યાં.સાચું કહું તો મને હું મળી ! જે વર્ષોના વ્હેણમાં અને જીવનની દૈનિક વ્યવહારિક જરૂરી ઘટમાળમાં ખોવાઇ ગઇ હતી..

ખરેખર,સાહિત્ય સરિતા એક એવો મંચ  છે જે ગુજરાતી ભાષા પ્રત્યે  પ્રીતિ રાખનાર સહુનો છે,અને દરેકને ખીલવાની અને વિકસવાની તકો પૂરી પાડે છે.. ૨૦૦૮ અને ૨૦૧૧માં અનુક્રમે સહાયક સંચાલક અને મુખ્ય સંચાલક તરીકે કામ કરતા કરતા જે અનુભવ મળ્યા તે પણ અવિસ્મરણીય જ કહીશ.કારણ કે,એમાંથી ઘણું ઘણું જાણવાનુ અને શીખવાનુ મળ્યું છે.આ જ સંદર્ભમાંથી નીકળતા  બીજા મુદ્દા ( ભવિષ્ય અંગેના )વિષે  થોડા વિચારો વ્યક્ત કરી લઉં.

છેલ્લે, દસ વર્ષથી વહી રહેલાં નાના નાના ઝરણાં,એકમેક સાથે મળી મળીને સરિતા બન્યાં અને કલાના હર ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવી.અને હવે મનમાં એક પરિકલ્પના જાગે છે કે  એક વધુ નવુ રૂપ આપીને,આ “સાહિત્યસરિતા”ને “સાહિત્ય-સાગર” બનાવીએ જેમાં વિશાળતા હોય, ગહેરાઇ હોય,જે સદા યે દૂર દૂરની ક્ષિતિજો સુધી છલકતો રહે, કોઇ  બૂંદને સૂકાવાનો અવકાશ ન રહે, સતત સભર રહે…અને એ બધું ત્યારે જ બને જ્યારે તેના માળખાના પાયામાં સમયની સાથે સાથે જરૂરી સુધારા થાય.એવી થોડી નવી વ્યક્તિઓ આગેવાની લઇ કામ કરે જેમાં કામની સરળતા હોય,સહજતા હોય અને સાચી સમજણથી લેવાતા નિર્ણયો હોય. નિષ્ક્રિયતા અને દોષદર્શી વલણ ન હોય અને ભાષામાં કટુતા ન હોય. નવી પેઢી અને નવા વિચારોને આવકાર મળે. સાચા અર્થમાં કલાની,સાહિત્યની,સરસ્વતીની સતત સાધના ચાલુ રહે…

Comments»

1. vijayshah - November 7, 2011

સાહિત્ય સરિતા જઇને સાહિત્ય સાગરમા ફેરવાય તે કલ્પ્ના ઘણી રોમાંચક છે.
આભાર


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.