jump to navigation

ઈ-વિદ્યાલય -૩ February 26, 2019

Posted by devikadhruva in : Uncategorized , trackback

( 3 )

પ્રિય  શબ્દપ્રેમી વિદ્યાર્થીઓ,

 આજના નવા બે શબ્દો છે  ‘મુખ્ય વિભાગ’. તમે જોશો કે ઈવિદ્યાલયના પ્રવેશદ્વાર વિશે જાણ્યા પછી આપણને જરૂર પડે છે મુખ્ય વિભાગમાં પહોંચવાની. બરાબર ને? પણ તેની વાત કરતા પહેલાં એક નાનકડી  બીજી અગત્યની વાત સમજી લઈએ.

 

ઘણીવાર આપણને સવાલ થાય કે, આ બધું જાણવાની શી જરૂર? શબ્દ એટલે શબ્દ. તેના મૂળની સાથે આપણને શું લેવા દેવા? તો એનો જવાબ એ છે કે, જેમ આપણે જુદી જુદી જગાઓનો પ્રવાસ કરવા જઈએ છીએ અને તેના વિશે જાણકારી મેળવીએ છીએ ત્યારે કેવી મઝા આવે છે! જેમ કોઈ વાર્તા વાંચીએ ત્યારે પછી શું થયું, કેવી રીતે વગેરે જીજ્ઞાસા જાગે છે અને વાંચતા વાંચતાં આપણને આનંદ મળે છે તે જ રીતે શબ્દના મૂળ અને તેના ક્રમિક વિકાસ વિશે જાણવાનો એક અનોખો આનંદ હોય છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ થાય છે.

આ વિશે ભાઈ શ્રી ઉર્વીશ કોઠારીનો એક સરસ લેખ વાંચવા મળ્યો જેનો થોડો સાર અહીં ટાંકું છું. તે કહે છે કે, જે રીતે એક સારી કવિતા, સારી રમૂજ કે સારી વાર્તા માણી શકાય એવી જ રીતે, ભાષારૂપી હિલસ્ટેશનની વિવિધ જગ્યાઓની સુંદરતા પણ માણી શકાય. ભાષાશાસ્ત્રીઓ ભલે વ્યાકરણના નિયમોમાં ઊંડા ઉતરે અને તેમનો આનંદ મેળવે. પણ મોટા ભાગના લોકો એટલા ઊંડા ઉતર્યા વગર પણ રોજિંદી ભાષામાંથી નાના પણ મજાના ઘૂંટડા ભરી શકે છે.
શબ્દોનું મૂળ અને તેની સાથે સંકળાયેલા બીજા અનેક શબ્દોની  વિવિધ વાતો એટલે શબ્દોની વ્યુત્પત્તિ. તો હવે સવાલ એ થાય કે આવી વિગતો મેળવવી ક્યાંથી? સાર્થ જોડણીકોશ, ભગવદ્‌ગોમંડળ શબ્દકોશ કે ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com જેવા કોશમાં  શબ્દોના મૂળની પ્રાથમિક  જાણકારી મળી શકે.

આટલી વાત જાણ્યા પછી હવે આપણી મૂળ વાત આપણા આજના શબ્દની.

મુખ્ય  અને વિભાગ.

મુખ્ય શબ્દનું મૂળ છે મુખ. સંસ્કૃત ભાષામાં તેનો અર્થ થાય આગળનું કે ઉપરનું. જેમ આપણા શરીરમાં ઉપરનો અને આગળનો ભાગ એટલે આપણું મુખ. મુખ્‍+ય. ય પ્રત્યય લગાડવાથી શબ્દ (વિશેષણ) બન્યો, મુખ્ય. તે રીતે કોઈપણ વ્યક્તિ આગળ પડતી હોય,અગત્યની હોય તેને મુખ્ય કહેવાય. કોઈપણ વસ્તુ માટે પણ એમ જ કહી શકાય. મુખ્ય શબ્દ એ વિશેષણ છે. દા.ત. મુખ્ય વિભાગ. એટલે કે વિભાગો તો ઘણા હોય.પણ એક ખાસ વિભાગ જેને મુખ્ય વિભાગ કહેવાય.

હવે વિભાગ શબ્દ ક્યાંથી આવ્યો? તેનું મૂળ શું? તો આ પણ સંસ્કૃત શબ્દ છે. એમ કહેવાય છે કે, સંસ્કૃત ભાષા ઘણી ભાષાઓની જનની છે. એટલે ઘણા શબ્દોના મૂળમાં સંસ્કૃત શબ્દો મળે છે.
વિ + ભાગ=વિશેષ રીતે કરેલ વહેંચણી,ભાગ,હિસ્સો વગેરે.

હવે આ બંને શબ્દો વિશે થોડું વધારે સમજીએ.

૧.‘મુખ્ય’ શબ્દના સમાનાર્થી શબ્દોઃ આગેવાન,પ્રથમ,પહેલું,આદિ,પ્રધાન,ખાસ,મહત્વનું,આદ્ય,અગ્રણી,નાયક વગેરે.

વિરોધી શબ્દઃ ગૌણ,અમુખ્ય છેલ્લું,પાછલું વગેરે..

૨.વિભાગ શબ્દના સમાનાર્થી શબ્દોઃ ભાગ,ખંડ હિસ્સો.

વિરોધી શબ્દઃ એક સ્થાને,એકત્ર, એક જગાએ, એક સાથે.સાથે સાથે.

હવે આ બધા શબ્દો પરથી કહેવતો પણ બને અને રૂઢિપ્રયોગો પણ થાય. વળી એક જ શબ્દના અનેક અર્થો પણ થાય. જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ વધુ મઝા આવતી જાય. પણ અત્યારે તો આપણે મુખ્ય વિભાગ જેવા થોડા શબ્દો બનાવીને અટકીએ.

દા.ત.
મુખ્ય વિષય,
મુખ્ય શિક્ષક,
મુખ્ય વડિલ,
મુખ્ય ન્યાયાધીશ,
મુખ્ય વક્તા,
મુખ્ય રસ,
મુખ્ય પ્રધાન વગેરે. તમે પણ પ્રયત્ન કરશો ને?

ઈ-વિદ્યાલયના મુખ્ય વિભાગમાં જશો તો ઘણા બધા વિભાગો જોવા મળશે. તેમાંથી તમને જે ખૂબ ગમે તે વિભાગમાં જઈ વાંચી, જ્ઞાન સાથે ગમ્મત મેળવજો.

આવજો.

દેવિકા ધ્રુવ.

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.