jump to navigation

ઈશ્કે હકીકી.. September 25, 2015

Posted by devikadhruva in : ગઝલ,Uncategorized , add a comment

વિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની  ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ  લઈ જતી હતી..

 

આજે  એક  ઈશ્કે હકીકી પ્રસ્તૂત છે. ( સ્વરચના )

 

કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે.
ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.

 

ઢળી’તી આંખ જોઈને ખરેલા પાન વૃક્ષોના,
પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે.

 

સજાવે લોક મંદિરો ભરી, સોના-રુપા થાળે,
મેં ભૂખ્યાં બાળના લોચનની ધારે તમને જોયા છે.

 

સુંવાળી સુખની શૈય્યા કરી પૂજાવ છો ખોટા,
ખરેખર તો ખરા ભક્તોની વ્હારે તમને જોયા છે.

 

હવે લાગે છે કે, અવતાર લેવા બંધ કીધા છે.
નહિતર  કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”!

તમને જોયા છે… September 23, 2015

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

બરકત વીરાણી ‘બેફામ’ની એક જાણીતી ગઝલના આધારે લખાયેલ સહિયારી ગઝલ.

છંદ -હજઝ-૨૮ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે.
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે.

છંદ -હજઝ-૨૮ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

કહું છું વાત છાની આજ, ક્યારે તમને જોયા છે.
પડે છે દુઃખ માથા પર, મેં ત્યારે તમને જોયા છે. (દેવિકા ધ્રુવ) 

ખુલી આંખે ન દેખાયા, તમે જ્યારે મને ક્યાં યે
કરી દીધા મેં નેત્રો બંધ ત્યારે, તમને જોયા છે.    ( ઇન્દુબેન શાહ )

તમે છો આમ તો પરદેશમાં ખુબ દૂર મારાથી,
છતાં નિકટ ઘણાં યે હર વિચારે, તમને જોયા છે.  ( સુરેશ બક્ષી )

વિધિના ખેલ આ કેવાં સદા સ્મરતો રહ્યો છું હું .
રહી મઝધાર પર, હરપળ, કિનારે તમને જોયાં છે. ( રમઝાન વિરાણી )

તમારી યાદ માં ડૂબી હવે પ્‍હોંચી રહી પાસે. 
નથી દૂરી રહી ઝાઝી,એ આરે તમને જોયા છે. (પ્રવીણા કડકિયા)

અચાનક  આ તરફ આવ્યાં ને મારું તો  જીગર થંભ્યું,
ખબર એ ના પડી, કે ક્યાં ને ક્યારે તમને જોયા છે. (ચીમન પટેલ)

કદી દર્શન પ્રભુના  થાય તો છે યાચના મારી,
ન દૂજો ભાવ, ભક્તિના સહારે તમને જોયા છે. ( શૈલા મુન્શા)

હવે લાગે છે કે અવતાર લેવા બંધ કીધા તેં.
નહિતર  કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”( દેવિકા ધ્રુવ)

સર્જાય છે…. September 13, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ગુલામ અબ્બાસના નીચેના એક શેરના છંદને આધાર રાખીને ગૂંથેલ એક ગઝલ.

ભાગ્ય વિફરે તો જીવનમાં એ દશા સર્જાય છે.
ઝાંઝવાઓ રણ ત્યજીને ઉંબરે ડોકાય છે.         (ગુલામ અબ્બાસ)

છંદવિધાન-ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.
( સપ્તકલ રમલ ૨૬ )
 

***************     *****************     *****************

દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
 પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે.       ( શૈલાબેન મુન્શા )

રામ ને સીતાની મૂર્તિને નમે છે લોક સૌ
ઊર્મિલાના ત્યાગને તો ક્યાં અહીં પૂછાય છે?  ( દેવિકા ધ્રુવ )

જોડણીના કોશમાં સંબંધના અર્થો જુઓ
દુનિયામાં આજ એવી લાગણી વર્તાય છે?   ( ઈન્દુબેન શાહ )

શીદ જાવું દુર તારે, ભાંગવા ઈમારતો,
તીર શબ્દોના કદી, ક્યાં કોઈથી રોકાય છે?  ( શૈલાબેન મુન્શા )

માત તારી અશ્રુ ધારા, જોઉ છું હું  મુખ પર
દર્દ પિતાનુ છુપું, ના કોઇને દેખાય છે.         (ઈન્દુબેન શાહ )

ખુબ ચીતરી, ખૂબ લેખી તો ય ના પૂરી થઈ,
ને અઢી અક્ષર-કથા, ના કોઈથી સમજાય છે.     (દેવિકા ધ્રુવ )

સાચું બોલે એ બધા તો જાય ટીપાઈ અહીં,
જૂઠનો લે આશરો તે કેમ નેતા થાય છે?       ( ચીમન પટેલ )

જીવવું ના જીવવું તો નિયતિને હાથ છે.
જિંદગીની દોડમાં ક્યાં કોઇ થી પહોંચાય છે? ( શૈલાબેન મુન્શા )

આજ,કાલે ને પછી ક્યારે મળીશું શી ખબર?
આ સમયની જાળ તો ના કોઈથી પરખાય છે. (દેવિકા ધ્રુવ )

 

__________________________

દેવકીનું દર્દ.. September 9, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

દેવકીની મનોવ્યથા

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે!  સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું  કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

( presented again with modifications) 

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

કાયા તો ઝીલે લઇ ભિતરમાં ભાર,
ના સહેવાતો  કેમે એ ક્રુર કારાવાસ.
આભલુ છલકીને હલકું થઇ જાય,
વાદળું ય વરસીને હળવું થઇ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય…..  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
અંતરનો યામી ભલા પરવશ  શાને?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય? …. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ,
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ,
પણ કોઈ ના જાણે આ જનેતાનું દર્દ?!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

 

 

 

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help