ઈશ્કે હકીકી.. September 25, 2015
Posted by devikadhruva in : ગઝલ,Uncategorized , trackbackવિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જતી હતી..
આજે એક ઈશ્કે હકીકી પ્રસ્તૂત છે. ( સ્વરચના )
કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે.
ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.
ઢળી’તી આંખ જોઈને ખરેલા પાન વૃક્ષોના,
પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે.
સજાવે લોક મંદિરો ભરી, સોના-રુપા થાળે,
મેં ભૂખ્યાં બાળના લોચનની ધારે તમને જોયા છે.
સુંવાળી સુખની શૈય્યા કરી પૂજાવ છો ખોટા,
ખરેખર તો ખરા ભક્તોની વ્હારે તમને જોયા છે.
Comments»
વાહ વાહ!