jump to navigation

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે… પહેલી મુલાકાત સમયે… May 28, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે…પહેલી મુલાકાત સમયે…સપ્રેમ, સાદર…

 

કડકડ થતી ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા દિલાવર લોક વચ્ચે લાગતું ઘર આંગણું.

 

પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.

 

જ્યાં જ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.

 

આવી અહીં જોયાં બધાં, ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું?

 

મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો, ગુલે ફલો, શબ્દો તણું લઈ ટાંકણું.

 

Britiasianbazz.com પર એક મુલાકાત-મે ૧૮, ૨૦૧૫ May 26, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

 

 

 

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે. સાથે એક અવિસ્મરણીય સાંજ અને અન્ય યાદગાર મુલાકાતો.

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

IMG_3966photo_113

 ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે. સાથે એક અવિસ્મરણીય સાંજ અને અન્ય યાદગાર મુલાકાતો.

કેટલાંક પ્રસંગો કાયમી સંભારણા બની જીવનના ગોખલે ઝગમગી રહેતા હોય છે. મે મહિનાની યુકે.ની મુલાકાત કંઈક એવી જ યાદગાર બની ગઈ.

એક સાહિત્ય-રસિક, વર્ષો જૂની નિકટની સહેલી સાથે સમય ગાળવાની અને સાથે માણેલા દિવસો વાગોળવાની ઇચ્છાની પાંખ સળવળી અને જાણે કે આખું યે આભનું ઉડાન મળ્યું!  જોગાનુજોગે ગુજરાતી રાઈટર્સ ફોરમ,યુકે.નું આમંત્રણ પણ એમાં ભળ્યું અને તેમની ૨૫ વર્ષની રજત જયંતિની ઉજવણીમાં સામેલ થવાની તક સાંપડી.  માતૃભાષાનો પ્રેમ, કવિતાનો પ્રેમ ક્યાંથી ક્યાં વિક્સે છે,વિસ્તરે છે અને સાંકળે છે તેની કેટલીક ઝલક સંક્ષિપ્તમાં રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે.

શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ IMG_3956

શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ

યુકે.માં જુદાજુદા શહેરોમાં જુદા જુદા નામે ગુજરાતી મંડળો સક્રિય છે. સૌથી પ્રથમ તા. ૧૪મી મેના રોજ ગુજરાતી લીટરરી ગ્રુપ,લેસ્ટરની એક બેઠક નયના પટેલના નિવાસસ્થાને ગોઠવાઈ. કવિતા, ગઝલ અને વાર્તાનું આદાન-પ્રદાન આનંદદાયી રહ્યું. મારા માટે ઘણી

આશ્ચર્યની ક્ષણો પણ સર્જાઈ. ફૂલોના ગુચ્છા અને સન્માનિત પ્રમાણપત્રની ભાવભરી ભેટ સૌની લાગણીના પ્રતીક બની રહ્યાં. તસ્વીરમાં શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ  પ્રમાણપત્ર એનાયત કરતાં જણાય છે.

બીજાં દિવસે, ૧૫ મેના રોજ ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’ કે જેની સ્થાપના ૧૯૯૦માં થઈ હતી, તેની ૨૫ વર્ષની ઉજવણીનો ઓચ્છવ હતો. તેનું મૂળ નામ ‘ગુજરાતી રાઈટર્સ  સર્કલ’ હતું. ઘણા બધા સર્જકો/ભાવકો અને અપરિચિત ભાષાપ્રેમીઓને  મળવાનો મોકો મળ્યો. સાંજના  સાડા પાંચ-છ વાગ્યે Al Hikmah Centre,Batelyમાં શરુ થયેલાં આ કાર્યક્રમમાં સંસ્થાની ૨૫ વર્ષની શબ્દ-સાધના,સર્જન યાત્રા અને તેના વિકાસરૂપ પુસ્તકોનું વિહંગાવલોકન કરવામાં આવ્યું, સક્રિય અને સહકાર આપનાર સૌ કોઈને સન્માનિત કરવામાં આવ્યાં. યુકે.ના જુદા જુદા ગુજરાતી સંસ્થાઓના પ્રતિનિધિઓએ શ્રી અહમદભાઈ ગુલના આ ઉત્સવમાં હાજરી  આપી હતી. લંડનથી કવિ શ્રી પંચમ શુક્લ, સાહિત્યકાર શ્રી વિપુલભાઈ કલ્યાણી, બોલ્ટનથી ‘અદમ’ ટંકારવી, મહેંક ટંકારવી, સિરાજ પટેલ,બર્મિન્ગમથી  પ્રફુલભાઈ અમીન, લેસ્ટરથી પંકજ વોરા,દિલીપભાઈ ગજજર, શરદ ભાઈ રાવળ,વાર્તાકાર નયનાબેન પટેલ અને ઘણાં અન્ય સર્જકોએ હાજરી આપી હતી.  કુલ ૪૦૦ જેટલાં સભ્યોથી ખીચોખીચ ભરાયેલાં સભાગૃહનું સંચાલન  ટીવી  ચેનલના એક ખુબ જ કુશળ સભ્ય શ્રી ઈમ્તિહાસ પટેલે કલાત્મક રીતે કર્યું હતું . કાર્યક્રમ પછી ભોજન અને તે પછી મુશાયરો  મોડી રાત સુધી ચાલ્યો. આખા યે પ્રસંગને આવરી લેતો હેવાલ શ્રી મહેંક ટકારવીએ મ્હેંકતી રીતે લખ્યો છે,જે અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.

GWF, Batley, Silver Jubilee

આ રહી કેટલીક તસ્વીરોઃ  સૌજન્ય શ્રી શરદ  રાવળ

photo_008photo_039photo_009

ખુબ આનંદ એ વાતનો છે કે ઘણાં કવિઓને સાંભળવાનો લહાવો મળ્યો ,શ્રી અહમદભાઈ ગુલે મને અતિથિવિશેષ તરીકેનું  સન્માન આપ્યું અને ભારતથી પધારેલ ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલે  હોલમાં બેઠા બેઠા એક સ્કેચ બનાવી (મારા ચહેરાનું ચિત્રાંકન )મૌન  અભિવાદન કર્યું જે મને હંમેશા યાદ રહેશે.

દેવિકા રાહુલ ધ્રુવ
દેવિકા રાહુલ ધ્રુવ

 આ પ્રસંગે બીજી ખુબ જ પ્રભાવિત કરાવનારી એક વાત એ હતી કે અહીં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં કામ સાથે સાથે ચાલે છે. બંને ભાષાના સર્જનોના પરસ્પર અનુવાદ થાય છે અને જે ગુજરાતી નથી તે લોકો પણ અહીં આવી ગુજરાતીઓની વાતો,લાગણીઓને સમજવાનો નિષ્ઠાપૂર્વક, પ્રોત્સાનરૂપે પ્રમાણિક પ્રયત્ન કરે છે. આ નાની સૂની વાત નથી,બલ્કે પ્રેરણાદાયી અને અનુકરણીય વાત છે. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ હોઈ દરેક ભાષાનો આદર  કરવો ખુબ જરૂરી છે. દરેક વક્તાના વક્તવ્યમાં અને સમગ્ર કાર્યક્રમમાં સાહિત્યની હવા અને હૂંફ હતી.

ઘણીવાર તો મને લાગે છે કે વિદેશમાં રહેતાં ગુજરાતીઓ માતૃભાષાને જાળવવા વિશે વધુ સજાગ છે અને સખેદ કહેવું પડે છે કે તે અંગે ભારતમાં કોઈ  ગંભીરતાપૂર્વક નોંધ  લેવાતી નથી. એટલું જ નહિ પોતાના જ દેશમાં  (એન.આર.આઈ  ! )પરદેશી દ્રષ્ટિકોણ જોવા/સાંભળવા/અનુભવવા મળે છે. શ્રી વિપુલભાઈ  કલ્યાણીનો તેમના વક્તવ્યમાં પ્રગટ થયેલ ગુજરાતીભાષા પરત્વેનો પ્રેમાક્રોશ બિલકુલ બરાબર હતો. 

સાંજના  સ્વાદિષ્ટ જમણ પછી તરત જ શરુ થયેલ મુશાયરાની ઘણી બધી વાતો છે, જે અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.

GWF, Batley, Silver Jubilee એક પછી એક  ગઝલ અને હસલના જામ પીવાતાં  ગયાં જેના નશાથી મન હજી પણ તરબતર   છે. કવિ શ્રી પંચમભાઈ શુક્લની શિખરિણી છંદમાં પ્રસ્તૂત થતી ખળખળ વહેતા ઝરણા જેવી છંદોલયભરી સરવાણીના સૂરો હજી પણ કાનમાં ગૂંજે છે.

આ રહી કેટલીક તસ્વીરોઃ  સૌજન્ય શ્રી શરદ  રાવળ    

 photo_110photo_102photo_011


photo_068photo_088

photo_109

૧૭મી મેના રોજ લેસ્ટરના  રેડિયો પર ‘સબરસ’ નામની ચેનલ સંભાળતા  બહેન શોભા જોશીએ  રેડિયો પર  મારા કાવ્યોને પ્રસારિત કર્યાં અને શ્રોતાઓ સમક્ષ લગભગ  અડધો કલાક જેટલો સમય પ્રશ્નોત્તરી તથા વાર્તાલાપ પણ રજૂ કર્યાં. તેમનો ખુબ આભાર.

૧૮મી મેના રોજ માનીતા ગઝલકાર  માનનીય શ્રી‘અદમ’ ટંકારવીના શહેર બોલ્ટન મુકામે એક નાનકડી બેઠક યોજાઈ. ખુબ ગૌરવ એ વાતનું છે કે તેમણે શ્રી આદિલભાઈ  મનસુરી, જ્યોતિન્દ્ર દવે, શેખાદમ આબુવાલા,ભગવતીકુમાર શર્મા જેવા પીઢ સાહિત્યકારો સાથે ગાળેલા સમય અને પ્રસંગોની ઝરમરતી વાતો કરી,જે ખુબ નિકટતાથી, રસપૂર્વક સાંભળવાની મળી. ઘણું નવું જાણવા/સમજવાનું મળ્યું. ‘બી બઝ’ નામના ટીવી અને રેડિયો ચેનલના સ્ટુડિયોમાં મળેલ આ ટૂંકી મુલાકાત પણ ઘણો આનંદ આપી ગઈ. આ ટીવી ચેનલ સંભાળતા એક  ચપળ, આકર્ષક નવયુવાન શ્રી ઈમ્તિહાસ પટેલે  ટીવીના દર્શકો માટે ગુજરાતી ભાષા અંગે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી યોજી, રેકોર્ડીંગ પણ કર્યું.  ‘નવનીત સમર્પણ’માં જેમની વાર્તા સ્થાન પામી રહી છે તે શ્રીમતિ નયના પટેલની વાર્તાઓ અંગે પણ રેકોર્ડીગ કરવામાં આવ્યું.

આ રહી કેટલીક તસ્વીરોઃ        

IMG_4028

IMG_4029

IMG_4035

 યુકે.ની ૧૦ દિવસની આ આખી યે મુલાકાત કલમભીની અને મનભાવન  બની રહી.

આજે મારી આ અભિવ્યક્તિ આભાર અને શુભેચ્છા સાથે, કંઈક આ શબ્દોમાં કહીને વિરમીશ કેઃ

કડકડ  થતી  ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા હૂંફાળા લોક વચ્ચે  લાગતું ઘર આંગણું.

પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.

જ્યાંજ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું,
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.

આવી અહીં જોયા બધાં ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું ?

મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો,ગુલે ફલો શબ્દો તણું લઈ ટાંકણુ….

અસ્તુ.

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help