jump to navigation

કોને મળી ? October 31, 2010

Posted by devikadhruva in : ગઝલ , 2 comments

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી ! 

વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી. 

ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી. 

મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી ! 

પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી. 

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી ! 

********************************** 

 છંદવિધાન ઃ  રમલ ૨૬
( ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા ) 

શરદપૂનમ October 22, 2010

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far

 

 

ગગનગોખમાં સાંજ ઢળે, એક દીપ ધીરે ધીરે પ્રગટે,

             વિધવિધ રૂપો નિત્યે વેરે, સુદવદમાં ખેલે,

દર્પણ એનું જલસરવર ને રૂપ સ્વયંનું નીરખે, 

         ખુશી ખુશી એ આભ ઝળુંબી,ધરા અવિરત ચૂમે.

અંધારી આલમ પર ફેલે, ચાંદની એની રેલે;

            પુનમ રાતે માઝા મુકે, સાગરને છલકાવે.

ભરતી ટાણે મોજા છોળે,પ્રેમી દિલ ઉછાળે,

          સંતાકુકડી વાદળ વચ્ચે તરતા તરતા ખેલે.

બાલ હ્રદયને હઠ કરાવી હાથમાં ચાંદો માંગે;

           રાત ભર મીઠા હાલરડા મૌનપણે ખુબ ગાયે,

 ઢળી  હળવે તારલિયાળો નભનો પાલવ  છોડે,

          શોધકના વિસ્મયને જગવી દૂનિયા ખુદ બોલાવે,

ધીરે ધીરે વહેલી સવારે  ક્ષિતિજે જઈ પહોંચે,

        ગગનગોખમાં સાંજ પડે, ફરી ધીરેથી પ્રગટે.

**************************************         

( સર્જક-મિત્રોના સૂચન મુજબ અપેક્ષિત સુધારા/વધારા સાથેની એક જુની સ્વરચના )

      

નગર જુઓ.. October 12, 2010

Posted by devikadhruva in : ગઝલ , 2 comments



શિસ્તના શાસન થકી ચાલતું નગર જુઓ,
આભની વીજળી સમુ આંજતું નગર જુઓ.

પૂર્વની  રીતો  અને  વેવારથી  જુદું  ઘણું,
 માનવીને  યંત્ર  માંહે  શારતુ  નગર  જુઓ.

રાત દીઆઠે પ્રહર  ડોલરની  દોડધામમાં,
 આદમીને  હર  પળે  પલ્ટાવતું  નગર  જુઓ.

દૂરથી સોહામણું  ને  પાસથી  બિહામણું,
દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !
 
શાખ મોટી મોભની તીજોરી ખાલી ખાલી આ,
દાણ વીમાને પથારે કાંપતુ નગર જુઓ. 

લાકડાના  લાડુ જેવી  ખેંચતી  પછાડતી,
 જીંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.

કાળચક્ર October 6, 2010

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

 

શિખરિણી     ( યમનસભલગા-૧૭ )

જુની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

દિઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

દિવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં દિલ હરે,

અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

હવા સ્પર્શે સૂકી, ઝણઝણી  શરીરે ફરી વળે,

અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

અને ખેંચે પૌત્રી,વતનઘરથી સુદૂર દિશે;

રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.