Posted by devikadhruva in : સ્વરચના ,

( “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે”….ના રાગમાં )
ગાંધી-પ્રિયજન નિજને રે કહીએ જો, પરદુ:ખ ભંજક થઇએ રે…….
સત્ય, અહિંસા, સમજી સાચા, વિશ્વ-માનવ બનીએ રે…………
સકળ લોક શાંતિને ઝંખે, ના તો યે કોઇ પામે રે;
મન-વચનને ઉંચા રાખી, કર્મમાં વણી લઇએ રે……….…ગાંધીપ્રિયજન નિજને
વણ-કપટી ને સ્વાર્થો ત્યાગી, પ્રેમજ્યોત જગાવીએ,
ભૂલથી કદી અસત્ય ન બોલી,પરધન મન નવ ધરીએ રે….. ગાંધીપ્રિયજન
પ્યાલો ખાલી અડધો નીરખી, અડધો ભરેલો કહીએ રે,
આવો, મર્મ હવે સમજીને, વિશ્વમાનવ બનીએ રે……. .ગાંધીપ્રિયજન નિજને
“વાનર ત્રણ”નો બોધ મૂકીને,જગ જીતી એ ચાલ્યા રે,
ગાંધીનો પૈગામ એ પામી, વિશ્વચરણ કઇંક ધરીએ રે….ગાંધીપ્રિયજન નિજને
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય ,
અગદ્યાપદ્ય :
મારે એક માનસ પુત્રી છે.
ક્યારેક ક્યારેક એ સ્વપ્નમાં આવે છે.
કાલે રાત્રે આવીને કહે, “મા, મારે લગન કરવા છે. “
“અને દહેજમાં ઘણું બધું જોઇએ છે. “
મા,મને આપીશ ને ?” હું ચમકી.
આ તે કેવી માંગણી ? તેણે કહેવાનું ચાલુ રાખ્યું.
” મા, મને વિશ્વ સાથે લગન કરવા છે.
દહેજમાં મને વિનય-વિવેકના વાઘા અને આદરના અલંકાર આપજો;
નમ્રતાના દાગીના અને સ્મિતના કોડિયાં ભરજો;
સુવિચારોનું સુંદર સિંદુર અને શુધ્ધતાના કંગન આપજો;
હાથમાં હેતાળ હૂંફ ભરજો અને આંખમાં અમીના દાન દેજો;
સોનેરી સત્યના સાંકળા આપજો…અને..
પ્રેમની પરી બનાવી મોકલજો;
અને હા, મા, છેલ્લી એક વિનંતી…….
કવિની કલમ જરૂર મૂકજો હોં !”
આંખ ખુલી ગઇ. શું હતુ એ ?
સ્વપન કે કલ્પન ?!!
આભાસ
January 18, 2009
Posted by devikadhruva in : સ્વરચના ,
“તું મને ન શોધ ક્યાંય આસપાસમાં, હું તને મળી શકું તારા જ શ્વાસમાં”…. અંકિત ત્રિવેદીને સલામ.
———————————————————
મળતી’તી તને પ્રત્યેક શ્વાસમાં,
ખબર નો’તી તું હતો મોટા નિવાસમાં….
ન મળે કદી તો ક્યાંથી ખબર પડે ?
રમતા’તા બાળપણમાં શેરીના વાસમાં….
ફૂલની જેમ કોઇનામાં હું સવારથી,
કુમાશ શોધી રહી સુવાસમાં…..
પથિક કદીક તો પડશે ભૂલો,
જો નીકળ્યો હશે કદીક વરસાદમાં…
તરછોડી ચાલ્યો’તો અચાનક,
મૂકી વિશ્વાસના આભાસમાં……..
ગઝલોમાં લખી તને થાકી હવે,
છોડ વાતો મળવાની કો’ક પ્રાસમાં…
********************************************************
Posted by devikadhruva in : સ્વરચના ,
“તૂટેલા કાચના કટકા સિતારા કદી થાતા નથી.”ના શાયરને સલામ
ઇશ્વરની કૃતિમાં ફેરફાર કદી થાતાં નથી,
માનવને પીંછા ને પાંખો કદી થાતા નથી.
અંબર પર માછલાં કદી તરતા નથી,
સમંદર પર સિતારા કદી થાતા નથી.
પંખીઓને પગ અને વાચા કદી હોતા નથી,
પ્રેમીના ભાગે વિરહના દુ:ખ કદી જાતા નથી.
વીતેલા સમયના પાન પાછા કદી ફરતા નથી,
છૂટેલા જીભના તીર પાછા કદી વળતા નથી.
એક્મેકના મનને વાંચી કદી શકાતા નથી,
પોતાના છે જે સાચા, પારકા કદી થાતા નથી.
શાંતિના કોડ પૂરા કોઇના કદી થાતા નથી,
માત્ર સમજ વિના ક્યાંય કદી શાતા નથી !!
Posted by devikadhruva in : સ્વરચના ,
—–અમૃત ઘાયલ—“કાજલભર્યા નયનના કામણ મને ગમે છે”ને સલામ–
********** ********* ********* ********* *********

છો ને પ્રગટતા દીવા, મંદિરમાં હજારો,
મનમાં પ્રગટતો સાચો, દીવો હવે ગમે છે.
છો ને પૂજાતો પથ્થર,બની દેવરૂપ હજારો,
કરી કામ પછી છૂપાતો, ઇનસાન હવે ગમે છે.
છો ને જીવનમાં થાતો, વર્ષોનો આ ઉમેરો,
વરસમાં ઉભરે જો જીવન,એવું હવે ગમે છે.
છો ને મળતી સંપત્તિ, ધનની બધે હજારો,
સમૃધ્ધિ સંબંધોની ,સાચી હવે ગમે છે.
છો ને પહોંચે ગગનમાં,ચાંદ ઉપર યુવાનો,
શીતળતા અર્પે દિલને,ચાંદની હવે ગમે છે.