મા March 9, 2011
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , 7 commentsઅછાંદસ ઃ
રાત વીતતી હતી….
આભની છત પર,
નજર ટમટમતી હતી..
પલક માત્રમાં,
પલકો વચ્ચે પૂરાતી નિંદર,
પડખા ઘસતી હતી;
પડઘા પાડતી હતી..
હ્રદયની આરપાર ઉતરી,
રડાવતી હતી..
અંધારા ઓરડાની તીરાડમાંથી,
આવીને ઘેરી યાદ,
વળગતી હતી.
માથે હાથ…માનો…
ધાર વહેતી હતી,
રાત સરતી હતી…..
પ્રાર્થના… February 20, 2011
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farછંદ –હરિગીત-૨૮ માત્રા
( ગાગાલગા*૪ )
*********************************
રક્ષા કરો વિપત્તિમાં, એવી ન મારી પ્રાર્થના,
લાગે ન ભય આપત્તિમાં,એવી જ મારી પ્રાર્થના.
આંધી અને તોફાનથી મન હો કદી મારું દુઃખી,
તૂટે ન બળ એવું કરો, બસ એ જ મારી પ્રાર્થના.
બોજો કરી હળવો ભલે હૈયાધરણ ન અર્પશો,
ઉંચકી શકું એવું કરો, બસ એ જ મારી પ્રાર્થના.
ડોલે ભલે નૈયા કદી ખૂટે ન હામ હૈયા તણી,
શ્રધ્ધા રહે તોયે સદા બસ એ જ મારી પ્રાર્થના.
ઊગારજો ભવસાગરે એવી ન મારી પ્રાર્થના,
તરવાને આપો બાહુબળ, બસ એ જ મારી પ્રાર્થના.
નિર્દોષતાથી સુખમાં પણ જોઉં તુજ મુખારવિંદ,
સરકે ધરા પગને તળે અવિચળ રહે આ પ્રાર્થના…..
હોય છે… February 11, 2011
Posted by devikadhruva in : ગઝલ , 2 commentsપીડાઓ તો પ્રસવ સાથે અહીં અકબંધ હોય છે.
જખ્મોનો તો ગઝલ સાથે અહીં સંબંધ હોય છે.
ન ખોતરશો જૂના ભિતરના ઘાવો ભૂલથી પણ,
કે ત્યાં તો ધાર લોહીની સદા નિર્બંધ હોય છે.
અગર સૃષ્ટિ દીસે કુરૂપ તો ના દોષ આંખનો,
બધો અપરાધ દ્રષ્ટિનો બૂરો સંસર્ગ હોય છે.
ન ચારે હંસલા મોતી કદી તો જાણજો સાચે,
બેશક એને બગલાઓનો હવે સંપર્ક હોય છે.
શતદલ January 4, 2011
Posted by devikadhruva in : સ્વરચના , add a commentએક જૂની માનીતી રચના સુધારા/વધારા સાથે ફરી એક વાર પ્રસ્તૂત…..
માર્ચ મહિનામાં યોજાયેલ “સબરસગુજરાતી” પદ્યસ્પર્ધામાં નિર્ણાયક, કવિ અને ગઝલકાર શ્રી વિવેક ટેલરના ગુણ પત્રકમાં ૧૬૬માંથી બીજા નંબરે સ્થાન પામેલ અને નીચે પ્રમાણેની મૂલવણી પામેલ મારી કવિતા ”શતદલ”
વિવેક ટેલરના શબ્દો ઃ
મારી દ્રષ્ટિએ “શતદલ” નામની કવિતા બીજા ક્રમાંકને પાત્ર ઠરે છે.કવિએ અર્જુનની જેમ એક વિષયને લક્ષમાં રાખ્યો છે;અને એને યોગ્ય રીતે સંમાર્જ્યો પણ છે.ઊર્મિકાવ્યોનું આજે લુપ્ત થતું નજરે પડતું કલેવર કવિએ અપનાવ્યું છે એ કવિની ભાષાપ્રીતિ અને સમર્પિતતાનું દ્યોતક છે. શબ્દસમૂહના ધ્વન્યાત્મક આવર્તનોનો સુપેરે પ્રયોગ કરીને કવિ કવિતામાંથી સંગીત પણ સર્જે છે. ચોમાસાની ઋતુનો આખો માહોલ ઉભો કરીને એક સંપૂર્ણ શબ્દચિત્ર દોરે છે. કવિને ખુબ ખુબ અભિનંદન.
શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત ફૂલ શતદલ મધુવન પર.
શારદસ્તુતિ December 26, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farશાર્દૂલવિક્રીડીત ( મસજસતતગા-૧૯ )
પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,
વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,
ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,
આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….
“ઇ” ઇશ્વર December 18, 2010
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentહાયકુઃ –
ઇમાની ઇંટે,
ઇશ્કની ઈમારત,
ઇશનગરી….
રુદિયાના ધબકારા બોલે.. December 12, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentહ્ર્દયના ધબકાર તો છુકછુક ગાડીના લયબધ્ધ નાદની જેમ જે સાંભળવું હોય તે બધું જ બોલે છે.ક્યારેક પોતાનુ નામ, ક્યારેક પ્રીતમનું ગાન તો ક્યારેક વળી પ્રભુનો સાદ…જગતની અને જીવનની માયાજાળમાં વળોટાયેલું હૈયું સાંજની આરતી ટાણે (કહો કે જીવનસંધ્યાએ)શું બોલે છે ? શું સાંભળે છે ?…….
*********************** ***************************
આજ ઓલા રુદિયાના ધબકારા બોલે..
મીંચેલી આંખે દેખાય રૂપ નોખું આજ, અંતરના અણસારા ખોળે…
બંધ થતી આરતીના નાદ પછી ધીરેથી ટકટક આ ભણકારા વાગે,
ઝબકીને જાગતી મૂંગી આરત પેલી કાળજે કોતરેલી મુદ્રિકા ભાળે,
પડઘા પાડે ભાવ મનના સૌ આજ કઈંક, રુદિયાના ધબકારા બોલે….
ટમટમતા તારલા આભલે મઢીને આજ ચાંદલિયો વાદળિયે તરતો,
મઘમઘતો વાયરો યાદો વીંટીને આજ પાંદડીને સ્પર્શીને સરતો,
મીંચેલી આંખે દેખાય ને સૂણાય પ્રભુ, રુદિયાના ધબકારા બોલે….
ગુજરાત છે… November 9, 2010
Posted by devikadhruva in : ગઝલ , add a comment
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે.
સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.
‘ અ ‘ આદિત્ય. November 5, 2010
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farનવા વર્ષની શુભ શરુઆતઃ ઃઃ ઃઃ
શબ્દારંભે સ્વર એક ::
‘ અ ‘ આદિત્ય.
આવો, આવો આંગણે આજે,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અમાસના અંધકારને ઓગાળતા,
આશા-અરમાનને અજવાસતા,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અર્પી અમી આંખમાં એકમેકને,
અદ્વિતીય આનંદ અંતરથી,
આરાધીએ આદિત્યના આગમનને આજે…..
અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,
આસપાસ આદરનો ઓચ્છવ
અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…
કોને મળી ? October 31, 2010
Posted by devikadhruva in : ગઝલ , 2 commentsજીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી !
વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી.
ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી.
મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી !
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી !
**********************************