jump to navigation

ધૂમ્મસનો ધાબળો…. January 27, 2015

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

 

fog

વહેલી સવાર.
હું ને મારી કાર.
ધૂમ્મસનો ધાબળો,
ને
સૂતેલો સૂરજ.
આસપાસ બધે જ
અંધકાર, ધોળો અંધાર.

માત્ર
બે ડગ આગળ જ
ગાડીની આગળની લાઈટનો ઉજાસ.
એટલાં જ ઉજાસથી,
ખુલતો જતો રાહ..
ધીરે ધીરે,
ધૂમ્મસને ચીરતી,
કિરણોની ઝીણી ધાર.
દ્રષ્ટિ ફક્ત થોડી જ આગળ,
ભીતરે?!!
કંઈક એવું જ..
થોડી નજર,
અજવાળું..પ્રકાશ…
વહેલી સવાર.
ગાડી હંકારતી હું,
કે
મને હંકારતી એ?!!

 

દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો. January 23, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

 

દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

 

 

દ્રશ્ય અને શ્રાવ્ય-પૂરવનો જાદુગર- કાવ્ય-પઠન January 10, 2015

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

click this linkઃ

https://www.youtube.com/watch?v=66W5ToeJKgI&feature=youtu.be

પૂરવનો જાદુગર આવે, 
             છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
             પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે જૂની વાતે,
             આશ નવી કોઇ લાવે;
ઊંચે આભલે નર્તન કરતે,
             રંગ અનોખા વેરે.
કોમળ સવારે, તપ્ત મધ્યાન્હે,
            શીળો બને સમી સાંજે;
સુદૂર સાગરે ડૂબી અન્તે,
            પુનઃ પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો,
            ખુબ ખુબીથી ખેલે;
પૂર્વ દિશાથી સૂરજ આવે,
               છાબ કિરણની વેરે.

ચિરાડ …

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

ચિરાડ

અહમની આ દિવાલ તૂટી, પથ્થર વચ્ચે કૂંપળ ફૂટી.
 ઘૂંટી ઘૂંટી મહેંક મધુરી, ઝરણાં સરખી કેવી છૂટી!

ચિરાડ કહો કે તિરાડ જુઓ,
જોઉં મધ્યે ખીલ્યાં ફૂલો,
કોઈ કળી શાને મૂરઝાયે,
તેજ, પાણી ને પવન લ્હેરાયે,
ઝુમી ઝુલે ડાળી ડાળી, નાજુક નમણી દિલને લૂંટી
કોમળતાની કલા અનોખી, પથ્થર હૈયે કૂંપળ ફૂટી…..અહમની

અડિયલ પથ્થર મંદિર જઈ જઈ
તીણા તીણા પ્રહારો ઝીલી
શિલ્પી-ટાંકણે ઘડાઈ ગયો,
ને મૂર્તિ બની પૂજાઈ ગયો!
તોડો, તોડો, દોડી દોડી, આસુરી સહુ વૃત્તિઓ ખોટી,
મોડી,છોડી,ભૂલી ચિરાડ, પથ્થર હૈયે કૂંપળ ફૂટી……અહમની

 

૨૦૧૫ January 2, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

Happy New Year

રંગમંચ December 20, 2014

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

રંગમંચ

તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.

નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.

 

સમજણને….. December 10, 2014

Posted by devikadhruva in : ગઝલ , add a comment

સમજણને પણ સમજાવવું પડે તે કેવું? કદાચ સ્ત્રીલિંગ છે એટલે હઠીલી હશે!!

લો, એક નવી ગઝલ. સમજણ વિષે…

 

કેટલી યે વાર કીધું, એકલી તું મ્હાલજે.
રાહમાં જો આથડે કંઈ, પ્રેમથી તું ટાળજે.

પણ હઠીલી જાત સ્ત્રીની માને ના ગુમાનિની
ને પછી ખૂણે રડી કહેશે કે તું સંભાળજે.

કાં વીંટે ઈર્ષા સમા વસ્ત્રો નકામા જાત પર,
નગ્ન સમજણ સત્ય છે તું, એકલી વિચારજે..

વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.

સ્‍હેલી થઈ સરતી રહે આ જીંદગી બસ તુજ થકી,
એકવત્તા એક થઈને એક છે સમજાવજે.

 

દરિયાને થાય…. December 7, 2014

Posted by devikadhruva in : કાવ્યો,Uncategorized , add a comment

seawaves

દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય,બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..

મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે.
ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.

છે મઝધારે રહેવાનું આકરું અકારું,
ને કિનારે પહોંચવું ના એમ છે સહેલું.
જો સમંદર,અંદરથી  ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’તે પામવાની  ઝંખનાએ એને તળિયેથી ઉંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય,બનું દરિયો.

ફ્લોરીડા યુનિવર્સિટિના ‘પોએટ્રી ફેસ્ટીવલ’નો અહેવાલ-દેવિકા રાહુલ ધ્રુવ November 6, 2014

Posted by devikadhruva in : Uncategorized , add a comment

poetry festival2

આગલી હરોળ- ડાબેથી જમણે- દેવિકાબેન ધ્રુવ, પ્રીતિબેન સેનગુપ્તા, ડો.વસુધા નારાયણ, ડો.ઇન્દુબેન શાહ, ડો.સ્નેહલતાબેન પંડ્યા, સપના  વિજાપુરા,        મનુભાઈ નાયક અને સુધાકરભાઈ ભટ્ટ..

પાછલી હરોળ- ડાબેથી જમણે-  સર્યૂબેન પરીખ, શ્રી અદમ ટંકારવી,શ્રી કૃષ્ણ દવે, ડો.દિનેશભાઈ શાહ,સંગીતકાર શ્રી કર્ણિક શાહ  શ્રી  શીતલભાઈ જોશી.
 ************************************************************************************************************************************

 

 

ફ્લોરીડાના ગેઇન્સ્વિલ નામના  નાનકડા સુંદર શહેરમાં નવે.મહિનાની પહેલી તારીખની સવારનો ઉઘાડ કંઈક અનેરો હતો.યુનિવર્સિટિ ઓફ ફ્લોરીડા દર બે વર્ષે “કાવ્યમહોત્સવ”નું આયોજન કરે છે અને CHiTra એટલે કે, Center for the Study of Hindu Traditions દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરાવે છે. ૨૦૧૨માં પ્રથમ શરુઆત થઈ તે પછી આ વર્ષે ડો.દિનેશભાઈ શાહે તેમના પત્ની સ્વ.શ્રીમતિ સુવર્ણાબેનના સ્મરણાર્થે નવે.ની ૧ અને ૨ તારીખે આ કાર્યક્રમ યોજ્યો હતો.

બરાબર સવારે ૯ વાગે માનનીય ડો.દિનેશભાઈ શાહે કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ સમજાવી શરુઆત કરી.સૌ પ્રથમ હિન્દુ ટ્રેડીશન સેન્ટરના ડિરેક્ટર, શ્રીમતી વસુધાબેન નારાયણે સ્વાગત-વચનથી સૌને આવકાર્યા અને ભારતની સંસ્કૃતિ, વિવિધ ભાષા, હિંદુ પ્રણાલી, તેનુ મહત્વ અને ગુજરાત પર પ્રકાશ પાડતો આ સેન્ટરનો હેતુ સુંદર રીતે ગૌરવભેર વિગતવાર સમજાવ્યો. ત્યારપછી લગભગ ૧૫ થી ૨૦ કવિઓ અને વક્તાઓ વચ્ચે પાંચ દોરમાં પથરાયેલા બે દિવસના ‘પોએટ્રી ફેસ્ટીવલ’ની શરુઆત થઈ.

સૌથી પ્રથમ જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે વાંસળી ડોટ કોમના સર્જક કવિ શ્રી કૃષ્ણભાઈ દવેથી કાવ્યોત્સવનો આરંભ થયો.કશી યે ઔપચારિક્તા વગર સીધેસીધી કવિતાથી જ તેમણે પહેલા સેશનનો પ્રારંભ કર્યો. બુલંદ અવાજ, મસ્તીભરી છટા અને મુક્ત અદાથી ‘આવો,મારી સાથે આવો…પહેરી લો પવન પાવડી છંદોની,લયની’ કહી જાણે કે આખાયે સભાગૃહને આંગળી પકડાવી કવિતાના આકાશમાં ઉડાન આદરી. “વિહંગ જેમ પાંખો પ્રસારીને બેઠા, ગમી જ્યાં ગયું, નિરાંતે જ બેઠા” અને “આપણે તો આવળ ને બાવળની જાત, ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહિ” ની ખુબસૂરત રજૂઆત દ્વારા શબ્દે શબ્દે અવનવા ભાવોની પાંખને ઉઘાડતા અને ઉડાવતા એક અનોખી સૈર કરાવી. થોડી ગઝલની પણ ઝલક આપી કે ‘ગઝલના ખરલમાં મને ખુબ ઘૂંટી…નીચોવી, નીચોવી નીતારીને બેઠા” અને લાંબી બહેરમાં “લ્હેરખીને શ્વાસમાં ભળવું હતું, પણ બારીબારણાં ખોલો જ નહિ તો શું થાય” કહી સતત તાળીઓ મેળવતા રહ્યાં. નરસિંહ મહેતાના ઝુલણા છંદમાં, ક્રિયાપદોથી સભર ઝુલાવતી ગઝલ, તો કૂટ-પ્રશ્ન જેવી ‘મહાભારતની માથાકૂટ’ સંભળાવી સિફતપૂર્વક જાણે શ્રોતાઓના જ્ઞાનની રમતિયાળ પરીક્ષા લેતી, મઝા કરાવતી રચના કુશળતાથી રજૂ કરતા ગયાં.આહ અને વાહની વચ્ચે એક પછી એક આબાદ કવિતાઓનું રસપાન કરાવતા કરાવતાં સમય-મર્યાદામાં રહી “બે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયાં.કોઈ ન સમજી શક્યાં, અમે દિલને સમજાવી નીકળી ગયાં’ કહી અટકી ગયાં.

ત્યારપછી ફ્લોરીડાના કવયિત્રી ડો.સ્નેહલતાબેન પંડ્યાએ કેટલીક કવિતાઓ સુંદર રીતે સંભળાવી કે “તમે આવો તો અંધારા ઓરડામાં એક સવાર થઈ જાય” અને અમેરિકાની ઉત્તર દિશામાં પાનખરના રંગો પર લખાયેલી સ્વરચના “સૂતેલા સપનાને ઢંઢોળ્યા, છૂપી પોટલીઓથી ઢોળ્યાં,કેસરવાટકડીમાં ઘોળ્યાં,પીંછીઓથી કેવાં ઝબોળ્યાં, આ રંગો કોણે ઢોળ્યાં’ તથા ‘અમે તો ઉડતા પંખી, અમે તો ઊડીએ દેશવિદેશે…”ભાવભેર રજૂ કરી ગયાં.

હવે વારો આવ્યો એક એવી વ્યક્તિનો કે જેમને જીવનના જુદા જુદા રસ્તાઓના ક્રોસ રોડ પર કવિતાના કંપાસે જીવંત અને સક્રિય રાખ્યાં છે તેવાં વૈજ્ઞાનિક કવિ ડો.દિનેશભાઈ શાહનો. તેમણે એક વૈજ્ઞાનિકની નજરે નિરીક્ષણ, પરીક્ષણ, પ્રશ્ન અને પરિણામની પ્રક્રિયામાંથી સર્જાયેલ ‘આગિયાના તેજ’ પર ‘આ આગિયો ઝબકીને ખરતો’ કાવ્ય સંભળાવ્યું તો ‘માણસાઈના દીવા ઝળકતા યુગો સુધી’, અને ‘સાથી વિનાનું જીવન ઝાંઝવાના જળ જેવું કેમ લાગે’ તથા ‘માટી તણી આ જેલને મહેલ સમજું ક્યાં સુધી? વગેરે કાવ્યો રજૂ કર્યાં. પોતાના જીવનના અનુભવોનો અર્ક પ્રગટ કરતાં સુંદર, ખમીરવંતી પંક્તિઓ કહી કે ‘મોતનો મને ડર નથી, જીંદગી ડરાવી જાય છે. મોત છે ફક્ત બે ઘડીનો ખેલ, જીંદગી રોજનો સંગ્રામ છે.’ અને ‘આંખ ખોલું ને મીંચુ એમાં દહાડો ક્યાં વહી જાતો રે, કોઠી ભરું ને ખાલી કરું એમાં જન્મારો વહી જાતો રે’.

અગિયાર વાગ્યે એક નાનકડાં કોફી બ્રેક પછી, ડો. દિગેશ ચોક્સી અનેશ્રી હિંમતભાઈ પારેખની રાહબરી હેઠળ કાર્યક્રમનો બીજો દોર શરુ થયો. ગેઈન્સ્વિલ સાથે ૨૦૦૩ થી જોડાયેલ ડલાસના એક સારા ગઝલકાર સ્વ.હિમાંશુભાઈ ભટ્ટની ચિરવિદાયને એક વર્ષ પૂરું થયુ હોઈ તેમના સાથી તેજલબેન ભટ્ટની હાજરીમાં શબ્દાંજલિ અર્પવામાં આવી. દિનેશભાઈ અને સ્નેહલતાબેને સ્વ.હિમાંશુભાઈની ગઝલના શેર સાથે જૂની વાતોને તાજી કરી વાતાવરણને ભીનાશથી ભરી દીધું. દિનેશભાઈએ ખુબ હ્રદયસ્પર્શી અને ઇશ્વરને પ્રશ્નાત્મક કવિતા સંભળાવી કે,
ધૂપસળી જેવું જેનું જીવન હતું, હવે ધૂપ જલાવો શા માટે? આંખોના તેજ બૂઝાઈ ગયાં, હવે ઘીના દીવા શા માટે?
‘મળે કદી જો જીવનમાં તો ઇશ્વરને મારે પૂછવું છે, કે સારા માનવની વૈકુંઠમાં તને જરૂર પડે છે શા માટે?’  તે પછી દિગેશભાઈ ચોક્સીએ ભાષાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને “ગુજરાતી ભાષાના ચીર ખેંચાઈ રહ્યાં છે” ની ઘણી માર્મિક વાત અને હિંમતભાઈ પારેખે પણ’ મૂઠી ઉંચેરા માનવી’ ના એવોર્ડની વાત કરી.

ત્યારબાદ અનેક સાહિત્યિક પારિતોષિકો મેળવનાર‘ગુજલીશ’ ગઝલોના રાજ્જા ગણાતા શ્રી અદમભાઈ ટંકારવી સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું. પ્રેમ વિષયને હાથમાં લઈ, ભીંજાવું એજ કવિતા છે, એ કાનમાં કહેવાની વાત છે કહી જાણીતા અને માનીતા ર.પા, બાલમુકુન્દ દવે,મુકુલ ચોક્સી વગેરેની અમર પંક્તિઓને દોહરાવી.પછી ધીરે ધીરે ‘ગુર્જરી જામ છલોછલ છું, સાથે બેસી પીનાર શોધું છું’ કહી ધીમું હસતા હસતા ગુજલીશ ગઝલો ગગડાવતા ગયા અને સભાજનોનું હાસ્ય પામતા ગયા. ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થઈ જાય છે’ અને ‘તું નથી તેનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ’ અને હૈયાંને વીંધતી વાત કે ‘ બાઈબલ ખોલું ને સીતા નીકળે અને રામાયણમાંથી ફરિશ્તા નીકળે, ઝેર તો કોઈ બીજું જ પી ગયું ને ખાલી પ્યાલામાંથી મીરા નીકળે’ જેવી રજૂઆત કરી. બ્રિટનમાં રહેતાં રહેતાં સર્જાયેલી ડયસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીંછીથી કલાત્મક રીતે સજાવી સૌની વાહવાહ લેતા ગયાં અને સ્ટેન્ડીંગ ઓવેશન પણ પામતા ગયાં.કવિતાઓના શ્રાવણમાં ભીજાયેલ શ્રોતાઓની આરઝુ અને અરજ વધતા ગયાં અને ફરી એક વાર કવિ શ્રી કૃષ્ણભાઈ દવે અને અદમભાઈ વારાફરતી મંચ પર આવ્યાં. કૃષ્ણ દવે ‘એક મંકોડે મીટીંગ બોલાવી’.તથા ‘એક લીમડાને આવી ગયો તાવ’ .અને અદ્ભૂત રીતે નિર્દોષ બાળ-સહજ ભાવોની મુખમુદ્રાથી અર્થસભર બાળગીત રજૂ કરી આશ્ચર્ય ચકિત કરી દીધાં.તો આદમભાઇએ કવિ શ્રી રઈશભાઈ મણિયારની અને પોતાની પણ હઝલ સંભળાવીને આખા યે માહોલને હાસ્યથી તરબોળ કરી દીધો. હઝલ-મદિરાના એક પછી એક જામ પીવડાવતા ગયાં અને સાંભળનારાઓ મદહોશ થતાં રહ્યા.૨૦૧૨માં કવિ શ્રી મુકેશ જોશીએ કહ્યું હતું કે કદાચ કવિઓની આ ગાંડી જમાતથી જ દૂનિયા ચાલે છે!! હસીહસીને લોટપોટ થયેલા વાતાવરણમાં વચ્ચે વચ્ચે દિનેશભાઈ પણ રંગ છાંટતા રહ્યાં. ત્યારબાદ આયોજન મુજબ સર્યૂબેન પરીખ, હિંમતભાઈ પારેખ, સપના વિજાપુરા, દિગેશભાઈ ચોક્સી, સુધાકરભાઈ ભટ્ટ,રવિભાઈ, સુશ્રુત પંડ્યા વગેરે રસિકમિત્રોએ પણ પોતાની અને અન્ય કવિઓની કૃતિઓ પેશ કરી.

ભોજનનો સમય થઈ ગયો હોવા છતાં કવિતાનો થાળ પીરસાતો રહ્યો અને સાહિત્ય જગતમાં જેમનું નામ અજાણ્યું નથી તેવા અને દૂનિયાના ૧૧૨ દેશમાં ફરેલાં પ્રવાસિની કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા માઈક પર હાજર થયાં. ‘સોનેરી પાંજરુ અને રૂપેરી બારણું ઉંચેરી ડાળીથી ઝુલ્યાં કરે’ અને ‘એક નામ વગરનું પંખી,વિરામ વગરનું પંખી’ એવાં બે પંખીગીતો સંભળાવ્યાં. બીજી એક સુંદર કવિતા ‘મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા યે હરિયાળા થાય’ અને ‘સૂરજને વરસાદમાં ન્હાવું હોય એમ બને, મેઘધનુ પરથી સરકવું હોય એમ બને’ રજૂ કર્યું આ ઉપરાંત તેમણે દ્વારકાથી પોરબંદર જતા રચેલું કાવ્ય, દ.આાફ્રિકા ખંડની બાજુના દેશમાં લખેલ કાવ્ય, સોરઠ ભૂમિનું, માછીમારણનું, સમયની સફરનું એમ ઘણાં કાવ્યો રજૂ કર્યાં. સૌથી મઝાના છેલ્લાં ત્રણ કાવ્યો ‘મુખરધ્વનિ કલકલ નિનાદ…ઉત્તરધ્રુવના સ્થળે લખાયેલ ચિરપ્રેમની કવિતા અને ગુજરાત પર એક ‘રાજ્યગીત’ સૌના માનીતા બની ગયાં.
બપોરે સ્વાદિષ્ટ ભોજન માણી ફરી ત્રીજા દોરથી આ મહોત્સવ આગળ ચાલ્યો.હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતામાંથી ખાસ પધારેલ ડો.ઈન્દુબેન શાહ વિવિધ વિષયો લઈને પ્રસ્તૂત થયાં.તેમના નવા પૂસ્તક ‘ભાસ-આભાસમાંથી ચૂંટેલી રચનાઓ જેવી કે, પાનખર, વિદાય સૂરજ,સત્સંગી છત્રી,મનસા અને ભાસ-આભાસ સંભળાવતા ગયા.‘મનની મનસા ભારે, વણઝાર સતત રાહ ચાલી’,‘કિનારે જાઉં કે નદીમાં તરું? તટે સ્થિર ઉભી આ શું વિચારો કરું?’ અને ‘આયનો કહે પિંજર જીર્ણ છે તારું, જીવ કહે કામ ઘણું બાકી છે તારું’ વગેરે સરસ રીતે રજૂ કરતા ગયાં.તો એક મઝાની અંગત ખુશીની, લગ્નના ૪૫ વર્ષની ઉજવણી પર રચેલ રોમેન્ટિક કૃતિ ખુશીખુશી, ગુલાબી રીતે રજૂઆત કરી સૌને આનંદ પમાડી ગયાં.
તે પછી આ સેશનના વિષયને અનુલક્ષીને લગભગ દસ જેટલાં રસિકોએ પોતપોતાનો સૂર સંભળાવ્યો..મનુભાઈએ પ્રેમની, મરીઝ અને શૂન્ય પાલનપુરીના અમર શેરની, સર્યૂબેને “ઝંખવાયેલા ચાંદ’ પર, સુધાકર ભટ્ટે ઇશ્વર વિષે, સપના વિજાપુરાએ વાંસળીથી રંગાયેલી ચુંદડીની તો દિગેશભાઈ ચોક્સીએ શ્યામલ મુનશીની ભૂગોળ પરની કવિતા પરથી પોતે લખેલ બાયોલોજીની રચના રજૂ કરી! સુમનભાઈ પંડ્યાએ “ધરી નવલખી હીરા, ગાતી છંદો ધીરા…નીસરી અંબર કન્યા લઈને મંજીરા’ ગીત ગાયું. તે પછી સૌના આશ્ચર્ય વચ્ચે ફીજીથી ફ્લોરીડા સ્થળાંતર કરેલ કુમળી કળી જેવી રૂપાળી બેન સોનલે સ્વરચિત બે લીટી કાલીઘેલી, મીઠ્ઠી જબાનમાં સંભળાવી સૌને મુગ્ધ કરી દીધા.આવા મહોત્સવની પ્રેરણા આશીર્વાદરૂપે ક્યાં ક્યાં ફેલાતી હશે! કદાચ આમ જ ગુજરાતી ભાષા જરૂર જીવતી રહેશે. સૌથી વધુ દાદ મળી શીતલભાઇના મુક્તકો પર કે ‘કોઈ ક્યાં કોઈને નડતું હોય છે, આભ ક્યાં ધરતીને નડતું હોય છે. એક સિક્કો આંખને આંજી ગયો, સુખ રસ્તા પરથી મળતું હોય છે.’ આનંદના આ અવસરની એરણ પર સમય સરતો જતો હતો.
ચોથો દોર આમંત્રિત દેવિકાબેન ધ્રુવ ( હ્યુસ્ટન )ના હાથમાં આવ્યો. સપનાબેન વિજાપુરા લખે છે તે પ્રમાણે “૩૦ મિનિટની રજૂઆતમાં દેવિકાબેન મેદાન મારી ગયાં. શરુઆતમાં આપણા મહાન કવિઓ સુંદરમ, બાલાશંકર કંથારિયા, ‘બેફામ’વગેરેની અમર પંક્તિઓ અને શેરથી વક્તવ્યની પૂર્વભૂમિકા બાંધીને ખુબ કલાત્મક રીતે,અવાજના સુંદર આરોહ અવરોહ થકી પ્રકૃતિ,પ્રેમ,પરમતત્ત્વ અને જીંદગી વિષયક સ્વરચનાઓ સંભળાવતા ગયાં, શ્રોતાઓની ‘દુબારા’ વારંવાર પામતા ગયાં. વિષયને સાંકળીને હાજર રહેલાં કવિઓની પંક્તિઓને પણ સાથે ગૂંથી લઈને એક મઝાનો રંગ હળવાશથી ભરતા ગયાં. સ્વરકાર શ્રી કર્ણિક શાહે સ્વરબધ્ધ કરેલી તેમની કેટલીક પંક્તિઓની ઝલક ઃ ‘પલપલ શબદ લખત મનભાવન, ઝરત પ્રીત મન કરત પાવન’, ‘દૂરથી સોહામણું ને પાસથી બિહામણું, જીંદગીને ભવ્યાથી માપતું નગર જુઓ’.તથા ‘તડકો વીંટીને અંગ બેઠા’તા સંગ સંગ’… ’જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે, સારી કે નરસી જે મળી શણગારવાની હોય છે’ અને ‘કવિતા ફૂટતી ક્યાંથી સુહાની વાત રહેવા દો, નકામા માંડ રુઝાયેલ ઘાની વાત રહેવા દો.”વગેરે..
ત્યારપછી ચ્હા-કોફીના વિલંબિત વિરામને અંતે, આજની કવિતાના દોરની પૂર્ણાહુતિ કરી સૌ સાંજે ૬.૩૦ વાગે ફરી મળ્યાં.  કોલેજ ઓફ લીબરલ આર્ટસ અને સાયન્સના ડીન શ્રી ડેવિડ રીચાર્ડસન, અતિથિવિષેશ તરીકે “દેશવિદેશ’ના મેનેજીંગ તંત્રી શ્રી રાજ અને અરુણા શાહ તથા સેવાભાવી, એવોર્ડ વિજેતા ડો. ભાલાણીની હાજરીમાં ભોજન, સંગીત સંધ્યા અને કેટલાંક પુસ્તક-વિમોચન કરવામાં આવ્યા. કવિઓને સન્માન-પત્ર માનપૂર્વક એનાયત કરવામાં આવ્યા.શ્રી કર્ણિક શાહના સંગીતની મસ્તી માણતા સૌ ઝુમી ઉઠીને, ગરબા-રાસની લ્હાણ માણી રહ્યા. અંતે પ્રથમ દિવસનો કાર્યક્રમ રાતના ૧૦.૩૦ વાગે પૂરો થયો.

બીજા દિવસે એટલે કે નવે.ની બીજી તારીખે સવારે ૯ વાગે કવિતાનો પાંચમો દોર, આમંત્રિત બાનુમા ‘સપના’ વિજાપુરા( શિકાગો)થી શરુ થયો. તેમણે પોતાની મંદ મંદ મુસકાનથી ‘મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,આજ મધુકર અને સુમન તારા જ સ્મરણો લાવશે” અને ‘હોય છે આંસુમાં અગન કોણ માનશે? તો ય હસતા હોય છે વદન,કોણ માનશે?’થી સુંદર ઉપાડ કર્યો. વતન પ્રેમની વાતમાં ‘જનતા અહીં પળપળ મરે, આ દેશ આઝાદ ક્યાં છે? અને સૌ ધર્મને નામે ચરે, આ દેશ આઝાદ ક્યાં છે? ની ખુબ ધારદાર રજૂઆત કરી તો વળી પુત્ર પ્રેમની અતિ કોમળ વાત ‘ઓ કલેજાના ટૂકડા તને ઉડવા ગગન આપું, ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું’ કવિતા ખુબ મ્રુદુતાથી સંભળાવી. આ ઉપરાંત તેમણે સ્ત્રી વ્યથાનું એક અછાંદસ અને બે હિન્દી રચના પણ સુપેરે વાંચી. ખુલી આંખના અને સમી સાંજના સપના નામના બે કાવ્ય-સંગ્રહના સર્જક સપનાબેન એક અતિ સંવેદનશીલ કવયિત્રી છે.

તે પછી ડો.દિનેશ શાહે પણ કેટલીક મનગમતી રચનાઓ અને ‘જેનું જીવન ગીતાનો સાર હતો તેની પાછળ ગીતા વાંચો શા માટે?’ જેવી સુંદર મર્મભરી વાતો કરી. ચહા કોફીના વિરામ બાદ બરાબર ૧૦.૪૫ મિનિટે કાર્યક્રમનો છઠ્ઠો અને છેલ્લો દોર આમંત્રિત સર્યૂબેન પરીખથી શરુ થયો. સર્યૂબેન હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા સાથે શરૂઆતથી જ જોડાયેલાં છે પણ હાલ ઓસ્ટીનમાં રહે છે. તેમણે પહેલી પ્રીતના જુવાળની કવિતાથી વાતાવરણમાં તાજગીનો રંગ ભરી દીધો. એક સ્નેહાળ હ્રદયની વાત ‘સ્નેહના વહેણને કોઈની શર્ત નહિ’ રજૂ કરી. તો સંમતિ-લગ્ન અંગે ‘પસંદ-પરમાણ ને પછી પ્રેમ આવશે’ ની એક ઉંચેરી વાત કહી. ‘તું મને દેખે ન દેખે’માં ઇશ્વરને સંપૂર્ણ સમર્પણની અભિવ્યક્તિ વર્ણવી તો ધ્યાન અનુભવની ‘ખુલી આંખના અંધારે ટમટમતો ઝાંખો એક દીવો’ અને ‘નિરાશાના અંધારા ઓરડે એકલતા દર્દની દિવાલે’ તથા ‘આતુર આંખો રે મારી બારણે અથડાય’ એવી જુદા જુદા વિષયોને આવરી લેતી રચનાઓ રજૂ કરી. ‘રૂઠતી પળોને સમેટતી હું વાટમાં’ માં મૃત્યુનો સંકેત અને ‘નહિ રે કરો મારા કાનાની વાત’માં માતૃભાવ તો વળી મધુમાલતી મગન ઝુલતી ફરી’માં પુષ્પ-પ્રેમ અને ‘ફરી મળ્યાની તક મળી, તકલીફ ના ગણો’માં મૈત્રીભાવ સુંદર રીતે રજૂ કર્યા.

સમયની સીમાને સતત ધ્યાનમાં રાખતા રાખતા લોકલાગણી ફરી પાછી જઈને બેઠી કૃષ્ણભાઈ અને આદમભાઈ પર અને ફરી એક વાર બંનેની કાવ્યધારા શરુ થઈ. પોએટ્રી ફેસ્ટીવલના આયોજકોને શાબાશી આપતાં કૃષ્ણભાઈએ કહ્યું કે ‘આવા કોઇ બિંદુ એકઠા થઈ સરવાણી બનો.. કારણકે ‘છેક ટોચે ભીંજાય, જાત સોંસરવું જાય,આખું ભીતર ઘૂંટાય, હૈયું ભીંજાય ને પછી વહેતું થાય તેને ઝરણું કહેવાય’ ને તેપછી તો ટીકાકારોને જવાબ આપતું ગીત,બાળગીત અને એક પછી એક સુંદર ગીતો આવતા જ ગયાં, રજૂ થતાં જ રહ્યા.‘મને સ્યુગરકોટેડ એક જીભ મળી ગઈ, મને તાળી સાંભળવાની એક ટેવ પડી ગઈ. અને ‘મારી આ પંક્તિ છે, છાપો, એક તો એવોર્ડ આપો’,વાંસલડી ડોટ કોમ, મોરપીંછ ડોટ કોમનું મધુરું ગીત, ’તમે બેસજો હોં ને,જુઓ ભૂલું પડ્યું છે એક ગીત વગે્રે ગીતોની છોળો ઉડાડી છેલ્લે ‘જાઉં છું પણ બંધ પાંપણમાં બે પાંચ સપનાઓને સરકાવતો જાઉં છું’ કહી શ્રોતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે માઈક છોડવાની પણ કવિતા રજૂ કરી ગયાં.

તેના જવાબરૂપે તરત જ આદમભાઇ ઉભા થયા અને કહ્યું કે હવે હું માઈક વગર સંભળાવીશ! તેમણે સોમથી રવિની એક સાપ્તાહિક “દર્દકોટેડ”! રચના રજૂ કરી..બીજાં કેટલાંક સરસ શેરની ઝલક કે ‘એમાં ક્યાં કઈ રસકસ છે,ભાષા ભૂખડી બારસ છે. ગઝલ-નિયમન રાખો, બે બસ છે.‘ તરત કોઈ બોલી ઊઠ્યું કુટુંબ નિયમનની જેમ? અને સભાગૃહમાં ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળ્યું. ડાયસ્પોરિક સંવેદનાના શેર કે ‘માણસને એવું યે કરવું પડે છે, કોઈ ના જુએ તેમ રડવું પડે છે!,  ‘ગુજરાતીમાં એ આવો કહે છે તો મારા કાને એક ટહુકો પડે છે.ગુજરાતીમાં જો વાતો કરે છે તો હોઠથી ફૂલો ઝરે છે”.વતન ઝુરાપાની વાત કરતાં તેમનો એક શબ્દ ‘ગલીવટો’ સૌને ખુબ ગમી ગયો. સમય પૂરો થયો અને શીતલભાઈ જોશીએ મઝાનું મુકતક રમતુ મૂક્યું કે ‘બોસ,સાચે તમે મઝામાં છો? કે મઝાના હજી નશામાં છો? આપણે ચાલતા હતા ત્યારે કેમ લાગ્યું કે તમે સહેજ હવામાં છો?’ અને ‘દોડતા દોડતા હાંફવાનું નહિ, જીંદગી જીવતા થાકવાનું નહિ. આથમે સૂર્ય માથે ચડેલો છતાં રાત થઈ એમ ધારવાનું નહિ’ બીજા પણ બે સુંદર મુક્તકો સંભળાવી આ છેલ્લો દોર અને કાર્યક્રમ પણ પૂરો કર્યો. આભાર અને સહ ભોજનનો આનંદ માણી સહુ વિખરાયા.
આમ, યુનિ.ઓફ ફ્લોરિડાએ ઉંચા ઉદ્દેશથી યોજેલ આવો ગુજરાત દર્શનનો સફળ કાર્યક્રમ વિશ્વના દરેક દેશોની યુનિ.માં થવો જોઈએ. બિનભારતિય યુનિ.ના ચિત્રા સેન્ટરના આ વિભાગના ડીરેક્ટર શ્રીમતિ વસુધાબેન નારાયણ બિનગુજરાતી હોવા છતાં સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સતત ખડે પગે ઊભા રહી, વ્યવસ્થામાં વ્યસ્ત છતાં ઉપસ્થિત રહી, આનંદ માણ્યો તે માટે આપણા કોટિ કોટિ વંદન હો અને ડો. દિનેશભાઈ જેવાં દાતા અને ફરિશ્તાને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ જ ઘટે. જીવતરના ગોખલે ઝગમગી રહે તેવાં ઉત્સવના આ આનંદને, કવિતાના ઝરણાંઓની જેમ ખળખળ વહેતો રાખી વિરમુ.

અસ્તુ..

દેવિકા રાહુલ ધ્રુવ

 

February 7, 2014

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

રજકણ

વાદળ દળની ધારે ફરતી,સોનેરી  કોર સળવળ સળવળ
નાની શી એક રજકણ ખોલે આભલુ આખું ઝળહળ ઝળહળ.
કોઈ આવી પીંછી લઈને ચીતરે સુંદર રંગ અનોખા,
દિવ્ય મનોહર દ્રશ્ય અનુપમ ,નીખરે સઘળા વિશ્વે હરપળ.
શાંત  પડેલી લાગણીઓના ધૂમ્મસછાયા પડળો ઘેરા,
કંકર પડતા વલયો રચતા જળના તળ તો ખળભળ ખળભળ.
ખોલે અચાનક મનના દ્વારે દૂરથી પ્રેમે હાથ પસારી,
સમજણ કેરી રજકણ ખોલે, નયને અશ્રુ ઝળઝળ  ઝળઝળ.
પાંપણના પલકારા સરખી પળની અહીં છે આવન-જાવન,
આદિ-અંત છે છે નોખા અનોખા, જડ-ચેતનના નિશ્ચે પ્રતિપળ.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.