કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન.-દેવિકા રાહુલ ધ્રુવ
શ્રી કૃષ્ણ દવેની તાજેતરમાં રચાયેલ કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.
! ! ! ફેસબુક ! ! !
એની લાઈકથી જીવી જવાય છે . બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે . એની લાઈકથી જીવી જવાય છે .છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે. એની લાઈકથી જીવી જવાય છે .બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે. એની લાઈકથી જીવી જવાય છે .દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે એની લાઈકથી જીવી જવાય છે .કૃષ્ણ દવે . તા-21.11.16
રસદર્શનઃ
મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઉતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદ્રષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ કહેતા હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જીંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.
અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ.“કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દ પ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.
બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઉભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.
ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં “દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર”શું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જીંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..” આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.
કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે.મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ,ચેટ,લોગઈન,ટચસ્ક્રીન,લાઈક,રીક્વેસ્ટ,ફેસબુક,કોમેન્ટ,મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે,ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે.
સીધી ફેસબૂકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના ઉન્મેષ જગવે છે. “એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ યથાર્થ બની જાત એમ લાગ્યું.એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.
કાવ્યના અનેક પ્રકારો છે તેમાંનો એક પ્રકાર મોનો-ઈમેજ છે. ઈમેજ એટલે કલ્પન. અહીં કલ્પન એટલે બુધ્ધિપૂર્વકનું લાગણીસભર સંકુલ શબ્દચિત્ર. મોનો-ઈમેજના મૂળ ૨૦ મી સદીની શરુઆતમાં અંગ્રેજ-અમેરિકન કવિતાઓમાંથી મળે છે. ૧૯૦૯થી ૧૯૧૭ વચ્ચેના સમયગાળામાં જોરશોરથી તેની ચર્ચાઓ ચાલી. એના મુખ્ય પ્રવર્તક ટી.ઈ. હ્યુમ. અને સૌથી મોટું પ્રદાન કર્યું એઝરા પાઉન્ડ અને રીચાર્ડ એલિંગ્ટને. એઝરા પાઉન્ડ તો એમ કહે છે કે, It is better to present one image in a life time than to produce voluminous work. ત્યાંથી આપણે ત્યાં આ કલ્પનવાદ છઠ્ઠા-સાતમા દાયકામાં ઉતરી આવ્યો. જો કે, આ એક ઓછો ખેડાયેલો અને બહુ પ્રચલિત નહિ તેવો અછાંદસ ટૂંકી કવિતાનો પ્રકાર છે.
આપણે ત્યાં તેનાં જુદા જુદા નામો પણ વિચારવામાં આવ્યાં. જેમકે, કશુંક નવું કરવાની ધગશ રાખતા શ્રી મધુ કોઠારીએ તેનું નામ “નવકાવ્યપ્રકાર’ આપ્યો. કવિ શ્રી ઉમાશંકર જોશી એ ‘ભાવપ્રતીક’ કાવ્ય કહી બિરદાવ્યું. શ્રી સુરેશ જોશીએ ‘ચિત્રકલ્પ” કહ્યું તો શ્રી ભાયાણીને તેના અર્થબોધ માટે “કલ્પન’ શબ્દ વધુ સચોટ લાગ્યો.શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ “પ્રતિરૂપ” શબ્દ આપ્યો.
હવે આ મોનો ઈમેજના બાહ્ય સ્વરૂપની વાત કરીએ. એ ગદ્યની જેમ લખાતું ટૂંકું સ્વરૂપ છે. લાઘવ પર ભાર મૂકતું ગદ્યદેહે આલેખાતું આ સ્વરૂપ છે.તેમાં નિરર્થક શબ્દોને સ્થાન જ નથી. કદાચ હાઈકુથી મોટું પણ તેમાં અક્ષરોની કોઈ નિશ્ચિત્ત સંખ્યા કે માત્રાઓની ગણતરી નથી. કોઈ જાતના છંદની યોજના પણ નથી. એ ગદ્યની જેમ લખાતું પદ્ય છે!! એનું આંતરિક રૂપ બહુ મઝાનું છે.
અગાઉ કહ્યું તેમ આમાં જે કલ્પન છે તે બે પ્રકારના હોઈ શકે. સ્મૃત અને કલ્પિત.
૧) સ્મૃત- પહેલાં જોયેલી કે અનુભવેલી કોઈ વસ્તુ કે કોઈ દ્રશ્યોની છાપ મનોજગતમા, એની ચેતનામાં ક્યાંક સંગ્રહાઈને પડેલી હોય છે. તે છાપ ક્યારેક ફરીફરીને સળવળતી હોય છે. જ્યારે તે છાપને શબ્દોમાં ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે ઉતારવામાં આવે છે ત્યારે તે મોનોઈમેજ કાવ્ય બને છે.
૨)કલ્પન- કવિ પોતાની કલ્પનાશક્તિ વડે, જોયેલાં કે જોવાતાં,અનુભવેલાં કે અનુભવાતાં દ્રશ્યોમાં કલ્પના ઉમેરી કશું નવું નિર્માણ કરે તે કલ્પિત કલ્પન. એને અલંકારોથી મઢી શબ્દસ્થ કર્યા હોય.આમાં મૌલિકતા અને અર્થસભરતા વિશેષ હોય. અભિધા અને વ્યંજના બંને હોય. તેથી તેનો પ્રભાવ ભાવકના મનમાં ઉન્મેષ અને આનંદ જગાવે. An image is that presents an intellectual & emotional complex in an instant of time.
શ્રી યોસેફ મેકવાન લખે છે કે,કેલીડોસ્કોપમાં જરાક અમથા હલનચલનથી ચિત્ર-વિચિત્ર મોહક રંગોના સંમિશ્રણવાળી જાતજાતની આકૃતિઓ –આકારો રચાય અને ચિત્તમાં આનંદનો દીવો ઝબૂક ઝબૂક થયા કરે, એવો કોઈ અસ્તિત્ત્વને ઝકઝોરતો અનુભવ કરાવે તે કવિનું કલાકારી કલ્પન.
થોડાં ઉદાહરણ જોઈએ. મધુ કોઠારીનું મોનોઈમેજ કાવ્ય.
૧)
કોમ્પ્યુટર તને ચહેરો દોરતા આવડે છે? તો મારા ચહેરામાં મારી માતાનું મૌન. ચીતરી દે અને ચીતરી દે મારામાં રહેલું બાળક.
૨)
ચાંદની મારા પર ફેલાઈ ને હું બની ગયો બગલો. હવે પકડ્યા કરું છું, વિચારોની માછલી આખી રાત.
અમેરિકામાં રહેતા પ્રીતમ લખલાણીનું એક મોનો-ઈમેજ કાવ્યઃહાર્ટબીટ જેવી ફેન્ટસી છે આમાં.
૧) છત્રી છતાં મુગ્ધા કોઈની યાદમાં તરબોળ ભીંજાય..
૨) ઝાકળથી લખેલ પત્ર ફૂલ પતંગિયા દ્વારા કોને મોકલતું હશે?
સંકલનઃ દેવિકા ધ્રુવ સંદર્ભઃ યોસેફ મેકવાનના પુસ્તક અને અન્ય વિવિધ માધ્યમનું વાચન..
The family is a delicate web of relationships. It is our own private world with its joys and sorrows, hopes and fears. It is the whole world in microcosm. This book provides the words for moments of memory and an art of hearts. It explores the relationships with parents and grand-parents. These glimpses will give new insights of legacy into our families for each new and future generations.
This English Book has few Gujarati scanned pages also.
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ.
સંસ્કૃતથી સંસ્કૃતિના માણસ શ્રી ભાગ્યેશ જહાની ઉપસ્થિતિમાં,વરસાદના જોરદાર ઝાપટા વચ્ચે, ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૬૫મી બેઠક, ૧૨મી જૂનની ભીની ભીની સાંજે યોજાઈ. પ્રાર્થના,સ્વાગત અને પરિચયની વિધિ પછી ભાગ્યેશભાઈએ સંસ્કૃતમાં “વાગર્થાવિવ સમ્પૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે, જગતઃપિતર્રૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ…થી વક્તવ્યની શરુઆત સંસ્કૃતમાં જ કરી. આ કોમ્પ્યુટરના આધુનિક યુગમાં, વેબવિશ્વમાં પ્રમ્પ્ટ ધારીને બેઠેલી ચીપરૂપી સરસ્વતી દેવીના પ્રારંભથી સૌ શ્રોતાજનોને પોતાની અદભૂત વાગ્ધારાના પકડમાં લઈ લીધા.
કવિતાની શરુઆત, વિદ્વાન પિતાની યાદો સાથે, આજના વરસાદી વાતાવરણને જોડી એક ગામડાના વરસાદના માહોલને તાદૃશ કરી મઝાની કવિતા સંભળાવી કે “તમે વરસાદે કેમ કદી મળતા નથી, તમે મેઘધનુષની જેમ કેમ મળતા નથી”. કવિતા વેદનામાંથી આવે છે એવા કથન સાથે એક વ્યંગ-કાવ્ય રજૂ કર્યું કે; “અમે તો એક્ટિવિસ્ટો,….. ટવીસ્ટ કરી ગાવું એ જ અમારો મેનીફેસ્ટો”!
ત્યારબાદ પોતાના વોશિંગ્ટનના અનુભવોને યાદ કરતા, ‘જ્યોર્જ વોશિંગ્ટન તમારા મહામેટ્રોની જય હો’ કહી ‘સલામ વોશિંગ્ટન’ની કવિતા રજૂ કરી. એ જ ભાવને મહેસાણાની ભાષામાં “મારું હારું મેટ્રો નામનું ગાડું,ફટાક દૈને ડાઉનટાઉન પોંક્યું,જબરુ હારું ગાડું..આ વાતના અનુસંધાનમાં એક ખેડૂતની ભાષામાં પણ હમજ્યો મારા દિયોર,ખરા બપોરે ચ્યોંથી આયા મારા દિયોર” એવી હળવી રચના સંભળાવી શ્રોતાજનોને હસાવ્યા.
મઝાથી મહાલતા અને રજૂઆત કરતા આ કવિએ બે-ત્રણ પારિવારિક કાવ્યો “ દીકરી રંગોળી દોરે છે” અને પિતાના મૃત્યુ ટાણે “મૃત્યુ ખોલે છે એક અજાણી બારી” રજૂ કરી સભાગૃહને લાગણીભીના કરી દીધા. તો પત્ની અંગેનું કાવ્ય “ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા”પણ ખૂબ જ સુંદર રીતે સંભળાવ્યું. ‘એન આર આઇ’ નું એક ગીત “તમે અહીંથી ના જાઓ તો સારું રહે, કે જળને વહેવાનું એક કારણ રહે..પ્રસ્તૂત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
ત્યાર પછી જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તે ચિતોડગઢની વાતને યાદ કરી આ માધવ અને મૂરલીના મોહક કવિએ ભાવભેર “ મેં તો ઝેરનો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…! મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!’ અને ‘આરપાર, આસપાસ અઢળક ઊભો છું, તમે પાછાં વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો” અને “SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,મોરલી મોબાઇલ જેવી રાખો.” વાળી તેમની જાણીતી કવિતાઓ રજૂ કરી સૌની વાહ વાહ મેળવતા રહ્યાં.
છેલ્લે, ગાંધારી નામના હાલ લખાઈ રહેલા પોતાના નાટકના પ્રોજેક્ટની માહિતી, કાલિદાસના મેઘદૂત,રઘુવંશનો થોડો અછડતો ઉલ્લેખ,, સંસ્કૃતમાં લખેલા ગરબાની ઝલક અને શ્રી નરેન્દ્ર મોદી સાથેના કામના સંસ્મરણોની વાતો પણ કરી. શ્રોતાજનોના કેટલાંક પ્રશ્નોના ઉત્તરો આપ્યા પછી શ્રી ભાગ્યેશભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. સાહિત્ય સરિતા તરફથી આભાર વિધિ અને આગામી કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ સભા સમાપ્ત થઈ. બે કલાક ચાલેલી આ રસપ્રદ બેઠક પછી સૌ સભાજનો અલ્પાહારને ન્યાય આપી વિખેરાયા.
આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા એક કાબેલ અને કુશળ તથા માધવ અને મોરલીના કવિ સાથે ગાળેલી આ સાંજ, સાહિત્ય સરિતાના પાના પર એક સુગંધિત મોરપીંછ સમી મહેંકી રહી. પંદર-સોળ વર્ષથી ચાલતી હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના અહોભાગ્યમાં એક વધુ ઉમેરો થયો. અંતે ગુજરાતી સાહિત્ય એકેડેમી સાથે આ ગૌરવવંતી સંસ્થાના સંધાનની આશા સાથે અહીં વિરમીએ.
“આનંદ-ઉપવન” માર્ચ ૧૬,૨૦૧૬ માં પ્રકાશિત થયેલી લઘુવાર્તા.
ૠણાનુબંધ..
છેલ્લાં કેટલાં યે દિવસોથી ખોવાયેલા અને ગૂંચવાયેલા રહેતા સમીરના ચહેરા પર રાહતની રેખાઓ જોતાં નેહાને મનમાં હાશ થઈ. આજે તો નેહાએ પણ સમીરને એક સરસ વાત કરવાની હતી.પણ પહેલાં સમીરનું કારણ જાણવું હતું. તે પોતાની આતુરતા વ્યક્ત કરે તે પહેલાં તો સમીરે વાતની શરુઆત કરી.
“નેહા, સાંભળ. આજે તો માઈકે મને એક ગેબી રીતે મદદ કરી.” માઈકનું નામ સાંભળતા જ નેહાની આંખ સામે ૧૨ વર્ષ પહેલાંનો એ ગોઝારો દિવસ પસાર થયો. માઈક અને સમીર સહ–કાર્યકર. કામમાં એકબીજાના પૂરક. અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારથી માઈકની સાથે, એક જ કંપનીમાં બંને તનતોડ કામ કરતા. રાત–દિવસ જોયા વગર બંને સતત મહેનત કરતા. કંપનીને કારણે વિદેશ પણ સાથે જ જતા. સવારના નાસ્તાથી માંડીને સાંજના ભોજન અને સૂવાના સમય સુધી સાથે ને સાથે જ. ૧૨ મી માર્ચનો એ દિવસ..શાન્ગાઈ, ચાઈનાની એક હોટલમાં આગલી સાંજે ભોજન પછી, છૂટા પડતી વખતે માઈકે કહ્યું હતું.” સમીર, કાલે સવારે મારે વહેલા ઉઠવું છે. મારી દિકરીનો જન્મ દિવસ છે.” બસ, પછી એ રાતના, વધુ પડતી સીગારેટને કારણે એના ફેફસા…હા, એ કદી ઉઠી શક્યો જ નહિ. સમીર ખુબ ભાંગી પડ્યો. ગમે તેટલો પ્રયત્ન કરે પણ વળી વળીને એના દરેક કામમાં માઈકનો ચહેરો તરવરે.આ વાતને વર્ષો વીતી ગયાં. નેહાએ ઝડપથી એ યાદોને ઝાટકીને સમીર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
સમીરે વાત આગળ વધારી. ”નેહા, ગયા અઠવાડિયે કંપનીના એક ઉપરીએ મને એક નવા પ્રોજેક્ટ અંગે ખુબ મહત્વનો સવાલ પૂછ્યો હતો. પહેલાં તો હું થોડી ક્ષણ ગૂંચવાયો. પરંતુ બીજી જ ક્ષણે મેં ભાવો છૂપાવીને શીઘ્ર જવાબ આપી દીધો. જવાબ આપતા તો આપી દીધો.પરંતુ પછી વિચાર આવ્યો કે, મારા જવાબ ઉપર તો અમારી કંપનીના નફા–નુક્સાનનો મોટો આધાર હતો. આજે જો માઈક હોત તો આ મૂંઝવણ ન હોત. પછી મેં આપેલ જવાબ સાચો છે કે નહિ તેની ખાત્રી કરવા આજે સવારે હુંમાઈકની જૂની ઓફિસે ગયો. ઘણી બધી ફાઈલો ફંફોસવા માંડી. કંઈ હાથ ન લાગતા હું માથે હાથ દઈને બેસી પડ્યો.. ત્યાં જ એક ચમત્કાર જેવું કંઈક થયું.. સમીર અવિરત બોલ્યે જતો હતો. “નેહા,માઈકની જૂની ઑફિસની સેક્રેટરી આવીને એક મોટું કવર આપી ગઈ. ઝડપભેર મેં એ કવર ખોલ્યું ને હું સ્તબ્ધ થઈ ગયો ! ઓહ માય ગૉડ ! આ તો એ જ ફાઈલ જેમાં નવા પ્રોજેક્ટનો આખો પ્લાન હતો. એ જ માઈકના અક્ષર ! અને આ સેક્રેટરી ક્યાંથી ? એ કોણ હતી!! માઈક અને એની સેક્રેટરીની જગા તો પૂરાઈ ગઈ હતી!! સમીર આશ્ચર્ય અને ચમત્કારની મિશ્ર લાગણીઓ વચ્ચે અવાક થઈને ઝડપભેર ઘેર આવ્યો હતો. હા, નેહા, આજે પણ માઈકે મને એક ગેબી રીતે મદદ કરી. કયો તાર છે એની સાથે ? શું સંબંધ છે મારે આ પરદેશી માણસ સાથે? “ નેહા એકદમ ચોંકી ગઈ. તે બોલીઃ “અરે, આજે જ સવારે તારા ગયા પછી માઈકની પત્ની વિક્ટોરિયાનો પણ ફોન હતો. તેણે સમાચાર આપ્યાં કે, તેની દીકરીને ત્યાં આજે જ વહેલી સવારે દિકરાનો જન્મ થયો છે!” બંનેના કાનમાં માઈકના છેલ્લાં શબ્દો પડઘાયા“ કાલે સવારે મારે વહેલા ઉઠવું છે. મારી દિકરીનો જન્મ દિવસ છે.” ને બંનેની નજર કેલેન્ડરના પાના ઉપર પડી. આજે પણ ૧૨ મી માર્ચ!!! એક જ તારીખે, ત્રણ જુદા જુદા સ્થાને ખેંચાયેલા માઈકનો તાર!!
મૃત્યુનો, મૈત્રીનો અને અધૂરી ઝંખનાનો.. સંબંધના આ તે કેવા સમીકરણો?!!