jump to navigation

રસદર્શન -૧ January 12, 2017

Posted by devikadhruva in : રસદર્શન , trackback

કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન.-દેવિકા રાહુલ ધ્રુવ

શ્રી કૃષ્ણ દવેની તાજેતરમાં  રચાયેલ કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.

! ! ! ફેસબુક ! ! !

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .કૃષ્ણ દવે . તા-21.11.16

રસદર્શનઃ

મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઉતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદ્રષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ  કહેતા હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જીંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.

અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ.“કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દ પ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.

બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઉભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.

ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેરશું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જીંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..”  આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.

કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે.મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ,ચેટ,લોગઈન,ટચસ્ક્રીન,લાઈક,રીક્વેસ્ટ,ફેસબુક,કોમેન્ટ,મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે,ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે.

સીધી ફેસબૂકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના  ઉન્મેષ જગવે છે. “એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે  માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ  યથાર્થ બની જાત એમ લાગ્યું.એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.

દેવિકા ધ્રુવ  

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.