jump to navigation

મોનો-ઈમેજ કાવ્ય-પ્રકારઃ December 19, 2016

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , trackback

મોનો-ઈમેજ કાવ્ય-પ્રકારઃ

 

કાવ્યના અનેક પ્રકારો છે તેમાંનો એક પ્રકાર મોનો-ઈમેજ છે. ઈમેજ એટલે કલ્પન.  અહીં કલ્પન એટલે બુધ્ધિપૂર્વકનું લાગણીસભર સંકુલ શબ્દચિત્ર. મોનો-ઈમેજના મૂળ ૨૦ મી સદીની શરુઆતમાં અંગ્રેજ-અમેરિકન કવિતાઓમાંથી મળે છે. ૧૯૦૯થી ૧૯૧૭ વચ્ચેના સમયગાળામાં જોરશોરથી તેની ચર્ચાઓ ચાલી. એના મુખ્ય પ્રવર્તક ટી.ઈ. હ્યુમ. અને સૌથી મોટું પ્રદાન કર્યું એઝરા પાઉન્ડ અને રીચાર્ડ એલિંગ્ટને. એઝરા પાઉન્ડ તો એમ કહે છે કે, It is better to present one image in a life time than to produce voluminous work. ત્યાંથી આપણે ત્યાં આ કલ્પનવાદ છઠ્ઠા-સાતમા દાયકામાં ઉતરી આવ્યો. જો કે, આ એક ઓછો ખેડાયેલો અને બહુ પ્રચલિત નહિ તેવો અછાંદસ ટૂંકી કવિતાનો પ્રકાર છે.

 

આપણે ત્યાં તેનાં જુદા જુદા નામો પણ વિચારવામાં આવ્યાં. જેમકે, કશુંક નવું કરવાની ધગશ રાખતા શ્રી મધુ કોઠારીએ તેનું નામ “નવકાવ્યપ્રકાર’ આપ્યો. કવિ શ્રી ઉમાશંકર જોશી એ ‘ભાવપ્રતીક’ કાવ્ય કહી બિરદાવ્યું. શ્રી સુરેશ જોશીએ ‘ચિત્રકલ્પ” કહ્યું તો શ્રી ભાયાણીને તેના અર્થબોધ માટે “કલ્પન’ શબ્દ વધુ સચોટ લાગ્યો.શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ “પ્રતિરૂપ” શબ્દ આપ્યો.

 

હવે આ મોનો ઈમેજના  બાહ્ય સ્વરૂપની વાત કરીએ. એ ગદ્યની જેમ લખાતું ટૂંકું સ્વરૂપ છે. લાઘવ પર ભાર મૂકતું ગદ્યદેહે આલેખાતું આ સ્વરૂપ છે.તેમાં નિરર્થક શબ્દોને સ્થાન જ નથી. કદાચ હાઈકુથી મોટું પણ તેમાં અક્ષરોની કોઈ નિશ્ચિત્ત સંખ્યા કે માત્રાઓની ગણતરી નથી. કોઈ જાતના છંદની યોજના પણ નથી. એ ગદ્યની જેમ લખાતું પદ્ય છે!! એનું આંતરિક રૂપ બહુ મઝાનું છે.

 

અગાઉ કહ્યું તેમ આમાં જે કલ્પન છે તે બે પ્રકારના હોઈ શકે. સ્મૃત અને કલ્પિત.

 

૧) સ્મૃત- પહેલાં જોયેલી કે અનુભવેલી કોઈ વસ્તુ કે કોઈ દ્રશ્યોની છાપ મનોજગતમા, એની ચેતનામાં ક્યાંક સંગ્રહાઈને પડેલી હોય છે. તે છાપ ક્યારેક ફરીફરીને સળવળતી હોય છે. જ્યારે તે છાપને શબ્દોમાં ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે ઉતારવામાં આવે છે ત્યારે તે મોનોઈમેજ કાવ્ય બને છે.

 

૨)કલ્પન- કવિ પોતાની કલ્પનાશક્તિ વડે, જોયેલાં કે જોવાતાં,અનુભવેલાં કે અનુભવાતાં દ્રશ્યોમાં કલ્પના ઉમેરી કશું નવું નિર્માણ કરે તે કલ્પિત કલ્પન. એને અલંકારોથી મઢી શબ્દસ્થ કર્યા હોય.આમાં મૌલિકતા  અને અર્થસભરતા વિશેષ હોય. અભિધા અને વ્યંજના બંને હોય. તેથી તેનો પ્રભાવ ભાવકના મનમાં ઉન્મેષ અને આનંદ જગાવે. An image is that presents an intellectual & emotional complex in an instant of time.

 

શ્રી યોસેફ મેકવાન લખે છે કે,કેલીડોસ્કોપમાં જરાક અમથા હલનચલનથી ચિત્ર-વિચિત્ર મોહક રંગોના સંમિશ્રણવાળી જાતજાતની આકૃતિઓ –આકારો રચાય અને ચિત્તમાં આનંદનો દીવો ઝબૂક ઝબૂક થયા કરે, એવો કોઈ અસ્તિત્ત્વને ઝકઝોરતો અનુભવ કરાવે  તે કવિનું કલાકારી  કલ્પન.

 

થોડાં ઉદાહરણ જોઈએ. મધુ કોઠારીનું મોનોઈમેજ કાવ્ય.

૧)

કોમ્પ્યુટર
તને ચહેરો દોરતા આવડે છે?
તો મારા ચહેરામાં
મારી માતાનું મૌન.
ચીતરી દે
અને ચીતરી દે
મારામાં રહેલું બાળક.

 

૨)

ચાંદની
મારા પર ફેલાઈ
ને હું બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું,
વિચારોની માછલી
આખી રાત.

 

અમેરિકામાં રહેતા પ્રીતમ લખલાણીનું એક મોનો-ઈમેજ કાવ્યઃહાર્ટબીટ જેવી ફેન્ટસી છે આમાં.

૧)
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય..

૨)
ઝાકળથી
લખેલ પત્ર
ફૂલ
પતંગિયા દ્વારા
કોને મોકલતું હશે?

 

સંકલનઃ દેવિકા ધ્રુવ
સંદર્ભઃ યોસેફ મેકવાનના પુસ્તક અને
અન્ય વિવિધ માધ્યમનું વાચન..

 

Comments»

1. પરથીભાઈ ચૌધરી,"રાજ", બાળ કવિ, લોક સાહિત્યકાર, ભજનિક. - March 13, 2023

શબ્દે મઢેલું મોનો ઈમેજ કાવ્ય ઘણું બધું કહી જાય છે. શબ્દે શબ્દે વિવિધ કલ્પન સર્જકની આગવી પ્રતિભા ઉભી કરે છે.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.