jump to navigation

કવિ, લેખકોના નામની અંતાક્ષરી… June 21, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

અવિનાશ વ્યાસ.                                    સુંદરમ

મકરંદ દવે                                               વિનોદ જોશી

શૂન્ય પાલનપુરી                                       રઈશ મણિયાર

રાજેંદ્ર શાહ                                              હરીન્દ્ર  દવે

વિવેક ટેલર                                              રમેશ પારેખ

ખબરદાર                                                 રાજેંદ્ર શુક્લ

લતા હિરાણી                                            નર્મદ

દલપતરામ                                              માધવ રામાનુજ

જોસેફ મેકવાન                                       નિરંજન ભગત

તુષાર શુક્લ                                             લાભશંકર ઠાકર

રામનારાયણ પાઠક                                 કલાપી

પ્રિયકાંત મણિયાર                                   રન્નાદે શાહ

હરનીશ જાની                                         નરસિંહ મહેતા

તુલસીદાસ                                              સૈફ પાલનપુરી

રવિંન્દ્રનાથ ટાગોર                                   રાજેશ વ્યાસ

સ્નેહ રશ્મિ                                              મનોજ ખંડેરિયા

અનિલ ચાવડા                                         દુલા ભાયા

યોસેફ મેકવાન                                        નીતિન વડગામા

મરીઝ                                                     ઝવેરચંદ મેઘાણી

નાનાલાલ                                               લલિત ત્રિવેદી

દયારામ                                                  મેગી અસનાની
                            નરેંદ્ર મોદી

 

ભારની હળવાશ…. June 2, 2020

Posted by devikadhruva in : Uncategorized , 1 comment so far

આકાશમાં ઉડવાની મઝા અને મસ્તી માણતા

મુક્ત પંખીની પાંખ અચાનક …

એક તીરથી વીંધાઈ.

એ છેક જમીન પર પછડાયુંં.

મૂર્છિત થઈને પડ્યું.

એને લાગ્યું એની પાંખ કપાઈ ગઈ,

પીંછે પીંછા વેરવિખેર થઈ ગયાં.

ત્યાં દૂર આભલેથી એક ટીપું પડ્યું,

એ સળવળ્યું. એક બીજું,ત્રીજું,ચોથું..

ધીરે ધીરે ટીપાંઓનો છંટકાવ થતો ગયો.

એણે  આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો.

આજુબાજું જોયું.

બેઠા થવાનો પ્રયત્ન કર્યો;

બધું જ યથાવત હતું, પાંખો પણ!

તો શું એ સ્વપ્ન હતું?!

ના, ના..પણ..  એમ માની  જ લીધું.

ખરી પાંખ તો એની પાસે  જ છે! છે જ.

શબ્દની પાંખ.

દેવિકા રાહુલ ધ્રુવ

ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક February 16, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક

‘આથમણી કોરનો ઉજાસ’ને…લેખિકા દેવિકા ધ્રુવ અને નયના પટેલ…

 

 

 

આથમણી કોરનો ઉજાસ-પત્રશ્રેણી

કલમને કરતાલે …. July 17, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

 

લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….

 

રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે

મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે

ટમટમ ટમકે અક્ષર જાણે, નભને તારે તારે

લો અમે તો ચાલ્યાં પાછાં શબ્દને સથવારે  ….….

 

મબલખ અઢળક ઘેરી-ઘેરી, વરસ્યાં નવલખ ધારે

વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે

તટના ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે પાંખે

લો અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે ….…

 

હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે

જૂઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે

સચરાચરનો પાર પમાડે, શબ્દ બ્રહ્મની પાળે

લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે ….

 

ઈ-વિદ્યાલય-૬ March 14, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 (૬)

ગયા વખતે આપણે કલમ શબ્દ વિશે જાણ્યું. એ અંગે ‘સુરેશદાદા’એ ખૂબ મઝાની વીડિયો મૂકી અને  કલમની ઉત્પત્તિ,તેનો ક્રમિક વિકાસ અને એ વિશેનો ઈતિહાસ પણ સમજાવ્યો.  મને ખાત્રી છે તમને સૌને ખૂબ આનંદ આવ્યો હશે અને રસ પણ પડ્યો હશે. બરાબર ને? તો ચાલો, હવે કલમ થકી જેના ઉપર અક્ષરો લખાય છે તે ‘કાગળ’ વિશે થોડી વાત કરીએ.

કાગળ શબ્દના જુદા જુદાં સાત-આઠ જેટલા અર્થો થાય. જાણીતા શબ્દકોશો કહે છે તે મુજબ કાગળ એટલે પત્ર,દસ્તાવેજ,એક જાતનું ઝાડ, હૂંડીનો છેલ્લો ભાગ જેના પર લખાય તે, લોન, પત્રિકા, તુમાર, વગેરે. તુમાર એટલે કે લાંબો પત્રવ્યવહાર. હવે આ તો એના બધા અર્થો થયા.

કાગળ શબ્દનું મૂળ શોધતા શોધતા જાણવા મળ્યું કે મુસલમાનો જ્યારે હિંદમાં આવ્યા ત્યારે કાગઝ कागज़ શબ્દ પરથી ગુજરાતીમાં કાગળ શબ્દ દાખલ થયો.  પેલું ગીત યાદ આવ્યું?
“ કોરા કાગઝ થા યે મન મેરા…લિખ લિયા નામ ઉસ પે તેરા”…એ કાગઝ.. પણ તે પહેલાં મૂળ તો ફારસીમાં શબ્દ હતો  “કાગદ”.  તે સમયે ચીંથરાઓને કોહાવ્યા બાદ તેને બરાબર મસળતા કે કૂટતા અને તે પછી તેને માવા જેવો લીસો બનાવી સફાઈદાર પતરાં જેવું બનાવતા અને તેના ઉપર લખતા. તે કાગદ. જૂના જમાનામાં તો લોકો તાડપત્ર પર લખતા. જાણવા મળ્યું છે તે મુજબ પહેલવહેલો જાપાન અને ચીનમાં કાગળ બનાવવામાં આવ્યો હતો. જુદા જુદા દેશમાં કાગળ જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.

હા, તો આપણે ફારસી ભાષામાં ‘કાગદ’ શબ્દની વાત કરતા હતા. જો તમે અમદાવાદના હો તો માણેકચોક પાસે કાગદી બજારમાં જરૂર ગયા હશો. ત્યાં ‘કાગદી સોનીવાલા’ને  ત્યાંથી જ  લોકો વધુમાં વધુ નોટબૂકો ખરીદે. તે હવે સમજાય છે ને?!!

હવે કાગળ અર્થવાળા બીજાં પણ કેટલાક શબ્દો જોઈએ. દા.ત. ટપાલ,ખત,સમાચાર,ચિઠ્ઠી,ચબરખી,વગેરે.. આ ઉપરાંત, કાગળ શબ્દની સાથે ઘણા બધા રૂઢિપ્રયોગો પણ સાંભળવા મળે છે. બરાબર ને?  થોડા ઉદાહરણ લઈએ.
કાગળિયા કરવા= છૂટાછેડા લેવા,
કાગળ ફોડવો.= વાત જાહેર કરી દેવી.
કાગળ માંગવો=ભલામણ કરવી.
કાગળની હોડીથી દરિયો ન તરાય= કામ પ્રમાણે સાધન વપરાય.
કાગળે ચડવું= પ્રસિધ્ધ થવું,ચકચાર થવું..
કાગળની કોથળી=નાજુક વસ્તુ.
કાગળિયું કરવું=ન ગમતું કશું થવું. વગેરે વગેરે…

કલમ,કાગળ અને હવે એને લગતો શબ્દ કવિ. સંસ્કૃતમાં  क्व् ધાતુ છે તેનો અર્થ થાય જોડવું.. કવિતા જોડનાર કવિ કહેવાય. તે ઉપરાંત શબ્દની વ્યુત્પત્તિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, कु ધાતુ સાથે अच પ્રત્યય इ જોડીને કવિ શબ્દ બન્યો છે તેનો અર્થ થાય છે ‘આકાશ’, સર્વજ્ઞતા’. કવિઓની કલ્પના અગાધ હોય છે, આકાશ જેટલી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.

હવે આ કવિઓ જે સુંદર રચના કરે તેને કાવ્ય કહેવાય. કાવ્ય શબ્દ कव् ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. कव् નો અર્થ થાય છે બોલવું. જેમાં કોઈ વિશેષ કથન હોય, બોધ હોય તે જ કાવ્ય કહેવામાં આવે છે. विशेषणं कवनं भवति तत् काव्यम्।  જો કે, કાવ્ય અંગે ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. પણ આપણે એ બધી ચર્ચામાં ઊંડા ઉતરતા નથી. એટલું જ જાણી લઈએ કે  કવિ શબ્દને  સુંદર અને ભાગ્યવાન બનાવે છે, તો શબ્દ કવિને અમર બનાવે છે.

અસ્તુ.

ઈ-વિદ્યાલય-૪ February 27, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 (૪)

હમણાં એક માધ્યમિક શાળામાં ભણતા છોકરાએ પૂછ્યું કે, ગુજરાતી ભાષા આવી ક્યાંથી? અને આપણે જે બોલીએ છીએ તે અને લખાય છે તેમાં ફેર લાગે છે. તો આ બધું શું છે? આવા સવાલો ખૂબ વ્યાજબી પણ છે અને તેના જવાબો જાણવા જરૂરી પણ છે.

 

આમ તો વાત બહુ લાંબી છે, કારણ કે એનો એક આખો ઈતિહાસ છે. પણ આજે થોડા શબ્દોમાં આપણે એટલું તો સમજી લઈએ કે, ગુજરાતી ભાષા મૂળ ઈન્ડો-આર્યન કૂળમાંથી છૂટી પડેલી છે. પછી સમયની સાથે સાથે જુદી જુદી રીતે વિક્સેલી છે. પહેલાં વેદોના સમયથી સંસ્કૃત,પછી પ્રાકૃત બની તેમાંથી વળી અપભ્રંશ થતી થતી દરેક પ્રાંત મુજબ જુદી જુદી ભાષા બની. દા.ત. ગુજરાતી,બંગાળી,પંજાબી વગેરે. અને પછી તો ગુજરાતમાં પણ ગામે ગામે બોલી બદલાવા માંડી. કેવી નવાઈની વાત છે ને?

 

બીજું એ કે ગુજરાત ઉપર દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે અનેક લોકોએ આવીને ચઢાઈ કરી. દા.ત. શક,હૂણ,મુગલ,પારસી,બ્રીટીશ વગેરે. હવે શું થયું કે, આ બધી પ્રજાના લોકોની બોલીની અસર પણ ગુજરાતી ભાષા ઉપર થઈ. તેથી ઘણાં ગુજરાતી શબ્દોના મૂળ ત્યાંથી પણ મળી આવે છે.

 

આજે આપણે થોડી એવા શબ્દોની વાતો કરીએ.  દા.ત.

‘મારે તમને રૂબરૂ મળવું છે.’

આ વાક્યમાં ‘રૂબરૂ’ શબ્દ છે તે  મૂળ ફારસી ભાષામાંથી આવેલો શબ્દ.

ફારસીમાં રૂ એટલે ચહેરો. બ એટલે તરફ.

રૂબરૂ એટલે કે  ચહેરા તરફ. નજર આગળ,  ચહેરાની સામે, હાજર, સમક્ષ, મોંઢામોંઢ, સામસામે, સન્મુખ વગેરે.

 

હવે મઝાનો આ શબ્દ જુઓ. રૂમાલ. આગળ કહ્યું તેમ ફારસીમાં રૂ એટલે ચહેરો અને માલ એટલે ઘસવું તે !! આમ, રૂમાલનો અર્થ મોં લૂછવાનો કટકો.  અને આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઘણીવાર રૂમાલી રોટલી ઓર્ડર કરીએ છીએ ને? તો એના મૂળમાં શું છે, ખબર છે? ફારસીમાં  કબૂતરની એક જાતને રૂમાલી કહે છે. હવે કબૂતર તો કેવું ગભરું અને પોચું, નરમ નરમ હોય ને? તો લો, એના પરથી પોચીપોચી અને નરમનરમ  ફૂલકા રોટલીનું વિશેષણ આવી ગયું! રૂમાલી રોટલી!

 

ખરેખર કેવા આશ્ચર્યો અને આનંદભરી આ બધી વાતો અને જાણકારી છે?!!

હવે રૂબ એટલે રજૂઆત. તેના ઉપરથી અરબી શબ્દ ‘રૂબાઈ’ આવ્યો કે જે ફારસી ભાષાની એક પ્રકારની કાવ્ય રચના છે.

બીજો એવો શબ્દ રૂઆબ. રૂઆબ એટલે કે રોફ, ભપકો, ફાંકો,આભિમાન વગેરે. રૂઆબદાર માણસ કહીએ છીએ ને?

વળી અરબી ભાષામાં  આવો જ એક ‘રબાબ’ શબ્દ છે તેના ઉપરથી રૂબાબ શબ્દ આવ્યો કે જે એક  સારંગી જેવું વાજિંત્રનું નામ બન્યું. મોટે ભાગે ફકીર લોકો એ રાખતા હોય છે.

રશિયાના એક ચાંદીના સિક્કાને રૂબલ કહેવામાં આવે છે.

 

 હા, બીજી એક વાત. દરિયો શબ્દ ફારસી ભાષામાં પણ છે. તેનો અર્થ ખારા પાણીનો મોટો વિસ્તાર થાય છે. ખૂબ જ વિસ્તારવાળું જે કંઈ તે દરિયો. દરિયો કેટલો મોટો છે? દા.ત. દરિયાઈ દિલ એટલે કે, બહુ મોટા મનવાળી વ્યક્તિ. વિશાળ હ્રદય ધરાવતી વ્યક્તિ.

હવે દરિયા અર્થના પણ કેટકેટલા બીજા શબ્દો છે?
સાગર,સમુદ્ર,સિંધુ,જલનિધિ,અબ્ધિ, ઉદધિ,રત્નાકર,અંભોનિધિ,સરિત્પતિ,રત્નાકર વગેરે..

 

આવતા અંકમાં વધુ વાતો….અલગ અલગ ભાષા અને બોલી અંગે..

 

ઈ-વિદ્યાલય -૩ February 26, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

( 3 )

પ્રિય  શબ્દપ્રેમી વિદ્યાર્થીઓ,

 આજના નવા બે શબ્દો છે  ‘મુખ્ય વિભાગ’. તમે જોશો કે ઈવિદ્યાલયના પ્રવેશદ્વાર વિશે જાણ્યા પછી આપણને જરૂર પડે છે મુખ્ય વિભાગમાં પહોંચવાની. બરાબર ને? પણ તેની વાત કરતા પહેલાં એક નાનકડી  બીજી અગત્યની વાત સમજી લઈએ.

 

ઘણીવાર આપણને સવાલ થાય કે, આ બધું જાણવાની શી જરૂર? શબ્દ એટલે શબ્દ. તેના મૂળની સાથે આપણને શું લેવા દેવા? તો એનો જવાબ એ છે કે, જેમ આપણે જુદી જુદી જગાઓનો પ્રવાસ કરવા જઈએ છીએ અને તેના વિશે જાણકારી મેળવીએ છીએ ત્યારે કેવી મઝા આવે છે! જેમ કોઈ વાર્તા વાંચીએ ત્યારે પછી શું થયું, કેવી રીતે વગેરે જીજ્ઞાસા જાગે છે અને વાંચતા વાંચતાં આપણને આનંદ મળે છે તે જ રીતે શબ્દના મૂળ અને તેના ક્રમિક વિકાસ વિશે જાણવાનો એક અનોખો આનંદ હોય છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ થાય છે.

આ વિશે ભાઈ શ્રી ઉર્વીશ કોઠારીનો એક સરસ લેખ વાંચવા મળ્યો જેનો થોડો સાર અહીં ટાંકું છું. તે કહે છે કે, જે રીતે એક સારી કવિતા, સારી રમૂજ કે સારી વાર્તા માણી શકાય એવી જ રીતે, ભાષારૂપી હિલસ્ટેશનની વિવિધ જગ્યાઓની સુંદરતા પણ માણી શકાય. ભાષાશાસ્ત્રીઓ ભલે વ્યાકરણના નિયમોમાં ઊંડા ઉતરે અને તેમનો આનંદ મેળવે. પણ મોટા ભાગના લોકો એટલા ઊંડા ઉતર્યા વગર પણ રોજિંદી ભાષામાંથી નાના પણ મજાના ઘૂંટડા ભરી શકે છે.
શબ્દોનું મૂળ અને તેની સાથે સંકળાયેલા બીજા અનેક શબ્દોની  વિવિધ વાતો એટલે શબ્દોની વ્યુત્પત્તિ. તો હવે સવાલ એ થાય કે આવી વિગતો મેળવવી ક્યાંથી? સાર્થ જોડણીકોશ, ભગવદ્‌ગોમંડળ શબ્દકોશ કે ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com જેવા કોશમાં  શબ્દોના મૂળની પ્રાથમિક  જાણકારી મળી શકે.

આટલી વાત જાણ્યા પછી હવે આપણી મૂળ વાત આપણા આજના શબ્દની.

મુખ્ય  અને વિભાગ.

મુખ્ય શબ્દનું મૂળ છે મુખ. સંસ્કૃત ભાષામાં તેનો અર્થ થાય આગળનું કે ઉપરનું. જેમ આપણા શરીરમાં ઉપરનો અને આગળનો ભાગ એટલે આપણું મુખ. મુખ્‍+ય. ય પ્રત્યય લગાડવાથી શબ્દ (વિશેષણ) બન્યો, મુખ્ય. તે રીતે કોઈપણ વ્યક્તિ આગળ પડતી હોય,અગત્યની હોય તેને મુખ્ય કહેવાય. કોઈપણ વસ્તુ માટે પણ એમ જ કહી શકાય. મુખ્ય શબ્દ એ વિશેષણ છે. દા.ત. મુખ્ય વિભાગ. એટલે કે વિભાગો તો ઘણા હોય.પણ એક ખાસ વિભાગ જેને મુખ્ય વિભાગ કહેવાય.

હવે વિભાગ શબ્દ ક્યાંથી આવ્યો? તેનું મૂળ શું? તો આ પણ સંસ્કૃત શબ્દ છે. એમ કહેવાય છે કે, સંસ્કૃત ભાષા ઘણી ભાષાઓની જનની છે. એટલે ઘણા શબ્દોના મૂળમાં સંસ્કૃત શબ્દો મળે છે.
વિ + ભાગ=વિશેષ રીતે કરેલ વહેંચણી,ભાગ,હિસ્સો વગેરે.

હવે આ બંને શબ્દો વિશે થોડું વધારે સમજીએ.

૧.‘મુખ્ય’ શબ્દના સમાનાર્થી શબ્દોઃ આગેવાન,પ્રથમ,પહેલું,આદિ,પ્રધાન,ખાસ,મહત્વનું,આદ્ય,અગ્રણી,નાયક વગેરે.

વિરોધી શબ્દઃ ગૌણ,અમુખ્ય છેલ્લું,પાછલું વગેરે..

૨.વિભાગ શબ્દના સમાનાર્થી શબ્દોઃ ભાગ,ખંડ હિસ્સો.

વિરોધી શબ્દઃ એક સ્થાને,એકત્ર, એક જગાએ, એક સાથે.સાથે સાથે.

હવે આ બધા શબ્દો પરથી કહેવતો પણ બને અને રૂઢિપ્રયોગો પણ થાય. વળી એક જ શબ્દના અનેક અર્થો પણ થાય. જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ વધુ મઝા આવતી જાય. પણ અત્યારે તો આપણે મુખ્ય વિભાગ જેવા થોડા શબ્દો બનાવીને અટકીએ.

દા.ત.
મુખ્ય વિષય,
મુખ્ય શિક્ષક,
મુખ્ય વડિલ,
મુખ્ય ન્યાયાધીશ,
મુખ્ય વક્તા,
મુખ્ય રસ,
મુખ્ય પ્રધાન વગેરે. તમે પણ પ્રયત્ન કરશો ને?

ઈ-વિદ્યાલયના મુખ્ય વિભાગમાં જશો તો ઘણા બધા વિભાગો જોવા મળશે. તેમાંથી તમને જે ખૂબ ગમે તે વિભાગમાં જઈ વાંચી, જ્ઞાન સાથે ગમ્મત મેળવજો.

આવજો.

દેવિકા ધ્રુવ.

 

સ્મરણની શેરીમાંથી….(૩) February 24, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

  (૩) ગામડાનો મહોલ્લો અને ઘર

ગામડાનું એ ફળિયું. બિલકુલ સામે દરજીનું ઘર, ડાબા હાથે વાળંદનુ અને, જમણા હાથે ચાર-પાંચ ઘર છોડી ગાયો-ભેંસોની ગમાણ. પૂળા ખાતી ગાયો અને દૂધ દોહતા માજીને હું જોઈ રહેતી. ઘણી વાર સાંજે બા ખીચડી બનાવી મને દૂધ લેવા મોકલતા. અને હાં, તે જમાનામાં ગામમાં સાટા પધ્ધતિ હજી યે ચાલુ હતી. જો કે, કાણિયો પૈસો અને પીળી  ચોરસ ઢબૂડી પણ ચલણમાં હતી. નાના/દાદા નાની ઉંમરમાં વિદાય થયેલાં તેથી બા મોટા પીળાં નળામાં રંગબેરંગી ખાટીમીઠી ગોળીઓ ભરી વેચતા અને  લાલપીળીલીલી બંગડીઓના બદલામાં થોડા પૈસા પણ મળતા એવું યાદ આવે છે. પણ મોટેભાગે વસ્તુના બદલામાં વસ્તુનો સાટા વ્યવહાર ચાલતો. જીવન એમ જ ચાલતું. ઘરની પાછળ વાડો હતો અને તેમાં સરસ મઝાનું ગોરસઆમલીનું ઝાડ હતું. અને તેની પાછળના રસ્તે એક દેરી હતી જેનો ઘંટ સાંજે સંભળાતો અને દૂરથી કોઈ સંચાનો પ્ણ ઘમઘમ ઘરેરાટી જેવો અવાજ સંભળાતો. ગામમાં કોઈ વાહન ન હતું. પગપાળા કે આઘે જવાનું હોય તો ગાડાંમાં બેસીને જવું પડે અથવા ઘોડા પર.

 

થોડી ઘરની વાત કરું. લીંપણની ઓકળીવાળો ફ્લોર. ઓકળી એટલે ચડઉતર તરંગો જેવી લીંપણની અર્ધચન્દ્રાકાર ડીઝાઈન. મને રંગોળી અને ડિઝાઈન પાડવી નાનપણથી જ ગમે તેથી મેં પણ  બાને જોઈ જોઈ ગારાથી ઓકળી પાડી લીંપ્યાનુ સ્મરણ છે. બહારની ઓસરીમાં દોરડા બાંધીને વચ્ચે પોતાના સાડલાઓમાંથી બનાવેલી નાની નાની ગાદીઓ મૂકીને તૈયાર કરેલો હિંચકો. નવરી પડું કે તરત જ હું એમાં જઈ મોટા મોટા હિંચકા ખાધા જ કરું. અત્યારે પણ ખાઉં છું, તરંગોના હિંચકા !!

 

રોજ રોજ તરંગની પાંખે, હું ઊડું છું, દૂરદૂર,જુદી,નવી સફરે ઉપડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની, કુદરત ને ભીતરની સફરે ઉડું છું.
હિરા-મોતી ખૂબ ખોબે ભરી લાવીને, અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે, શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.


પાછી મૂળ વાત પર આવું. ઓસરીના ખૂણામાં બે ત્રણ પાણીની ડોલ અને મોટું વાસણો ભરવાનું તગારું પડ્યું રહેતું.  દબાવો તો દૂધ નીકળે એવી થોરની વાડ ઘરનું રક્ષણ કરતી. તે તરફ એક નાનકડા ખાડા જેવું કરી ગાય-કૂતરાને માટે ખાવાનું ભરતા. નિયમિત સમયે ત્યાં ગાય આવતી અને ખાતી. કૂતરા તો સતત અવરજવર કરતા રહેતા.

 

ઘરની અંદર ડાબા હાથે માટીનો ચૂલો, ત્રાંબા-પિત્તળના થોડા વાસણો, એક મોટો ઉનમણો, કલાડી અને લાકડીઓનો ભારી રહેતી. કાળી ઝીણી જાળીવાળું લાકડાનું કબાટ જેમાં રાંધેલું ધાન,વધે તો ઢાંકતા. કબાટ નહિ પણ એક ખાસ શબ્દ…કદાચ ઉલાળિયું,આગળું.ખામણિયું એવું કંઈક બા બોલતા. સામે ખોલવાનાં બારણાં નહિ પણ ઉપરથી એને ઉઘાડવાનું. ઘણીવાર બહુ વાયરો આવે ત્યારે કમાડનો આગળિયો વાસી દે એમ પણ કહે. કમાડની પાછળ ઠંડક વાળી જગાએ પાણીની માટલી, ઢાંકેલું બૂઝારું અને ડોયો પડી રહેતા. બાકી તો ઘઉં ભરવાના મોટા નળા વગેરે જેમાં કેરીઓ પાકવા માટે મૂકાતી. મોટાં કહી શકાય એ ઓરડામાં જ વાળું પછી, પથારીઓ પથરાય. વરસાદ ન હોય ત્યારે તો બહાર જ કાથીના ખાટલા ઢાળી સૂવાનું. ઘીથી લથપથતી ઢીલી ખીચડી ખાઈ, બિન્દાસ થઈ ખુલ્લાં આકાશ નીચે, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે સૂવાની,આહાહા…. શી મઝા હતી! ભાઈબેનો સાથે રમ્યાની બહુ ઓછી યાદો છે. ઝઘડ્યાની તો બિલકુલ યાદ નથી. કદાચ ઝઘડ્યા જ નથી. સંજોગોને કારણે બધા જ સમજુ થઈ ગયા હતા!! ઘરની પાછળના વાડામાં જે ગોરસઆમલીનું ઝાડ હતું તે નાનું પણ રળિયામણું હતું. આજે તો એ બધું જ જમીનદોસ્ત થઈ ગયું છે પણ હજી યે મનના માંડવે ગૂંજતું રહ્યું છે.

 

ગામની કાંતા,તારા,શકરી,કોકી વગેરે બેનપણીઓના ચહેરા એવા ને એવા જ યાદ છે પણ કોઈ છોકરો નહિ હોય? કોઈ સ્મરણમાં જ નથી! ગામમાં છોકરો ન હોય એવું બને કાંઈ? રસપ્રદ સવાલ જાગ્યો.પૂછવું પડશે કોઈને!

 

આટલી સ્મૃતિઓ પછી આ બદલાતા જતા સમય અંગે હવે એક વધુ વિચાર જાગે છે. કે,  બદલાવ એ ખરેખર વિકાસ જ છે?!! આદિમાનવથી માંડીને આજસુધી પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરી છે એ વાત તો સાચી. પણ સૌએ યથોચિત બદલાવને અપનાવવો જોઈએ અને તે પણ મૂળ મૂલ્યોની જાળવણી કરીને. પરિવર્તનને નામે પાયાને હચમચાવી ન જ દેવાય. જ્યાં જન્મ્યાં એ ભૂમિનો ચોરસ ટૂકડો,એ માબાપ, એ માહોલનું રતનની જેમ જતન કરવું જ જોઈએ. એ જ સાચી સમૃધ્ધિ છે, વૈભવ છે,ખજાનો છે, કાયમી સધવારો છે. આગળ ચાલો, ચાલતા રહો પણ સારું અને આપણું પોતીકું, સ્મરણના ખાનામાં ગોઠવી માણતા રહો. સાચો આનંદ ખરા મૂલ્યોમાં છે. એને મનથી જાળવવામાં છે. દેખાડા ખાતર કે ધન-ઉપાર્જન માટે થતી ધંધાકિય પ્રવૃત્તિઓમાં નહિ.

 

હું હંમેશા માનતી આવી છું અને કહેતી પણ આવી છું કે wealth ( money) is not and should never be a definition of happiness. No outside source can give a real happiness. happiness is mostly in knowing who you are, your foundation and cherishing it the same way. It is a  feeling of pleasure and positivity.

 

માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો.

 

ગામડાંની  વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પણ તે હવે આવતા પ્રકરણમાં..

ઈ-વિદ્યાલય–૨ February 6, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment
 http://evidyalay.net/archives/109619
( )

પ્રિય ઈ-વિદ્યાર્થીઓ.

આજે કેવું સંબોધન કર્યું? ઈ-વિદ્યાર્થીઓ !

  ઈ ( ઈલોક્ટ્રોનિક્સનો ) સમય છે ને? ઈ-મેઇલની જેમ..ઈ-વિદ્યાલયની જેમ..ઈ-બુકની જેમ..

આજે આપણે શબ્દ લઈશું, વિદ્યાલય.

આ શબ્દને પહેલા આપણે છૂટા પાડી દઈએ. વિદ્યા+આલય.મૂળ સંસ્કૃત શબ્દ છે.

વિદ્યા= શિક્ષા,જ્ઞાન અભ્યાસ. અને આલય=જગા,સ્થાન,ધામ,આવાસ,નિવાસ,સદન,ઘર,ગૃહ

એટલે કે, જ્યાં શિક્ષણ આપવામાં આવતું હોય તે જગા.

તેના બીજાં શબ્દો છે નિશાળ,શાળા,પાઠશાળા વગેરે. અંગ્રેજીમાં ‘સ્કૂલ’ કહેવામાં આવે છે.

વિદ્યા પણ બહુ પ્રકારની હોય અને વિદ્યા શબ્દના બીજાં પણ અનેક અર્થો છે. પણ મુખ્ય અર્થ જ્ઞાન છે. મઝા આવે છે તમને? થોડાં વધુ ઊંડા જવું છે? તો સાંભળો.

સંસ્કૃત ભાષામાં શબ્દોના મૂળને તેનો ધાતુ કહેવાય. હવે આ વિદ્યા શબ્દના મૂળમાં ‘વિદ’ (દ ખોડો) એટલે કે, विद्=જાણવું અને અર્થી એટલે કે ઈચ્છાવાળું. આમ, જેને જાણવાની ઈચ્છા કે જીજ્ઞાસા છે તેને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાલયમાં જઈ વિદ્યા સંપૂર્ણ મળી જાય તેને વિદ્યાવાન કહેવાય. તમારે વિદ્યાવાન થવું છે ને બાળકો?

તે જ રીતે આલય શબ્દને પણ આ+લય એ રીતે સંસ્કૃતમાં છૂટો પાડવામાં આવે છે અને તેના પણ બીજાં ઘણાં અર્થો થાય. જેમ કે,  આ= સુધી અને લય એટલે નાશ. એટલે કે નાશ પામે ત્યાં સુધી, છેક સુધી. એના ઉપરથી તમે જાતે જ કેટલાંક શબ્દો વિચારી જુઓ.

હિમાલય= હિમ+આલય
દેવાલય=દેવ+આલય

કાર્યાલય=કાર્ય+આલય

વિદ્યાલય=વિદ્યા=આલય.

આપણી માતૃભાષા કેટલી મઝાની છે, નહિ?

એક વાત યાદ આવી. હું બહુ નાની હતી. કંઈ પણ વાંચુ તો મનમાં બહુ સવાલો થાય. વાક્યમાં કોઈ એક શબ્દ પર ધ્યાન જાય.દા.ત. “તેઓ હિમાલય  ફરવા ગયાં” વાંચ્યા પછી વિચાર આવે કે, હિમાલયને બદલે ‘શીતાલય’ કે ‘ટાઢાલય’ ના વપરાય?!! અર્થ તો એ જ થાય ને? હિમ એટલે ઠંડી, ટાઢ એટલે પણ ઠંડી અને શીત એટલે પણ ઠંડી. પછી મનમાં ને મનમાં હસવું પણ આવે. તમને પણ એવું થતું હશે ને? આ ઈવિદ્યાલયમાં એવા સવાલો પૂછવાની છૂટ છે હોં. તો અમને અને આ સુરેશદાદાને પણ ખબર પડે ને કે તમે વાંચ્યું!

બીજી પણ એક એવી જ વાત કહું. હસતાં,રમતાં ભણવાની બહુ મઝા આવે ને? મારા દીકરાનો દીકરો મને પૂછે કે, આપણે અંગ્રેજીમાં ૧૬,૧૭,૧૮ વગેરે નંબરોને સિક્સ+ટીન, સિક્સટીન કહીએ, સેવન+ટીન,એઈટ+ટીન અને નાઈન+ટીન કહીએ તો તે પછી ટેન+ટીન કેમ ના કહેવાય?!! સરસ અને વિચારવા જેવો સવાલ છે, હેં ને? તમે પણ આવા સવાલો કરો તો મને બહુ ગમે.

ચાલો બીજો એક શબ્દ લઈએ હવે?

તમે જે આ ઈ-વિદ્યાલયમાં ભણી રહ્યાં છો ને તેમાં ઈ-વિદ્યાલયના ચિત્રની નીચે ‘પ્રવેશ દ્વાર’ શબ્દ લખ્યો છે. બરાબર?

તેમાં પ્ર+વિશ+અ= પ્રવેશ અને દ્વાર=બારણું.

પ્ર એટલે આગળનું. અંગ્રેજીમાં જેને prefix કહેવાય છે ને તેને ગુજરાતી અને સંસ્કૃતમાં પણ ઉપસર્ગ કહેવાય છે.દા.ત. પ્રારંભ,પ્રગતિ,પ્રબળ,પ્રદર્શન. એ રીતે પ્રવેશ.

વિશ એટલે દાખલ થવું, અંદર જવું,આરંભ કરવો,શરૂઆત કરવી વગેરે.

પ્ર+વિશ+અ.  અ એટલે નામ બનાવવા માટે લગાડાતો પ્રત્યાય. પ્રવેશ કરવો એક ક્રિયા છે. પણ પ્રવેશ એકલો કહેવો હોય તો તેને નામ બનાવવું પડે ને? ત્યારે અ લગાડાય. હવે ફરીથી આખો શબ્દ વાંચોઃ પ્રવેશદ્વાર. અંદર દાખલ થવાનું બારણું. એટલે હવે કોઈપણ વ્યક્તિને આ ઈવિદ્યાલયમાં શું શું છે તે જોવું હોય કે શીખવું હોય તો પ્રવેશદ્વારમાં જઈએ તો બધું જ જોવાય અને શીખાય. જેમ નિશાળે જઈએ અને  બારણું ખોલીને દાખલ થઈએ તેમ જ.

પ્રવેશદ્વારને અંગ્રેજીમાં Entrance door  અને હિન્દીમાં आगमन दरवाज़ा   કે પ્રવેશદ્વાર પણ કહેવાય છે.

ચાલો, આજે અહીં ઘંટ વગાડી દઈ વર્ગ પૂરો કરીએ.

દેવિકા ધ્રુવ

 

ઈ-વિદ્યાલય–૧ January 30, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

http://evidyalay.net/archives/109514

 

શબ્દ -૧, પ્રાર્થના

 

 

ઈવિદ્યાલયના બાળકો માટે ખાસ…

પ્રિય બાળકો,

આજે વહેલી સવારે તમે યાદ આવ્યાં અને થયું તમારી સાથે કંઈક વાતો કરું. સૌથી પહેલા તો તમે આ ઈવિદ્યાલય પર જે ભણી રહ્યા છો તેને માટે અભિનંદન આપી દઉં. કારણ કે એમાં જાતજાતનું  કેટલું બધું શીખવાનું મળે છે! 

તમારી જેમ એમાંથી હું પણ શીખું છું હોં. એક વાત કહું ? મને સૌથી વધારે પ્રાર્થના વિભાગ ખૂબ ગમ્યો. તમને ખબર છે પ્રાર્થના એટલે શું? ચાલો એના વિશે થોડી વાતો કરીએ.   

આમ તો પ્રાર્થના એટલે બે હાથ જોડીને, આંખો બંધ કરીને ભગવાન પાસે કંઈ માંગવું તે એવો એનો અર્થ થાય. આપણે સૌ નાનપણથી આ કરીએ છીએ અને એનો અર્થ પણ જાણીએ છીએ. પણ આજે આપણે એના વિશે થોડી વધારે વાતો જાણીએ.

એક નવાઈની વાત કહું?  બહુ હસતાં નહિ.  થોડું મલકી લેજો જરૂર. આપણે આ ’પ્રાર્થના’ શબ્દ કેટલી સહેલાઈથી બોલી શકીએ છીએ પણ અમેરિકનો કે બીજી પરદેશી પ્રજાને તો એ બોલતા પણ ન આવડે અથવા બહું અઘરી લાગે. કેવી નવાઈની વાત હેં?

હા,તો આ પ્રાર્થના શબ્દનું મૂળ ક્યાંથી આવ્યું? પહેલાં આ શબ્દને છૂટો પાડીએ.

પ્ર+અર્થ=અન+આ
સંસ્કૃત ભાષામાં પ્ર એટલે સૌથી સારું,ઉત્તમ,શ્રેષ્ઠ.
અર્થ એટલે માંગવું તે.
અન એટલે પણું+માંગવાપણું
આ એટલે સ્ત્રી જાતિનો પ્રત્યય. પ્રાર્થના કેવી કહેવાય.

આ રીતે આખો શબ્દ થયો પ્રાર્થના. પ્રાર્થનાના પણ ઘણાં શબ્દો છે. દા.ત. વંદના,સ્તુતિ કરવી, શ્લોક ગાવો, મંત્ર બોલવો, બંદગી કરવી, સ્તવન કરવું, વિનંતી કે અરજ કરવી, ભજન ગાવું વગેરે. વળી પ્રાર્થનાનો અર્થ માંગણી ખરી.પરંતુ ગમે તેની પાસે માંગીએ તે પ્રાર્થના ન કહેવાય. માત્ર ઈશ્વર સામે જે વાતો કરીએ, ઈચ્છા કરીએ, કોઈનું શુભ ઈચ્છીએ કે ક્યારેક કંઈક માંગીએ અને તે પણ ખરા દિલથી તેને જ પ્રાર્થના કહેવાય. હવે સવાલ થાય કે ઈશ્વર એટલે કોણ? બરાબર ને? તો એનો જવાબ એવો છે કે, કોઈએ એને જોયો નથી પણ દરેક ક્ષણે એનો અનુભવ થાય છે. એણે જ આખું જગત રચ્યું છે અને એણે જ આપણને આ વિશ્વમાં જન્મ પણ આપ્યો છે ને? તમારી સાથે આ વાત કરું છું ને બાળકો? તો પેલી પ્રાર્થનાની પંક્તિ સંભળાઈ કે “મંદિર તારું વિશ્વ રૂપાળું..સુંદર સર્જનહારા રે”.તો આ સર્જનહારને જે વિનંતી થાય કે એની પ્રશંસા થાય કે એની પાસે કંઈક માંગણી થાય અને તેનો આભાર પણ મનાય તેનું નામ પ્રાર્થના. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે પણ એ ખૂબ જ ભાવથી, અંતરથી થવી જોઈએ.

બીજી એક વાત એ કે પ્રાર્થના કોઈપણ જગાએ થાય અને કોઈપણ રીતે થાય. એવું જરૂરી નથી કે એ માત્ર મંદિરમાં જ થાય. હા, મંદિરમાં જઈને કરીએ તો એક સરસ મઝાનું પવિત્ર વાતાવરણ લાગે અને કદાચ સૌની સાથે ભાવપૂર્વક પણ થાય. પણ એ હંમેશા જરૂરી નથી. આપણે તો નિશાળોમાં પણ પ્રાર્થના કરીએ જ છીએ ને? અને ઘરમાં પણ. બરાબર? પ્રાર્થના ખરેખર તો ઈશ્વર સાથેનો સંવાદ છે. એ સાંભળે? એવો તમને સવાલ થશે. હા, એ ચોક્કસ સાંભળે. એની તો બહુ બધી વાતો છે અને ઘણી લાંબી છે. ક્યારેક એ વાતો પણ કરીશું. પણ આજે તો પ્રાર્થના વિશે જ વિચારીશું.

 બીજું, તમને ખબર છે બહુ મોટી મોટી અને મહાન વ્યક્તિઓએ પોતાના અનુભવ પછી પ્રાર્થના માટે બહુ સરસ લખ્યું છે. કોઈકે કહ્યું છે કે, પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે. મહાત્મા ગાંધીજી તો કહેતા કે, પ્રાર્થના એ આત્માને સ્વચ્છ કરવાની સાવરણી છે. આપણા મોટા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, હે ઈશ્વર,મારા આનંદ અને શોકને હું  સહેલાઈથી સહી શકું એવું મને બળ આપ, કોઈ સેવાનું કામ કરી શકું એવી મને શક્તિ આપ.  કેટલી ઊંચી પ્રાર્થના?

આવી પ્રાર્થના કર્યા પછી મન ખૂબ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. હિન્દી ભાષામાં પણ એમ કહેવાય છે કે જિસકા રબ હો ઈસકા સબ હો. રબ એટલે કે જેને પ્રાર્થના કરીએ છીએ તે પરમ શક્તિ,ઈશ્વર. વળી કોઈકે તો  એક મઝાની વાત કરી કે, પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે!!!  તો તમે પણ મોબાઈલ સાથે જોડાશો ને?!!  It is a greatest wireless connection and nearest approach to God.

મારી ગમતી એક પ્રાર્થનાઃ

ના માંગુ ધન વૈભવ એવા,મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના,ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું 
ઉંચા નીચા ભેદ ન જાણું,સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ, કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું
કરતાં કાર્ય જગે સેવાનાં,જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે ,જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

માંગુ હું તે આપ…

ચાલો, ફરી કોઈ બીજી વાત કરવા મળીશું. આવજો.

દેવિકા ધ્રુવ

 

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.