jump to navigation

સ્મરણની શેરીમાંથી….(૩) February 24, 2019

Posted by devikadhruva in : Uncategorized , trackback

  (૩) ગામડાનો મહોલ્લો અને ઘર

ગામડાનું એ ફળિયું. બિલકુલ સામે દરજીનું ઘર, ડાબા હાથે વાળંદનુ અને, જમણા હાથે ચાર-પાંચ ઘર છોડી ગાયો-ભેંસોની ગમાણ. પૂળા ખાતી ગાયો અને દૂધ દોહતા માજીને હું જોઈ રહેતી. ઘણી વાર સાંજે બા ખીચડી બનાવી મને દૂધ લેવા મોકલતા. અને હાં, તે જમાનામાં ગામમાં સાટા પધ્ધતિ હજી યે ચાલુ હતી. જો કે, કાણિયો પૈસો અને પીળી  ચોરસ ઢબૂડી પણ ચલણમાં હતી. નાના/દાદા નાની ઉંમરમાં વિદાય થયેલાં તેથી બા મોટા પીળાં નળામાં રંગબેરંગી ખાટીમીઠી ગોળીઓ ભરી વેચતા અને  લાલપીળીલીલી બંગડીઓના બદલામાં થોડા પૈસા પણ મળતા એવું યાદ આવે છે. પણ મોટેભાગે વસ્તુના બદલામાં વસ્તુનો સાટા વ્યવહાર ચાલતો. જીવન એમ જ ચાલતું. ઘરની પાછળ વાડો હતો અને તેમાં સરસ મઝાનું ગોરસઆમલીનું ઝાડ હતું. અને તેની પાછળના રસ્તે એક દેરી હતી જેનો ઘંટ સાંજે સંભળાતો અને દૂરથી કોઈ સંચાનો પ્ણ ઘમઘમ ઘરેરાટી જેવો અવાજ સંભળાતો. ગામમાં કોઈ વાહન ન હતું. પગપાળા કે આઘે જવાનું હોય તો ગાડાંમાં બેસીને જવું પડે અથવા ઘોડા પર.

 

થોડી ઘરની વાત કરું. લીંપણની ઓકળીવાળો ફ્લોર. ઓકળી એટલે ચડઉતર તરંગો જેવી લીંપણની અર્ધચન્દ્રાકાર ડીઝાઈન. મને રંગોળી અને ડિઝાઈન પાડવી નાનપણથી જ ગમે તેથી મેં પણ  બાને જોઈ જોઈ ગારાથી ઓકળી પાડી લીંપ્યાનુ સ્મરણ છે. બહારની ઓસરીમાં દોરડા બાંધીને વચ્ચે પોતાના સાડલાઓમાંથી બનાવેલી નાની નાની ગાદીઓ મૂકીને તૈયાર કરેલો હિંચકો. નવરી પડું કે તરત જ હું એમાં જઈ મોટા મોટા હિંચકા ખાધા જ કરું. અત્યારે પણ ખાઉં છું, તરંગોના હિંચકા !!

 

રોજ રોજ તરંગની પાંખે, હું ઊડું છું, દૂરદૂર,જુદી,નવી સફરે ઉપડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની, કુદરત ને ભીતરની સફરે ઉડું છું.
હિરા-મોતી ખૂબ ખોબે ભરી લાવીને, અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે, શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.


પાછી મૂળ વાત પર આવું. ઓસરીના ખૂણામાં બે ત્રણ પાણીની ડોલ અને મોટું વાસણો ભરવાનું તગારું પડ્યું રહેતું.  દબાવો તો દૂધ નીકળે એવી થોરની વાડ ઘરનું રક્ષણ કરતી. તે તરફ એક નાનકડા ખાડા જેવું કરી ગાય-કૂતરાને માટે ખાવાનું ભરતા. નિયમિત સમયે ત્યાં ગાય આવતી અને ખાતી. કૂતરા તો સતત અવરજવર કરતા રહેતા.

 

ઘરની અંદર ડાબા હાથે માટીનો ચૂલો, ત્રાંબા-પિત્તળના થોડા વાસણો, એક મોટો ઉનમણો, કલાડી અને લાકડીઓનો ભારી રહેતી. કાળી ઝીણી જાળીવાળું લાકડાનું કબાટ જેમાં રાંધેલું ધાન,વધે તો ઢાંકતા. કબાટ નહિ પણ એક ખાસ શબ્દ…કદાચ ઉલાળિયું,આગળું.ખામણિયું એવું કંઈક બા બોલતા. સામે ખોલવાનાં બારણાં નહિ પણ ઉપરથી એને ઉઘાડવાનું. ઘણીવાર બહુ વાયરો આવે ત્યારે કમાડનો આગળિયો વાસી દે એમ પણ કહે. કમાડની પાછળ ઠંડક વાળી જગાએ પાણીની માટલી, ઢાંકેલું બૂઝારું અને ડોયો પડી રહેતા. બાકી તો ઘઉં ભરવાના મોટા નળા વગેરે જેમાં કેરીઓ પાકવા માટે મૂકાતી. મોટાં કહી શકાય એ ઓરડામાં જ વાળું પછી, પથારીઓ પથરાય. વરસાદ ન હોય ત્યારે તો બહાર જ કાથીના ખાટલા ઢાળી સૂવાનું. ઘીથી લથપથતી ઢીલી ખીચડી ખાઈ, બિન્દાસ થઈ ખુલ્લાં આકાશ નીચે, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે સૂવાની,આહાહા…. શી મઝા હતી! ભાઈબેનો સાથે રમ્યાની બહુ ઓછી યાદો છે. ઝઘડ્યાની તો બિલકુલ યાદ નથી. કદાચ ઝઘડ્યા જ નથી. સંજોગોને કારણે બધા જ સમજુ થઈ ગયા હતા!! ઘરની પાછળના વાડામાં જે ગોરસઆમલીનું ઝાડ હતું તે નાનું પણ રળિયામણું હતું. આજે તો એ બધું જ જમીનદોસ્ત થઈ ગયું છે પણ હજી યે મનના માંડવે ગૂંજતું રહ્યું છે.

 

ગામની કાંતા,તારા,શકરી,કોકી વગેરે બેનપણીઓના ચહેરા એવા ને એવા જ યાદ છે પણ કોઈ છોકરો નહિ હોય? કોઈ સ્મરણમાં જ નથી! ગામમાં છોકરો ન હોય એવું બને કાંઈ? રસપ્રદ સવાલ જાગ્યો.પૂછવું પડશે કોઈને!

 

આટલી સ્મૃતિઓ પછી આ બદલાતા જતા સમય અંગે હવે એક વધુ વિચાર જાગે છે. કે,  બદલાવ એ ખરેખર વિકાસ જ છે?!! આદિમાનવથી માંડીને આજસુધી પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરી છે એ વાત તો સાચી. પણ સૌએ યથોચિત બદલાવને અપનાવવો જોઈએ અને તે પણ મૂળ મૂલ્યોની જાળવણી કરીને. પરિવર્તનને નામે પાયાને હચમચાવી ન જ દેવાય. જ્યાં જન્મ્યાં એ ભૂમિનો ચોરસ ટૂકડો,એ માબાપ, એ માહોલનું રતનની જેમ જતન કરવું જ જોઈએ. એ જ સાચી સમૃધ્ધિ છે, વૈભવ છે,ખજાનો છે, કાયમી સધવારો છે. આગળ ચાલો, ચાલતા રહો પણ સારું અને આપણું પોતીકું, સ્મરણના ખાનામાં ગોઠવી માણતા રહો. સાચો આનંદ ખરા મૂલ્યોમાં છે. એને મનથી જાળવવામાં છે. દેખાડા ખાતર કે ધન-ઉપાર્જન માટે થતી ધંધાકિય પ્રવૃત્તિઓમાં નહિ.

 

હું હંમેશા માનતી આવી છું અને કહેતી પણ આવી છું કે wealth ( money) is not and should never be a definition of happiness. No outside source can give a real happiness. happiness is mostly in knowing who you are, your foundation and cherishing it the same way. It is a  feeling of pleasure and positivity.

 

માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો.

 

ગામડાંની  વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પણ તે હવે આવતા પ્રકરણમાં..

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.