ઝળહળ દીપ May 8, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****
**************** ****************** **************
દુહો —
હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી જુઓ છુમકછુમ…
અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.
ગરબો —
દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગટાવ્યા આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…
રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી…
મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,
સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી…
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે,
સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી…
યાત્રા May 3, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentજીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે,
ગાડી,હોડી કે વિમાન વાટે, સમયની ગાડી ભાગતી ચાલે……..
ચઢે યાત્રીઓ વિવિધ સ્થાને, નિકટ ઘડી બે ઘડી સૌ આવે,
મુકામ આવતા ઉતરી જઇને,”આવજો”મીઠી કરીને જાયે,
ત્યારે ગતિ જરા ધીમી કરીને, ફરીથી છુક છુક દોડતી ચાલે.
ચક્ડોળ નામે વર્તુળાકારે, સમયની ગાડી ભાગતી ચાલે…….,
આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે,
હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે એ સરતી જાયે,
આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે,
ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………
હાંકે હાંકનારો જ સાચો, સહુ મુસાફર પાર ઉતારે.
ધમ ધમ ઘડીની સાથે સાથે, અંબર કે સમંદરને પંથે,
રંક-રાય યા સંતને રાહે, ધક ધક ગાડી ભાગતી ચાલે.
જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….
તડકો April 2, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farતડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,
આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.
આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,
સરતો ને તરતો એ દરશન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.
વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,
ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
ધીરે ધીરે વિખરાયા વરસાદમા.
ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,
ભીની ભીની ક્ષણોને વીણી પકડીને,
પછી વાગોળી જૂની વાતવાતમાં.
તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.
કશમકશ February 28, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentજીવતરની ભરબપોર જેણે વિયોગના તાપમાં વેઠી લીધી છે એવી એક નારીને ઉગતી સાંજે એક ઝીણી ઝંખના જાગે છે.ઘડીભર એ ચોંકી ઉઠે છે,ખળભળી ઉઠે છે.એનું મનોમંથન “કશમકશ” માં અભિવ્યક્ત થાય છે.
*************** *****************
આયખાને સીવે કોઇ અક્કલની સોયે,તો યે મનખાનો દોર વાળે ગાંઠો,
જાણે જુનું અધૂરું કોઇ પ્રોવે ને ખેંચી રુદિયામાં પાડે નોખી ભાતો,
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ ;
એવી ગોરજ વેળાની આ વાતો……
પહેરીને બેઠેલી લીલુડી સાડી ને ધરતીને શિર કોનો છાંટો,
ઝબકી જાગે ને વળી પલળે પલભર, ઝુરે ને તરસે મધરાતો,
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
એવી પૃથાના પેટાળની વાતો…….
પદ્માસન સંયમનુ વાળીને બેઠેલ ઋષિનો રત્તિભર નાતો,
મેનકાને કેમ કરી વાળે કે ખાળે, એ કશમકશનો કાંટો !
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
એવી આતમની વીંધાતી વાતો…….
એ February 24, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farકદીક એ સોહામણી લાગે છે,
કદીક એ બિહામણી લાગે છે.
કાલે હસતી હસાવતી આવે,
આજે રડીને રડાવતી લાગે છે.
ક્વચિત પૂનમની ચાંદ-શી લાગે,
ક્વચિત ઉદાસ અમાસ-શી લાગે છે.
ક્યારેક ખુશીનો દરિયો ઉછાળે,
ક્યારેક ગમને વલોવતી લાગે છે.
રીઝે તો ખૂણે ખાંચરેથી શોધતી આવે,
રુઠે તો અકારણ પછાડતી લાગે છે.
જોવી તો છે સદા ખુબસૂરત એને,
પણ રોજ.. જીંદગી ..જુદી જુદી લાગે છે.
પૂછે જો કોઇ એના સર્જનહારને કે,
ચાલે જો સાથે તો તને કેવી લાગે છે ? !!
હુંફાવી ગયું કોઇ. February 7, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farપાંપણ વચાળે પૂરાતી પ્રેમથી, નિંદરને કાલે,
નસાડી ગયું કોઇ.
ગુમાની મનડાને ઝીણા-શા જ્વરથી, ધીરેથી કાલે,
હુંફાવી ગયું કોઇ.
વિચારના આગળાને માર્યાં’તા તાળા,સાંકળ રુદિયાની,
ખોલાવી ગયું કોઇ.
ટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા,ગુલાલ ગાલે,
છંટાવી ગયું કોઇ.
દોરડી વિનાનુ આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે;
બંધાવી ગયું કોઇ.
અંદરથી એક સખી આવીને બહાર કહે,ભીતરને ધીરે
હલાવી ગયું કોઇ.
કહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,
ઝુલાવી ગયું કોઇ.
ઉજાગરા વેઠીને નીરખે મન-દર્પણ,પ્રતિબિંબ નિજનું
બતાવી ગયું કોઇ..
પગલાં October 26, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farInspirational famous poem “footprints in the sand” પર આધારિત રચના …
વિશ્વાસ હતો ને હતી એક ખુમારી;
સાથે હતો ઇશ ને, કેડી યે સહેલી.
લીલાંછમ રસ્તા ને ઝુમતાં’તા વૃક્ષો,.
હવા યે શીતલ ને ઝુલતાં’તા ફૂલો.
અણજાણે જોશે ગતિ તેજ થાતી,
ના જાણે ક્યાં છેક મુજને લઇ જાતી.
વસ્તીથી દૂર એક સંધ્યાને ટાણે,
પહોંચાડી સૂક્કા રેતાળ રાહે…..
રળિયામણો પંથ ભેંકાર લાગ્યો.
એને વિસરતા વિકટ માર્ગ લાગ્યો.
પાછું વળી જોયું, કેવુ આ દ્રશ્ય !,
મારાં જ પગલાં બે ? એના અદ્રશ્ય !!
શંકા-કુશંકાથી આંસુ બે ટપક્યાં,
પ્રશ્નો ભીતરથી લાખો કૈં ઉમટ્યા.
ત્યાં આકાશવાણીના પડઘા સંભળાયા;
આકાશવાણીના પડઘા સંભળાયા………
દૂર દૂરથી ગેબી અવાજ કાને
“એ પગલાં છે મારાં ડરે તું શાને ?…
નીડર બનીને ડગલાં તું ભરજે,
શંકા નહિ પણ શ્રધ્ધા તું રાખજે.
એ હું જ છું ને તુજ સાથ છું હું,
એ હું જ છું ને તુજ સાથ છું હું.
તને ઝિલીને આગળ વધુ છું.. !!
ઉંચકીને હળવેથી પગલાં ભરું છું……”
દિલનો દીવો October 11, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentનવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે,સંવેદના-શૂન્ય બની ગઇ છે.એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે,ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો ,સાચો ઓપ આપવાનો વિચાર જાગ્યો…જે સસ્નેહ પ્રસ્તૂત….
********************* ******************** ******************
સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,
મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,
દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.
આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,
સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,
સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,
અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.
અંતરના અજવાળા એટલે આરતી,
હ્રદયનો ભાવ તે જ પૂજાપો,
ભીતરથી પ્રભુનો આભાર તે જ પ્રાર્થના….
ચાલો, ઉરના આંગણે ,
સમજણના સાથિયા પૂરીએ.
એકાંતની કુંજમાં, શાંત,
પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,
નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ,
સાચા નૂતન વર્ષ મુબારક હો……………………
મુક્તક October 4, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
લગ્નની ચોરીમાં એકમેકના હાથ મળ્યાં,
લો,ગણિતના દાખલા સૌ ખોટા પડ્યાં !
એક વત્તા એક બરાબર બે નહિ,
જીવનમાં તો એક જ, રોજના પાઠ મળ્યાં….
ઝલક September 28, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentશ્રી સુરેશભાઇ દલાલની “પ્રાર્થના ” પર અંશતઃ આધારિત પદ્ય રચના — —
પહાડની જેમ જે ઊભા’તા પડખે,
એ તો રેતી થઇ વેરાયાં વચ્ચે,
ઘૂમ્યાં જે વર્તુળની ધારે-કિનારે,
એ તો કેન્દ્ર વિનાના હતાં ત્યારે;
માણ્યાં જે લીલાંછમ ડાળે ને પાને,
એ તો પુષ્પ વિનાના હતાં ત્યારે.
અંધકારને ઓળખ્યો કાળો મધદરિયે,
ત્યાં તેજના વલય દીધાં શબ્દે,
ઝલક દીધી એક એવી તે મધ્યે,
ને સગપણ બંધાયાં સાચે રસ્તે,
ઉજાસ પથરાયો અંતરને કોડિયે,
જેમ શબરીને રામ મળ્યાં વગડે..