jump to navigation

ગોલ્ફ.. August 28, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગોલ્ફ

ગોલ્ફ

સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે.

આમ તો હું રમત-ગમતની દૂનિયાનો જીવ નથી. પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતા જોવાની મઝા આવે છે. જોતા જોતા રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. ( પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં ક્યાં લઈ જાય છે?)  સાથે સાથે અંદરની પેલી કવિ-દ્રષ્ટિ પણ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જીંદગી જેવી જ છે અને જીંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને? પણ છતાં આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું. કારણ કે ગોલ્ફની રમતમાં  ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું.

૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે.દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર,આયર્ન, ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે… ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે.  અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચનાઃ

 ગોલ્ફ

જીંદગી છે ગોલ્ફની રમત જેવી..
રમતા આવડે તો ગમ્મત જેવી.
હજારો યાર્ડની દૂરી પર
એક પછી એક
કુશળતાથી તાકવાના 
અઢાર અઢાર નિશાન !
અભિમન્યુને હતા કોઠા સાત,
અર્જુનની સામે એક જ આંખ..
એક જ પક્ષીની..
ગોલ્ફમાં તો અઢાર નિશાન.
બોલ કદી વાડમાં અટવાય,
કદી ખાડામાં અથડાય,
ક્યારેક ઝાડીમાં ફસાય,
ક્યારેક પાણીમાં પછડાય.
એક પછી એક
તાકવાના અઢાર નિશાન.
શાંત, સ્થિર મનથી,
સિફતપૂર્વક,સરળતાથી,
નાનકડા સફેદ ગોળાને
સીધા રાહ પર લઈ જઈ
ઓછામાં ઓછા ઝટકાથી,
છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!
‘પાર’ થાય તો સ્મિત,
‘બોગી’ થાય તો રુદન.
‘બર્ડી કરો’ તો શાન,
‘ઈગલ’ કરો તો અભિમાન.
અને એમ,
પરિસ્થિતિની પરવા કર્યા વગર,
હસતા, રમતા, આનંદપૂર્વક, 
નાનકડા શ્વેત ગોળાને,
છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો..
અંતિમ લક્ષ્ય સુધી…
આદિથી અંત સુધી.

શબ્દોની નાવ લઈ ચાલી સવારી… August 10, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

શબ્દોની નાવ

 

શબ્દોની નાવ લઈ ચાલી સવારી, સંવેદનાના સાગરમાં તરતી,
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે, આ અક્ષર હલેસેથી સરતી,
મારા, તારા ને કદી આપણા યે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, એ સમયની ધારે વિહરતી…
શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

ધાર્યું’તું, ઊંડે જઈ, ડૂબકી મારીને પછી, ભીતરના મોતી લઈ ધરશું,
ફૂલ સમી કોમળ ખુબ માળાઓ ગૂંથી, આ હૈયાના હારને પહેરાવશું.
પણ ખેવનાના હાથમાં  અક્ષરનું  જ હલેસુ, ધસમસતા ભાવ-પૂર નાથતી,
લો, ચૂમી લઈ શબ્દોને કવિતા સિવાય  કંઈ બીજું ના ધરતી…
શબ્દોની નાવ લઈ ચાલી સવારી …                    

કહે છે કે પાંખ હોય તો ઊડાય ને દૂર ઉંચે વાદળને  ય અડાય,
ને પંખીની જેમ મન ફાવે ત્યાં જવાય ને ફૂલ જેવાં હળવા રહેવાય
કલમ સહેલી આ વાત પાડે ખોટી ને ખેંચે આંગળીઓને ઝાલતી,
એ તો દોડે,ઊડે અરે,સૂરજ ને ચાંદ લગી 
પહોંચે,નીતરતી….
શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.