jump to navigation

ઢળતી સંધ્યાના તેજલીસોટા March 16, 2012

Posted by devikadhruva in : ટૂંકી વાર્તા/લઘુ કથા , 10 comments

પ્રચંડ ઇચ્છાશક્તિ અને પ્રબળ મનોબળ ધરાવતી પ્રતિભાશાળી વ્યક્તિ એટલે બુધ્ધિબેન ધ્રુવ. માર્ચ ૨,૨૦૧૨ના રોજ, ૯૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું તે નિમિત્તે, તેમની જીવન ઝરમર લગભગ તેમના જ શબ્દોમાં,રજુ કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મારું એ સદ્‍ભાગ્ય હતું કે ૨૦૧૧ના મે-જૂનમાં,પૂરો એક મહિનો તેમની પાસે બેસીને,મારી કલમમાં આલેખવાની તક મળી.
તેમની હયાતીમાં,તેમની જ સ્મૃતિમાંથી સરેલી યાદગાર વાતો,મારી પ્રસ્તાવના સાથે  સહર્ષ આપની સમક્ષ…..

બુધ્ધિબેન મિત્રવદન ધ્રુવ (૧૯૧૬-૨૦૧૨) 

 ઢળતી સંધ્યાના તેજલીસોટા ( મે ૨૦૧૧માં લખાયેલ )

ઈન્ટરનેશનલ ફ્લાઇટે જ્યારે ટેઇક-ઓફ લીધો ત્યારે ઘડિયાળમાં બરાબર પોણા છ વાગ્યા હતા. હવામાં એક શબ્દ ગૂંજતો અનુભવાયોઃ “ટાઇમસ્લોટ”; અને હ્રદય એક ધબકારો ચૂકી ગયું. નિકટના એક મિત્ર પાસેથી મળેલો એ શબ્દ..કેટલી ઉંચી વાત ? જીવનની કેવી મોટી ફીલોસોફી? ટાઇમસ્લોટ….સમયના ખાના…

ઈશ્વરે બનાવેલાં સવાર,બપોર અને સાંજના ટાઇમસ્લોટ..
બાલ્યાવસ્થા,યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થાના ટાઇમસ્લોટ..
ચડતી અને પડતીના ટાઇમસ્લોટ..વિધાતાએ ઘડેલ જીવન અને મરણના ટાઇમસ્લોટ..સમયના ખાના..વાહ. વિશ્વમાં અને કુદરતમાં  પણ જીવ-માત્ર સમયના વિવિધ ખાનામાં જન્મે છે અને વિદાય પણ લે છે.

હાથમાં કલમ છે અને મનમાં મા સાંભરે છે.

આજે એક એવી વ્યક્તિના ટાઇમસ્લોટની વાત કરવાની છે જેની ઉંમર ૯૫ વર્ષની. તેમની ચહેરાની કરચલીઓમાં અનુભવોની આરસી છે અને સંસ્મરણોની સમૃધ્ધિ છે. એ વ્યક્તિએ મને જન્મ નથી આપ્યો,પણ મારી મા જેવી છે..હા, મારી કાયદેસરની મા જેને સંકુચિત આ સમાજે સાસુનુ બિહામણુ નામ આપ્યું છે.તેમનુ અસલી નામ કુસુમાવતી પણ બુધ્ધિબેનના હુલામણા નામે જ ઓળખાયેલા. પિયરમાં,સાસરામાં અને સમાજમાં પણ સૌના એ બુધ્ધિબેન.

એક સ્ત્રીના જીવનના પણ કેટકેટલાં ટાઇમસ્લોટ ? દીકરી,બહેન,પત્ની,મા,દાદી,નાની તરીકેના જુદા જુદા રૂપ અને સમયના સ્લોટ ! આવો, તેમના પોતાના જ શબ્દોમાં સાંભળીએ. આ જીવનચરિત્ર નથી,આત્મકથા નથી.માત્ર સંસ્મરણો છે, ઢળતી સંધ્યાના તેજલીસોટા છે,

૧૫મી મેની સવારે સાત વાગે નાહી ધોઇ,પૂજાપાઠમાંથી પરવારી બુધ્ધિબેને સંસ્મરણો વાગોળવાની શરુઆત કરી.

“ આ વહેલા ઉઠી,સવારમાં પ્રવૃત્ત રહેવાની તારી રીત મને ગમી. જીવન કેવું વીત્યું હેં?  કેટકેટલું યાદ કરુ?  થોડા મહિનામાં તો  છન્નુમું બેસશે. સો કરવા છે એ વાત ચોક્કસ !! સાત વરસની હતી ત્યારથી બધુ યાદ છે મને. ચારેક દાયકાથી તો તું સાથે છે. છતાં છેક નાનપણથી બધું જ કહીશ.

વિલોચનરાય શામરાવ દીવેટીઆ મારા પિતા અને ક્રિશ્નાકુમારી મારી માતા.એક ભાઇ અને એક  બેન. હું સૌથી મોટી. જન્મ અમદાવાદના આકાશેઠકુવાની પોળમાં રજનીકાન્ત દુર્કાળની ખડકીમાં. મારા પિતા શિક્ષક હતા.ખુબ સરસ ભણાવતા.મને યાદ છે મારી ૧૧ વર્ષની ઉંમરે  માણસામાં નોકરી માટે ગયાં.દરબારમાં કુંવરોને ભણાવતા અને તે અંગે અજમેર જવાનુ પણ થયું. તેથી ત્રણ વર્ષ માટે અમે દાદા શામરાવને ઘેર રહી ઉછર્યાં. તે પછી કાયમી વસવાટ અમદાવાદમાં હવેલીની પોળમાં રહ્યો.

મારો અભ્યાસ ટ્યુટોરીઅલ હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો. ભણવા કરતા ઇતર પ્રવૃત્તિઓમાં મને પહેલેથી જ રસ વધારે. આગેવાની લઈ કામ કરવું અને મદદ કરવાનુ બહું ગમે.સમાજના કામોમાં આગળ પડીને કામ કરતી.છોકરાઓ સાથે બહુ રમતી.કારણ કે, છોકરાઓ મને પાણીની ડોલ ભરવામાં મદદ કરતા”કહેતા એમના બોખા મોંથી ખુબ હસ્યાં.” આગળ ભણી નહિ અને વળી ત્યારે તો માબાપ લગ્ન પણ જલ્દી ગોઠવી દેતા ને ? મારા લગ્ન થયા દિનકરરાય વહાલાભાઇ ધ્રુવ અને શાંતિબેનના દીકરા મિત્રવદન સાથે. ખુબ જ બ્‍હોળુ કુટુંબ.તેથી કુટુંબમાં ઘણી વ્યસ્ત છતાં  સામાજિક કાર્ય ત્યારે પણ મેં ચાલુ જ રાખેલુ. બહારની પ્રવૃત્તિઓમાં સાસુ શાંતિબેને  સારો સાથ  આપ્યો. ખોટું કેમ કહેવાય ?

૧૯૪૨ની ચળવળના દિવસો ખુબ યાદ આવે હોં. મહાત્મા ગાંધીના પ્રવચનો,સભા-સરઘસોમાં જોડાતી. સવારના ચાર-પાંચ વાગે ઉઠી ઉઠી પોળે પોળે પત્રિકાઓ વહેંચવા જવાનુ ને એવું બધુ તો ઘણુ કરતા અમે. ૧૯૫૦ની સાલ સુધીમાં તો પાંચ સંતાનો પણ થયા. ત્રણ દીકરા અને બે દીકરી. છેલ્લી ડીલીવરીમાં દીકરી-દીકરા જોડિયા.પણ દીકરી જ જીવી. કુટુંબની સાથે સાથે સમાજ-સેવા તો ચાલુ જ રાખી.વચ્ચેના થોડા સમય માટે પતિની નોકરી અર્થે મિયાં ગામ-કરજણ,મોડાસા વગેરે જગાઓએ જવાનુ થયેલું. પણ હેડમાસ્તર તરીકે જ્યારથી  વિદ્યાનગર હાઇસ્કુલમાં નિમણુંક થઈ ત્યારથી અમદાવાદમાં કાયમી વસવાટ થયો.”

પહેલા દિવસે જુસ્સાભેર એકધારી આટલી વાત પછી બુધ્ધિબેન અટક્યાં. હવે આગળ કાલે વાત.”

હું  સાંભળતા સાંભળતા વિચારતી હતી કે આટલી ઉંમરે આવી સ્મૃતિ રહેવી અને રસ રાખી વ્યકત કરવાનું ગમે એ તો ખરેખર અદ્ભૂત કહેવાય; ને કહેતા કહેતા પણ જાણે માઈક પકડીને જાહેર મેદનીમાં પ્રવચન આપતા હોય તેવા જોમથી બોલે.વચ્ચે વચ્ચે તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા મેં કહ્યું કે તમે દર દસ વર્ષની  યાદગાર ઘટનાઓની વાત કરો તો એ તરત કહેતાઃ “બધુ એમ જ ક્રમ મુજબ જ આવશે. હું બોલતી જઈશ અને તમારે લખતા રહેવું “ મને આ ઉંમરે આવો આત્મવિશ્વાસ પ્રેરણાદાયી લાગ્યો.

બીજી સવારે બુધ્ધિબેને જાતે જ આગલી વાતનો દોર પકડીને વાત શરુ કરી. “૧૯૪૨ની ચળવળમાં યે ખુબ કામ કર્યુ.અને તે પછી ૧૯૫૩ થી અખિલ હિંદ મહિલા પરિષદમાંની કારોબારીમાં પણ ખુબ કામ કર્યુ. વિનોદિનીબેન નીલકંઠ,રંજનબેન દલાલ,ચારુબેન યોધ્ધા,ચિત્તશાંતિબેન દિવાનજી વગેરે સાથે મળી અમે મહિલાઓના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરતાં.તે જ કારણે જ્યોતિસંઘમાં પણ જોડાઈ..દર મહિને બેનોને એકત્ર કરતા,સભા સરઘસો કાઢતા અને પોળે પોળે ફરીને મહિલા જાગૃતિનું કામ કરતા.

તે પછી ૧૯૫૬માં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે મહાગુજરાતના આંદોલનમાં સક્રિય બની કામ કર્યું. જ્યારે તે વખતની કોંગ્રેસે શહીદ સ્મારક રચવાની ના પાડી ત્યારે અમે બેનોની ટુકડીઓ બનાવી.ગામેગામ ફરતા બ્યુગલો ફૂંકતા અને બેનોને એક્ત્ર કરી સમજાવતા.૨૧ બેનોની અમારી ટૂકડીનો નંબર હતો ૫. જેલમાં પણ જઇ આવ્યા.આજે એમાંનુ કોઈ હયાત નથી.આ સંભારણા કોની સાથે વાગોળવા? કેટકેટલી વ્યક્તિઓ નજર સામે આવે છે? વસુબેન શાહ, રંજનબેન દલાલ, આનંદીબેન મહેતા,વંદનાબેન ઘારેખાન, લીલાબેન પટેલ, હેમલતાબેન માવળંકર,વસુમતિબેન પટેલ,ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ, અહેમદમિયાં શેખ, બ્રહ્મકુમાર બ્રહ્મભટ્ટ, હરિહર ખંભોળજા વગેરે “..કહેતા કહેતા તેઓ જરા થંભ્યા..ક્ષણભર માટે એ ભૂતકાળમાં ઘણે દૂર જઇ રહ્યા હતા.તેમના બોલવામાં ઉંમર સહજ થાક અને વર્તમાન નિષ્ક્રિયતાનો વસવસો વધુ વિક્સે તે પહેલા જ અમે આજની વાત અહીં અટકાવી.

અત્યાર સુધીમાં તેમની સ્મૃતિમાં પોતે જાહેર જીવનમાં શું શું અને કેવું કર્યું તે જ વાતો ઉપસી રહી છે અને તે જ વાતો કરવા મન તત્પર છે એ સ્પષ્ટ જણાય છે. ક્યાંયે વ્યક્તિગત કે કૌટુંબિક વાતો હજી સુધી આવી નથી. મને પણ પાછલી ઉંમરના આ અંતરંગને વલોવી, માખણ પામવામાં રસ પડવા માંડ્યો..તો સાથે સાથે ભાવિના પોતાના ચિત્રની પણ રેખાઓ દેખાવા લાગી.. વય અને અવસ્થા.ઈશ્વરની કેવી અકળ,અગમ્ય લીલા છે ?!!

નવી સવાર પડી નવા વિષય સાથેઃ

“સમસ્ત નાગર મહિલા મંડળની તો કેટલી વાતો કહું ? મને યાદ આવે છે સમસ્ત નાગરના મહિલા પ્રમુખે, બેનોને આગળ લાવવા માટે મંડળ સ્થાપવાની વાત કરી. મેં એ વાત ત્યાં ને ત્યાં જ ઝીલી લીધી અને તત્ક્ષણ મંડળ ઊભુ કરી દીધુ.૧૫ દિવસમાં તો એ મહિલા મંડળ સક્રિય પણ થવા માંડ્યુ. હજી આજે પણ એ સરસ કામગીરી બજાવી રહ્યું છે. એ વખતે તો શરીરમાં થનગનાટ હતો અને મનમાં  જુસ્સો હતો. ગરબા અને ઈતર પ્રવૃત્તિઓ તો ઘણી કરાવી.હંસા દવેને ગરબાઓનું નેતૃત્વ સોંપી અમે સરસ કાર્યક્રમો કરાવતા. આ સમય દરમ્યાન વળી શહેર શાસક કોંગ્રેસના મહિલા વિભાગમાં પણ જોડાઈ. તેમાં ખાડિયા વોર્ડના પ્રમુખ તરીકે વધુ મતે મારી નિમણુંક થઈ.પછી તો કામ અને જવાબદારી બંને ખુબ વધી ગયાં.ઘરના કામકાજ કરી હું તો બહાર નીકળી પડતી.ઝુંપડપટ્ટીમાં જવાનુ,વોર્ડે વોર્ડે ફરવાનુ અને બહેનોની ગૂંચો ઉકેલવાનું કામ કરતી.કોકિલાબેન વ્યાસ સાથે ફરી તકલીફવાળી બેનોને સાંભળીને તેમને સીવણકામ,ભરતકામ,નિશાળોમાં પાણી ભરવાનું કામ વગેરે અપાવી રોજી-ઉપાર્જન માટે અમે પ્રેરતા.જરૂર પડ્યે બેંકોમાં જઇ જઇ લોનો પણ અપાવતા. મને યાદ છે મિ. હોકાવાળા ખાસ દિલ્હીથી મળવા આવેલા અને આવા કાર્યો કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા,અને ઉત્સાહ પ્રેર્યો હતો. મણીનગરના એક મુસ્લિમ વિસ્તારમાં  જઈને ત્યાંના પ્રમુખ એહમદીની કાદરી સાથે પણ કામ કર્યું હતું.જેમને બેંકની લોન ન મળે તેને છૂટક કામ અપાવતા.નીચલી કોમના માણસોને રસ્તા પર  મોચીકામ જેવા કામોમાં જોતરતા. આમ રોજે રોજ જુદા જુદા વોર્ડોમાં ફરતા અને થઈ શકે એટલા બેનોના અને ગરીબોના પ્રશ્નો સાંભળી ઉકેલતાં અને આર્થિક રીતે પગભર કરવામાં તેમને મદદ કરતાં.”

એકધાર્યુ સતત બોલતાં બોલતાં એ જરા થાક્યાં હોય તેમ આડા પડ્યાં પણ વાક્‍ધારા ચાલુ જ હતી. અટકાવવા મુશ્કેલ હતા. હું સમજી ગઇ એટલે સિફતથી પાણી લેવા જવાના બહાને “ એક મિનિટ ” કહી રોક્યાં. મેં જાણી જોઈને પાછા આવવામાં વાર કરી એટલામાં તો ઘાંટાઘાંટ કરી મૂકી “ અરે,પછી હું ભૂલી જઇશ બધુ,ચાલ,ચાલ જલ્દી કર.” પણ જેવી હું હાથમાં આઇસ્ક્રીમનો વાડકો લઇને આવી કે તરત એ પીગળી/ઓગળી ગયાં. બાળકની જેમ બીજું બધુ બાજુ પર અને આઈસક્રીમ ખાવામાં લાગી ગયાં. ચોકલેટ અને આઇસક્રીમ એમની નબળાઇ. મને સારું લાગ્યું કે કુનેહપૂર્વક હું એમને વધુ થાકતા રોકી શકી. આજનો આ સ્મૃતિ ઢંઢોળવાનો “ટાઈમસ્લોટ” પૂરો થયો. પણ મન વિચારે ચઢ્યુઃ જીંદગીની આ તે કેવી અવસ્થા કે જ્યાં યાદોની સમૃધ્ધિ સિવાય કશું હાથમાં નથી રહેતું. કદાચ એટલે જ ઋષિમુનિઓ કહી ગયા છે કે,આખી જીન્દગી એવું જીવો કે,અંતકાળ સુધરી જાય,કોઇ વસવસો ન રહે. ટાગોરનું વાક્ય યાદ આવે છે કે, ‘વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઈ તેને સ્પષ્ટ આકાર આપીએ.” ખૈર…ગમે તે હોય..મને તો વૃધ્ધોના માનસની નજીક જઇ જીંદગીના જુદા જુદા સ્વરૂપ જોવા ગમે છે. કારણ કે એ અવસ્થામાં શિશુ જેવી સચ્ચાઇ અને હકીકતોની તાસીર હોય છે.

    વચ્ચે થોડા દિવસ ખાલી ગયા અને અમને કમ્પાઉન્ડમાં બહાર બેઠેલા જોઇને અચાનક એક બહેન આવી ચઢ્યાં. સીધા બાને જોઇ પગે પડ્યાં અને કહેવા લાગ્યાંઃ” બા તમે તો મારું જીવન સુધારી દીધું.મને કામે વળગાડી, રોજીરોટી રળવામાં ખુબ મદદ કરી.આજે તો મારે બધું સારુ છે. તમારો જેટલો ઉપકાર માનુ તેટલો ઓછો છે.” કહી એમણે જાતે બનાવેલા નાસ્તાના પેકેટ કાઢી આપવા માંડ્યાં. બુધ્ધિબેને મારી સામે જોયું અને મેં એમની..પેલા બહેન તો ચાલી ગયા.પણ  સંતોષની આભા સાથે સ્મૃતિનો પટારો આગળ ખોલાવા માંડ્યો.

“ ૧૯૭૫ની એ સાલ હતી જ્યારે સ્કુલબોર્ડના ડેપ્યુટી ચેરમેન તરીકે મારી નિમણુંક થઇ. ૧૩ જણાની કારોબારી.એમાં નંદુભાઇ રાવળ સાથે મેં કામ કર્યું.સવારના ૮ થી ૧ સ્કૂલની ગાડીમાં જુદી જુદી સ્કૂલોમાં ફરવાનુ, શિક્ષકોના સંપર્કમાં રહેવાનુ, ભૂલો અને તકલીફો જાણવાની, સુધારવામાં મદદ કરવાની.બહારગામથી આવતી વસ્તુઓ નહિ ખરીદવા દેવાની.માત્ર અમદાવાદની જ વસ્તુઓ ખરીદવાની જેથી કોર્પોરશનને રાહત રહે વગેરે ઘણું જોવાતુ. દરેક નિશાળોના જુદા જુદા પ્રશ્નો, નિયમોની અંદર રહીને ઉકેલવાના અને સાથે સાથે બાળકોના શિક્ષણમાં કેમ કરતા વિકાસ થાય તે પણ જોવાનુ. એ બધામાં ખુબ રસ પડતો અને કામ કરવાની મઝા આવતી. ઈતર પ્રવૃત્તિઓ પણ એટલી જ થતી.પણ આ બધું પરિવારના પૂરેપૂરા સાથ અને સહકારથી જ થઇ શક્તુ. એતો મારે કહેવું જ પડશે. નહિ તો સામાન્ય સ્ત્રીઓની જેમ ઘરમાં જ બેસી રહેવાનુ થાય. હું તો કહું છું કે દરેક જણે કશુંક તો જીવનમાં કરવું જ જોઈએ કે જેથી બીજાને લાભ થાય અને આપણને આનંદ આવે.”

બુધ્ધિબેનની આ ઈતર પ્રવૃત્તિની વાતથી મને પણ યાદ આવ્યું કે  હું પરણી તે અરસામાં શરુ શરુમાં તેઓ મને વક્તૃત્વ સ્પર્ધા, મ્હેંદી હરીફાઇ,રંગોળી હરીફાઇ વગેરેમાં ભાગ લેવડાવતાં અને જ્યારે જ્યારે મને ઈનામ મળતું ત્યારે ખુશ પણ થતા.એ ઉપરાંત નાના નાના બાળકોની તંદુરસ્તીની એક સ્પર્ધામાં મારા દીકરાનું નામ લખાવી આવ્યા હતા.આ ઉંમરે પણ આટલી ઝીણી ઝીણી વિગતો તેમને યથાવત ‍ યાદ છે એ જ એક મહત્વની વસ્તુ છે.

એમણે આગળ ચલાવ્યુ,” આમ. ડેપ્યુટી ચેરમેન તરીકે સાડા પાંચ વર્ષ પદવી ભોગવી નિવૃત્તિ લીધી.મારે તો હજી કામ કરવું હતુ.પણ કાયદા કાનૂન પ્રમાણે આપણે ટર્મ પૂરી થાય એટલે જવું જ પડે ને ? જીંદગીનું પણ એવું જ છે,બેન…ખાલી ખબર નથી કે ક્યારે કોની ટર્મ પૂરી થશે ! કહી હસવા માંડ્યા અને પછી કહે કે “ચાલો, હવે વધુ આવતા અંકે..”

બીજા દિવસનો સૂરજ ઉગ્યો નવી જ વાતો લઇને.

“ આજે તો મારે અમેરિકાની યાત્રાની વાતો કરવાની ઇચ્છા છે. આમ તો તને બધી ખબર જ છે પણ તું લખવા જ બેઠી છું તો આ પણ લખ. બરાબર ૮૨ ની સાલથી ૨૦૦૧ સુધીમાં તો કેટલી યે વાર અમેરિકા ગઈ અને જાણે વીઝીટ કરવા જ ભારત આવતી એવું જ લગભગ થઇ ગયું હતું. ત્યાંના સ્મરણો પણ કંઇ ઓછા નથી…કેટકેટલું ફર્યા,હર્યાં અને સાથે મઝા કરી. ઘણા બધા સ્ટેટ જોયાં. અમે સાજા-માંદા થયાં હોસ્પીટલોની પણ વિઝીટો કરી ! સમાજમાં  બધે જ ઉભા રહ્યાં અને એમ કરતા કરતાં છોકરાઓ પણ ક્યાં મોટા થઈ ગયાં ખબર ના પડી.અરે, એમના લગ્ન પણ કેવી ધામધૂમથી કર્યા ! ખરેખર એ બધો સુવર્ણકાળ હતો. નસીબજોગે અમેરિકાની ભૂમિ પર બંને છોકરાઓ ડોક્ટર થયાં. એક ઈજનેરીનો ડોક્ટર અને બીજો ડોક્ટર સર્જન. હજી મને ઈચ્છા થાય છે કે એકવાર ફરીથી જવું .પણ હવે આકરું ખરું હોં. પપ્પા હોત તો હજી હિંમત કરત.”

સાંભળતા સાંભળતા હું પણ જૂના દિવસો તરફ ખેંચાતી જતી હતી. વિચારતી હતી કે, બુધ્ધિબેન, તમે અને દાદાજી હાજર હતા તેથી જ તો અમેરિકાની લપસણી ધરતી પર છોકરાઓ સ્થિર રહી શક્યા. અમારું એ સદનસીબ હતું; કહો કે ઈશ્વરના આશીર્વાદ હતા.કદરદાનીના આ વિચારોની ગર્તામાં હું વધુ ડૂબું તે પહેલાં મારો હાથ પકડીને હસતાં હસતાં કહેવા લાગ્યાં કે “ આ પપ્પાની વાત આવી એટલે સિટિઝનશીપના ઈન્ટરવ્યુની વાત સાંભરી.પેલા ઓફિસરે મને અંગ્રેજીમાં સવાલ કર્યો.આમ તો મને અંગ્રેજી આવડે.થોડું થોડું,સમજણ પડે તેવું બોલી પણ શકુ.પણ સાલુ,અમેરિકન ઉચ્ચારોને લીધે મને સવાલ સમજાયો નહિ. પણ હું કાંઇ ગાંજી જાઉ ? મેં તો એના સામે જોઇને કહી દીધું એને કે, Look, I know English. ઓકે ? but I do not know your English. So you write question and I write reply ! ને બેન, પેલો તો સડક થઇ ગયો. પછી તો એણે કંઇ જ પૂછ્યું નહિ અને યુએસ સીટીઝનશીપ આપી દીધી મને. પપ્પા તો કહેઃ શાબાશ,શાબાશ,બુધ્ધિદા. યાદ છે ને તને ?” મેં કહ્યું હા,હા, હું જ તો તમને લઇ ગઈ હતી ત્યાં. ને પછી તો એ વાત પર અમે બંને ખુબ હસ્યાં.મને યાદ છે તે પછી તો જે મળવા આવે તેને આ વાત જરૂર કરે.આજના દિવસની કુનેહ અને સ્વાભિમાનની આ વાતને ટકાવી રાખવા અમે અહીં જ અટ્ક્યાં.

વચ્ચે બે દિવસ,સામાજિક અવરજવરને લીધે ખાલી ગયાં. પણ આજે તો એમણે આગલી વાતનો દોર બરાબર પકડીને  શરુ કર્યું. “પછી તેં સીટીઝનશીપની વાત ચોપડીમાં લખી ? મને વાંચી સંભળાવ તો કે તેં બરાબર લખ્યું છે કે નહિ ?” મેં પાસે બેસીને વાંચ્યું ત્યારે તેમને શાંતિ થઇ.કામની ચોક્કસતા તે આનું નામ. મને મારા દાદીમા યાદ આવ્યાં. એ પણ ઘણા ચોક્કસ. એ તો વળી એમ કહેતાઃ “હું તો મારો ચોકો બનાવીને જ સુવાની છું.!!!!!” અસલના જમાનામાં સ્ત્રીઓ પાસે જીવન ઘડતરનું સાચું શિક્ષણ હતું. કદાચ એટલે જ “યત્ર નાર્યેસ્તુપૂજ્યન્તે રમન્તેતત્ર દેવતાઃ”ની વાણી અવતરી હશે.

હા,તો આજનો મુદ્દો હતો ઉનના દોરાથી ગૂંથાતા સ્વેટરોનો. ન્યુ જર્સીની કાતિલ  ઠંડીમાં પહેરવા માટે એ જાતજાતના સૌના સ્વેટરો ગૂંથતા. છેલ્લે વારો પોતાના કબજાનો હતો.ત્યારે તેમની ઉંમર હશે લગભગ ૭૮-૮૦ની આસપાસ. મને પૂછ્યું ” પછી પેલો ભૂરા રંગનો ઉનનો મારો કબજો લાવી કે નહિ? આમ તો સરસ ગૂંથાયો હતો.પણ તો યે બે વાર મેં ઉકેલ્યો અને ગૂંથ્યો. ખબર છે કેમ ? બહુ ડોશી જેવો લાગતો હતો !!” હું તો છક થઇ ગઇ. હજી  આટલી ઉંમરે પણ એ પોતાને ડોશી માનવા તૈયાર ન હતા!! એમણે આગળ ચલાવ્યું. અરે ત્યાં યે વોશિંગ્ટનના નાગરોના અધિવેશનમાં ગઈ હતી અને મેં ભાષણ આપ્યું હતુ.  અરે હમણાંની જ વાત કરું. જૂનામાં જૂના કોન્ગ્રેસ કાર્યકરોનું બહુમાન હતુ ત્યાં પણ મને બોલાવી અને સરસ સ્પીચ આપી આવી. તારી કવિતાના વિમોચન વખતે પણ સરસ બોલી હતી ને ? ત્યારે પણ હું ૯૩ વર્ષની હતી.” માઈક એમનો પ્રિય વિષય.. વળી પાછો એક પ્રસંગ યાદ કરીને કહેવા માંડ્યા.પપ્પા મને “ લશ્કર કહે,કોઇ વાર વળી જીવરામ ભટ્ટ કહે.પણ એ તો મશ્કરા એટલે કહ્યા કરે પણ મારામાં સ્ટેમીના બહુ હોં. રુઝ્વેલ્ટ પાર્ક પર કેટલા રાઉન્ડ લેતી. યાદ છે ને ? આપણો તો જલિયો ( જલારામ બાપા ) ખડે પગે હતો. છોકરા યે મૂઆ વસ્તુ ના જડે કે માંદા પડે એટલે કહે કે, બા તમારા જલિયાને કહો કે સાજા કરી દો અમને. પણ થાય એવું જ. એક જ  દીવો માનુ અને બધું હેમખેમ.. અને હજી જો ને, મને કોઇ રોગ નથી શરીરમાં હોં. આ તો જરા ઉંમર ઉંમરનુ કામ કરે એ જ. બાકી હજી ગરમ રોટલી કરીને ખવડાવુ.પણ હવે તો કોઇ કરવા જ નથી દેતુ ને ? ચાલો, ઈશ્વર ઇચ્છા..સમય સમયની વાત છે. તું વધારે રહેવાની હોત તો તો આખા આયખાની વાતો કહેત. પણ હવે તારા ય અમેરિકા પાછા જવાના થોડા જ દિવસો બાકી છે અને ઢગલાબંધ કામો તો બાકી હશે જ.” મેં કહ્યું ‘ના,ના, તમે તમારે ચાલુ રાખો. મારે કંઇ કામ નથી. હું તો નવરી જ છું. તો હસતા હસતા કહેવા માંડ્યાઃ “ના રે બાઇ,આ સાંજ પડવા આવી. દીવામાં ઘી–બી પૂરીશું, આરતી કરીશુ, ત્યાં રાત પડશે…કહેતાં કહેતા ઉઠ્યાં અને વોકર લઇ  ચાલવા માંડ્યું. આમ આજની વાત અહીં જ અટકી અને હું પણ મારી બેગ ગોઠવવામાં પડી. ભૂતકાળ તો સુખદ હોય કે દુઃખદ,પણ વાગોળવો સૌને ગમે. પણ એમાંથી સારી શીખ ગાંઠે બાંધે તે સાચો માણસ.
જોતજોતામાં જવાનો દિવસ પણ આવી ગયો. સવારથી જ બુધ્ધિબેનનુ બોલવાનું ચાલુ થઇ ગયું હતું. “ નક્કી કરીને આવી છે એટલે એ પ્રમાણે જશે જ. મારાં કહેવાથી કંઇ થોડી રોકાવાની છે ? ઠીક મારા ભાઈ. પણ મઝા આવી. આઇસ્ક્રીમ ખાધો,  જાતજાતના શેઈક અને જ્યુસ પીધા,શેરડીનો રસ પીધો. હવે ક્યારે મળાશે કોને
ખબર ? કામમાં પરોવાયેલી રહીને હું ન સાંભળવાનો ડોળ કરતી હતી.પણ તેમનું આ બધું મનોમંથન મને સ્પર્શતું હતુ. છેલ્લાં વાક્યની નિરાશા તોડવા અજાણી બનીને  મેં પૂછ્યું.” આજે રાત્રે તો ઉપડી જઈશ.પછી ક્યારે આવીશ કહું?” એટલે તેમનું મગરૂરી મન તરત બોલી ઉઠ્યું.”જ્યારે આવવુ હોય ત્યારે આવજે ને ભાઇ. આપણે તો ૧૦૦ કરવા છે એ વાત પાક્કી.પછી થોડો પોઝ લઇને એ બોલ્યાં “ બધાને કહ્યું છે ને તને ય કહું છું.મારી પાછળ કશી રડારોળ કરવી નહિ અને ઉઠમણા-બેસણાના ખોટા રિવાજો કરવા નહિ.મારા પાંચે છોકરામાં સુરજ જેવું તેજ રહે અને સંપ રહે એટલું જ ઇચ્છું છું. માતાજી સૌનું સારું કરે. હવે તારી લખાપટ્ટીનું શું કરીશું?  હજી તો ઘણું બાકી છે. પૂરું તો ના થયું. ચાલો, ઈશ્વરઇચ્છા. આ જરા આંખમાં ટીપા નાંખી આપ.મારી આંખના ટીપાને છુપાવતી હું ઉભી થઇ..

બસ, આંસુથી અટકેલી વાત આજે  લગભગ નવ મહિના પછી ફરી પાછી આંસુથી શરુ થાય છે. ફેબ્રુઆરી ૨૦૧૨ના ત્રીજા અઠવાડિયામાં મગજમાં લોહીનું ભ્રમણ ઘણું ઓછું થવાને કારણે, વાણી અને સ્મૃતિ ફંટાવા માંડ્યાં.એને કારણે ધીરે ધીરે એક એક અંગ નિષ્ક્રિય થયાં અને અંતે નિયતિના લેખ મુજબ તા. ૨જી માર્ચના રોજ પૂ. બુધ્ધિબેને ૩ પુત્રો,૨ પૂત્રી, ૭ પૌત્રો, ૪ પૌત્રીઓ, ૮ પ્રપૌત્રો, ૯ પ્રપૌત્રીઓ, ૯ “ધ્રુવ”વહુઓ, અને ૫ જમાઈઓની અને સંસારની માયાજાળમાંથી મુક્તિ પામ્યાં.

જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે,
ગાડી,હોડી કે વિમાન વાટે, સમયની ગાડી ભાગતી ચાલે……..

આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે,
હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે  એ સરતી જાયે,
આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે,
ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………

હાંકે હાંકનારો  જ સાચો, સહુ મુસાફર પાર ઉતારે.
ધમ ધમ ઘડીની સાથે સાથે, અંબર કે સમંદરને પંથે,
રંક-રાય યા સંતને રાહે, ધક ધક ગાડી ભાગતી ચાલે.
જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….

બુધ્ધિબેન વિષે કેટલાંક અવતરણો ઃ

અને છેલ્લે તેમના વિષે ભૂતકાળમાં લખેલ મારી કેટલીક રચનાઓ.

( ૧ )

પંદરેક વર્ષ પહેલાં તેઓ જ્યારે અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે…
તમારા જવાથી…..

પરોઢિયાની પૂજાનો રણકાર નથી.
પ્રભાતના નાસ્તાની સુગંધ નથી.
સવારે હાથ હલાવતી વિદાય નથી.  ( જોબ પર જતાં સવારે )
ને સાંજે હૂંફાળો આવકાર નથી.      (જોબથી પાછા ફરતાં )
છાપાની પઝલની મથામણ નથી.    ( બપોરની પ્રવૃત્તિ )
અવનવી વાતોની આપલે નથી.
ગરમ રસોઇની મ્હેંક નથી.           ( સાંજે )
ફોનની ઘંટડીનો યે અવાજ નથી.
“જય અંબે” નો સૂતા સાદ નથી.        ( રાત્રે )

( ૨ )  છે માત્ર…..

ચારે દિશામાં નર્યો સૂનકાર છે.
ઘર બંધ તેથી ચિંતાની ચિનગારી છે.
ખીચડી,ઢોકળી ને સ્પગેટીનો સ્વાદ છે.
પીઝા,પીટા અને નાનને સ્થાન છે.
માનો ન માનો,તમારી સતત યાદ છે.
હવે કહો, જીવન તમારું કેવું સફળ છે ?

( ૩ )

એકાણું વર્ષના પૂજ્યબાને….
એમની પચ્ચીસ લાખ, બાણું હજાર, પળોના મૌનવ્રત પ્રસંગે સપ્રેમ….

મૌનના વનમાં તમે ઘણું તપ્યાં,
              હવે અમારા કોલાહલમાં પાછાં આવો;
મૌનના મેળામાં તમે ઘણું ફર્યા,
              હવે અમારા ટોળામાં પાછાં આવો..
છવ્વીસ લાખ પળોમાં તમે એકલાં જીવ્યાં,
              હવે અમને મનોબળના છાંટા આપો;
તમારા અશબ્દે અમે મૂંઝાયા,
              હવે મૌનના માહોલને વાચા આપો..
તમારા સૂર વિના અમે ગૂંચાયા,
              હવે આદરની અમારી આરતી સ્વીકારો;
સંયમની સિધ્ધિને તમે સ્નેહે વર્યા,
           હવે અમારા પ્રણામ પ્રેમે સ્વીકારો………. 

 

ૐ   શાંતિ   શાંતિ   શાંતિઃ …..

 

સંવેદના… March 12, 2012

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , 1 comment so far

 

 

ખાલી ખાલી March 6, 2012

Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment

ખોવાઇ જવાયું.. March 1, 2012

Posted by devikadhruva in : મુક્તકો/શેર , 1 comment so far

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help