રુદિયાના ધબકારા બોલે.. December 12, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentહ્ર્દયના ધબકાર તો છુકછુક ગાડીના લયબધ્ધ નાદની જેમ જે સાંભળવું હોય તે બધું જ બોલે છે.ક્યારેક પોતાનુ નામ, ક્યારેક પ્રીતમનું ગાન તો ક્યારેક વળી પ્રભુનો સાદ…જગતની અને જીવનની માયાજાળમાં વળોટાયેલું હૈયું સાંજની આરતી ટાણે (કહો કે જીવનસંધ્યાએ)શું બોલે છે ? શું સાંભળે છે ?…….
*********************** ***************************
આજ ઓલા રુદિયાના ધબકારા બોલે..
મીંચેલી આંખે દેખાય રૂપ નોખું આજ, અંતરના અણસારા ખોળે…
બંધ થતી આરતીના નાદ પછી ધીરેથી ટકટક આ ભણકારા વાગે,
ઝબકીને જાગતી મૂંગી આરત પેલી કાળજે કોતરેલી મુદ્રિકા ભાળે,
પડઘા પાડે ભાવ મનના સૌ આજ કઈંક, રુદિયાના ધબકારા બોલે….
ટમટમતા તારલા આભલે મઢીને આજ ચાંદલિયો વાદળિયે તરતો,
મઘમઘતો વાયરો યાદો વીંટીને આજ પાંદડીને સ્પર્શીને સરતો,
મીંચેલી આંખે દેખાય ને સૂણાય પ્રભુ, રુદિયાના ધબકારા બોલે….
ગુજરાત છે… November 9, 2010
Posted by devikadhruva in : ગઝલ , add a comment
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે.
સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.
‘ અ ‘ આદિત્ય. November 5, 2010
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farનવા વર્ષની શુભ શરુઆતઃ ઃઃ ઃઃ
શબ્દારંભે સ્વર એક ::
‘ અ ‘ આદિત્ય.
આવો, આવો આંગણે આજે,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અમાસના અંધકારને ઓગાળતા,
આશા-અરમાનને અજવાસતા,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અર્પી અમી આંખમાં એકમેકને,
અદ્વિતીય આનંદ અંતરથી,
આરાધીએ આદિત્યના આગમનને આજે…..
અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,
આસપાસ આદરનો ઓચ્છવ
અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…
કોને મળી ? October 31, 2010
Posted by devikadhruva in : ગઝલ , 2 commentsજીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી !
વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી.
ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી.
મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી !
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી !
**********************************
છંદવિધાન ઃ રમલ ૨૬
( ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા )
શરદપૂનમ October 22, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far
ગગનગોખમાં સાંજ ઢળે, એક દીપ ધીરે ધીરે પ્રગટે,
વિધવિધ રૂપો નિત્યે વેરે, સુદ–વદમાં એ ખેલે,
દર્પણ એનું જલસરવર ને રૂપ સ્વયંનું નીરખે,
ખુશી ખુશી એ આભ ઝળુંબી,ધરા અવિરત ચૂમે.
અંધારી આલમ પર ફેલે, ચાંદની એની રેલે;
પુનમ રાતે માઝા મુકે, સાગરને છલકાવે.
ભરતી ટાણે મોજા છોળે,પ્રેમી દિલ ઉછાળે,
સંતાકુકડી વાદળ વચ્ચે તરતા તરતા ખેલે.
બાલ હ્રદયને હઠ કરાવી હાથમાં ચાંદો માંગે;
રાત ભર મીઠા હાલરડા મૌનપણે ખુબ ગાયે,
ઢળી હળવે તારલિયાળો નભનો પાલવ છોડે,
શોધકના વિસ્મયને જગવી દૂનિયા ખુદ બોલાવે,
ધીરે ધીરે વહેલી સવારે ક્ષિતિજે જઈ પહોંચે,
ગગનગોખમાં સાંજ પડે, ફરી ધીરેથી પ્રગટે.
**************************************
( સર્જક-મિત્રોના સૂચન મુજબ અપેક્ષિત સુધારા/વધારા સાથેની એક જુની સ્વરચના )
નગર જુઓ.. October 12, 2010
Posted by devikadhruva in : ગઝલ , 2 commentsઆભની વીજળી સમુ આ આંજતું નગર જુઓ.
પૂર્વની રીતો અને વે‘વારથી જુદું ઘણું,
માનવીને યંત્ર માંહે શારતુ નગર જુઓ.
રાત દી‘ આઠે પ્રહર ડોલરની દોડધામમાં,
આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.
દૂરથી સોહામણું ને પાસથી બિહામણું,
દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !
દાણ વીમાને પથારે કાંપતુ નગર જુઓ.
લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી,
જીંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.
કાળચક્ર October 6, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
શિખરિણી ( યમનસભલગા-૧૭ )
જુની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,
દિઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.
કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,
દિવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.
નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,
મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.
ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં દિલ હરે,
અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!
નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,
બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.
હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,
અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે
અને ખેંચે પૌત્રી,વતનઘરથી સુદૂર દિશે;
રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!
હોતી હશે? September 27, 2010
Posted by devikadhruva in : ગઝલ , add a commentતસ્વીર કોઈની કદી શું બોલતી હોતી હશે?
તો યે છતાં કેવી રીતે એ વીંધતી હોતી હશે !
યુગુયુગ વિત્યાં વિશ્વાસના પ્રગ્ટે અહીં દીવા બધાં,
તેથી જ ના દેવોની વાતો ખૂટતી હોતી હશે.
પંખી બધા ઊડી ગયાં, માળા અહીં જંપી ગયાં,
સૂરાવલી બહેલાવવા આ ગૂંજતી હોતી હશે !
પાસે જતાં ચૂભી રહો ને દૂરથી ખેંચી રહો,
કાંટા ભરી ફૂલો તણી આ લાગણી હોતી હશે ?!!
કોઈ કહો આ વીજળી ક્યાંથી કદી આવી પડે ?
ઈશ્વર તણા હસ્તાક્ષરો સરકાવતી હોતી હશે !!!
************ *************** ***********
છંદવિધાન-રજઝ ૨૮
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
સાંજવેળા September 8, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentમાર્ચ ૨૦૧૧માં યોજાયેલ “સબરસગુજરાતી” કાવ્યસ્પર્ધામાં ૧૬૬માંથી પ્રથમ દસમાં સ્થાન પામેલ ગઝલ
( છંદ હજઝ-૨૮ )
વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે.ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય ! એટલે જ તો એ સાંજના જતા સુરજને જરા થોભી જવાની વાત કરે છે.અહીં દિવસ અને રાત, જીવન અને મૄત્યુના રૂપક તરીકે લીધા છે.
————————————————————————————————
સલૂણી આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી.
હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી એ લૂ,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.
હજી મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભો અરે સુરજ, હતી સવ્વાર ઝગમગતી.
અહો કેવી મધુરી સહેલ આ સંસારસાગરની,
જરા થોભો અરે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો અરે ધાત્રી, સજુ એ રાત તનમનથી !!
સલોની આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી
છંદવિધાન -હજઝ ૨૮
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
અધૂરું કથન….. August 18, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farનીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” ના આધારે લખેલ આ રચના છે. એમાં એક એવા પાત્ર ( વટવૃક્ષ )ની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.
( મંદાક્રાંતા )
રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.
( અનુષ્ટુપ )
છોરું એ ધરતીનો ને, ભેરું એ વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતો હતો.
( હરિગીત )
પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.
( શાર્દૂલવિક્રીડિત )
યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…
( મંદાક્રાંતા )
કાળી યાદો મનથી વિસરી, આંખ મીંચી નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહીં ને ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુભાઈ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.
( અનુષ્ટુપ )
હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..
( મંદાક્રાંતા )
ત્યાં તો આવી,પરજન વળી,પાન ફીંદી જ દીધાં,
એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!








