અક્ષરને અજવાળે February 20, 2013
Posted by devikadhruva in : Uncategorized , 2 commentsસહર્ષ નિવેદનઃ ઇલેક્ટ્રોનિકના આ જગતમાં મારા બીજા પુસ્તક ‘અક્ષરને અજવાળે’ એ જન્મ લીધો ebook રૂપે … મારા જન્મ દિવસે..
જીંદગીના એક નવા તબક્કે–
**********************************************************************************************************
Aksharne Ajavale: Gujarati poetry book
અક્ષરને અજવાળે
Gujarati Poetry book of Devika Rahul Dhruva
‘વેબગુર્જરી’ ના જન્મદિવસે ખાસ…. January 28, 2013
Posted by devikadhruva in : સ્વરચના , add a comment‘વેબગુર્જરી’ ના જન્મદિવસે ખાસ….
શાર્દૂલવિક્રીડીત ઃ
ઊગ્યો આજ રવિ લઇ શુભ ઘડી,ગૂંજી ઉઠી ગુર્જરી,
બાંધે જે દશદિશ ગુર્જર-જનો,ગૂંથી નવો માંડવો,
વંદે હસ્તક લૈ મૃદુ શબદના,કંકુ અને ફૂલથી,
સંગે સૌ નતમસ્તકે શુભ વદો, કુર્યાત્સદા મંગલમ.
http://webgurjari.in/2013/01/25/first-post/
નવુ વર્ષ-૨૦૧૩ January 3, 2013
Posted by devikadhruva in : સ્વરચના , add a commentકંઇક સારું લાગે. November 19, 2012
Posted by devikadhruva in : કાવ્યો , add a commentઆજે વહેલી સવારનો ચાંદ મને ખુબ ગમ્યો.ચમકી ગયા ને ? સવારનો ચાંદ ? હા,શરદપૂનમ પછીની વહેલી સવારનો ચાંદ. રાત આખી યે ખુલ્લાં આકાશમાં એકલો એકલો ફરીને, સમગ્ર વિશ્વને ચાંદનીમાં સ્નાન કરાવતો ચાંદ, પરોઢિયે મને એક તપસ્વી જેવો લાગ્યો,વધુ તેજસ્વી લાગ્યો.ક્ષણભર એક કલ્પના જાગી કે સાવ ખાલીખમ આકાશમાં એકલો રહીને પણ આ તેજથી ભરપૂર છે; અને ભીડથી ભરેલી ધરતી પર માનવ સાવ ખાલીખમ છે. કદી આ ચાંદ ઇશ્વરનું રૂપ ધરી અહીં ઉતરી ન આવે ?!!!
ને આ તરંગ આરઝુ બની બોલી ઉઠે છે કે……
અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે.
કાયાની દિવાલે આતમને પૂરી,
તમે પડદે રહો તે કેમ ચાલે ?
અંદર ને અંદર કોઇ બોલ્યા કરે,
સમંદરમાં મીન જેમ તરસ્યાં વહે,
સંવાદી ગીતથી ડોલાવી મનડું,
તમે એક ક્ષણ ગાઓ તો ન્યારું લાગે,
દરિયાનું જળ પછી મીઠું લાગે, તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે…
પાંખો પ્રસારી જેમ પંખીઓ ઊડે,
ને આભલુ વિશાળતો યે નાનું પડે,
રાતો વીતે ને તો યે વાતો ના ખુટે,
ભવભવના જન્મારા ઓછા પડે,
પાસે બેસી કા’ન વાતો કરીને,
તમે ફેરવો જો હાથ શિર ધન્ય લાગે…
જીવન-કટારી પછી વહાલી લાગે, નહિ તો ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે,કોઇક મારું લાગે, કંઇક સારું લાગે.
ન કોઇએ લખી…. October 28, 2012
Posted by devikadhruva in : ગઝલ , add a comment
લખી લખી અને લાખોએ લખી,
ઘડી ઘડી ઘૂંટી ઘૂંટીને લખી;
કવિ સૂફી, અને સંતોએ રચી,
છતાં એ પૂરી ન કોઇએ લખી.
જીવન મરણ સુધી હૈયામાં જડી,
કથા, ગીતો અને વાર્તા યે લખી;
અરે,ભલી બુરી કોઇની કહી,
એ વાત ઉંચી ન ઇન્સાને લખી.
ઉપર ઉપરથી લખાઇ તો ખરી,
ખરી પિછાણ વગર ભીંતે લખી;
ખરેખરી ‘દેવી’ ઢાઈ અક્ષરની,
કહે તું સાચી, શું ત્હેં પણ એ લખી !
ચ્હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો. September 11, 2012
Posted by devikadhruva in : કાવ્યો , add a comment
રોજ સવારે,ડેક પર સાથે,વાંચીએ ગમતી વાતો,
ચ્હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો.
સાંજ જીવનની શરુ થઇ,આ કેવી ક્ષણ ક્ષણ સરકી,
ભીંત પરના તારીખિયાના પાનપાન ઉડાડી,
જોતજોતામાં ઢળી જશે આ સૂરજ પણ મદમાતો,
ચ્હાના ઘૂંટે મીઠી કરીએ ચાહથી મનની વાતો.
કાલ હતું જે આજ નથી ને આજ છે, ન મળશે કાલે,
લખે વિધાતા ઝાંખી રેખા, કરવી સુંદર મારે-તારે,
તાર જુદા પણ એક જ સૂરમાં ગાશું દિવસ રાતો,
ચ્હાના ઘૂંટે મીઠી કરીએ અલકમલકની વાતો.
સામે બેઠા પંખી કેવા ડાળ ઉપર મલકતા,
રંગબેરંગી પાંખો લઇને ક્યાં ક્યાં જઇ અટકતા,
દેશ-વિદેશે ઉડી-ફરીને શોધે નિજનો માળો,
એ જ છેલ્લે સાચો, બસ ‘હું ને તું’ નો નાતો….
ચ્હાના ઘૂંટે મીઠી કરીએ, ચાહથી મનની વાતો.
કાવ્ય-મહોત્સવ-ઑગષ્ટ ૨૦૧૨ August 31, 2012
Posted by devikadhruva in : લેખ , 3 comments
કાવ્ય-મહોત્સવ-ઑગષ્ટ ૨૦૧૨
Poetry Festival,Gainsville,Florida.-Devika Dhruva-
છેલ્લાં કેટલાંક મહિનાઓથી જે કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી અને જેને મનભરીને માણવાની પ્રબળ ઝંખના હતી તે કાર્યક્રમ ગઇકાલે જ પૂરો થયો.તા.૨૫,૨૬ ઑગષ્ટના રોજ બે દિવસ માટે, યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા,ગેઇન્સ્વિલમાં,સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે ‘પોએટ્રી ફેસ્ટીવલ’ ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ આયોજન CHiTra એટલે કે, Center for the Study of Hindu Traditions દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરાવવા અંગે હતુ.પણ મારા મનમાં તો બે દિવસ કવિતાના માહોલમાં રાચવાનુ અને માનીતા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનુ હતું.
૨૪મીની બપોરથી ચહલપહલ શરુ થઇ ચૂકી હતી.બહારગામથી આવનારાઓમાં હું પહેલી હતી.ધીરે ધીરે એક પછી એક સાંજ સુધીમાં સૌ આવીને પોતપોતાની રીતે એક જ સ્થળે ગોઠવાઇ ગયાં હતા.ડો. દિનેશભાઇ શાહના નિવાસસ્થાને સાંજે સૌ ડીનર માટે ભેગા થયા ત્યારે આનંદ અને આશ્ચર્યનો જાણે કે દરિયો ઉમટ્યો. મારા પ્રિય સર્જક પન્નાબેન નાયક, શ્રી મુકેશ જોશી, શ્રી નટવર ગાંધી,શ્રી હરનીશ જાની,શ્રી હિમાંશુ ભટ્, મોના નાયક અને ગેઇન્સ્વિલના સ્થાનિક કવયિત્રી શ્રીમતિ સ્નેહલતાબેન પંડ્યા મળ્યાં. આ ઉપરાંત બ્લોગ જગતના નહિ જોયેલાં છતાં નિકટના મિત્રોમાં ‘સપના’ના નામથી ઓળખાતા શિકાગોના બાનુમા વિજાપુરા,બીજાં રેખા શુક્લ અને ઑસ્ટીનથી ઘરના અને પોતાના શ્રીમતિ સર્યૂબેન પરીખ. આશ્ચર્ય એટલા માટે કે ઓળખ વિધિ દરમ્યાન ૪૫ વર્ષ પછી બે જૂની સખીઓ ( સર્યૂબેન અને ઉર્વશીબેન ) એકબીજાને ઓળખીને ભેટ્યા ત્યારે આખું યે દ્રશ્ય, સંબંધોના આવા અણધાર્યા યોગાનુયોગથી ભાવવિભોર અને સભર થઇ ગયું. ત્યારપછી સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સંગીતનો કાર્યક્રમ ચાલુ થયો. શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના સુંદર અવાજમાં રાતના દસ-સાડાદસ સુધી મેઘધનુષી ગીતો સાંભળ્યા.
૨૫મીની સવારે નિયત કરેલા સમયે અને સ્થળે સૌ પહોંચી ગયા.બરાબર ૯ વાગ્યે ડો. દિનેશભાઇ શાહે કાર્યક્રમની શરુઆત કરી અને સંચાલન વસુધાબેન નારાયણને સોંપ્યુ.યુનિ.ઓફ ફ્લોરીડાના હિન્દુ ટ્રેડીશન સેન્ટરના ડિરેક્ટર,શ્રીમતી વસુધા નારાયણે સ્વાગત-વચનથી સૌને આવકાર્યા અને ભારતની સંસ્કૃતિ,વિવિધ ભાષા,હિંદુ પ્રણાલી,તેનુ મહત્વ અને ગુજરાત પર પ્રકાશ પાડતો આ સંસ્થાનો અને આ કાર્યક્રમનો ઉદ્દેશ સુંદર રીતે વિગતવાર સમજાવ્યો. ત્યારપછી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે મુકેશ જોશીથી કાવ્યોત્સવનો આરંભ થયો. બુલંદ અવાજ,મુક્ત છટા અને ભાવભરી અદાથી તેમણે જુદા જુદા મુકતકોની સફર શરુ કરાવી. સૌ પ્રથમ શ્રી પિનાકિન ઠાકોરનું મુક્તક “લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર લખી ચંદન કરું છું, બે ગીત, બે ગઝલના પુષ્પો ચડાવી,સૌ પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.’થી શરુઆત કરી. પછી ’પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ…શ્રી રઇશ મણિયારનું “જુવાની જાય છે ક્યાં વૃધ્ધ બનતા વાર લાગે છે…જ.પંડ્યા રચિત આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી..અને શ્રી ખલીલ ધનતેજવીનું ” વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે,તરણું ઊખડી જાય તો કે’જે મને.જિંદગી તારાથી હું થાક્યો નથી,તું જો થાકી જાય તો કે’જે મને.…આમ એક પછી એક જોરદાર મુક્તકો અને તેની રજૂઆત સાંભળીને તાળીઓનો સતત ગડગડાટ ચાલુ જ રહ્યો. કેટલાંક ઓછા જાણીતા કવિઓ જેવા કે, નાઝ માંગરોળી.ઇસ્માઇલ પંજુ,અને એક કચ્છી કવિની રચનાઓની ઝલક પણ અદ્ભૂત રીતે પેશ કરી.તેમાંની એક વિશનજી નાગડાની રચના ’શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?જીભે તો રાખ્યા’તા રામને, હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.’ તો સાંભળીને શ્રોતાજનો બસ વારી ગયા.મરીઝની એક અજાણી ગઝલ બે સખીઓનો સંવાદ,સૈફ પાલનપુરીનો એક શેર’વર્ષોથી સંઘરી રાખેલ દિલની વાત જણાવું છું’પણ અફ્લાતૂન ઢબે રજૂ કરી અને છેલ્લે સ્વ.સુ્રેશ દલાલ.ના આ પટ્ટ શિષ્યે તેમની થોડી વાતો કરી. સ્વ.સુ.દ.ની મબલખ રચનાઓ પૈકી બે ‘અડસઠ વર્ષનુ બગાસુ ને સાઠ વર્ષની છીંક’ તથા “ અમે સમાજ છીએ’ એ કટાક્ષ કાવ્ય સંભળાવી પોતાનું વક્તવ્ય પૂરું કર્યુ.જો કે, શ્રોતાઓની માંગ તેમને સાંભળવાની ચાલુ જ રહી. મને તો લાગ્યું કે એ આખો દિવસ કાવ્યપઠન કરતા જ રહે અને બસ સાંભળ્યા જ કરીએ. મુકેશ જોશીના પ્રેઝન્ટેશન માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.એક જ શબ્દમાં કહેવું હોય તો કદાચ શબ્દકોષમાં એક નવો જ અસરકારક શબ્દ સર્જવો પડે!!
૧૦ વાગે કોફી-બ્રેક પડ્યો અને તે પછી ફરીથી દોર શરુ થયો. ડો દિનેશભાઇ શાહે તેમના પૌત્ર-પૌત્રીઓના શુભેચ્છાસંદેશની એક નાનકડી વીડિયો ક્લીપ બતાવી જેમાં હિંદુ સંસ્કૃતિ, કૌટુંબિક ભાવના અને સંસ્કારો પ્રતિબિંબિત થતા હતાં.
ત્યારપછી બ્લોગ જગતમાં ઊર્મિના નામથી જ ઓળખાતી અને સૌની માનીતી અને લાડકી મોના નાયકે “પ્રેમ” વિષયને અનુલક્ષીને “ચમકતો ને દમકતો એ મ્હેલ જોવા દે,મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે’ અને કલાપીની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની”થી શરુઆત કરીને વિવિધ શાયરોના પ્રેમ અંગેના શેરો દબાબભેર રજૂ કર્યા. “તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી” એમ એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ કહેનાર સુંદરમને તો ભૂલાય જ કેમ? પ્રેમ,વિરહ,વેદના,મિલન,પ્રતીક્ષા એમ અનેક વિધ પાસાઓાને સ્પર્શતી સ્વરચિત કવિતા અને શેર સુંદર રીતે રજૂ કર્યા.તેમની “તેરે જાનેકે બાદ’ની પંક્તિઓ “તું નથી,તું નથી,તું નથી,તું નથી,તું બધે તરવરે तेरे जाने के बाद.‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે–ના જીવે, ના મરે तेरे जाने के बाद.અને “રાધાપો” ગઝલના આ શેરે તો દિલ હરી લીધું કે,”સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,પણ પ્રભુતાથી પછી લૂંટી મને.વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,આખરે તો બેયથી વીંધી મને. મઝા આવી ગઇ.
હવે વારો આવ્યો ઓસ્ટીનથી આવેલ સર્યુબેન પરીખનો જેમના બે કાવ્ય-સંગ્રહ પ્રકાશિત થઇ ચૂક્યા છે અને http://saryuparikh.gujaratisahityasarita.org/ પર ગંગોત્રી નામના બ્લોગ પર રચનાઓ લખી રહ્યા છે.તેમણે મલ્હાર નામની સ્વરચના “મેહુલા ને અવનીની અવનવી પ્રીત, માદક ને મંજુલ ગવન ગોષ્ઠીની રીત“વાંચી સંભળાવી. તે પછી શિકાગોથી પધારેલ રેખાબેન શુક્લએ સ્વરચના ‘ખુશીછું, જોશછું,ઉભરાતી લાગણી ઉમંગછું….કારણકે હું નારી છું..! અને ખડકી ખોલીને બેઠી હું દ્વારે …તારાસત્કારમાં, …ફુલોની ફોરમનો લાવી ખજાનો…તારા સત્કારમાં. રજૂ કરી. ત્યારબાદ ‘સપનાના ઉપનામથી ઓળખાતા અને http://www.kavyadhara.com/પર સપનાઓને ખુલી આંખે બતાવનાર શિકાગોથી આવેલ સ્મિતવદના બાનુમા વિજાપુરાએ સ્વરચના વાંચી સંભળાવી કે, ‘સખી હું “શબ્દોને શમણે મ્હાલુ,અને વ્હાલુ વ્હાલુ બોલુ’ અને ‘ભીના ભીના નયન વરસે,આગ હૈયે લગાવે’… બંને કવિતા શ્રોતાજનોએ વાહ વાહથી વધાવી લીધી. ત્યારપછી પાલવડે’ ભાવો ફરકાવતા મારો વારો આવ્યો અને મારી ખુબ જ પ્રિય અને સાહિત્યજગતે કસેલી ‘શતદલ’ કવિતા “શતદલ પંખ ખીલત પંકજ પર,હસત નયન જ્યમ શ્યામ વદન પર’ અને છંદોબધ્ધ એક ગઝલ ‘સોનેરી સાંજની એક વાત લાવી છું,તારા ભરેલી રાતનું આકાશ લાવી છું. રજૂ કરી જે સૌએ માણી અને ગમી જેનો ખુબ જ આનંદ છે. મુકેશભાઇના શબ્દોમાં “તમારી શતદલ ખુબ સરસ રચના છે “સાંભળી આનંદ બેવડાયો.
લગભગ સાડા અગિયાર વાગ્યે વોશિંગ્ટન ડી.સી.ના CFO અને “A Tryst with Destiny” નામના નાટકમાં ‘ગાંધી”નો રોલ ભજવનાર ખ્યાતનામ આદરણિય વ્યક્તિ શ્રી નટવર ગાંધી એક નવો જ ટોપીક લઇને આવ્યા.સૌથી પ્રથમ તો તેમણે સ્વ. સુવર્ણાબેન સાથેની થોડી યાદોને તાજી કરી.’અમેરિકા,અમેરિકા નામના તેમના પૂસ્તક્નો ઉલ્લેખ કરી એક પ્રભાવિત શૈલીથી ‘અશાંત ઉછળે ભળે, સમભળે,સળવળે,ઉછળે,દયા, દમન દાનનો દૈત દેશ દળે”અક્ષરમેળ છંદનો ગુંજારવ કર્યો. “છોને ભમુ ભૂતલ હું દૂર દેશદેશે,પા્છો વળું અચૂક હું ચિત્તમહીં સ્વદેશે…અમેરિકા અને ભારત અંગેની વાસ્તવિકતા, ભારતની બંને બાજુઓનો સોનેટ દ્વારા ચિતાર, આત્મદીપો ભવઃ essence of Budhdhism, વિશ્વ જે છે તે રીતે તેની સ્વીકૃતિનો ભાવ ‘અહીં આજુબાજુ જગત વસતુ ત્યાં જ વસીએ” જેવી ઘણી ઊંચી વાતો તથા પૃથ્વી,શિખરિણિ,મંદાક્રાન્તા,વસંતતિલકા,અનુષ્ટુપ જેવા અક્ષરમેળ છંદોની જે વાતો કરી તે સંસ્કૃતની વિદ્યાર્થિની હોઇ મને ખુબ ભાવી ગઇ. “ગયેલ પિતાની યાદમાં” “સવાર પડતા તમે નીકળતા દૂકાને જવા’રચના પણ તેમના મુખે સ્પર્શનીય બની રહી.
૧૨.૩૦ થી ૧.૦૦ લંચના વિરામ પછી ફરીથી ૧.૩૦ વાગ્યે કાર્યક્રમ આગળ વધ્યો.
ગેઇન્સ્વિલના કવયિત્રી સ્નેહલતાબેન પંડ્યાએ અવિસ્મરણિય સ્મૃતિ નામનુ સોનેટ રજૂ કર્યું..રેખાબેન શુક્લએ બિકતા હૈ જહાં બિકતી હૈ જમીં બિક્ત હૈ યહાં ઇન્સાનકા ઝમીર,પરાયે તો પરાયે રહે,અપના ભી યહાં કોઇ નહીં’ અને…“તું મઝાની વાર્તા’ કાવ્ય રજૂ કર્યું. સપનાબેને ‘એક આખું ગામ ઉદાસ રહે છે,લોક એવા એની પાસ રહે..અને સર્યુબેને ‘સુતર આંટીની સમી આ ઝિંદગાની,ખેંચુ એક તાર વળે ગુંચળે વીંટાતી’. વાંચી સંભળાવ્યુ. સ્થાનિક કવિ ડો.પાઠક અને તેજલભાઇએ પોતપોતાની કૃતિ પેશ કરી.મેં પણ વિષયને અનુરૂપ ચંદ્ર પરથી લેવાયેલ પૃથ્વીના ચિત્ર પરથી રચાયેલ ગઝલ “હું કોણ છું ને ક્યાંનો છું,પ્રશ્નો નકામા લાગતા;ઇન્સાન છું બ્રહ્માંડનો એ કથન સમજાય છે,પૃથ્વી વતન કે’વાય છે” એ ગઝલ રજૂ કરી. તો ડો.દિનેશભાઇએ ‘આગિયા’ પરની રચના અંભળાવી..
બપોરે ૨ વાગ્યે હરનીશ જાનીનો હાસ્ય દરબાર શરુ થયો.”તાજો તાજો રીટાયર્ડ થયો છું,કામ નથી તેથી ટાયર્ડ થયો છુ. એ એક મિનિટની હઝલ કહેતા કહેતા તો તેમણે એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ કંઇ કેટલીયે હાસ્યજનક વાતો,પ્રસંગો અને ઘટનાઓ ૨૫ મિનિટ સુધી કહી સંભળાવી કે આખા યે હોલમાં ખડખડાટ હાસ્યના ફુવારા ઊડવા માંડ્યા.ઘડીભર તો બધાને એમ જ થયું કે કવિતાને બાજુએ મૂકી આમ જ હસ્યા કરીએ.નાની નાની વાતોમાંથી હાસ્ય ઉત્પન્ન કરવું એ પણ એક મોટી કલા છે.વચ્ચે વચ્ચે ડો. દિનેશભાઇ વિષયને સાંકળતી બે ચાર લાઇનો જેવીકે,”અમે મગનમાંથી મેટ થઇએ, છગનમાંથી જેક થઇએ.આપણે મોર્ડન છોરાં થઇએ’’ પીરસતા જતા હતાં.ત્યારપછી ગેઇન્સવિલના સ્થાનિક સર્જકો( ડો..પાઠક.શ્રી પંડ્યા)એ પણ પોતાની રચના રસભેર સંભળાવી. સપનાએ ‘નથી છૂટતું,નથી છૂટતુ,આ અમેરિકા નથી છૂટતું’,રેખાબેન શુક્લે “ હુક્કા-પાણીજલ્દીલાવો,પંગત પાડોઆંગણજી,ક્યાં થીઆવ્યાસાઢુજીસાથેલાવ્યા સાળાજી.અને સર્યુબેન પરીખે “ વિચારવર્તનવાણીનો આ કાચોપાકો બાંધો છે,સાંધામાપણ સાંધો છે ને એમાં સૌનેવાંધો છે’ હળવી રીતે રજૂ કર્યુ.આ જ દોરમાં સૌના આગ્રહને માન આપીને ફરીથી હરનિશભાઇ જાની હાસ્યનો થાળ લઇને આવ્યા અને તેમાંથી એમની છેલ્લે લખાયેલી હાસ્ય કવિતા- ‘‘વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.તમારા બાળકોનું વતન છે આ તો. વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.કયાં સુધી છત્રીઓ ખોલશો,અમેરિકામાં. આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો, કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં’ રજૂ કરી સૌને ખડખડાટ હસાવ્યા.
૩.૩૬ મિનિટે મારા ખુબ માનીતા પન્નાબેન નાયક આવીને ઉભા.સૌથી પ્રથમ તેમણે પોતાનો કવિતાના ક્ષેત્રે પ્રવેશ અંગેનો પ્રારંભિક પરિચ આપ્યો.કાવ્યસર્જનનો યશ સુરેશ દલાલને આપી તેમની સાથેના આગલા થોડા દિવસોની વાતો સ્મરી…તે પછી.નાનપણની,ગુલમ્હોરથી ડેફોડિલ્સ સુધીની,અંગ્રેજ કવયિત્રીની પોતાના પર થયેલ અસર વગેરે ઘણી વાતો ટૂંકમાં જણાવી.અને પોતાના કપાળ પર ચાંલ્લો જોઇને એક અમેરિકન નાનકડા બાળકની કોમેંટ ‘અરે, આના કપાળમાં તો લોહી નીકળ્યુ છે’ સાંભળી પોતે અમેરિકામાં પરદેશી હોવાની અનુભૂતિ કરી તેની પણ વાત હ્રદયસ્પર્શી રીતે કરી. તે પછી તેમના જુદા જુદા કાવ્યસંગ્રહોમાંની એક એક ઝલક જે એમણે રજૂ કરી તે અહીં ટાકુ છું
“પીઠી ચોળાવી બેઠા છે ડેફોડિલ્સ ઘાસ મંડપે’”તડકો સૂતો ડાળી પર ફૂલનું ઓશીકું કરી. અને સપનાના હૈયાને નંદવામાં વાર શી?તથા “અછાંદસ રચના” બિલ્લી”ની “હવે તો હું સાવ પાળેલુ પશુ બની ગઇ છું”.આ ઉપરાંત, આખુશીનો સ્નેપશોટલઈ મઢાવી સૂવાનાઓરડામાંટાંગીશકાયતો?, “આપણને જેભાષામાંસપનાંઆવે એ આપણીમાતૃભાષા. મને હજી યેફિલાડેલ્ફિઆમાં સપનાં ગુજરાતીમાં આવેછે.” “સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું,સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન–આ બધામાં મને ક્યાં ગોઠવું ?કેન્દ્ર શોધું છું’. શોધું છું, બાનો હાથ…વગેરે લાગણીની તીવ્રતા વ્યક્ત કરતી વિવિધ રચનાઓને ખુબ જ ભાવપૂર્વક આરપાર પઠન કર્યુ.
સમય સરતો જતો હતો. રંગ જામતો હતો. ઘણા બધાને બોલવુ હતુ અને ઘણા બધાને સાંભળવુ પણ હતું. પરિસ્થિતિની આ નાજુકાઇ જોઇને મેં નક્કી કર્યું કે આ સેશનમાં મારો સમય કોઇ બીજાને મળે તેમ થવા દઇશ.યુનિ.ના લોકલ તાજા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તેમાના એક નિકિબેને કબીરનુ ભજન ગાયુ.ડો.પાઠક કે જે ‘પંથી’ના ઉપનામ થી લખે છે તેમણે “સૂસવાટા સમીરના છે અંધારા આકાશે’ અને શીતલભાઇએ એક લઘુકાવ્ય રજૂ કર્યું કે,તારી યાદોના ધોમધખતા તાપમાં ઉકળીને ઠંડા થયા યાદના વરસાદમાં અને “શબ્દો સાથે નાતો તોડી મૌન કરે છે જીભાજોડી,ઇચ્છાઓના સ્ટેશન પર કાયમ પડે છે ટ્રેઇન મોડી”..રેખાબેન શુક્લએ “વીણો હ્રદયના ટુકડા કવિતા નુ બનવાનું , અને શબ્દોનું લોહી ટપક –ટપક સરી જવાનું, મળે ટુક્ડે ટુકડે મા…..નવી બની જવાનું, લાગે કે સંગે ભગવાન જ ભળીજવાનું’.. વાંચ્યુ.
મેં ‘શબ્દારંભે અક્ષર એક’ ના મારા નવતર પ્રયોગનો પરિચય આપી તેમાંનુ એક મુક્તક.’મેવાડની મીરાને માધવની મમતા.માધવને મથુરાના માખણની મમતા,મથુરાને મોહક મોરલીની માયા અને મૈયાને મોંઘેરા માસુમની મમતા’ રજૂ કર્યુ. તો ‘ક’ પરનું કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરા કસબી કંકણ’ પણ સંભળાવ્યુ.સપનાએ ‘આપણી વચ્ચે આ અવિશ્વાસની કાચની દિવાલ છે, અને ‘જડીબુટ્ટી’ કાવ્ય સરસ રીતે વાંચ્યું. ડો. દિનેશ શાહ, સ્નેહલતાબેન પંડ્યા,અને મોના નાયકે પણ એક વધુ રચના સંભળાવી. હિમાંશુભાઇ ભટ્ટે ‘ ન તો મંઝીલ હૈ, ન તો હમ સફર,હમેં રાસ્તોકી તલાશ હૈ’.એ રચના સુપેરે રજુ કરી.સર્યુબેન પરીખે Must Have Done Something Good……A house on a hill and a window to the sky, In the blue of eyes feel warm sunny sky. સંભળાવ્યું અને ફરી પાછા મુકેશ જોશીને સાંભળવાનો અવસર સાંપડ્યો. એક પ્રેમપત્ર’ અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો છાનોછપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો;કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયા’તા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનોછપનો..કવિતા રજૂ કરી શ્રોતાઓની વાહવાહ ઝીલી. મુકેશ જોશીને સાંભળવા એ એક લ્હાવો છે.સૌએ ફરીથી બીજા દિવસ માટે તેમને સાંભળવાની માંગણી કરી જે મુકેશભાઇએ માન્ય રાખી.સમયે એનુ કામ કર્યે રાખ્યું. દિવસ આખો ક્યાં વીતી ગયો, ખબર ના રહી.શબ્દોના આ માહોલમાં વિહરવાનુ એક સ્વર્ગ જેવું લાગે..છેલ્લે, આજના દિવસ માટે આભારવિધિ કરીને દિનેશભાઇએ સાંજે સંગીત અને ભોજનના કાર્યક્રમમાં સમયસર પહોંચવાની યાદ અપાવી. આમંત્રણ તો હતું જ!! એકાદ દોઢ કલાકના વિરામ બાદ સૌ સંગીત માટે એક્ઠા થયા.વસુધાબેને સ્વાગત પ્રવચન અને આ કાર્યનો હેતુ તથા વ્યવસ્થિત પ્લાન સમજાવતુ પાવરપોઇંટ પ્રેઝન્ટેશન કર્યું. તેમણે કહ્યું કે, This is the first major university to focus on Gujarat and its culture with an academic view point. ફ્લોરિડાના જુદા જુદા શહેરોમાંથી આવેલ જન સમુદાયે આ વાતને ખુબ વધાવી લીધી.એટલું જ નહિ, પરંતુ highlights of the Festival is that Dr. Kiranbhai and Pallaviben Patel offered $ 125,000, an anonymous but proud Gujarati offering them $ 50,000 and making a milestone of $ 300,000 as the Foundation of Gujarat Culture Program at UF.આ કોઇ નાની સૂની ઘટના નથી. જાણે કે એક ચમત્કાર હતો. દિનેશભાઇની પ્રસન્નતાનો કોઇ પાર ન હતો.તેમણે પોતે પણ આ ભગીરથ કાર્યમાં એક લાખ ડોલરનો ફાળો નોંધાવ્યો હતો.ઉમદા કાર્યના કોઇ સપના સાકાર થતા જોવા મળે ત્યારે ખુબ ખુબ આનંદ જ થાય. હું ત્યારે, મનોમન, એક ક્ષણ માટે મારા હ્યુસ્ટનના સાહિત્ય સરિતા્ની સુદામાપુરીને યાદ કરી અજંપો અનુભવી રહી હતી. Miracles do happen.મન મક્કમ જોઇએ અને સહિયારો સરખો ભાવ જોઇએ.આ એક પ્રેરક અને મનનીય ઘટના બની ગઇ.
હા, તો સુંદર અને સુસજ્જ હોલમાં સ્વાદિષ્ટ ભોજન સાથે,સાહિત્ય અને સંગીત પ્રેમી ઘણાની ઓળખાણ થઇ. નામો લખવા બેસું તો પાના ભરાઇ જાય.શરુઆતમાં આમંત્રિત કવિઓનો પરિચય આપવામાં આવ્યો અને તેમની એક બે પંક્તિ/શેર રજૂ કરવામાં આવી.ત્યારપછી ચાર સર્જકો જેવા કે, હિમાંશુભાઇ ભટ્ટ, ડો.દિનેશભાઇ શાહ, સ્નેહલતાબેન પંડ્યા અને લંડનનિવાસી રમેશ પટેલ.આ ચારેની સહિયારી ‘મેઘધનુષ’ નામની સીડીનું ઉદઘાટન કરવામાં આવ્યું.રાતના ૯ વાગ્યે કર્ણિકભાઇ શાહ અને રીંકી શેઠનો સંગીતનો કાર્યક્રમ શરુ થયો.એક પછી એક ગીતોની રંગત ચાલી.સભાખંડ મન મૂકીને માણી રહ્યો હતો. વાતાવરણમાં સરસ તબલા,હાર્મોનિયમના સૂરો,ગાયકોના સૂરીલા કંઠ રેલાતા હતા અને જ્યારે ગરબાની રીધમ શરુ થઇ કે તરત આ બંદાના તો પગ થનગનવા લાગ્યા અને અન્ય ભાઇ-બેનોના સાથમાં ગોળ ગોળ ગરબો ઘૂમવા લાગ્યો. આ દ્રશ્ય પણ બિલકુલ ત્વરિત આયોજાઇ ગયું!!બસ, મઝા આવી ગઇ.
બીજા દિવસે એટલે કે,૨૬મીની સવારે ૯ વાગ્યે બધા ફરી પાછાં નવા દિવસની મઝા માટે તૈયાર થઇ આવીને ગોઠવાઇ ગયા.દિનેશભાઇના ચહેરા પર એક ઇડરિયો ગઢ જીત્યાનો આનંદ,આનંદ છલકાતો હતો. સૌથી પહેલી શરુઆત થઇ શ્રી હિમાંશુભાઇની ગઝલોના ગુલદસ્તાથી.ડલાસમાં રહેતા શ્રી હિમાંશુભાઇ ગઝલ ક્ષેત્રે મારા માર્ગદર્શકોમાંના એક છે. તેમણે ગઝલની સાથે સાથે ગીતો અને અછાંદસ રચનાઓ પણ કરી છે.આ રહી તેમણે રજૂ કરેલી કેટલીક પંક્તિઓ/શેર. ખુબ જ હળવી રીતે શરુઆત કરી કે,”સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ, કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો. અને સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો… તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…તો વળી પ્રેમની વાત કરતાં તેમણે કહ્યું કે,”સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે….હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે.” અને ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે; ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે..શ્રોતાઓ ખુબ જ રસપૂર્વક સાંભળતા હતા.પૂત્રી પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતી રચના “ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો,ખોળામાં લો, બેસો મને સપના ગણાવો, મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી.કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો” …પર્વત તને મળે કદી, કે રણ તને મળે બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે…આમ, તેમની એક એક રજુઆત કાબિલે તારીફ રહી.તે પછી સ્નેહલતાબેન પંડ્યાએ વસુધાબેન અને દિનેશભાઇના આ કાર્યને બિરદાવતુ એક મુક્તક રજૂ કર્યું. સોળે શણગાર સજી બેઠી આ જીંદગી,આંખોમાં હવે અમીરાતો ભરીએ.છો બેઠું કમળ લક્ષ્મીને ચરણે,તારી સાથે સીધો નાતો કરીએ.એ રચના સંભળાવી. આજે કેટલાંક કારણો સર schedualeને વફાદાર રહી શકાયું નહિ.પણ સૌને વ્હેતી ધારા મંજૂર હતી! ત્યારબાદ ફરી એક વાર આપેલ વચનને પાળવા મુકેશ જોશીને આમંત્રણ આપવામાં આવ્યું. ! તેમણે મન-મોહક શૈલીમાં રજૂઆત ચાલુ કરી કે,”કોઇ કોઇને ના પૂછે,તું હિંદુ કે મુસ્લિમ કોમનો.હવે આ જમાનો છે ડોટ.કોમનો.અને આ સાથે રહેતા શીખ્યાં તેથી વટ છે રવિ-સોમનો !.”..”કોઇ વાર એવું પણ થાય કે આપણે સિતારાઓ શોધતા હોઇએ ને મસ્તીમાં ને મસ્તીમાં ચાંદ મળી જાય..આપણે અત્તરની શીશી ખોલીએ ને અંદરથી ફૂલોના ડૂસ્કા સંભળાય એવું પણ થાય!! ‘અને મને જે ખુબ ગમ્યુ તે આ કે, ‘એ જ સંબંધો સાચા જેની પાસે ખુલતી હોય હ્રદયની વાચા;અને સાચવવાની લ્હાય નહિ તો યે રહે એ સાચા’ ….જ્યાં કોઇ ન હોય અહમના ખાંચા’…બીજી કેટલીક તેમની જાણીતી રચના ‘પાંચીકારમતી’તી, દોરડાઓ કુદતી’તી,ઝુલતી’તી આંબાની ડાળે ગામનેપાદરે જાન એક આવી,નેમારુ બચપણ ખોવાયુ એજ દા’ડે. અને ”ગયા સ્કૂલમાં રમવાના, ભણવાના દિવસો ગયા..બહુ જ ખુબીથી પેશ કર્યું. શ્રોતાજનોએ ઉભા થઇ સજળ નેત્રે તેમને બિરદાવ્યા.હું તો અંતરથી આ શબ્દોના અને અભિવ્યક્તિના બાદશાહને ઝૂકી ગઇ.એમ થાય કે બસ એ બોલ્યા જ કરે અવિરત અને સાંભળ્યા જ કરીએ સતત. સ્નેહલતાબેનનો અધૂરો સમય ફરી ફાળવવામાં આવ્યો અને તેમણે આદિલ મનસુરીને યાદ કરી થોડી લાઇનો રજૂ કરી. ‘સૃષ્ટિના સર્જન અને વિસર્જનના અમૂલ્ય બાગનો તું જ એક રક્ષણહાર’એવી બાળપણમાં પોતે લખેલી પંક્તિઓને યાદ કરી અને કેટલીક સુંદર અને ગંભીર સ્વરચનાઓ સંભળાવી.વચ્ચે વચ્ચે દિનેશભાઇએ પણ “જીવન-મરણની ઘટમાળને તુજ ખેલ સમજું ક્યાં સુધી ? અને માટી તણી આ જેલને હું મ્હેલ સમજું ક્યાં સુધી?” રજૂ કરી જે મને ખુબ ગમી.
પછી વીસેક મિનિટ માટે discussion about future planningને ન્યાય આપ્યો. કેટલાંક સભ્યોએ પોતપોતાના વિચારો દર્શાવ્યા. અને યુએસએના જુદા જુદા મોટા શહેરોમાં આવા ફેસ્ટીવલ યોજાય તેવી આશા વ્યક્ત કરી. સમયને સરક્તો કોણ રોકી શકે? ફેસ્ટીવલ અંત તરફ વળતો જતો હતો તેથી ફરી એક વાર મુકેશ જોશી પાસેથી “ મારા બાજુનો ફ્લેટ થયો ખાલી ઓ હરિવર લઇ લો આ ખાલી’સાંભળવાનો લ્હાવો લીધો છેલ્લે શ્રીમતિ વસુધાબેન અને શ્રી દિનેશભાઇએ આભારવિધિ કરી અને સહભોજન કરી સૌ છૂટાં પડ્યાં.
થોડા શબ્દોમાં કહેવું હોય તો મારે મન આ ‘પોએટ્રી ફેસ્ટીવલ’ એક મનમાન્યા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનો ઉત્સવ હતો, યાદગાર સંભારણુ હતું અને એક અનુભવ હતો.
અસ્તુ.
શિશુવયની શેરી.. July 30, 2012
Posted by devikadhruva in : સ્વરચના , add a commentશિખરિણી ( યમનસભલગા-૧૭ )
જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,
દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.
કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,
દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.
નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,
મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.
ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,
અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!
નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,
બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.
હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,
અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે
અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;
રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!
પૃથ્વી વતન કહેવાય છે…. July 12, 2012
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farપૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)
છંદવિધાનઃ રજઝ ૨૮- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?
અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.
પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.
હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,
ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.
છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.
સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,
આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.
પૃથ્વી વતન કે’વાય છે…..