ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
૧ | ધ | ધન | ધ ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી |
૨ | ધકારો | આશંકા | દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે.. |
૩. | ધખ | ખીણ | ધખની ઉંડાઇ કોણ માપી શકે ? |
૪. | ધજીર | ચીંથરું | ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે |
૫ | ધડુ | કળશ | ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે. |
૬ | ધધરૂ | સાંજ | પંખીઓના હારબંધ ટોળા કદી જોયા છે ધધરૂ ટાણે ? |
૭ | ધપ | તમાચો | ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે. |
૮ | ધફી | રીસ | વાત વાતમાં ધફી શું ? |
૯ | ધબકુ | માટીની નાની કોઠી | આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે. |
૧૦ | ધમ | કૃષ્ણ,પરમાત્મા | ધમની કૃપા સૌના જીવનમાં હજો. |
૧૧ | ધરૂ | ધૃવનો તારો | ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ? |
૧૨ | ધંખના | લગની | આ લખવાની ધંખના બહુ લાગી મને તો ! |
૧૩ | ધસામ | પોચી જમીન | સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે. |
૧૪ | ધાનવાયા | સાંબેલુ | ગામડામાં ધાનવાયા ઘેર ઘેર હોય જ. |
૧૫ | ધાબી | વાદળાથી લાગતો ખો દિવસ | પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે. |
૧૬ | ધારણિયો | થાંભલો | માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો. |
૧૭ | ધારાજ | દિવ્ય જળ | હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે. |
૧૮ | ધિણોજો | અદેખો માણસ | ધીણોજો માનવી કદી સુખી થતો નથી. |
૧૯ | ધિનોર | અગ્નિનો ભડકો | ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય. |
૨૦ | ધી | બુધ્ધી | હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો. |
અક્ષરને અજવાળે February 20, 2013
Posted by devikadhruva in : Uncategorized , 2 commentsસહર્ષ નિવેદનઃ ઇલેક્ટ્રોનિકના આ જગતમાં મારા બીજા પુસ્તક ‘અક્ષરને અજવાળે’ એ જન્મ લીધો ebook રૂપે … મારા જન્મ દિવસે..
જીંદગીના એક નવા તબક્કે–
**********************************************************************************************************
Aksharne Ajavale: Gujarati poetry book
અક્ષરને અજવાળે
Gujarati Poetry book of Devika Rahul Dhruva
“ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ” October 19, 2011
Posted by devikadhruva in : Uncategorized , 1 comment so farસરસ વિષય મળ્યો. “ ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ”
એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય તો હું કહીશ કે એક પંખીની પાંખને વિહરવા માટે આકાશ મળ્યું ! પણ આ ટૂંકાક્ષરી જવાબ આપી દઇને ન તો સંતોષ થાય છે, ન ઋણચૂકવણી. તેથી માંડીને જ વાત કરીશ.
મને યાદ છે,૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૫ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને સુંદરમની કવિતા, આનંદના સંદર્ભમાં અનુભવાઇ કે, ”તને મેં ઝંખી છે યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસથી.” જન્મજાત વવાયેલા ભીતરના બીજને જાણે પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગૃત થઇ,વિકાસ પામી..પરિણામે “શબ્દારંભે અક્ષર એક”નો એક નવીન પ્રયોગ અને “શબ્દોને પાલવડે” પુસ્તકનો જન્મ થયો.એટલું જ નહિ, એક સાવ નવું જ “વેબવિશ્વ” મળ્યું, કંઇ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મળ્યાં.સાચું કહું તો મને હું મળી ! જે વર્ષોના વ્હેણમાં અને જીવનની દૈનિક વ્યવહારિક જરૂરી ઘટમાળમાં ખોવાઇ ગઇ હતી..
ખરેખર,સાહિત્ય સરિતા એક એવો મંચ છે જે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રીતિ રાખનાર સહુનો છે,અને દરેકને ખીલવાની અને વિકસવાની તકો પૂરી પાડે છે.. ૨૦૦૮ અને ૨૦૧૧માં અનુક્રમે સહાયક સંચાલક અને મુખ્ય સંચાલક તરીકે કામ કરતા કરતા જે અનુભવ મળ્યા તે પણ અવિસ્મરણીય જ કહીશ.કારણ કે,એમાંથી ઘણું ઘણું જાણવાનુ અને શીખવાનુ મળ્યું છે.આ જ સંદર્ભમાંથી નીકળતા બીજા મુદ્દા ( ભવિષ્ય અંગેના )વિષે થોડા વિચારો વ્યક્ત કરી લઉં.
છેલ્લે, દસ વર્ષથી વહી રહેલાં નાના નાના ઝરણાં,એકમેક સાથે મળી મળીને સરિતા બન્યાં અને કલાના હર ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવી.અને હવે મનમાં એક પરિકલ્પના જાગે છે કે એક વધુ નવુ રૂપ આપીને,આ “સાહિત્યસરિતા”ને “સાહિત્ય-સાગર” બનાવીએ જેમાં વિશાળતા હોય, ગહેરાઇ હોય,જે સદા યે દૂર દૂરની ક્ષિતિજો સુધી છલકતો રહે, કોઇ બૂંદને સૂકાવાનો અવકાશ ન રહે, સતત સભર રહે…અને એ બધું ત્યારે જ બને જ્યારે તેના માળખાના પાયામાં સમયની સાથે સાથે જરૂરી સુધારા થાય.એવી થોડી નવી વ્યક્તિઓ આગેવાની લઇ કામ કરે જેમાં કામની સરળતા હોય,સહજતા હોય અને સાચી સમજણથી લેવાતા નિર્ણયો હોય. નિષ્ક્રિયતા અને દોષદર્શી વલણ ન હોય અને ભાષામાં કટુતા ન હોય. નવી પેઢી અને નવા વિચારોને આવકાર મળે. સાચા અર્થમાં કલાની,સાહિત્યની,સરસ્વતીની સતત સાધના ચાલુ રહે…
“શબ્દોને પાલવડે”—સમાલોચના— પ્રો.સુમન અજમેરી July 10, 2010
Posted by devikadhruva in : Uncategorized , 3 commentsદેવિકાબેનનો પ્રથમ કૃતિ સંચય “શબ્દોને પાલવડે” સહર્ષ પ્રાપ્ત થયો.નયનરમ્ય રંગીન આર્ટ પેપરની સુંવાળી સપાટી પર વિષયાવર્તી ચિત્રો અને બોર્ડર સાથે આકર્ષક મુદ્રણમાં છપાયેલ તેમના આ રૂપકડા સંગ્રહના સંભવ બધા જ અંગોને સર્વાંગ સુંદર ષોડષી-શો સજાવી તેના ઉત્કૃષ્ટતમ સ્વરુપમાં પ્રસ્તુત કર્યો છે,જે તેમની કલાદ્રષ્ટિનો સમ્પોષક અને પરિચાયક છે.
૯૦+ ૧૮=૧૦૮ ડિમાઇથી સહેજ મોટા પાનાંઓમાં નિર્મિત આ સંગ્રહમાં પ્રચ્છન્ન રીતે જુદા તરી આવે તેવા બે વિભાગ છે.
૧) કક્કાના એક એક અક્ષરથી આરંભાતી ક થી જ્ઞ સુધીના અક્ષરારંભવાળી રચનાઓ જે ૩૨ પાનાં દોરે છે.
૨) કવિતાના પોતની વધુ સંનિકટ પહોંચતી,સંવેદ્ય ૫૮ રચનાઓ, જે ૩૪ થી ૯૦ સુધીના પૃષ્ઠોને દોરે છે.
પ્રથમ વિભાગમાં પ્રત્યેક કૃતિમાં માત્ર એક જ વ્યંજનથી આરંભિત શબ્દોના પ્રયોગ છે.આવાં ૩૨ કાવ્યો આ વિભાગમાં સમાવિષ્ટ છે.વ્યંજનો અને તેમની સાથે સાથે સંયોજિત થયેલા સ્વરોનો સિલસિલો સર્જકે બરાબર જાળવ્યો છે. આ વિભાગમાં કક્કાના એક જ અક્ષરથી આરંભ થતા શબ્દોની રચનાનું લાલિત્ય પથરાયું છે.તેમણે આવા ક્રમિક અક્ષરથી આરંભિત શબ્દના જમાવડાથી ભાવબંધને બાંધવા કપરો મનોવ્યાયામ કર્યો છે.કાવ્યકલાની દ્ર્ષ્ટિએ ક,ગ,છ,ઝ,ટ,ત,ન,પ,લ ની રચનાઓ કાવ્યાત્મક બની છે.
’ક’માં કંગનભર્યા કરનું ચિત્ર સુરેખ રીતે સર્જાય છે. લયાત્મકતા ,નાદસૌન્દર્ય સર્જી જાય છે.
કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરા કસબી કંકણ,
કંઠે કરતી કોકીલા કુંજન,કુંવારી કન્યાના કાળજે કુંદન.
એવું જ ઉત્કૃષ્ટ ચિત્ર ‘ગ’ માં ઉપસે છે.તેમાં આરંભની છ પંક્તિઓ ગીત વિભાવનાને ઉજાગર કરે તેવી છે,જે સર્જકની તન્મયતાની પરિચાયક છે.
‘ગોરીના ગીતે ગગન ગૂંજ્યુ,ગરવી ગુજરાતનું ગામડું ગાજ્યું…..આ પંક્તિઓમાં ચિત્રાત્મક કાવ્યબાની ખીલી ઉઠી છે.પછીની શબ્દોના જંગલમાં રોળાઇ ગઇ છે.આપણાં કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યપંક્તિમાં એક જ અક્ષરથી આરંભાતી શબ્દ-સંગતીને વર્ણસગાઇ અલંકારના નામથી નવાજી છે. એ અલંકારની છટા અહીં ઓપી ઉઠી છે.પાછળની શેષ પંક્તિઓ શબ્દિક રમત જેવી થઇ ગઇ છે.
‘છ’ માં ‘છેલછબીલો’ શિર્ષક કાવ્યમય છે.આમાંથી થોડી સારી પંક્તિઓઃ
‘છેલછોગાળો છેટેથી છોને છેડતો છુપ છુપ છાનોમાનો,
છલિયો છેડો છેડે ને છોડે છાયલ છોડી છનછન છણકે.’ આ પંક્તિઓમાં નાટ્યાત્મક ભાવચિત્ર ઉભરવા પામ્યું છે,બિમ્બાત્મકતા ઝળકી ઉઠી છે.પણ આગળની પંક્તિઓ શબ્દની શોધમાં ઘડેલા શબ્દો અર્થને ઉજાગર કરવામાં ઉણા ઉતરે છે.’ઝ’ ની કૃતિ સુંદર ગીત બનવા પામી છે.તેમામ ચિત્રાત્મક કાવ્યબાની નીખરી ઉઠી છે.ઉપાડથી આરંભિત પંક્તિથી છ પંક્તિઓ સુધી ગીત-વલ્લરી ઝુમી ઉઠી છે.માણીએ આ ગીતનેઃ
‘ઝરુખેથી ઝુકી ઝરણાં ઝૂમે,ઝુમક ઝુમક ઝાંઝર ઝૂમે;
ઝરમર ઝરમર ઝીણી ઝીણી ઝંખના ઝાકળભીની ઝળકે.
ઝગમગ ઝગમગ ઝુમ્મર ઝૂલે,ઝુલ્ફ ઝળૂંબી ઝાંપે ઝૂલે.’ ગીત-રચનામાં શબ્દોની પુનરાવૃત્તિ સંગીતની જનક બની લયાત્મકતાને લાડે લડાવે છે.કૃતિની છેલ્લી બે પંક્તિઓ લય-આયોજનની દ્રષ્ટિએ મઠાર માંગી લે છે.’ટ’નો ટહૂકો શિર્ષક પણ કાવ્યમય છે.કૃતિનો ઉપાડ બાનીની ચિત્રાત્મકતા અને ગત્યાત્મકતા બંનેનો સુયોગ સર્જવામાં સમર્થ બન્યો છે.મને લાગે છે કે ગીતકલાની દ્રષ્ટિએ અત્યાર સુધીના ગીતોમાં આ રચના સર્વાંગ સુંદર છે. રચનાકારની શબ્દ-ક્ષમતા આ અભિવ્યક્તિમાં ખીલી ઉઠી છે.
‘ટિક..ટિક..ટિક..ના ટકોરે,
ટોડલે ટહુકો;ટોડલાને ટહુકે,
ટપ..ટપ..ટપ..ટોળાંઓ ટપકે;
ટપકતા ટોળાઓ,
ટગર..ટગર..ટગર..
ટહુકાને ટળવળે.. ’અહીં નાત્યાત્મકતા દ્રશ્ય-વિધાન ઉપરાંત સંગીત સર્જવાને સક્ષમ બની છે.ગીતના બધાં જ લક્ષણોને સમાવિષ્ટ કરતી આ કૃતિ સર્જકનો આવકાર્ય શબ્દ-પુરુષાર્થ છે.
‘ન’ અક્ષરાંભી કૃતિમાં કથાત્મક ગીત,લયનો ઉન્મેષ અને બિંબાત્મકતા બધું યે એક જ ગીતમાં સમેટાયું છે.સુરેખ અને સુંદર રચના બનવા પામી છે.
’નીલમ નામે નાર નવેલી,નાજુક નમણી નખશીખ નિરાળી;
નર્તન નીરખવા નગરે નીકળી,નશીલા નયન નમતાં નજરાઇ.
નેહ નીતરતી નજર નખરાળી,નીરવ નામે નરથી નજરાણી.’પ’ની રચના પણ સુંદર ગીત બનવા પામી છે.ચિત્રાત્મક કાવ્યબાની અને લયાત્મક નાદ-સૌન્દર્યથી સમન્વિત આ ગીતની નીચેની પંક્તિઓ ઉપભોગ્ય છે.
’પહેરી પાયલ પનઘટ પર,પનિહારી પલકે પાંપણ પલપલ;
પાથરી પાનેતરનો પાલવ,પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ..’ આ કૃતિના અંતે સંસ્કૃત શ્લોક-સ્તોત્ર મૂકવામામ આવ્યું છે.’લ’ની રચનામાં ભાવચિત્ર સુપેરે ઉપસ્યું છે.લયબોધ અને નાદ-સૌન્દર્ય નિષ્પન્ન થયું છે.સારું ગીત બનવા પામ્યું છે..
’લાડીના લાલ લીલા લ્હેરિયામાં,લોચનની લાજ લાખેણી લાગે;
લજામણીના લાડભર્યા લટકામાં લટકતી લટો લ્હેરાતી લાગે.
લખતાં લખતાં લીટીએ લીટીએ લાગણી લથપથ લીંપાતી લાગે.
’ણ’ અને ‘ળ’ એવાં વ્યંજનો છે જેના આરંભથી બનતા શબ્દો આપણી વાણીમાં નથી.આથી આ વર્ણો સંબંધી શબ્દોમાં ળ અને ણ શબ્દના અંતમાં કે મધ્યમાં આવે તેવું સંયોજન પંક્તિમાં ગોઠવવા શબ્દકાર સફળ બન્યા છે.”’ણ’ કોઇનો નહીં” એ શિર્ષકથી આરંભાતી આ રચનામાં તેઓ લયાત્મકતા જાળવીને સુંદર શબ્દ-ચિત્રો ઉપસાવી શક્યાં છે અને સરસ રચના કંડારી શકાઇ છે. દ્રષ્ટાંતમાં આ આખી કવિતા પ્રસ્તૂત કરી શકાય તેમ છે.જુદા જુદા વ્યંજનો સાથે સંયોજાઇ ‘ણ’ કેવાં કેવાં ચિત્રો સર્જે છે,તે કાના-માત્ર વગરના સર્જન દ્વારા સર્જકે આ કૃતિમાં ઉજાગર કર્યું છે. જે રીતે ‘ણ’ શબ્દના અંતમાં પ્રયોજાયો છે,તે રીતે ‘ળ’ શબ્દના મધ્યમાં ને અંતમાં પ્રયોજાઇને પંક્તિમાં દીપી ઉઠ્યો છે.જેમ કે, ગોળ ગળ્યો,ફળિયે મળ્યા,માળવે મળ્યા,ખોળિયુ હેતાળ, કાળજે સોળ,વાંસળીથી વ્યાકુળ,કાગળ ઝળક્યા,અંગળી ઝબોળાઇ,જળ ખળખળ,ઝાકળ ઝળહળ….અને આવા સંયોજનવાળી આખી ગીત-રચના રસાળ બનવા પામી છે.
‘ખ’ કૃતિમાં પ્રયુક્ત શબ્દો ખરબચડા છે તેથી તે રમ્ય બની નથી. ’ઘ’ વ્યંજનારંભી કૃતિ પણ અપેક્ષિત રંગ પકડી શક્તી નથી.’ચ’અક્ષરારંભી શબ્દોથી નિર્મિત કૃતિ પણ અપેક્ષિત ચિત્રો સર્જી શક્તી નથી.પણ નીચેની પંક્તિઓમાં કાવ્યમય ચિત્ર ઉપસવા પામ્યુ છે.’’ચન્દનપુરની ચોળી ને ચુંદડી,ચણક ચણોઠી-શી ચુડી.
‘ જ’ કૃતિમાં ‘જળકમળ છાંડી જાને બાળા’ના રુઢ થયેલા ગીતરાગમાં ગોઠવાયેલ શબ્દો તેનો ધ્વનિ આપી શક્તા નથી.રાગનું અનુકરણ ઢાળનો મૂળ રંગ પકડી શક્તું નથી. ‘ ઠ ’ વર્ણથી સંયોજિત શબ્દરચનાવાળી કૃતિનો ઉઘાડ આવકાર્ય છે. ‘ઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો’. ‘ધ’ માં ઉપાડ સારો છે,પણ વચમાં તે લથડ્યો છે ને પાછો સુધરીને ગતિ પામી રહ્યો છે.
’ધોમ ધખતા ધૂપથી ધીખે,ધીમી ધીમી ધરા ધીખે;
ધક્ધક્તી ધમનીઓ ધડકે,ધન-ધાન્યની ધગશ ધરે.
‘ફ’માં શબ્દ સમતુલા રચાવા પામી નથી.’ય’માં શબ્દો વિષમ અને ખરબચડા છે.’ક્ષ’ અને ‘જ્ઞ’થી રચાયેલી કૃતિ પાંચ પંક્તિઓની છે.તેનુ શબ્દ સંયોજન સુંવાળપ ધારણ કરી શક્યું નથી.
’દ’ અક્ષરારંભી આખી કૃતિ ગીત-રચનાના કૌશલની દ્રષ્ટિએ સુંદર બનવા પામી છે.પણ કૃતિમાં મુખર થતી સપાટ બોધાત્મકતા અને આદેશાત્મકતા કઠે છે. કવિતામાં સીધો ઉપદેશ ન હોય.’બ’ આરંભી શબ્દોના સંયોજનથી સુંદર ગીત-રચના બની છે.
’બાગમાં બુલબુલ બોલે,બેકાબૂ બને બારાતી,
બટમોગરે બહાર,બાલમ બજાવે બંસી. ’ દ્વારા નિર્મિત ચિત્ર પોતાનો આકાર પામી રહ્યું છે.પ્રચલિત લોકઢાળ પર ખડો થયેલ ‘ર’ શિર્ષકની કૃતિ ગીતાત્મક લય પામી શકી છે.’રળિયામાણી રાત રણઝણતી’તી;રોમેરોમે રુદિયામાં રંગ,રતુંબલ રંગ રાખ્યો. ’રણઝણતી’તી’ માં નાદ-સૌન્દર્યનું માર્દવ છે.
“‘શ’ ની શોભા’ પણ સારી રચના બની શકી છે.
’શત શત શગ શમાની શોભા,શબનમ શતદલની શોભા;
શમણાઓ શૈશવની શાન,શીતલતા શીકરોની શોભા,
શૃંગ શૃંગ શિખરની શોભા શંખનાદ શૂરવીરની શોભા.’’
સ’નુંસંગીત’ પણ સારી રચના બની શકી છે.
‘સોનેરી સાંજે,સૂરીલા સાદે,સંગીતના સાત સાત સૂરોની સાથે;
સાંવરી સલોની સુહાની સંગીતા,સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે. ’સર્જક આમાં અપેક્ષિત ચિત્ર કંડારી શક્યાં છે.
’હ’ શિર્ષકવાળી કૃતિનો આરંભ અને ઉઘાડ આકર્ષક અને લય-સંયોજનયુક્ત છે.
‘’હળવી હળવી હવા હતી,હુતો હુતી ની હઝલ હતી;
હેતાળ હૂંફાળા હાથ હાથમાં, હસતા હોઠોની હલચલ હતી.
હરદમ હરિયાળી હરિયાળી,હૈયામાં હેતની હેલી હતી.’ છેલ્લી ચાર પંક્તિમાં લય બદલાયો છે.
‘’’મ’ની મમતા’’વાળી રચના સુંદર બનવા પામી છે.૪થી અને ૮મી પંક્તિમાં વિરોધાભાસી ભાવ સચોટ રીતે મુખર થવા પામ્યો છે.
’’મધુવનમાં મોગરા મઘમઘ મહેંકે,માલિની માલણ મંદ મંદ મરકે;
માઝા મૂકીને મેળો મસ્તીથી માણે,મોસમ મધુરી મને મૂંઝવી મારે.
માનવ મહેરામણ મેળામાં મહાલે,મનડું મારું માતમ મનાવે.’‘ભ’ કાવ્યકૃતિ લયબધ્ધ,તાલબધ્ધ અને બિમ્બયુક્ત છે.સાદ્યંત આખી રચના સરસ બની છે.
’ભાઇભાભીના ભરપૂર ભાવે ભગિનીનું ભીતર ભીંજે,
ભવાબ્ધિમાં ભાવ ભરાતા ભાર્યાનું ભીતર ભીંજે’ પ્રલંબ લયના સાતત્યનો નિર્વાહ કવયિત્રી સુપેરે સાધી શક્યા છે.
”ઢ’’ થી આરંભીત શબ્દ સંયોજના પણ આસ્વાદ્ય બની છે.
’ઢોલિયો ઢાળી ઢોલીએ, ઢોલ ઢમ ઢમ ઢબુકાવ્યા;
ઢેબરાં ઢાંકી ઢૂકડેથી, ઢચૂક ઢચૂક ઢીંગલા ઢચકાવ્યાં.’’
‘ત’ અક્ષરારંભી સંપૂર્ણ રચના સરસ ગીતકૃતિ બનવા પામી છે.લયાત્મકતા અને ચિત્રાત્મકતા બંને સમ્યક રીતે જળવાયા છે. સંગ્રહની સાર રચના તરીકે આ ગીતની દર્શાવી શકાય.
’’તારલાના તેજે,તારલાના તેજે,તલસે તલાવડીને તીર તું;
તરણાઓ તોડતી ને તાકતી તું તારલે.
તાલીઓના તાલે,તબલાના તાલે,તડપે તનમન તન્મય તાલમાં,
તિમિરમાં તેજ તારું તસતસતું તારલે’.સંચયની બે રચનાઓમાં સર્જકે જાપાની કાવ્ય-પ્રકાર હાયકૂનો પ્રયોગ કર્યો છે.આ રચનાઓ છે ‘ડ’ અને ‘થ’ વાળી. ‘થ’ સુધી આવતાં આવતાં સર્જક થાકી ગયા લાગે છે ! ‘થ’ની પંક્તિઓમાં સામર્થ્ય હોવા છતાં રચનાકાર નીચેની પંક્તિઓમાં પ્રસ્તુત ભાવાનુભૂતિ અનુભવે છે.
’’થાકીથાકીને,થોડો થંભ્યો થાંભલે,થોર થઇને.’’આ સકળ હાયકૂ પ્રયોગ છે. ’’ડ’શિર્ષક તળેની રચનામાં તેઓએ બે હાયકૂ આપ્યા છે,જે સુંદર હોઇ દ્રષ્ટવ્ય છે.
”ડોલર ડંખે,ડગમગ ડગલું,ડેલીએ ડૂસ્કું.” અને
‘’ડોલર ડાળી,ડોલતી ડોલાવતી,ડોકે ડસતી.” કવયિત્રીએ અહીં પાંચ લીટી અને ૩૧ અક્ષરના જાપાનીઝ કાવ્યપ્રકાર તાન્કાનો પ્રયોગ પણ કર્યો છે,જેનું બંધારણ છેઃ ૫-૭-૫-૭-૭-‘’
ડોલર ડંકે,
ડુંગરાઓ ડોલ્યાં,
ડાહ્યાઓ ડોલી,
ડગલાઓ ડહોળી,
ડૂબીને ડૂબાડ્યાં. ’ આમ અહીં ૩ હાયકુ અને ૧ તાનકાનો પ્રયોગ થયો છે.
૧થી ૩૨ પાનાં દોરતા આ સંપૂર્ણ પ્રથમ વિભાગમાં ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના સ્વરયુક્ત વ્યંજનના એક એક અક્ષરથી આરંભાતા શબ્દો પ્રયોજાયા છે.આપણી બારાખડીમાં વ્યંજન અને સ્વર બે વિભાગ છે. વ્યંજનોની સંખ્યા ૩૬ અને સ્વરોની સંખ્યા ૧૪ છે. આ ઉપરાંત ૨-૩ સંયૂક્તાક્ષરો છે. આ બધા પૈકી તેમણે વ્યંજનોથી શરુ થતા શબ્દોના પ્રયોગથી પૂરી ફૃતિઓ રચી છે. પણ સ્વરોને છોડી દીધા છે.આમ કરવા પાછળ તેમનું શું પ્રયોજન હશે તે અકળ છે.અલબત્ત,દેવિકાબેને સ્વરો સાથે સંયૂક્ત થયેલા વ્યંજનોથી મુક્ત શબ્દોનો પોતાની અભિપ્રેત કૃતિઓમાં પ્રયોગ કર્યો છે.આમ,આ વિભાગની કૃતિઓને જો પ્રયોગશીલ રચના કહેવી હોય તો, તેના સાક્ષ્યમાં આખો પ્રથમ વિભાગ ઉભો છે.આરંભના પૃષ્ઠો પર દ્રષ્ટિપાત કરીએ,તો ડો.રઇશ મણિયાર,ડો.કુલીન મહેતા,વિજય શાહ, સંગીતા ધારિયા ગૌરાંગ દિવેટિયા,નીલમ દોશી, આદિની શુભેચ્છા અને આશીર્વચન સાંપડ્યાં છે.
આ સંગ્રહનો બીજો વિભાગ અક્ષરારંભી શબ્દોનો બંધ છોડી મુક્તભાવે વિહરતી સહજ સંવેદનાઓનો છે,જે પૃષ્ઠ ૩૪ થી ૯૦ સુધી વિસ્તરી છે. આમાં ૫૪ રચનાઓ છે. આમાંની કેટલીક રચનાઓ કવિતાની સંનિકટ પહોંચી શકી છે.આ રચનાઓમાં ગીત,ગઝલ, અછાંદસ વિગેરેના પ્રચ્છન્ન પ્રયાસો જોવા મળે છે.જો કે તેવી કૃતિઓ તત્તદ સ્વરૂપોનો પૂર્ણતયા નિર્વાહ કરે છે, એમ કહેવું અતિશયોક્તિભર્યું ગણાશે.એક બે કૃતિઓમાં તેમણે મુક્તકોનો પણ પ્રયોગ કર્યો છે.
આ બધી કૃતિઓમાંથી પસાર થતાં જણાયું છે કે,કેટલીક પંક્તિઓના પદ બંધમાં શબ્દ-સંગીત,શબ્દ-સંગતિ અને નાદ-સૌન્દર્ય ઉભરવા પામ્યું છે.તેના થોડ ઉદાહરણો જોઇએ.—
શતદલ પંખ ખીલત પંકજ પર,હસત નયન જેમ શ્યામ વદન પર,
ઘનન ઘનન ગરજત નભ-મંડળ,કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,નાચત મંગલ મયૂર મનોહર.
પલ પલ શબદ લખત મનભાવન, ઝરત પ્રીત મન કરત પાવન. ( પૃષ્ઠ ૩૪-શતદલ )
અહીં કવિત્વ નીખરી ઉઠ્યું છે.અલબત્ત,ઉપરની સિવાયની પંક્તિઓમાં તથોચિત મઠારણ કરી લેવું અપેક્ષિત ખરું.”નથી હું મીરા કે નથી હું રાધા” કૃતિ ગીતનો ઘાટ પામવાની દિશામાં જઇ રહી છે.ગીત-લયની દ્રષ્ટિએ નીચેની પંક્તિઓ દ્રષ્ટવ્ય છે.”
શમણામાં આવીને પૂછ્યું છે રાજા,તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના’.
નીચેની પંક્તિઓનો લય-બોધ પણ દ્રષ્ટવ્ય છે.
‘શબ્દોની પાંખે ઉડી આકાશ,ડુંગરાની કંદરામાં જાગી તલાશ.” ( પૃષ્ઠ ૩૮-નિસર્ગ )
એક બીજું ઉદાહરણ જોઇએ.”અડધી રાતે આંખ ઢળી’તી,સપનામાં હું ઢળી પડી’તી. ( પૃષ્ઠ ૪૭-શમણું )
બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત;
કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે સોહત માત;
ચૂંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે નવનવ રાત…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કરકંકણ સાજ,
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,
ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત…… ( પૃષ્ઠ ૫૦-નવલી રાત )
પ્રુષ્ઠ ૫૦ અને ૩૪ પરની ઉદધૃત પંક્તિઓશાસ્ત્રીય રાગ-રાગીનીઓની વાહક પંક્તિઓ હોય,તેવા પદબંધવાળી લાગે.આમ આ બંને સરસ ગીત-રચના બનવા પામી છે.લયાત્મકતા આ કૃતિઓમાં સાદ્યંત જળવાઇ છે.નાદ-સૌન્દર્ય અને શબ્દ સંગતી પણ ઉડીને આંખે વળગે તેવાં છે.આ કૃતિઓમાંથી પસાર થતાં બોધ થાય છે કે કોઇ શાસ્ત્રીય ગીત-રચનામાંથી પસાર થઇ રહ્યાં છીએ.શબ્દસંયોજન ક્યાંક ક્યાંક મધ્યકાલ કે રીતિ કાલની રચનાઓનો આભાસ આપી જાય છે.
‘કલમ સહેલી’ ( પૃષ્ઠ ૪૮ )ની નીચેની પંક્તિઓ પણ લયાત્મકતાની દ્રષ્ટિએ ઉદધૃત કરી શકાય તેવી છે.
“કાગળની દોસ્તી ને કલમ સહેકી,વાત નથી કોઇ નવી નવેલી….
પંખીઓ ગયા હવે જંપી ને નીર ગયા હવે થંભી”…. એ જ રીતે પૃષ્ઠ ૫૧ પર પૂનમની રાતની આ પંક્તિઓ પણ સંગીત અને તાલ-નાદથી ઝુમી ઉઠે તેવી છે.
”મારે મનને મંદિરિયે રુમઝુમ રુમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે છુમ છુમ તું ફરે.
મારે અંતર આકાશે ખુશીના પંખી ઉડે,
મારે આતમ આવાસે તાળી ને રાસ રમે’’. આ ચાર પંક્તિઓમાં લય-બંધ દીપી ઉઠ્યો છે.પણ શેષ પંક્તિઓમાં તે જળવાયો નથી.
”દૂરથી ઉડી આવતા પંખીઓના ટોળાં,ફફડાવી કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,જાળેથી ખરતા જૂના તાણાવાણા’. આ લય પણ જો આખી કૃતિમાં જળવાયો હોત તો કૃતિ વધારે સરસ બની શકી હોત. (પૃ.૫૨) પૃ.૬૫ પરની રચના “કુદરતનો સદા સાથ”માં કલ્પન રોચક અને તાજગીભર્યું છે.”અમદાવાદ ખોવાયું” પહેલી કડીને બાદ કરતા એ પછીની કડીઓ લયાત્મક છે.’’એક દિન’ની કલ્પના ઉત્કૃષ્ટ અને તાજગીપૂર્ણ છે.પણ તેની અભિવ્યક્તિ આરંભથી અંત સુધી પૂર્ણતયા નથી.એ જરીતે ‘ગીતા-દર્શન, શબ્દોને પાલવડે,જીંદગી,ભીતર ઉત્તર,તમન્ના,પારેવાની પીડા, થોડા સમચિત સુધારા પછી સુંદર રચનાનું પોત પામી શકે તેમ છે.
’યાદોના છીપલાં’માં ઉઘાડની નીચેની પંક્તિઓ આકર્ષક છે.
”મર્કટ મનડું કેવું ભટકે,હો બધું તો યે કઇંક ખટકે” અને
”ફાગણના કામણ’માં,
“મનને આંગણ આવે ફાગણ,રંગોના લઇ કામણ;વસંત વીંઝણા ઢોળે નમણાં મેઘ-ધનુષી શમણાં’જો કે આમાં અંતિમ શબ્દ શ્રાવણ મુકવાથી વધારે ગીતમય બને છે.”મુક્તબંધન” બાળ-સંવેદ્ય રચના બની શકે તેમ છે.”બાજીગરનો ખેલ” માં બે ત્રણ પંક્તિ બાદ કરતાં ગીતાત્મક લય સાકાર થયો છે.’એકલતાનો શોર”માં પ્રથમ છ પંક્તિઓમાં લયનું અનુગુંજન આકર્ષક છે.”અંતરિક્ષની બારીએથી”પ્રલંબ લયવાળી કૃતિ છે.
આ સંગ્રહમાં પાંચ મુક્તકો આપવામાં આવ્યાં છે;તે પૈકી “નીંદરની દેવી” અને “નકલી સંસાર” સારા મુક્તક બનવા પામ્યાં છે.કાવ્ય કમનીયતા અને લયબધ્ધતાની દ્રષ્ટિએ નીચેની કૃતિઓ સરળ ગીત-રચનાઓ બનવા પામી છે.મનના મોર લીલું પાન,જીવન-સાગર,મને હું મળી,નવલી રાત,ગરવી ગુજરાત,તડપ… આ રચનાઓમાં લયાત્મકતા સાદ્યંત જળવાઇ છે.નાદ-સૌન્દર્ય,શબ્દસંગતી અને ચિત્રાત્મકતા પણ સમુચિત છે.ખુશીની વેદના,શ્રાવણી રોશની,સમય-સ્મરણ, અવકાશ વગેરે કૃતિઓ રચતી વેળા શબ્દકારના મનમાં ગઝલનો અનુબંધ હોવા સંભવ છે.પણ તે સમુચિત મઠારવી પડે તેમ છે.
ચોથા પ્રચ્છંદ પટ ( ચોથા પૂંઠા-ફ્લેપ ) પર ગદ્યભાષામાં રચનાકારે જે રજૂઆત કરી છે તે કાવ્યમય છે.ભાવપક્ષની દ્રષ્ટિએ જોઇએ તો આ નાનકડાં સંપુટમાં ભાવ-લાલિત્ય,સંવેદન-પ્રાચુર્ય અને વિષય વૈવિધ્ય અનેકધા પ્રગટ થવા પામ્યું છે.પ્રકૃતિ,પ્રેમ,વેદના તથા અધ્યાત્મના અનેક પાર્શ્વો ઉપસવા પામ્યા છે.
નિસર્ગ,ફાગણના કામણ,તુલસીના વન,શ્રાવણી રોશની,લીલુ પાન,શતદલ,પૂરવનો જાદુગર, (સૂર્ય ),મુક્ત બંધન,પારેવાની પીડા વગેરેમાં પ્રકૃતિલીલા સ્વયં વિકસી છે.પ્રીતનું ગીત,એકલતાનો શોર,વેદનાની ખુશી આદિમાં પ્રણય અને વેદનાની ભાવભૂમિ રચાય છે.જીવન-સાગર,જીંદગી,પગલાં,તરંગની પાંખે,તમન્ના,યાદોના છીપલાં,સ્મૃતિ,તડપ,કંપ,મનના મોરે,સમય સ્મરણ,શમણું વગેરે કૃતિઓ જીવનના અનેકલક્ષી ચિત્રો ઉપસાવે છે.તો ‘મને હું મળી’ માં આત્મખોજની વાત ધ્વનિત થાય છે.મૌનવ્રત, અંતરિક્ષની બારી અને વિશ્વશાંતિ વ્યાપક્ત્વના ભાવને વાચા આપે છે. ઘરમંદિર,ભીતર ઉત્તર,ભીતરના ખજાના,પરમ પ્રેમ,ગીતા-દર્શન આદિ કૃતિઓ અધ્યાત્મના રંગ છાંટણા કરી જાય છે. અક્ષરના આગિયા,કલમસહેલી,શિલ્પી અને શબ્દને પાલવડે આદિ શબ્દકારની રચનાધર્મિતાના વિવિધ અંગોને ચિત્રિત કરી જાય છે.આકાશી સાંધ્ય દીપ નિસર્ગની રમ્ય લીલાને વળી પાછી પાથરી જાય છે.નાગર ન્યારી,નવલી રાત-ગુજરાત,મારું અમદાવાદ ખોવાયું વગેરે પ્રકીર્ણ વિષયો છે.
આમ સંવેદનાની દ્રષ્ટિએ જીવનની વ્યાપકતા અનેક રીતે અને રંગે આ સંચયમાં ઉજાગર થઇ,રચનાકારની અનેકપાર્શ્વી જીવન દ્રષ્ટિને મુખર કરે છે.શૈલી-પ્રયોગની દ્રષ્ટિએ વૈવિધ્ય છે,વિષય વૈવિધ્ય તો આમાં અઢળક ભર્યું જ છે.વિષય વૈવિધ્ય આ સંચયનું ઉજળું જમાપાસું છે. ભાવપક્ષના ઔદાત્યની દ્રષ્ટિએ અને અભિવ્યક્તિ પક્ષે પણ એટલું જ વૈવિધ્ય ઊભર્યું છે. ભાષા ભાવવાહી અને પ્રસંગાનુસારી છે.રચનાકારનું બહુરૂપી વ્યક્તિત્વ અનેકરૂપે આમાં ઉજાગર થાય છે.હવે જે સ્વરૂપે તેમની આ રચના ભાવકો સમક્ષ મૂકાઇ છે,તેને હું આવકારું છુ,એનાથી સાહિત્યના ભંડારમાં શ્રીવૃધ્ધિ અવશ્ય થઇ જ છે.દેવિકાબેનનું શુભ્ર ભવિષ્ય વાંચ્છી તેમની રચનાનું સ્વાગત કરું છું.
Speakbindas-Interview July 2, 2010
Posted by devikadhruva in : Uncategorized , add a comment
http://www.youtube.com/watch?v=WQlVCaGOC7s&feature=player_embedded
http://www.youtube.com/watch?v=f57KMrrZnTE&feature=player_embedded
“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- December 16, 2009
Posted by vijayshah in : Uncategorized , 5 comments
“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- ગુજરાત વિદ્યાપીઠનાં ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇ
શબ્દ-સ્પર્ધા…. ” ક્ષ”…. April 1, 2009
Posted by devikadhruva in : Uncategorized , add a comment
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
૧ |
ક્ષ |
અક્ષર |
ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી. |
૨ |
ક્ષત |
પ્રજા |
રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે. |
૩ |
ક્ષણપ્રભા |
વિજળી |
ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે. |
૪ |
ક્ષણદાકર |
ચંદ્રમા |
ક્ષણદાકરની શોભા તો જુઓ ! |
૫ |
ક્ષત્તા |
દાસીપુત્ર |
કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો. |
૬ |
ક્ષપાદિવા |
રાતદિવસ |
પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે. |
૭ |
ક્ષપાંત |
સવાર |
ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે. |
૮ |
ક્ષમી |
ખામોશીવાળું |
ક્ષમી ઇન્સાન જગ જીતે. |
૯ |
ક્ષયાહ |
શ્રાધ્ધ |
હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે. |
૧૦ |
ક્ષામ |
પરમેશ્વર |
ક્ષામ સૌની રક્ષા કરે. |
૧૧ |
ક્ષાંતિકા |
જનની |
વિશ્વમાં મહાન ક્ષાંતિકા. |
૧૨ |
ક્ષાંતુ |
પિતા |
પ્રથમ માતા અને પછી ક્ષાંતુ. |
૧૩ |
ક્ષિપ્તા |
રાત્રિ |
હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી. |
૧૪ |
ક્ષીરકંઠ |
ધાવણું બાળક |
ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ? |
૧૫ |
ક્ષુદ્રિકા |
હેડકી |
ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી. |
૧૬ |
ક્ષેત્રજ્ઞ |
આત્મા |
ગીતા કહે છે, ક્ષેત્રજ્ઞ અમર છે. |
૧૭ |
ક્ષેત્રપ |
પરમાત્મા |
ક્ષેત્રપની કૃપા અપરંપાર છે. |
૧૮ |
ક્ષેદ |
અફસોસ |
કામો એવા ન કરો કે ક્ષેદ થાય. |
૧૯ |
ક્ષોભણ |
કામદેવનુ બાણ |
ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ. |
૨૦ |
ક્ષોજન |
કૃષ્ણની બંસીનો અવાજ |
ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે. |
ગુજરાતી શબ્દ-સ્પર્ધા…અક્ષર ‘દ’… March 25, 2009
Posted by devikadhruva in : Uncategorized , add a comment
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
૧ |
દઇતા |
પ્રેયસી |
દઇતાના વિદેશગમને તે દેવદાસ બની ગયો. |
૨ |
દકપથ |
પાણી ભરવાનો માર્ગ |
સખી રે,નજરું લાગી દકપથ જાતા. |
૩ |
દખનીરાસ |
દક્ષિણનો તારો |
આકાશમાં કદી દખનીરાસ જોયો છે ? |
૪ |
દઠર |
મંદ બુધ્ધિ |
અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે. |
૫ |
દધિજા |
લક્ષ્મી |
દધિજાની પૂજા આજે સૌ કરે છે. |
૬ |
દા |
અગ્નિ |
પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે. |
૭ |
દાગબ |
સ્તૂપ |
પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા. |
૮ |
દાડમી |
એક જાતની આતશબાજી |
રંગોની દાડમી જોવી કોને ના ગમે ? |
૯ |
દાણવ |
દાણ લેવાની જગા |
મારે માથે છે મહીનો માટ રે,દાણ માંગે છે દાણવ ઘાટ રે. |
૧૦ |
દાદસિતાદ |
કામકાજ |
વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે. |
૧૧ |
દિક્ત |
આનાકાની |
દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને… |
૧૨ |
દિદિવિ |
સ્વર્ગ |
દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર. |
૧૩ |
દિની |
પ્રાચીન,પુરાણુ |
જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે. |
૧૪ |
દિમન |
છાણ |
ગૌનું દિમન પવિત્ર મનાય છે. |
૧૫ |
દિરાયત |
ગુણો |
દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ? |
૧૬ |
દિવાભીત |
ઘૂવડ,દિવસથી ડરેલો |
કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે. |
૧૭ |
દોત |
ખડિયો |
કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી. |
૧૮ |
દૂતી |
કૂટ પ્રશ્ન,ઉખાણુ |
એક દૂતી છે,ઉકેલો તો માનુ, તમે ખરા….. |
૧૯ |
દ્યુત |
પ્રકાશનું કિરણ |
જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે. |
૨૦ |
દ્યૂત |
જુગાર |
દ્યૂતની લત સૌને ડૂબાડે. |
ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી- અક્ષર “ધ” March 23, 2009
Posted by devikadhruva in : Uncategorized , add a commentઆરાધના October 29, 2008
Posted by devikadhruva in : Uncategorized , add a commentઆજથી આરંભાતુ,
અભિનવ આદિત્યનું,
અનેરું આગમન,
આપને અને આપના આપ્તજનોને,
અખંડ આનંદ,અદ્વિતિય ઐશ્વર્ય,
અને અખૂટ આયુષ્ય અર્પે,
એવી અમારી,
આરાધ્યદેવને,
અંતરની અભિલાષા, અભ્યર્થના
અને આરાધના…..
આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ :: September 19, 2008
Posted by devikadhruva in : Uncategorized , add a comment
આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ ::
13મી સપ્ટેમ્બરની એ ભયાનક રાત હતી,રાતની વિકરાળ વાત હતી.આગાહી તો હતી જ કે એ આવનાર છે; છતાં યે જ્યારે એના આગમનનો ઝપાટો શરૂ થયો અને ગતિ તીવ્રતાએ પહોંચી ત્યારે તો લાગ્યું કે,આઇક નામના રાક્ષસે ત્રીજું નેત્ર ખોલ્યું અને પ્રકૃતિ પર તાંડવ ખેલાયું !
700 માઇલના ઘેરાવામાં અને 110 માઇલની ઝડપે મોતની જેમ ઘૂરકિયા કરતો આ રાક્ષસ માતેલા લાખો આખલાઓની જેમ સઘળુ પછાડતો હતો.અંધારી આલમ…મધરાત..માથે છત પર જાણે સેંકડો ભાલા બરછી,તીર,તલવાર,કરવત,કુહાડા,લઇ મહાભારતનું યુધ્ધ થઇ રહ્યું હતું.ક્યારે કોનો ભોગ લેવાશે, કોને ખબર એવી ભયાનકતાની વચ્ચે અવાક રાત રડતી રહી.એક એક સેકંડ યુગો જેવી લાગતી હતી.ટેલીફોનના કનેક્શનો ખોરવાઇ ગયાં,ઇલેક્ટ્રીસીટીના તારો તૂટી ગયાં,મોબાઇલની બેટરી ખતમ થઇ ગઇ પણ આ આતંકવાદીના ખસવાનું કોઇ ચિન્હ નહોતું જણાતું.આકાશ પણ ડૂસ્કે ચઢ્યું હતું.
એવામાં 3.00 વાગ્યાના સુમારે,અચાનક ઘરમાં એક તીણી ચીસ સંભળાઇ.હજારો સળવળતા પ્રશ્નો સાથે અમે અંધારામાં ઉઠી અવાજની દિશા તરફ વળ્યાં.મુખ્ય પ્રવેશદ્વાર ધ્રૂજતું હતું.કાળી મેઘલી રાતે કોણ હશે? મનમાં ચિત્ર ઉભુ થયું મધરાતે માથે ટોપલીમાં બાળકને છુપાવી નીકળેલાં વસુદેવનું !!! પણ ના,નંદ-યશોદા બનવાનુ એ સૌભાગ્ય ન હતું. એ તો રાક્ષસી વાવાઝોડાની 50 માઇલ દૂરની એક ઝલક હતી..બારણામાં નાની-શી તીરાડ કરી અંદર આવી ભરખી જવાનો એનો પ્રયાસ હતો.અમે ચેતી ગયાં અને ફાનસના અજવાળે. વજનદાર ફર્નીચરનો ટેકો મૂકી, હવાબંધ પટ્ટાઓના લેપ કરી જાકારો દઇ શક્યા ! ફરી પાછા ખુલ્લી આંખે,ગાયત્રીના મંત્રો જપતા જપતા પથારીમાં પડ્યાં,તન-મન શેકાતા રહ્યાં.
આખરે સવાર પડી.સૂરજ તો ક્યાંથી દેખાય ? પણ ફરજ પ્રમાણે ,ન જાણે કેવી રીતે વાદળાંઓની વચ્ચેથી પણ એ ઉજાસ ફેંકતો હતો ! આકાશ હજી પણ રડતું હતું…કુદરતના આ કોપે ટેક્સાસમાં તાંડવ ખેલાઇ ગયું,હ્યુસ્ટનમાં હોનારત સર્જાઇ ગઇ. માનવ સર્જિત વીજળી મરી ચૂકી હતી અને એની ચેતના વગર જીવન પણ સ્મશાનવત નિશ્ચેટ બની ગયું..વૃક્ષો મૂળમાંથી ઉખડ્યાં,વાડો તૂટી,બાર્બેક્યુ ગ્રીલ જેવી ભારે વસ્તુઓ પણ પક્ષીની જેમ હવામાં ઉડી જ્યાં-ત્યાં ફેંકાઇ..જાન હાની પણ થઇ… માનવ-હ્ર્દયની એક ખૂબી છે.નૈસર્ગિક આફતોમાં સૌ એકમેકના બની રહે છે.મારું મન આભારવશ વિચારે છે; ભલે મહેનતથી સજાવેલો ફળ-ફૂલનો બાગ ઉજડ્યો છે,પણ જીવન-બાગ અકબંધ છે,સુસજ્જ છે..આજે છઠ્ઠો દિવસ છે,આકાશનું રુદન બંધ છે,વાદળાંઓ વિખરાયાં છે,સૂરજના દર્શન થયાં છે,વૃક્ષો ફરી ટટ્ટાર થવા માંડ્યા છે, વીજળીનો સંચાર થતા,શબવત જીવનમાં પ્રાણ ફૂંકાયો છે.આળસ મરડી સૌ બેઠા થયાં છે.માનવે મરામત કરી કુદરતને હૂંફ આપી છે તો કુદરતે હંમેશ મુજબનો સાથ આપ્યો છે.અંતરમાંથી અવાજ આવે છે :
હરીકેને મઢી’તી સારી રાત,એનું ઢૂંકડુ થયું છે પરભાત રે….
હરીકૃપા થી વીતી સારી રાત, હવે ઉઘડી ગયો છે ઉજાસ રે….